વિક્રમ સંવત ૨૦૭૬નું વાર્ષિક રાશિ ભવિષ્ય


૨૮ ઓક્ટોબર, ૨૦૧૯, સોમવારના રોજ સવારે ૦૯.૧૦ કલાકે ગુજરાતી નવવર્ષ વિક્રમ સંવત ૨૦૭૬નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ નવવર્ષ બારેય રાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ. આ વર્ણવેલ ફળ જન્મરાશિ, જન્મલગ્ન (કુંડળીમાં પ્રથમ ભાવમાં રહેલ રાશિ) અને સૂર્યરાશિ એમ ત્રણેય રીતે ધ્યાનમાં લેવાથી વધુ યોગ્ય અંદાજ મેળવી શકશો. આમ છતાં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત જન્મકુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા વગેરે પરિબળો પર રહેલો છે.


મેષ (અ, , ઈ): આ વર્ષે ધનનો પ્રવાહ ઉત્તમ રહેવાની સંભાવના છે. વર્ષના આરંભથી જ ડિસેમ્બર માસ સુધી ઉત્તમ આર્થિક લાભ થઈ શકે છે. એપ્રિલથી જૂન ૨૦૨૦ દરમિયાન પરદેશ કે પરદેશ સાથે સંકળાયેલાં કામકાજને લીધે ધનલાભ થઈ શકે છે. આ જ સમય દરમિયાન જો કે આવકની સાથે જાવક પર કાબુ રાખવાની પણ જરૂર રહે. મે થી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ધનનો પ્રવાહ ધીમો પડે. પરંતુ ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૦માં ફરી આર્થિક સ્થિતિ મજબૂત બને અને રોકાયેલાં નાણા પરત મળી શકે છે. વર્ષ દરમિયાન પિતા દ્વારા ધનલાભ થવાની પણ શક્યતા રહે. વ્યવસાયની દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ સામાન્ય રહે. જાન્યુઆરી ૨૦૨૦ના અંત ભાગથી આજીવિકાની નવી તકો મળતી દેખાય. માર્ચથી જૂન ૨૦૨૦ વ્યવસાય-નોકરી અર્થે ઉત્તમ સમય રહે. આ સમય દરમિયાન નોકરી કરનાર જાતકોની પદોન્નતિ થઈ શકે છે. જૂન ૨૦૨૦ બાદ ઉપરી અધિકારીઓનો પૂર્ણ સહયોગ મળવાની સંભાવના રહે. આ વર્ષ લોખંડ, કોલસા, ક્રુડ ઓઈલ, રસાયણ, તેલ, બાંધકામની વસ્તુઓ, જમીન કે જમીનની અંદર પેદા થતી વસ્તુઓના વ્યાપાર સાથે સંકળાયેલાંઓ માટે સુવર્ણમય સાબિત થઈ શકે છે. જમીન-મકાનને લગતાં પ્રશ્નોના ઉકેલ માટે તેમજ નવા વાહનની ખરીદી માટે વર્ષ અનુકૂળ રહે. આરોગ્યની દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ અનુકૂળ રહેશે. શારીરિક-માનસિક સ્થિતિ સ્વસ્થ રહે. માર્ચ ૨૦૨૦ બાદ આરોગ્ય પ્રત્યે બેદરકારી દાખવવાથી દૂર રહેવું. બ્લડપ્રેશરની સમસ્યાથી પીડિત જાતકોએ વિશેષ ધ્યાન રાખવું. ગૃહસ્થ ક્ષેત્રે માર્ચ ૨૦૨૦ બાદનો સમય ઘણો અનુકૂળ રહે. ઘર-પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ સ્થપાય. કુટુંબમાં નવા સભ્યનો ઉમેરો થાય. સ્ત્રીઓ માટે આ વર્ષ સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરનારું બની રહે. દાદી કે નાની બનવાના સુખની પ્રાપ્તિ પણ થઈ શકે. ધર્મ અને અધ્યાત્મ તરફ વિશેષ રુચિ રહેશે. નોકરી કરતી સ્ત્રીઓ બઢતી મેળવી શકે છે. આપને નામે નવી સંપતિની ખરીદી થઈ શકે છે. વિદ્યાર્થીમિત્રો માટે વર્ષ મિશ્રફળ આપનારું સાબિત થઈ શકે છે. વર્ષની શરૂઆતમાં અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ અભ્યાસમાં સફળતા અને પ્રગતિ થવાના યોગ બને. જરૂરીયાતમંદ વ્યક્તિઓને દાન આપવાથી તેમજ ગણેશજીની પૂજા-આરાધના કરવાથી ભાગ્યનો સાથ મળી રહે.  

વૃષભ (બ, , ઉ): વર્ષના પ્રારંભ સમયે શનિની નાની પનોતી ચાલી રહી છે, જે ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ પૂર્ણ થશે. જાન્યુઆરી ૨૦૨૦ સુધી નાણાકીય ખેંચ રહેવાની સંભાવના છે. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય આર્થિક બાબતો માટે વધુ અનુકૂળ રહે. વર્ષ દરમિયાન વારસાગત અથવા ગુપ્ત ધનલાભ થઈ શકે છે. વીમા અને વ્યાજની રકમ સહાયરૂપ બને. વ્યવસાયની દ્રષ્ટિએ વર્ષના આરંભથી માર્ચ ૨૦૨૦ સુધીનો સમય સામાન્ય ફળદાયી રહે. વધારે પરિશ્રમ અને ધીરજની જરૂર પડે. એપ્રિલથી વ્યવસાય-નોકરી ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. વ્યવસાય કે નોકરીને લીધે સ્થળાંતર કે બદલી થઈ શકે છે. આજીવિકાને લીધે યાત્રાઓ થવાના યોગ પણ બની રહ્યાં છે. ખાસ કરીને માર્ચ ૨૦૨૦ બાદ લાંબી યાત્રાનો પ્રબળ યોગ બને. વર્ષ દરમિયાન નવી સ્થાવર મિલકત તેમજ વાહનની ખરીદી થઈ શકે છે. પૈતૃક કે વારસાગત સ્થાવર સંપતિની પ્રાપ્તિ થવાની શક્યતા પ્રબળ રહે. આ વર્ષ દરમિયાન આરોગ્ય પ્રત્યે વિશેષ સચેત રહેવું. ડાયાબિટીસ કે દાંતને લગતાં રોગના પ્રશ્નો સતાવી શકે છે. એપ્રિલથી જૂન ૨૦૨૦ દરમિયાન શારીરિક આરોગ્યમાં સુધારો જણાય. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ ભય કે ભ્રમણાને લીધે માનસિક મૂંઝવણનો અનુભવ થાય. ગૃહસ્થ ક્ષેત્રે જાન્યુઆરી ૨૦૨૦ બાદ સુખ અને સૌહાર્દનું વાતાવરણ બને. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ કૌટુંબિક અનુકૂળતાઓમાં વૃદ્ધિ થાય અને સામાજીક પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે. સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી વાણીને લીધે કૌટુંબિક મનદુ:ખ ન થાય તેની કાળજી રાખવી. સ્ત્રીઓને આ વર્ષે જીવનસાથી દ્વારા નાણાકીય લાભ થઈ શકે છે. સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી કુટુંબના સભ્યોના વિરોધનો સામનો કરવો પડી શકે. સગર્ભા સ્ત્રીઓએ આરોગ્યની વિશેષ કાળજી રાખવી જરૂરી બનશે. જીવન, વ્યક્તિત્વ અને વિચારોમાં ઘણાં બદલાવનો અનુભવ થાય. ભવિષ્ય સૂચક જ્ઞાન, સ્વપ્ન કે સંકેત મળી શકે. વિદ્યાર્થીમિત્રોને ઉચ્ચ અભ્યાસમાં અનુકૂળતાની પ્રાપ્તિ થઈ શકે છે. આમ છતાં અથાગ મહેનત અને પરિશ્રમની આવશ્યકતા રહે. એપ્રિલથી જૂન ૨૦૨૦નો સમય અભ્યાસ બાબતે પ્રગતિજનક રહે. ગૂઢ બાબતો અને અધ્યાત્મ વેદાંતનો અભ્યાસ કરવા ઈચ્છુક જાતકો માટે આ વર્ષ અનુકૂળતા લઈને આવશે. માતા-પિતા અને વૃદ્ધ વડીલોની સેવા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય. શુભ કાર્યો પાછળ દાન-ધર્માદાઓ કરીને ભાગ્યનો સાથ મેળવી શકાય.

મિથુન (ક, , ઘ): શનિની નાની પનોતી ૨૪ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજથી લોઢાના પાયે શરૂ થશે. આર્થિક દ્રષ્ટિએ વર્ષ ચડાવ-ઉતારની સંભાવના દર્શાવે છે. નાણાકીય કરકસરના ઉપાયો અજમાવવા પડે. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન પૈતૃક સંપતિ કે વારસાકીય ધનલાભ થઈ શકે છે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ વ્યર્થ ખર્ચાઓ થઈ શકે છે. નોકરી-વ્યવસાયમાં અવરોધ અને વિલંબનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયમાં ભાગીદારીમાં કાર્ય કરવાથી સફળતા મળી શકે છે. એપ્રિલથી જૂન ૨૦૨૦ દરમિયાન નવા વ્યવસાય કે સાહસની શરૂઆત કરવાથી દૂર રહેવું. કાર્યોમાં વિશેષ સાવધાની રાખવી. વર્ષ દરમિયાન વ્યવસાયને લીધે યાત્રાઓ થઈ શકે છે. સપ્ટેમ્બર ૨૦૨૦થી વિદેશયાત્રાના યોગ પ્રબળ બને. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય સ્થાવર મિલકત કે વાહન ખરીદવા બાબતે અનુકૂળ રહે. આરોગ્યની દ્રષ્ટિએ વર્ષના પ્રારંભનો સમય ઉત્તમ રહે. શારીરિક અને માનસિક સ્વસ્થતાની અનુભૂતિ થાય. માર્ચથી જૂન ૨૦૨૦ના સમય દરમિયાન આરોગ્ય પ્રતિકૂળ રહેવાની સંભાવના છે. નાની-મોટી શારીરિક સમસ્યાઓ સતાવી શકે છે. જૂલાઈ ૨૦૨૦થી ધીરે-ધીરે આરોગ્યમાં સુધારો થતો જણાય. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદથી શારીરિક સમસ્યાઓ અને બીમારીઓથી રાહત મળી શકે. ઘર-પરિવાર ક્ષેત્રે વર્ષ સામાન્ય ફળદાયી રહે. ભાઈ-બહેનો મદદરૂપ બને. વર્ષના આરંભમાં કુટુંબમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે. પરંતુ માર્ચ ૨૦૨૦થી પરિવારના સભ્યો વચ્ચે મતભેદ અને તણાવના પ્રસંગ ઉદ્ભવી શકે. અવિવાહિત જાતકો માટે આ વર્ષે લગ્ન થવાના પ્રબળ યોગ બનશે. સ્ત્રીઓએ જીવનની મુશ્કેલીઓ અને સંઘર્ષની અસર શરીર પર ન પડે તે બાબતે સાવધ રહેવું. માનસિક ચિંતા અને મૂંઝવણો રહ્યાં કરે. પતિનો સાથ અને સહકાર મળવાની સંભાવના રહે. લગ્નજીવનને લગતાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. સંતાન પ્રાપ્તિ માટે રાહ જોવી હિતાવહ રહે. ભાઈ-બહેનો અને સખીઓના સુખ-સહકારની પ્રાપ્તિ થાય. વિદ્યાર્થીમિત્રો માટે નવું વર્ષ સામાન્ય રહે. અભ્યાસમાં કઠોર પરિશ્રમ કરવાની આવશ્યકતા રહે. અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ રહે. ખાસ કરીને માર્ચ ૨૦૨૦ બાદ અભ્યાસમાં વિશેષ ધ્યાન અને મહેનત કરવી જરૂરી બને. હનુમાનજીની પૂજા-આરાધના કરવાથી મુશ્કેલીઓ હળવી કરી શકાય. નિયમિત હનુમાન ચાલીસાના પાઠ કરવા. 

કર્ક (ડ, હ): આ વર્ષ આર્થિક સ્થિતિમાં બદલાવ લાવી શકે છે. ઋણમાંથી ધીરે-ધીરે મુક્તિ મળી શકે. સહેલાઈથી નવી લોન મળી શકે. પરંતુ અચાનક આવી પડતાં ખર્ચાઓ આર્થિક સ્થિતિને નબળી પાડી શકે છે. આ વર્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો પાછળ નાણા વપરાય તેવી પૂર્ણ સંભાવના છે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ ખર્ચાઓ પર કાબુ મેળવી શકાય અને આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકાય. કર્મક્ષેત્રે નવી નોકરી મળવાની સંભાવના રહે. જાન્યુઆરી ૨૦૨૦ બાદ નોકરીનાં સ્થળના વાતાવરણમાં સુધારાનો અનુભવ થાય. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય વ્યવસાય બાબતે અનુકૂળ રહે. આ દરમિયાન વિદેશ સાથે વ્યવસાયના યોગ બની શકે છે. આ જ સમય દરમિયાન નવો વ્યવસાય શરૂ કરવાથી વધુ લાભની પ્રાપ્તિ થઈ શકે. ભાગીદારીમાં કે કોઈ સંસ્થા સાથે મળીને વ્યવસાય કરવાથી પ્રગતિ કરી શકાય. વર્ષના આરંભથી જાન્યુઆરી ૨૦૨૦ સુધીનો સમય સ્થાવર મિલકત તેમજ વાહન સંબંધી ખરીદારી કે કામકાજો માટે અનુકૂળ રહે. ત્યારબાદ પ્રતિકૂળતાનો અનુભવ થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક હતાશા કે નિરાશાનો અનુભવ થઈ શકે છે. શરૂઆતમાં બીમારીનું નિદાન થવામાં મુશ્કેલીનો અનુભવ થાય. પરંતુ બાદમાં કુશળ ડોક્ટર અને યોગ્ય સારવાર મળી રહે. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય આરોગ્યની મુશ્કેલીઓ દૂર કરનાર રહે. આ સમય દરમિયાન શરીરમાં મેદવૃદ્ધિ થવાની પણ સંભાવના રહે. જૂલાઈ ૨૦૨૦થી ફરી કાળજી રાખવી. નવેમ્બર ૨૦૨૦થી આરોગ્યને લગતી તમામ મુશ્કેલીઓનું નિવારણ થતું જણાય. ઘર-પરિવાર ક્ષેત્રે જવાબદારી, ચિંતા અને તણાવનું વાતાવરણ રહી શકે છે. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન અવિવાહિત જાતકોના લગ્ન થઈ શકે છે. મોસાળ પક્ષથી લાભ થવાની સંભાવના રહે. સ્ત્રીઓએ વર્ષ દરમિયાન નકારાત્મક વિચારો કરવાથી દૂર રહેવું. પતિ સંબંધી જવાબદારીનો અનુભવ થઈ શકે છે. એપ્રિલથી જૂન ૨૦૨૦નો સમય લગ્નજીવનના પ્રશ્નો ઉકેલવાં બાબતે અનુકૂળ રહે. વિદ્યાર્થી મિત્રોને મહેનત બાદ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે. વિદેશ અભ્યાસ હેતુ જવા ઈચ્છુક છાત્રોને તક મળી રહે. શિવજીની પૂજા-આરાધના કરવાથી માનસિક શાંતિનો અનુભવ કરી શકાય.  

સિંહ (મ, ટ): આ વર્ષ આર્થિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થાય. નાણાકીય રોકાણો કરીને લાભની પ્રાપ્તિ થઈ શકે. આર્થિક મહાત્વાકાંક્ષા બની રહે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ વધુ આર્થિક ઉન્નતિ થાય. આજીવિકા ક્ષેત્રે નિયમિતતાનો અનુભવ થાય. કાર્યપદ્ધતિમાં શિસ્તતા આવે. નોકરીમાં સામાન્ય કરતાં વધુ જવાબદારી રહે અને પરિશ્રમ કરવો પડે. પ્રમોશનની સાથે બદલી થવાની સંભાવના રહે. વ્યવસાયને લગતી બાબતો માટે સમય અનૂકૂળ રહે. કોઈ મોટાં નિર્ણયો લેતાં પહેલાં અનુભવીની કે વડીલ વ્યક્તિની સલાહ લેવી હિતાવહ રહે. સ્થાવર મિલકત અને વાહન બાબતે આ વર્ષ સામાન્ય રહે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ જમીન, મકાન કે વાહનને લીધે નુક્સાની ન થાય તેની કાળજી રાખવી. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન વિદેશયાત્રા થઈ શકે છે. લાંબા સમયથી સેવેલાં સપનાઓ અને ઈચ્છાઓની પૂર્તિ થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વર્ષના પ્રારંભથી માર્ચ ૨૦૨૦ સુધીનો સમય ઉત્તમ રહે. શરીરમાં મેદવૃદ્ધિ થઈ શકે છે. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય આરોગ્ય બાબતે નબળો રહેવાની સંભાવના છે. આ સમય દરમિયાન રોજબરોજની દિનચર્યામાં યોગ-પ્રાણાયામ-ધ્યાનને સ્થાન આપવાથી બીમારીમાં રાહત અનુભવી શકાય. જૂલાઈ ૨૦૨૦થી ધીમે-ધીમે સ્વાસ્થ્યમાં સુધારાનો અનુભવ કરી શકાય. નોકરીમાં કામના ભારણને લીધે ઘર-પરિવાર માટે ઓછો સમય ફાળવી શકો તેવું બને. કુટુંબની સુખ-સમૃદ્ધિ બની રહે અને વાતાવરણ સુખ-શાંતિભર્યુ રહે. સંતાનઈચ્છુક દંપતિને સંતાનસુખની પ્રાપ્તિ થઈ શકે છે. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થઈ શકે. સ્ત્રીઓએ આ વર્ષે વજન ન વધે તેનું ખાસ ધ્યાન રાખવું. સંતાન તરફથી સુખની અનુભૂતિ થાય તેમજ સંતાન માટે પણ આ વર્ષ પ્રગતિજનક રહે. દાદી-નાની બનવાના યોગ પણ આ વર્ષે પ્રબળ છે. નોકરી કરતી સ્ત્રીઓ માટે આ વર્ષ લાભદાયી પૂરવાર થશે. વિદ્યાર્થીમિત્રો અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય. ઉચ્ચ અભ્યાસ બાબતે અનુકૂળતાઓનું સર્જન થાય. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા અપાવી શકે. રચનાત્મકતા, સર્જનાત્મકતાબૌદ્ધિકતા અને પ્રતિભામાં વધારો થાય. જીવનમાં પ્રેમનું આગમન થઈ શકે છે. સૂર્યદેવની ઉપાસના કરવાથી ભાગ્યવૃદ્ધિ શક્ય બને. 

કન્યા (પ, , ણ): શનિની નાની પનોતીનો ૨૪ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ અંત આવશે. આર્થિક દ્રષ્ટિએ અવરોધ અને વિલંબ બાદ ધનની પ્રાપ્તિ થઈ શકે. ધીમી ગતિએ નાણાકીય આવક થાય. ઘર-મકાન બનાવવામાં કે ખરીદવામાં નાણાનો ઉપયોગ થાય. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય આર્થિક બાબતો માટે લાભદાયી રહે. તે દરમિયાન શેરબજારથી પણ લાભ થવાની સંભાવના રહે. આ વર્ષ દરમિયાન પૈતૃક કે વારસાગત સંપતિની પ્રાપ્તિ થઈ શકે છે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ નાણાકીય રોકાણો કરવામાં સાવધાની રાખવી. આજીવિકા હેતુ નવવર્ષ ઉત્તમ ફળ પ્રદાન કરનારું રહે. નોકરી-વ્યવસાયમાં ઉન્નતિ થવાના પ્રબળ યોગ બને. અચાનક નવી તકો આવી મળે. ઉપરી અધિકારીઓના સંપૂર્ણ સહયોગની પ્રાપ્તિ થાય. વિદેશ સાથે સંકળાયેલાં વ્યાપારથી લાભ થાય. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ વિદેશયાત્રા થઈ શકે. આ વર્ષ સ્થાવર મિલકત તેમજ વાહન ખરીદવાં માટે શ્રેષ્ઠ રહે. જૂના ઘરનું નવીનીકરણ શક્ય બને. ઘર માટે સુખ-સગવડોના સાધનોની ખરીદી થઈ શકે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ ધાર્મિક માન્યતાઓમાં બદલાવનો અનુભવ થાય. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક સુખાકારીની અનુભૂતિ થાય. મન આનંદમાં રહે. ક્યારેક ક્યારેક નાની એવી બીમારીઓ સિવાય એકંદરે શારીરિક તંદુરસ્તી બની રહે. ઘર-પરિવાર ક્ષેત્રે સુખ અને શાંતિનું વાતાવરણ રહે. ઘરમાં શુભ અને ધાર્મિક કાર્યોનું આયોજન થઈ શકે. પરિવારમાં નવા સભ્યનો ઉમેરો થઈ શકે છે. વિદેશ રહેતાં લોકો વતનની મુલાકાત લઈ શકે. સ્ત્રીઓને પતિ ઘર-પરિવારને લગતાં કાર્યોમાં મદદરૂપ બને. ઘરનો વિસ્તાર શક્ય બને અને ઘરની સુખ-સગવડોનો આનંદ ઉઠાવી શકાય. પતિના પ્રેમની પ્રાપ્તિ થઈ શકે છે. પ્રેમલગ્ન કરવા ઈચ્છુક સ્ત્રીઓને માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન અનુકૂળતા બને. નોકરી કરતી સ્ત્રીઓને પદોન્નતિ અને સન્માનની પ્રાપ્તિ થાય. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય સંતાનજન્મને આવકારવા માટે પણ અનુકૂળ બની રહે. વિદ્યાર્થીમિત્રો માટે જાન્યુઆરી ૨૦૨૦ બાદ નવવર્ષ ઉત્તમ ફળ આપનારું સાબિત થઈ શકે છે. અભ્યાસમાં મહેનત કરવાં માટે ઉત્સાહ અને જોશ બની રહે. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય અભ્યાસમાં વિશેષરૂપથી સફળતા પ્રદાન કરનારો રહી શકે છે. ગણેશજીની પૂજા-આરાધના કરવાથી માનસિક શાંતિ રહે. નિયમિત વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રના પાઠ કરવા.

તુલા (ર, ત): શનિની નાની પનોતી ૨૪ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજથી લોઢાના પાયે શરૂ થશે. નવવર્ષ આર્થિક દ્રષ્ટિએ લાભદાયી પસાર થવાની સંભાવના રહે. ભાગ્યના સહયોગની પ્રાપ્તિ થાય. પુરુષાર્થ અને પરિશ્રમ વડે જીવનની સ્થિતિ બદલવી શક્ય બને. આર્થિક યોજનાઓને સરળતાથી અમલમાં મૂકી શકાય. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદથી નાણાકીય આવકમાં થોડો ઘટાડો થવાની સંભાવના રહે. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન સ્થાવર મિલકતના ખરીદ-વેંચાણ અંગેના પ્રશ્નો ઉકેલી શકાય. આ સમય દરમિયાન નવા વાહનની ખરીદી કરવી હોય કે જૂના ઘરનું નવીનીકરણ કરાવવું હોય તો પણ શક્ય બને. નોકરી-વ્યવસાય ક્ષેત્રે વર્ષના પ્રારંભથી જાન્યુઆરી ૨૦૨૦ સુધીનો સમય અનુકૂળ રહે. ત્યારબાદ કામની જવાબદારી અને બોજમાં વધારો થતો જણાય. કામ પ્રત્યે સમર્પિત વલણ રાખવાથી પડકારોનો સામનો કરી શકાય. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન નોકરી-વ્યવસાય ક્ષેત્રે નવી તકોની પ્રાપ્તિ થઈ શકે છે. આ સમય દરમિયાન બઢતી થવાની સાથે સ્થળાંતર કે બદલીના યોગ બને. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ નોકરી બદલવાના વિચારો કરવાથી દૂર રહેવું. નવવર્ષમાં શારીરિક તંદુરસ્તી જાળવી રાખવાં માટે પ્રયત્નો વધારવા પડે. માનસિક ચિંતાઓ અને અશાંતિનો અનુભવ થઈ શકે છે. નકારાત્મક વિચારો કરવાથી દૂર રહેવું. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ આરોગ્ય પ્રત્યે વિશેષ સાવધાન રહેવું. ઘર-પરિવારની દ્રષ્ટિએ આ વર્ષ ઉતાર-ચડાવ ધરાવતું સાબિત થાય. પરિવારના સભ્યો સાથે વૈચારિક મતભેદ થવાની સંભાવના રહે. ઘર, પરિવાર કે વતનથી દૂર જવું પડે તેવાં સંજોગોનું નિર્માણ થઈ શકે. માતાનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય પારિવારિક શાંતિનો અનુભવ કરાવનારો રહે. આ વર્ષ દરમિયાન અવિવાહિત જાતકોના લગ્ન થવાની શક્યતા પ્રબળ બને. સ્ત્રીઓ માટે નવું વર્ષ લગ્નજીવનમાં મધુરતા લાવી શકે. જો કે કૌટુંબિક સભ્યો સાથે તણાવનું વાતાવરણ રહેવાની સંભાવના છે. તણાવ અને ચિંતાની અસર શરીર પર ન પડે તેની કાળજી રાખવી. વિદ્યાર્થીમિત્રોએ અભ્યાસમાં મહેનતનું પ્રમાણ વધારવું પડે. વિદેશ અભ્યાસ અર્થે જવા ઈચ્છુક જાતકો માટે વર્ષના પ્રારંભથી જાન્યુઆરી ૨૦૨૦ સુધીનો સમય અનુકૂળ રહે. ટેકનીકલ વિષયોના અભ્યાસમાં પ્રગતિ કરી શકાય. ગરીબ, અપંગ, વૃદ્ધ કે જરૂરીયાતવાળી વ્યક્તિને કાળા-જૂનાં વસ્ત્રો કે ધાબળાનું દાન આપવું. હનુમાનચાલીસાના પાઠ કરવા.

વૃશ્ચિક (ન, ય): ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ શનિની સાડાસાતી પનોતી પૂર્ણ થશે. આર્થિક દ્રષ્ટિએ ચઢાવ-ઉતારની સ્થિતિ રહે. નાણાકીય બચત થવામાં મુશ્કેલીનો અનુભવ થાય. માર્ચથી જૂન ૨૦૨૦નો સમયગાળો આવક વૃદ્ધિ કરનારો રહે. નવા વ્યાપારમાં નાણાકીય રોકાણ માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન કરવું હિતાવહ રહે. જુલાઈ ૨૦૨૦ થી ફરી આવકમાં ઘટાડો થઈ શકે છે, જેમાં સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ વધારો થાય. આજીવિકા ક્ષેત્રે વર્ષ મિશ્ર ફળ પ્રદાન કરનારું રહે. વ્યવસાયમાં કુટુંબના સભ્યોની મદદની પ્રાપ્તિ થઈ શકે છે. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન વ્યાવસાયિક ભાગીદારી રચાય શકે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ નવી લોન કે નાણાં ઉધાર લેવાથી દૂર રહેવું જોઈએ. સ્થાવર સંપતિના ખરીદ-વેંચાણ માટે વર્ષના પ્રારંભથી ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ સુધીનો સમય અનુકૂળ રહે. આ સમય વાહન ખરીદવા-વેંચવા અંગે પણ વિચારી શકાય. ૨૪ જાન્યુઆરી બાદ સ્થાવર સંપતિમાં રોકાણ સમજી-વિચારીને કરવું. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન જૂના ઘરનું સમારકામ કરાવી શકાય. આ વર્ષ યાત્રા-પ્રવાસો કરાવી શકે છે. વિશેષ કરીને માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન યાત્રાના યોગ પ્રબળ બને. આરોગ્યની દ્રષ્ટિએ વર્ષ દરમિયાન સાવધાની રાખવી જોઈએ. અચાનક શારીરિક તંદુરસ્તીમાં ઘટાડો થઈ શકે છે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ માનસિક તણાવ, ચિંતા અને અનિદ્રા જેવા રોગ સતાવી શકે છે. પેટ અને આંતરડાને લગતાં રોગોથી કાળજી રાખવી. ઘર-પરિવાર ક્ષેત્રે સ્થિતિ સામાન્ય ફળ આપનારી રહે. પૈતૃક સંપતિને લીધે વિવાદ ઉદ્ભવવાની સંભાવના રહે. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન અવિવાહિત જાતકોનો લગ્નયોગ પ્રબળ બને. આ સમય દરમિયાન વિવાહિત જાતકો લગ્નજીવનમાં મધુરતાનો અનુભવ કરી શકે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ વિજાતીય પાત્ર સાથેના સંબંધમાં સંભાળીને રહેવું. સ્ત્રીઓને જાન્યુઆરી ૨૦૨૦ સુધી પતિનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. વર્ષ દરમિયાન કૌટુંબિક પ્રશ્નો સતાવતા રહે. આ વર્ષ દરમિયાન ગર્ભાશય અને સ્ત્રીરોગોથી વિશેષ કાળજી લેવી. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય રાહતરૂપ અને માન-સન્માન, પ્રતિષ્ઠા અપાવનારો રહે. વિદ્યાર્થીમિત્રો જો મહેનત વધારે તો નવું વર્ષ અભ્યાસ બાબતે શુભ ફળ પ્રદાન કરનારું સાબિત થાય. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય ઉચ્ચ અભ્યાસ બાબતે વિશેષ ફળદાયી છે. નિયમિત દુર્ગા સપ્તશતીના પાઠ કરવા. 

ધનુ (ભ, , , ઢ): લાંબા સમયથી ભોગવી રહેલાં કષ્ટમાં આ વર્ષ રાહત આપનારું સાબિત થાય. ચિંતા અને કષ્ટમાં ઘટાડો થતો જોવા મળે. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦થી સાડાસાતી પનોતીનો છેલ્લો તબક્કો રૂપાના પાયે શરૂ થશે. આર્થિક દ્રષ્ટિએ વર્ષના પ્રારંભનો સમય અનુકૂળ રહે. વર્ષ દરમિયાન નાણાકીય રોકાણો કરવામાં વિશેષ સાવધાની રાખવી. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન સ્થાવર મિલકતને લીધે ધનલાભ થઈ શકે છે. માતા દ્વારા આર્થિક લાભ થવાની સંભાવના રહે. નોકરી-વ્યવસાયની દ્રષ્ટિએ આ વર્ષ સંપૂર્ણપણે અનુકૂળ રહે. નોકરીમાં આવકની સ્થિરતા બની રહે. કોઈ નવો વ્યવસાય કે વ્યાપાર શરૂ કરવા માટે આ વર્ષ યોગ્ય છે. વ્યાપારમાં વિદેશી સંબંધોને લીધે લાભ થવાની સંભાવના રહે. ભાગીદારીના વ્યવસાયમાં સાવધ રહીને કાર્ય કરવું. આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષ ઉત્તમ ફળ પ્રદાન કરનારું રહે. રોગનું નિવારણ આવતું જણાય. જીવનમાં ઉત્સાહ અને ઉમંગનો સંચાર થાય. સકારાત્મક વિચારસરણીનું નિર્માણ થાય. શરીરમાં મેદવૃદ્ધિ થવાની શક્યતા રહે. દેખાવ પ્રત્યે સભાન બનો અને યોગ-કસરત અપનાવો તેવું બને. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન તબિયતની થોડી કાળજી રાખવી જોઈએ. ઘર-પરિવાર ક્ષેત્રે વર્ષનો પ્રારંભ શુભ રહેશે. કૌટુંબિક સુખ-સમૃદ્ધિ અને ઉન્નતિ થાય. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન પરિવારમાં શુભ માંગલિક પ્રસંગોની ઉજવણી થઈ શકે. કુટુંબના સભ્યો સાથે હળવાં-મળવાનાં પ્રસંગો ઉદ્ભવે. કુટુંબમાં નવા સભ્યનો ઉમેરો થઈ શકે છે. આ વર્ષે અવિવાહિત જાતકોના લગ્ન થવાની પ્રબળ સંભાવના બની રહી છે. સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છુક દંપતિઓ માટે આ વર્ષ શુભ રહે. સ્ત્રીઓ માટે નવું વર્ષ પ્રિયજન સાથે મિલન કરાવી શકે છે. નિરાશાના વાદળો વિખેરાય અને જીવનમાં આનંદનો સંચાર થાય. વ્યક્તિત્વનો વિકાસ કરવો શક્ય બને. કૌટુંબિક પ્રશ્નોમાં રાહત થતી જણાય. ધાર્મિક બાબતોમાં રુચિ વધતી જણાય. વિદ્યાર્થીમિત્રોને આ વર્ષ વિદ્યાભ્યાસમાં પ્રગતિ કરાવી શકે છે. જાન્યુઆરી ૨૦૨૦ સુધી અભ્યાસમાં વધુ મહેનત કરવી જોઈએ. ઉચ્ચ અભ્યાસ માટે ઉત્તમ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મળી શકે છે. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે શ્રેષ્ઠ રહે. ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે. નિયમિત ગણેશજીની પૂજા-આરાધના કરવી. ૐ ગં ગણપતયે નમ:મંત્રના જાપ કરી શકાય.

મકર (ખ, જ): શનિની સાડાસાતી પનોતીનો બીજો તબક્કો ૨૪ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજથી સોનાના પાયે શરૂ થશે. આર્થિક દ્રષ્ટિએ નૂતન વર્ષમાં નાણાકીય ખર્ચાઓ વધી જવાની સંભાવના રહે. નાણાકીય આવક ચાલુ રહે, પરંતુ ખર્ચને લીધે બચત થવી મુશ્કેલ બને. આર્થિક રોકાણો કરવામાં સાવધાની રાખવી. જોખમી ક્ષેત્રોમાં રોકાણ કરવાથી દૂર રહેવું. નોકરી-વ્યવસાય ક્ષેત્રે વર્ષનો પ્રારંભ મિશ્રફળ આપે. વ્યાપારમાં સફળતા માટે નિરંતર પ્રયાસ કરતાં રહેવાં પડે. માર્ચ ૨૦૨૦ બાદ વ્યાપારમાં થોડી પ્રગતિ શક્ય બને. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ શેરબજારમાં રોકાણ કરવાથી દૂર રહેવું. ધન ઉપાર્જન હેતુ ઘરથી દૂર જવું પડે તેવાં સંજોગો ઉભાં થઈ શકે છે. વિદેશયાત્રા થઈ શકે છે. માર્ચથી જૂન ૨૦૨૦ સિવાયના મહિનાઓ દરમિયાન સ્થાવર મિલકત તેમજ વાહન સંબંધી ફેરફારો થઈ શકે. આરોગ્યની દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ સામાન્ય રહે. જન્મના ચંદ્ર પર શનિને લીધે આરોગ્યમાં ચઢાવ-ઉતાર સંભવી શકે. નિરાશા, આળસ અને નબળાઈનો અનુભવ થાય. માર્ચથી જૂન ૨૦૨૦નો સમય આરોગ્ય માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. સકારાત્મક વિચારો આવી શકે. જૂન ૨૦૨૦ બાદ ફરી આરોગ્ય નબળું પડે, પરંતુ સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ આરોગ્યના પ્રશ્નોને લગતી ચિંતાઓ દૂર થઈ જાય. ઘર-પરિવાર ક્ષેત્રે શુભ અને માંગલિક પ્રસંગોનું આયોજન થઈ શકે છે. કામની વ્યસ્તતાને લીધે કુટુંબીજનોને વધુ સમય ન આપી શકો તેવું બને. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન અવિવાહિત જાતકોનો લગ્નયોગ પ્રબળ બને. સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવનારા દંપતિઓ માટે પણ માર્ચથી જૂન ૨૦૨૦ના સમયગાળા દરમિયાન શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદનો સમય સંતાન પ્રાપ્તિ માટે શુભ ગણી શકાય એવો નથી. આ નવવર્ષમાં સ્ત્રી જાતકોની ધાર્મિક - આધ્યાત્મિક રુચિમાં વૃદ્ધિ થઈ શકે છે. એકાંતમાં ધ્યાન દ્વારા મનના ઊંડાણને સ્પર્શી શકાય. આશ્રમની મુલાકાત લેવી શક્ય બને. અંતર્મુખી બનીને જાત સાથે સમય વીતાવવાનું વલણ રહે. વિદ્યાર્થીમિત્રો માટે નવવર્ષ સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાબતે શુભ સાબિત થઈ શકે છે. વિદેશ જઈને કે બહારગામ જઈને વિદ્યાભ્યાસ કરવાની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદનો સમય સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે નબળો પડે છે. સૂર્યદેવની ઉપાસના કરવી. પ્રાત:કાળે તાંબાના પાત્રમાં જળ ભરીને સૂર્યને અર્ધ્ય આપવું. નિયમિત હનુમાનચાલીસાના પાઠ કરવા.

કુંભ (ગ, , , ષ): શનિની સાડાસાતી પનોતીનો પહેલો તબક્કો ૨૪ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજથી લોઢાના પાયે શરૂ થશે. આર્થિક દ્રષ્ટિએ નૂતન વર્ષ સામાન્ય ફળદાયી રહે. આવક ચાલુ રહેવા છતાં બચત કરવી મુશ્કેલ બને. અચાનક ખર્ચાઓ આવી પડવાથી આર્થિક સ્થિતિ વિકટ બની શકે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે પણ નૂતન વર્ષ સામાન્ય ફળદાયી રહે. ભાગીદારીમાં વ્યવસાય કરી શકાય. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન કોઈ નવો વ્યવસાય કે સાહસ કરતાં પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી હિતાવહ રહે. આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના જોખમો ઉઠાવવાથી દૂર રહેવું જોઈએ. કામને લીધે ઘરથી બહાર વધુ સમય વીતે તેમજ વ્યર્થ ભ્રમણ થવાની શક્યતા રહે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદ નોકરી કરનાર જાતકો માટે સ્થળાંતર અથવા બદલીના યોગ બને. સ્થાવર સંપતિના કામકાજ અંગે માર્ચથી જૂન ૨૦૨૦નો સમય અનુકૂળ રહે. આરોગ્યની દ્રષ્ટિએ વર્ષ દરમિયાન માનસિક અશાંતિ અને અનિદ્રાનો અનુભવ થવાની સંભાવના રહે. ચિંતાઓ, ડર અને અપરાધની લાગણી રહ્યાં કરે. ખાન-પાનની આદતોની કાળજી રાખવી. બેજવાબદારીભરી જીવન શૈલી મુશ્કેલીઓ પેદા કરી શકે છે. શારીરિક ઉર્જામાં ઘટાડો થાય. નિયમિત સૂર્યની ઉપાસના કરવાથી આરોગ્યની તંદુરસ્તી બની રહે. ઘર-પરિવાર ક્ષેત્રે વર્ષ મિશ્રફળ આપી શકે છે. કામકાજની વ્યસ્તતાને લીધે પરિવારને સમય ઓછો આપી શકાય. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન ઘરનું વાતાવરણ આનંદમય રહે. વર્ષ દરમિયાન સંતાનનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. ભાઈ-બહેનોના સહયોગની પ્રાપ્તિ થઈ શકે છે. સપ્ટેમ્બર ૨૦૨૦ બાદથી ઘર-પરિવારમાં તણાવની સ્થિતિ સર્જાવાની શક્યતા રહે. આ વર્ષે અવિવાહિત જાતકોના લગ્ન થવાની સંભાવના રહે. સંતાનસુખ ઈચ્છતા દંપતિઓ માટે માર્ચથી જૂન ૨૦૨૦ સિવાયનો સમય અનુકૂળ રહે. સ્ત્રીઓએ વર્ષ દરમિયાન નકારાત્મક વિચારો અને ખોટી ચિંતાઓ કરવાથી દૂર રહેવું. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન પતિ સાથે યાત્રા-પ્રવાસનો યોગ બને. નોકરી કરતી સ્ત્રીઓ માટે ઘરથી દૂર જવાના સંજોગો ઊભા થાય. વિદ્યાર્થીમિત્રો માટે વર્ષનો પ્રારંભનો સમય અભ્યાસ માટે પ્રતિકૂળ રહે. માર્ચ ૨૦૨૦ બાદ સ્પર્ધાત્મક પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ સાથે સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. વર્ષ દરમિયાન અચાનક અભ્યાસમાં અવરોધનો સામનો કરવો પડી શકે છે. વિદેશ જવાં ઈચ્છુક વિદ્યાર્થી મિત્રો માટે માર્ચથી જૂન ૨૦૨૦નો સમયગાળો વધુ અનુકૂળ રહે. ગરીબ, અનાથ, વૃદ્ધ, અપંગ કે જરૂરીયાતવાળી વ્યક્તિને કાળી વસ્તુઓનું દાન આપવું. શનિના મંત્ર ૐ પ્રામ પ્રીમ પ્રૌમ સહ શનૈશ્ચરાય નમ: મંત્રના જાપ કરવા.  

મીન (દ, , , થ): આ વર્ષે આપને શનિની પનોતી નથી. નૂતન વર્ષ આર્થિક દ્રષ્ટિએ લાભદાયી નીવડી શકે છે. આવકમાં સતત સ્થિરતા બની રહે. અટકાયેલાં કે રોકાયેલાં નાણા પરત મળી શકે છે. શુભ અને માંગલિક કાર્યો પાછળ નાણાનો ખર્ચ થવાની સંભાવના છે. નાણાકીય રોકાણો કરવાં માટે પણ આ વર્ષ અનુકૂળ સાબિત થઈ શકે છે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે આ વર્ષ શ્રેષ્ઠ રહેવાની સંભાવના છે. દરેક કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ થાય. પ્રારબ્ધ અને પુરુષાર્થના સમન્વયથી વ્યવસાયમાં ઉન્નતિ કરી શકો. વ્યાપારનો વિસ્તાર કરવો શક્ય બને. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ મેળવી શકાય. નોકરી કરનાર જાતકોની બઢતી થઈ શકે છે. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન શેરબજારથી લાભ થવાની સંભાવના રહે. આ વર્ષ સ્થાવર મિલકત અને વાહન ખરીદવા-વેંચવા બાબતે પૂર્ણ અનુકૂળતાનો નિર્દેશ કરે છે. આરોગ્યની દ્રષ્ટિએ નવું વર્ષ મિશ્ર ફળ આપે. ઋતુગત બીમારીનો ભોગ ન બનાય તેની કાળજી રાખવી. વર્ષના પ્રારંભમાં નિરાશા અને આળસની અનુભૂતિ થઈ શકે છે. જૂનથી સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન સંતાનનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. ઘર-પરિવાર ક્ષેત્રે નવવર્ષ અનુકૂળ સાબિત થઈ શકે છે. વર્ષના પ્રારંભમાં કુટુંબમાં શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ રહે. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન ભાઈ-બહેનોના સહકારની પ્રાપ્તિ થાય. આ જ સમય અવિવાહિત જાતકોના લગ્નની વાતચીત માટે સકારાત્મક રહે. સંતાનસુખ ઈચ્છતા દંપતિઓ માટે પણ માર્ચથી જૂન ૨૦૨૦નો સમય અનુકૂળ રહે. જૂન ૨૦૨૦ બાદ કુટુંબમાં નવા સભ્યનો ઉમેરો થઈ શકે છે. સ્ત્રીઓ વર્ષ દરમિયાન ઘરમાં સુખ-સગવડના સાધનોમાં વૃદ્ધિ કરી શકે. નવું ઘર પણ ખરીદી શકાય. કૌટુંબિક સુખ-શાંતિની અનુભૂતિ થાય. નોકરી કરતી સ્ત્રીઓને બઢતી મળવાની સંભાવના રહે. ઘરમાં પૂજા-પાઠ અને ધાર્મિક કાર્યો કરી શકાય. વિદ્યાર્થીમિત્રો માટે વર્ષનો પ્રારંભ કારકિર્દી બનાવવા માટે શુભ રહે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થવાના યોગ બની રહ્યાં છે. અભ્યાસમાં મહેનત ઓછી ન પડે તેનું ધ્યાન રાખવું. માર્ચથી જૂન ૨૦૨૦ દરમિયાન અભ્યાસ ક્ષેત્રે ઈચ્છિત પ્રગતિ કરી શકાય. શનિવારના દિવસે કાળી વસ્તુઓનું દાન આપવું. શિવજીની પૂજા-આરાધના કરવી.

વૈદિક જ્યોતિષ’ બ્લોગના સર્વે વાચકમિત્રોને દીપાવલી અને નૂતનવર્ષની હાર્દિક શુભકામનાઓ! ઈશ્વર સૌની મનોકામના પૂર્ણ કરે તેવી અંત:કરણપૂર્વક પ્રાર્થના. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર