તુલામાં સૂર્યના ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ


18 ઓક્ટોબર, 2019ના રોજ રાત્રે 01.04 કલાકે સૂર્ય મહારાજ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. અહીં સૂર્ય 17 નવેમ્બર, 2019 એટલે કે લગભગ એક માસ જેટલાં સમય સુધી ગોચર ભ્રમણ કરશે. તુલા રાશિમાં સૂર્ય નીચત્વ ધારણ કરે છે.

શાં માટે તુલા એ સૂર્યની નીચ રાશિ છે? કાળપુરુષની કુંડળીમાં તુલા રાશિ સપ્તમભાવમાં પડે છે. સપ્તમભાવ એ સૂર્યાસ્તનો નિર્દેશ કરે છે. પ્રથમભાવ સૂર્યોદયનો સૂચક છે. આથી જ પ્રથમભાવની મેષ રાશિમાં સૂર્ય ઉચ્ચનો બને છે. જ્યારે સૂર્યાસ્તનો નિર્દેશ કરતી સપ્તમભાવની તુલા રાશિમાં બળ ગુમાવી નીચનો બને છે. વળી તુલાનું ચિહ્ન નામ અનુસાર તુલાધારી પુરુષ છે. તુલા એટલે કે જોખીને-તોલીને આપવું. સૂર્ય હંમેશા મુક્તપણે, ખુલ્લા દિલથી અને ઉદાર હ્રદયે આપનારો ગ્રહ છે. જોખી-તોલીને આપવાની પ્રકૃતિ તેને માફક આવતી નથી.

દીપાવલીના દિવસે સૂર્ય અને ચંદ્ર તુલા રાશિમાં હોય છે. પોતાની નીચ રાશિમાં હોવાથી સૂર્ય નિર્બળ બનેલો હોય છે. અમાવસ્યા હોવાથી ચંદ્ર પણ પોતાનું તેજ ગુમાવીને બળહીન થઈ જાય છે. સમગ્ર જગતને અજવાળનાર સૂર્ય અને ચંદ્ર બંને નિર્બળ થઈ જવાથી પૃથ્વી પર વિશુદ્ધ, સૂક્ષ્મ અને સકારાત્મક ઉર્જાનો અભાવ થઈ જાય છે. નકારાત્મક ઉર્જા અને આસુરી શક્તિઓનો પ્રભાવ પ્રબળ બને છે. તેથી જ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત એવી અંધકાર ભરેલી આ નકારાત્મકતા દૂર કરવા અને સૃષ્ટિના કણ કણને પ્રકાશથી ભરેલી સકારાત્મકતા દ્વારા જીવંતતા પ્રદાન કરવા હેતુ દીપોનું પર્વ દીપાવલી મનાવવામાં આવે છે. દીપાવલી એ પ્રકાશ અને અંધકારના સંતુલનનું પર્વ છે. લક્ષ્મીજીનું પૂજન-અર્ચન પણ નકારાત્મકતા દૂર કરવા દેવીને કરાતી એક પ્રકારની સામૂહિક પ્રાર્થનાનો જ ભાગ છે.

18 ઓક્ટોબરના રોજ તુલા રાશિમાં પ્રવેશ કરતો સૂર્ય અગાઉથી તુલા રાશિમાં ભ્રમણ કરી રહેલાં બુધ અને શુક્ર સાથે જોડાશે. જો કે અંશોનું અંતર વધારે હોવાથી સૂર્યના તેજને લીધે બુધ-શુક્ર અસ્ત પામવાથી બચી જશે. કન્યા રાશિમાં શનિની દ્રષ્ટિની પકડમાં રહેલો સૂર્ય તુલા રાશિમાં શનિની દ્રષ્ટિથી મુક્ત થશે. આથી સૂર્ય નીચનો બનતો હોવા છતાં શનિની દ્રષ્ટિથી મુક્ત થવો શુભ છે. 10 નવેમ્બર, 2019ના રોજ મંગળ પણ શનિની દ્રષ્ટિની પકડથી મુક્ત થઈને તુલા રાશિમાં સૂર્ય સાથે જોડાઈ જશે.

આકાશમાં સૂર્ય એ મધ્યમાં રહેલું કેન્દ્રબિંદુ છે. પૃથ્વી અને બાકીના ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. આ રીતે જોઈએ તો સૂર્યને કેન્દ્રમાં રહીને સત્તામાં રહેવું પસંદ છે. તે સ્વનો અને વ્યક્તિગતતાનો કારક ગ્રહ છે. જ્યારે તુલા રાશિ કાળપુરુષની કુંડળીનું સપ્તમસ્થાન છે. સપ્તમસ્થાન લગ્ન અને જીવનસાથીનો નિર્દેશ કરે છે. સપ્તમસ્થાન એ સ્વને પરિપૂર્ણ કરનાર વ્યક્તિ છે. અહીં હવે સૂર્યએ પોતાની વ્યક્તિગત એકહથ્થું સત્તાને બાજુએ મૂકીને સાથીની ઈચ્છાને માન આપતાં શીખવું પડે છે. સૂર્યના તુલા રાશિમાં ભ્રમણ દરમિયાન આપણે સંબંધોને નિભાવવા સમતુલન જાળવવું પડે છે, સમાધાન કરવું પડે છે, ત્યાગ કે બલિદાન આપવું પડે છે. અહીં હવે હુંકરતાં અમેઅને આપણેબોલવું અને વર્તવું મહત્વનું બને છે. તુલા એ શાંતિ અને સંવાદિતા ચાહનારી રાશિ છે. તુલા રાશિમાં સૂર્યના ભ્રમણ દરમિયાન સમગ્ર ધ્યાન સંબંધોમાં શાંતિ અને સંવાદિતા જાળવવા તરફ કેન્દ્રિત રહે છે. બીજાં કરતાં આપણે કઈ રીતે અલગ કે વિશિષ્ટ છીએ તે વિચારવાં કરતાં બીજામાં અને આપણામાં શું સરખાંપણું છે તે વિચારવાનો આ સમય છે. પ્રણયજીવન, જીવનસાથી અને મિત્રો સાથેના સંબંધોને નવજીવન આપી જીવનમાં પ્રેમ અને આનંદની અનુભૂતિ કરવાનો સમય છે.  

સામાન્ય રીતે જન્મરાશિ કે જન્મલગ્નથી 3, 6, 10 અને 11 માં ભાવમાંથી સૂર્યનું ગોચર ભ્રમણ શુભ ફળ પ્રદાન કરે છે. સૂર્યના નકારાત્મક ગોચર ભ્રમણના દુષ્પ્રભાવને હળવો કરવા પ્રાત:કાળે તાંબાના પાત્રમાં જળ ભરીને સૂર્યને અર્ધ્ય આપી શકાય. આ ઉપરાંત આદિત્ય હ્રદયમ સ્તોત્રના પાઠ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે. યોગ્ય જ્યોતિષીની સલાહ લઈ સૂર્ય સંબંધિત પદાર્થોનું દાન આપી શકાય.

આવો જોઈએ બારેય રાશિઓ/જન્મલગ્નને સૂર્યનું તુલા રાશિમાં થનારું ગોચર ભ્રમણ કેવું ફળ આપશે. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે.

મેષ (અ, , ઈ): સૂર્ય સપ્તમસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરશે. સપ્તમભાવ લગ્ન, જીવનસાથી તેમજ લગ્નજીવનના સુખનો નિર્દેશ કરે છે. આ સ્થાનમાંથી સૂર્યનું ભ્રમણ લગ્નસંબંધી મુશ્કેલીઓ પેદા કરી શકે છે. જીવનસાથી સાથે સમાધાનકારી વલણ અપનાવવું હિતાવહ રહે. સ્વભાવમાં ક્રોધમાં વધારો થઈ શકે છે. વ્યાવસાયિક ભાગીદાર સાથે મતભેદો થવાની સંભાવના રહે. પ્રણયજીવનમાં મુસીબતનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીમિત્રોને અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. સંતાનો માટે પ્રગતિજનક સમય રહે. પોતાની આવડત અને કુશળતાનો કુનેહપૂર્વક ઉપયોગ કરીને પ્રસિદ્ધિની પ્રાપ્તિ થઈ શકે.

વૃષભ (બ, , ઉ): સૂર્ય ષષ્ઠમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આ ભાવથી રોગ અને શત્રુઓ વિશેની જાણકારી મળે છે. ષષ્ઠમભાવમાંથી સૂર્યનું ભ્રમણ શારીરિક આરોગ્યને સુધારવામાં મદદરૂપ બને. બીમારીની યોગ્ય સારવાર અને નિદાન શક્ય બને. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થઈ શકે છે. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતાની પ્રાપ્તિ થાય. વિદ્યાર્થીમિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષામાં શુભ પરિણામ મળી શકે છે. આર્થિક ઋણ ચૂકતે કરી હળવાશનો અનુભવ કરી શકાય. સ્થાવર મિલ્કત સંબંધી વિવાદોથી સંભાળવું. માતાના આરોગ્યની કાળજી રાખવી. વાહન સાવધાનીપૂર્વક ધીમે ચલાવવું.

મિથુન (ક, , ઘ): સૂર્ય પંચમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. પંચમભાવ વિદ્યા, જ્ઞાન અને સંતાનનો નિર્દેશ કરે છે. આ ભાવમાંથી સૂર્યના ભ્રમણ દરમિયાન વિદ્યાભ્યાસમાં એકાગ્રતાનો અભાવ રહેવાની સંભાવના છે. મિત્રો અને મનોરંજન પાછળ વધુ સમય વ્યતીત કરવાથી દૂર રહેવું. પેટ સંબંધી રોગોથી કાળજી રાખવી. બહારના અખાદ્ય ભોજન પદાર્થોનું સેવન કરવાથી દૂર રહેવું. નાના ભાઈ-બહેનો સાથે મતભેદ થવાની શક્યતા રહે. વ્યર્થ કારણ વગરની મુસાફરીઓ થઈ શકે છે. કાર્યક્ષેત્રે મહેનતનું યોગ્ય પરિણામ મળતું ન જણાય. પ્રણયજીવન માટે સમય શુભ રહે. પ્રિયજન સાથે મિલન-મુલાકાત થાય.

કર્ક (ડ, હ): સૂર્ય ચતુર્થભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. ચતુર્થભાવ સુખ, માતા, સ્થાવર સંપતિ અને વાહનનો નિર્દેશ કરે છે. સ્થાવર મિલ્કત અને વાહન સંબંધી ઘટનાઓ ઘટી શકે છે. જૂના વાહન કે મકાનનું વેંચાણ કરીને ધનપ્રાપ્તિ થઈ શકે. સ્થાવર મિલ્કત સંબંધી વાદ-વિવાદ ઉદ્ભવી શકે છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું જોઈએ. કાર્યક્ષેત્રે ઊપરી અધિકારીઓની નારાજગીનો અનુભવ થઈ શકે છે. કાર્યસ્થળે પોતાના કામથી કામની નીતિ રાખવી. આ ભાવમાંથી સૂર્યનું ભ્રમણ માનસિક તણાવ અને અશાંતિ આપી શકે છે. માતાના આરોગ્યની કાળજી લેવી જરૂરી બને.

સિંહ (મ, ટ): સૂર્ય તૃતીયભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આ ભાવ સાહસ, પરાક્રમ અને નાના ભાઈ-બહેન સંબંધીત બાબતોનું સૂચન કરે છે. કાર્યક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કરેલ મહેનતનું શુભ પરિણામ મળે. નવા-નવા વિચારો અને યોજનાઓ સ્ફૂરી શકે. કમ્યુનિકેશન, ચર્ચા-સંવાદોમાં પોતાની સત્તા સ્થાપી શકાય. નાની અને ટૂંકી યાત્રાઓ કરવા માટે શુભ સમય છે. ખાસ કરીને પિતા સાથે કે પરિવારના સભ્યો સાથે મળીને યાત્રા-પ્રવાસનું આયોજન કરી શકાય. વધુ જ્ઞાનપ્રાપ્તિ અને અભ્યાસ કરવાની ઈચ્છા જાગૃત થઈ શકે છે. રચનાત્મક કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ થાય. આરોગ્યની તંદુરસ્તી પ્રત્યે સભાન રહેવું.

કન્યા (પ, , ણ): સૂર્ય દ્વિતીયભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આ ભાવ ધન, કુટુંબ અને વાણીનો નિર્દેશ કરે છે. નાણાકીય બચતની યોજનાઓને નકારાત્મક અસર થઈ શકે છે. ખર્ચાઓ પર કાબુ રાખવો. જો કે વિદેશથી ધનલાભ થઈ શકે છે. આર્થિક બાબતો અંગે ઉતાવળીયા નિર્ણયો લેવાથી દૂર રહેવું. કૌટુંબિક જીવનમાં ચડાવ-ઉતારનો અનુભવ થાય. કુટુંબના સભ્યો પર ક્રોધ કરવાથી દૂર રહેવું. કુટુંબનો વિયોગ સહેવો પડે. વાણી સત્તાવાહી બને. વાણીને લીધે સંબંધોમાં દૂરી આવવાની સંભાવના રહે. આથી સમજી-વિચારીને બોલવું જરૂરી રહે. આંખોની કાળજી રાખવી. જીવનસાથીનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે.

તુલા (ર, ત): સૂર્ય પ્રથમ/લગ્નસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરશે. આ ભાવ દેહનો સૂચક છે. પ્રથમભાવમાંથી સૂર્યનું ભ્રમણ આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ પેદા કરી શકે છે. મસ્તક પીડા કે તાવ જેવાં રોગ સતાવી શકે. સ્વભાવમાં ચીડિયાપણું અને નાની-નાની વાતમાં ગુસ્સો આવે તેવું બને. લોકોની વ્યર્થ વાતોનો પ્રતિભાવ આપવાથી દૂર રહેવું. સીમિત વ્યવહાર અને વર્તન રાખવાથી સંબંધોમાં મધુરતા બની રહે. જીવનસાથી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ બનાવી રાખવાની કોશિશ કરવી. મિત્રોની સંગત કે સલાહને લીધે દેખાવ કે વસ્ત્રોમાં પરિવર્તન આવવાની સંભાવના રહે. લોકોના ધ્યાનનું કેન્દ્ર બનવાની ઈચ્છા રહે.    

વૃશ્ચિક (ન, ય): સૂર્ય બારમા સ્થાનમાંથી ગોચર ભ્રમણ કરશે. આ ભાવને વ્યય અને હાનિનો નિર્દેશ કરે છે. બારમા ભાવમાં પોતાની નીચ રાશિમાં સૂર્યનું ભ્રમણ પ્રતિકૂળ રહેવાની સંભાવના રહે. નાણાકીય ખર્ચાઓ વધી ન જાય તેનું ધ્યાન રાખવું. ટેક્ષ, પેનલ્ટી કે દંડના સ્વરૂપમાં સરકારને નાણા ચૂકવવાં પડી શકે છે. નોકરીમાં ઊપરી અધિકારી સાથે મતભેદ થઈ શકે છે. નાની અમસ્તી વાતને લીધે નોકરી છોડી દેવાનાં વિચાર આવે. પરંતુ આ સમય દરમિયાન નોકરી છોડવાથી દૂર રહેવું જોઈએ. કામને લીધે વિદેશ સાથેના સંપર્ક બની શકે છે. પિતાના આરોગ્યની કાળજી રાખવી. એકાંતમાં સમય વ્યતીત કરવો.  

ધનુ (ભ, , , ઢ): સૂર્ય એકાદશભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આ ભાવ લાભસ્થાન તરીકે ઓળખાય છે. એકાદશભાવમાંથી સૂર્યનું ભ્રમણ વિદ્યાભ્યાસ બાબતે સકારાત્મક રહે. મિત્રો અભ્યાસમાં મદદરૂપ બની શકે છે. બુદ્ધિ તેજ બને. પ્રતિભા અને આવડત ખીલી ઉઠે. કાર્યક્ષેત્રે ઊપરી અધિકારીઓ અને સરકારથી લાભ થવાની સંભાવના રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. પિતા માટે આ સમય શુભ રહે અને તેમની સમૃદ્ધિમાં વધારો થાય. ધાર્મિક અને લાંબી યાત્રાઓ લાભદાયી નીવડે. મિત્રો સાથે મળીને યાત્રાનું આયોજન કરી શકાય. સમૂહમાં પ્રવૃતિ હાથ ધરી શકાય. પ્રણયસંબંધ બાબતે અનુકૂળતાનું સર્જન થાય.

મકર (ખ, જ): સૂર્ય દસમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આ ભાવ કર્મ અને આજીવિકાનો નિર્દેશ કરે છે. દસમભાવમાં નીચ રાશિમાં સૂર્યનું ભ્રમણ કાર્યક્ષેત્રે સાવધ રહેવાનું સૂચન કરે છે. રોજબરોજના કાર્યોમાં નિયમિતતા જાળવવી અને ઊપરી અધિકારીઓની ઈચ્છા વિરુદ્ધ કાર્યો કરવાથી દૂર રહેવું. કાર્યક્ષેત્રે વિલંબ કે અવરોધનો સામનો કરવો પડી શકે છે. અન્યોના નાણા થકી વેપાર થઈ શકે. આ સમય દરમિયાન નોકરી બદલવાનો વિચાર કરવાથી દૂર રહેવું. ધૈર્ય રાખવાથી કામ અને આવડતની કદર થતી જણાય. ઘર-પરિવારના સંબંધોમાં ઉતાર-ચડાવ આવે. માતા-પિતાના આરોગ્યની કાળજી રાખવી. 

કુંભ (ગ, , , ષ): સૂર્ય નવમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આ ભાવ ભાગ્ય, ગુરુ, પિતા, લાંબી યાત્રા અને ઉચ્ચ અભ્યાસ સાથે સંબંધિત છે. સૂર્યનું નવમભાવમાંથી ભ્રમણ જીવનસાથી કે લગ્નને લીધે ભાગ્ય ઉઘાડનારું સાબિત થાય. જીવનસાથી સાથે નમ્રતાપૂર્ણ અને સન્માનજનક વ્યવહાર જાળવવો. પિતાનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. પિતા સાથે વિચારોમાં મતભેદ થવાની પણ સંભાવના રહે. કાર્યક્ષેત્રે કઠોર પરિશ્રમ કરવાથી સફળતાની પ્રાપ્તિ થઈ શકે. વ્યાપાર અને કામકાજ સંબંધી યાત્રાઓ થઈ શકે છે. સર્જનાત્મક અને રચનાત્મક કાર્યો થઈ શકે. પ્રેમમાં પડેલાંઓએ પ્રિયજન પર ક્રોધ કરવાથી દૂર રહેવું.

મીન (દ, , , થ): સૂર્ય અષ્ટમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આ ભાવ આયુષ્ય, વારસાગત કે ગુપ્ત ધનલાભ જેવી બાબતોનો નિર્દેશ કરે છે. અષ્ટમભાવમાંથી સૂર્યના ભ્રમણ દરમિયાન આરોગ્ય પ્રત્યે સાવચેત રહેવું જરૂરી બને. યોગ્ય ખાન-પાનની આદત કેળવવી. બહારનું અખાદ્ય ભોજન કરવાથી દૂર રહેવું. નવી લોન મુશ્કેલી પેદા કરી શકે છે. આથી નવી લોન લેવાથી દૂર રહેવું. શત્રુઓ અને હરીફોને લીધે હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં ઊપરી અધિકારીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવી રાખવાની કોશિશ કરવી. નોકરી બદલવાથી દૂર રહેવું. પિતાના આરોગ્યની કાળજી લેવી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા