ચંદ્ર અને શનિનો વિષ યોગ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર એ મન, મનની સ્થિતિ, માતાનું સુખ, સન્માન, સુખ-સાધન, મીઠા ફળ,
સુગંધિત ફૂલ, કૃષિ, યશ,
મોતી, ચાંદી, સાકર,
દૂધ, કોમળ વસ્ત્ર, તરલ
પદાર્થ, સ્ત્રીનું સુખ વગેરેનો કારક ગ્રહ છે. જ્યારે શનિ આયુ,
મૃત્યુ, ભય, દુ:ખ,
અપમાન, રોગ, દરિદ્રતા,
દાસત્વ, બદનામી, વિપત્તિ,
નિંદિત કાર્ય, આળસ, બંધન
વગેરેનો કારક ગ્રહ છે. ચંદ્ર સાથે શનિનો સંબંધ થાય ત્યારે જાણે કે ખીરમાં નમક પડી
ગયું હોય તેવો ઘાટ થાય છે. દરેક જ્યોતિષ ગ્રંથોમાં ચંદ્ર અને શનિના સંબંધને અશુભ
વર્ણવવામાં આવ્યો છે. અશુભ ફળ પ્રાપ્ત થતું હોવાથી આ સંબંધ ‘વિષ
યોગ’ તરીકે ઓળખાય છે. વિષ એટલે કે ઝેર. ઝેર મૃત્યુ અથવા
મૃત્યુતુલ્ય પીડાનું દ્યોતક છે. વિષ યોગ ‘પુનર્ફૂ’ યોગ તરીકે પણ ઓળખાય છે. જન્મકુંડળીમાં ચંદ્ર અને શનિની યુતિ, પ્રતિયુતિ, પરસ્પર દ્રષ્ટિ સંબંધ કે રાશિ પરિવર્તન
સંબંધ વિષ યોગનું ફળ આપી શકે છે. ચંદ્ર પર શનિની ત્રીજી, સાતમી
કે દસમી દ્રષ્ટિ પડવા પર પણ વિષ યોગ સમાન ફળ મળવાની સંભાવના રહે છે. ચંદ્ર અને શનિ અંશ અનુસાર જેટલાં નજીક
રહેલાં હશે તેટલો વિષ યોગનો પ્રભાવ વધુ રહેશે. વિષ યોગનો પ્રભાવ ચંદ્ર અને શનિની
દશામાં તેમના બળાનુસાર અધિક મળે છે. નાની પનોતી અને સાડાસાતી દરમિયાન પણ વિષ યોગના
કષ્ટમાં વધારો થાય છે. કુંડળીમાં જે ભાવમાં વિષ યોગ હોય તે ભાવ સંબંધી દુ:ખ અને
મુશ્કેલીનો અનુભવ થાય છે.
ચંદ્ર એ મન છે અને શનિ પીડા છે. જીવનમાં આપણાં
દરેક સુખ અને દુ:ખનું કારણ મન છે. આવું મન જ્યારે પીડારૂપી શનિથી ગ્રસિત બને
ત્યારે જીવન ઝેર જેવું લાગે છે. જાતક હતાશાની લાગણીનો અનુભવ કરે છે. ઘણીવાર
લાગણીઓનો અભાવ જોવા મળે છે તો ક્યારેક લાગણીઓ અભિવ્યક્ત કરવામાં અસહજતાનો અનુભવ
કરે છે. મનમાં આનંદનો અભાવ રહે છે. બહુ ઝડપથી પરિપક્વ બની જાય છે. એકલતા અને
વિષાદથી ઘેરાયેલો રહે છે. શિસ્તનો આગ્રહી હોય છે. શિસ્તબદ્ધ આદતો ખુશીનો અનુભવ
કરાવે છે. પોતાની જાતની કાળજી લેવામાં બેદરકારી દાખવે છે. બાળપણમાં નિ:સહાય હોવાની
અનુભૂતિ કરનાર હોય છે. ક્યારેક સંવેદનાઓ જડ થઈ ચૂકી હોય અને અંત:સ્ફૂરણા રૂંધાઈ ગઈ
હોય તેવો અનુભવ કરે છે. જીવનમાં કઈ રીતે ખુશ રહેવું એ ઘણાં પ્રયત્નો બાદ શીખે છે.
જૂનવાણી અને સંકુચિત માનસ હોવાની પણ શક્યતા રહે છે. ક્યારેય પૂરતો સમય નહિ મળતો
હોવાની ફરિયાદ કરે છે. સાચાં પ્રેમની ઉણપ સતાવે છે. આ યોગ વિશેષ સ્થિતિમાં
આત્મહત્યા કરવાની ભાવના ઉત્પન કરાવી શકે છે. નીચ રાશિના ચંદ્ર સાથે શનિની યુતિ માનસિક રોગી બનાવી શકે છે. જાતક પોતાનો
ઉપલો હોઠ કડક રાખનાર હોય છે.
ચંદ્ર માતાનો કારક ગ્રહ છે. જ્યારે પણ ચંદ્ર
શનિથી પીડિત હોય ત્યારે માતાના સુખમાં કમી, સંબંધોમાં કડવાશ, વિચારોમાં મતભેદ કે
વિરોધ જોવા મળે છે. ચંદ્ર અને શનિનો વિષ યોગ માતાના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે.
માતાનું શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય નબળું હોવાની સંભાવના રહે છે. માતાના
આયુષ્યને હાનિ પહોંચી શકે છે. કોઈ ને કોઈ કારણે માતાના પ્રેમથી વંચિત રહેવું પડે
છે, પછી તે માતાના વિયોગને લીધે હોય, બિમારીને
લીધે હોય, વિચારોમાં મતભેદ હોય કે અન્ય કોઈ પ્રકારની મજબૂરી
હોય. માતાના સુખની અપૂર્ણતા મનને ઉદાસ રાખે છે. ક્યારેક માતા શિસ્તની આગ્રહી હોય
છે અને વિષ યોગ ધરાવનાર જાતક માતાની કડકાઈને લીધે ડરનો અનુભવ કરે છે. અમુક
કિસ્સાઓમાં માતા-પિતા વિખૂટાં પડી ગયા હોય અને સિંગલ પેરેન્ટ હોમમાં જાતકનો ઉછેર
થતો જોવા મળે છે. મોટા થયે જાતક પર માતાની જવાબદારી આવી શકે છે. ઘણીવાર વિષ યોગ
ધરાવનાર જાતક માતાને હેરાન કરનાર હોય છે. અમુક કિસ્સાઓમાં ચંદ્ર અને શનિનો સંબંધ
ધરાવનાર સ્ત્રી માતૃત્વ ધારણ કરવાથી ડરતી જોવા મળે છે. એવી માન્યતા છે કે ચંદ્ર
અને શનિની યુતિ પાછલાં જન્મમાં કોઈ સ્ત્રીને દુ:ખ અને કષ્ટ આપ્યાનો નિર્દેશ કરે
છે. એ સ્ત્રી પછી બદલો લેવા માટે જાતકની મા બને છે. માતા પ્રબળ શત્રુ હોય તો
પુત્રને દુ:ખ, દારિદ્ર અને ધનનો નાશ આપીને લાંબા સમય સુધી
જીવિત રહે છે. જો પુત્રની શત્રુતાની ભાવના પ્રબળ હોય તો જન્મ બાદ તુરંત માતા
મૃત્યુ પામે છે અથવા જાતક પોતે જ નવજાત અવસ્થામાં મૃત્યુ પામે છે. આવું થવાની
સંભાવના પુત્રની 14 વર્ષની આયુ સુધી રહે છે.
આ
યુતિ તારુણ્ય અવસ્થામાં સુખની પ્રાપ્તિ થવા દેતી નથી. સંસારના વિવિધ પ્રકારના
અનુભવો કરાવે છે. ઘણીવાર માયા-મોહનો ત્યાગ કરાવીને વૈરાગ્યનું નિર્માણ કરે છે.
ઈશ્વર સ્મરણમાં જીવન વીતે છે. પૂર્ણ ચંદ્રનો શનિ સાથેનો સંબંધ ઉચ્ચ કોટિના તત્વ
ચિંતક સંત બનાવે છે.
ચંદ્ર અને શનિની યુતિનું બાર ભાવમાં ફળ
અહીં
નોંધ લેશો કે ચંદ્ર અને શનિનો વિષ યોગ અશુભ ફળ આપનાર હોવાથી પ્રત્યેક ભાવમાં
મહદઅંશે નકારાત્મક ફળ જોવા મળશે. પરંતુ આ વર્ણવેલ ફળ સ્થૂળ છે. ચંદ્ર-શનિ ઉપરાંત
કુંડળીમાં રહેલાં અન્ય ગ્રહો અને યોગોનો સમગ્રપણે અભ્યાસ કરતાં ફળમાં ફેરફાર થવાની
પૂર્ણ સંભાવના રહે છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા વગેરે અનેક
પરિબળો પર રહેલો છે.
પ્રથમ ભાવ: બાળપણમાં માતા-પિતા ગુમાવી દે
છે. મામી, માસી
કે ફઈ જેવી અન્ય સ્ત્રીઓ દ્વારા પાલન પોષણ થાય છે. મસ્તક અને સ્નાયુમાં પીડા રહે
છે. કષ્ટ બાદ અભ્યાસ પૂર્ણ થઈ શકે છે. આર્થિક ઉન્નતિ થવામાં સમસ્યાઓ આવે છે.
નોકરીમાં પદોન્નતિ થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મિત્ર ફસાવે અને જાતક
ફસાઈ જાય છે. શરીર રોગી અને ચહેરો નિસ્તેજ લાગે છે. લગ્ન થવામાં વિલંબ થાય છે.
લગ્નજીવનના સુખમાં કમી રહે છે. જીવન આપત્તિઓથી ભરેલું હોય છે. દિર્ઘાયુ યોગ આપે
છે.
દ્વિતીય ભાવ: કુટુંબના વડાની બિમારી કે
મૃત્યુને લીધે બાળપણમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પૈતૃક સંપતિ
પ્રાપ્ત થવામાં બાધા આવે છે. વાણીમાં કટુતા રહેવાની સંભાવના રહે છે. આર્થિક
ઉપાર્જન માટે વધુ પરિશ્રમ કરવો પડે છે. હંમેશા ‘પૈસા નથી, પૈસા નથી’ રટણ કરે છે. નાણા ખર્ચ કરવામાં કંજૂસાઈ દાખવે છે. સ્વતંત્ર વ્યવસાય કરનાર
હોય છે. મોટી ઉંમરે આર્થિક પરિસ્થિતિ સારી બને છે. દાંત કે ગળાની બિમારી થવાની
સંભાવના રહે છે.
તૃતીય ભાવ: અભ્યાસ અધૂરો રહેવાની સંભાવના
રહે છે. નોકરી દ્વારા ધનની કમાણી કરે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધમાં કટુતાનો અનુભવ
થાય છે. ઘણીવાર ભાઈ-બહેનોનું ઘર ચલાવવાની જવાબદારી આવી પડે છે. નોકર-ચાકર
વિશ્વાસઘાત કરનાર હોય છે. યાત્રામાં વિઘ્નો અને મુશ્કેલીઓનો સામનો કરે છે. શ્વાસ
સંબંધી રોગ થવાની શક્યતા રહે છે. જીવનના 42માં વર્ષથી પ્રગતિનો અનુભવ કરે છે.
થોડું ધન કમાય છે. આ સ્થાનમાં યુતિનું પ્રબળ ફળ પ્રાપ્ત થતું નથી.
ચતુર્થ ભાવ: માતાના સુખમાં કમી અથવા માતા
સાથે મતભેદ રહેવાની સંભાવના રહે છે. જન્મસ્થાનનો ત્યાગ કરવો પડે છે. મધ્યમ આયુમાં
આર્થિક સ્થિતિ ઠીક રહે છે,
પરંતુ અંતિમ સમયમાં ફરી ધનની કમીનો અનુભવ થાય છે. સ્વયં દુ:ખી અને
દરિદ્ર રહીને દીર્ઘ આયુષ્ય પામે છે. જાતકના મૃત્યુ પછી તેના સંતાનનો ભાગ્યોદય થાય
છે. નિવૃતિ વેતન લીધા વગર ઘરે બેસવાનો વારો આવે છે. ભાડાના ઘરમાં મૃત્યુ થવાની
શક્યતા રહે. પુરુષને હ્રદય રોગ અને સ્ત્રીને સ્તન રોગ થવાની સંભાવના રહે છે.
પંચમ ભાવ: પુરુષ રાશિમાં આ યુતિ
વિદ્યાભ્યાસ પૂર્ણ કરાવે છે. ક્યારેક લગ્ન થવા દેતી નથી. લગ્ન થાય તો લગ્નજીવનનું
સુખ ઓછું રહે છે. સંતાન પ્રાપ્તિથી વંચિત રહે છે. સંતાન થાય તો અલ્પાયુ હોવાની
સંભાવના રહે છે. વેદાંતનો અભ્યાસ કરે છે. સ્ત્રી રાશિમાં આ યુતિ હોવાથી વિદ્યાભ્યાસમાં
બાધા આવી શકે છે. સંતાન થાય છે,
પરંતુ માતા-પિતા માટે સંતાન નિરુપયોગી નીવડે છે. નોકરીમાં જીવન
વ્યતીત થાય છે. નામ કમાઈ શકે છે.
ષષ્ઠમ ભાવ: લાંબો સમય ચાલનારી બિમારીના
ભોગ બને છે. દીર્ઘકાલીન રોગના ભોગ બને છે,
પરંતુ અજાતશત્રુ હોય છે. મોસાળ પક્ષથી સહાય મળતી નથી. જેમની પ્રકૃતિ
સારી હોય તેમને વ્યવસાયમાં હરીફોથી હેરાનગતિ રહે છે. નોકરીમાંથી સેવા નિવૃતિ વેતન
લેવું પડે છે. ઘરમાં ચોરી થવાની સંભાવના રહે છે. આ જાતકો ઉપાસનામાં લાગેલાં હોય
છે. ઘણીવાર દ્રષ્ટાંતરૂપ બને છે.
સપ્તમ ભાવ: સ્ત્રીની કુંડળીમાં પ્રથમ
લગ્ન વિલંબથી થઈને તૂટવાની સંભાવના રહે છે. બીજા લગ્ન કરનાર હોય છે. પુરુષની
કુંડળીમાં લગ્ન થવામાં વિલંબ કરાવે છે. પત્ની મોટી વયની હોય છે અથવા વિધવા સાથે
વિવાહ થાય છે. લગ્નજીવનમાં કટુતા અને મતભેદને કારણે સુખની કમી રહે છે. ભાગીદારીના
વ્યવસાયમાં નુક્સાન પહોંચે છે. શ્વસુર પક્ષથી કોઈ મદદની પ્રાપ્તિ થતી નથી.
લડાઈ-ઝઘડાંઓથી દૂર રહેવાનું પસંદ કરનાર હોય છે.
અષ્ટમ ભાવ: લાંબો સમય ચાલનારી બિમારી અને
ગુપ્ત રોગ થવાની સંભાવના રહે છે. જીવનમાં કોઈ વિશેષ સફળતાની પ્રાપ્તિથી વંચિત રહે
છે. આયુષ્ય લાંબુ હોય છે. અંતિમ સમય કષ્ટકારી રહે છે. આ જાતકો જન્મભૂમિથી દૂર ગરમ
પ્રદેશમાં રહે તો જીવન સારું રહે છે.
નવમ ભાવ: ભાગ્યોદય થવામાં અવરોધનો
અનુભવ થાય છે. કાર્યોમાં વિલંબથી સફળતાની પ્રાપ્તિ થાય છે. કમર તેમજ પગમાં કષ્ટ
રહેવાની સંભાવના રહે છે. જીવન અસ્થિર રહે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધમાં મતભેદ
ઉદ્ભવવાની શક્યતા રહે છે. યાત્રામાં હાનિ પહોંચે છે. ઈશ્વરમાં શ્રદ્ધા ઓછી રહે છે.
દસમ ભાવ: પિતા સાથેનો સંબંધ કટુ રહે
છે. વિદેશયાત્રા સંભવ બને છે. નોકરીમાં હેરાનગતિ અને વ્યવસાયમાં નુક્સાન થવાની
સંભાવના રહે છે. પૈતૃક સંપતિની પ્રાપ્તિમાં મુશ્કેલી આવે છે. આર્થિક સ્થિતિ સારી
નથી રહેતી. દસમસ્થાનમાં ચંદ્ર અને શનિની યુતિ પત્ની અભિશાપનું નિર્માણ કરે છે.
લગ્નજીવનના સુખમાં કમી રહે છે. ઘણીવાર જાતક અવિવાહિત રહે છે. વેદાંતમાં આગળ વધે
છે. સાધુ સત્પુરુષ બની જાય છે. પ્રબળ વૈરાગી બને છે.
એકાદશ ભાવ: બે પત્ની હોવાનો યોગ બને છે.
અધિક સંતાનની પ્રાપ્તિ થાય છે. એક સંતાનથી સુખ નથી મળતું. ખરાબ મિત્રોનો સાથ મળે
છે. કોઈ પણ કાર્યથી લાભ થતો નથી. અંતિમ સમયમાં કષ્ટ પડવાની સંભાવના રહે છે. પૈસાને
જ સર્વસ્વ માનનાર હોય છે. એકાદશ ભાવમાં બળવાન શનિ સુખ પ્રદાન કરનાર હોય છે.
દ્વાદશ ભાવ: જાતક નિરાશ રહે છે. બીમારીઓની
સારવારમાં વધુ સમય લાગે છે. વ્યસની બનીને ધનનો નાશ કરનાર હોય છે. ઘણી મહેનત કરવા
છતાં વિદ્યાભ્યાસ અધૂરો રહી જાય છે. પોતાના કષ્ટોને લીધે ઘણીવાર આત્મહત્યા કરવા
સુધીનું વિચારી લે છે. જો સંન્યાસી બને તો બ્રહ્મજ્ઞ હોય છે. ઘણીવાર પોતાના
મૃત્યુનો દિવસ સ્વયં બતાવીને તે અનુસાર દેહ ત્યાગ કરનાર હોય છે.
વિષ
યોગના દુષ્પ્રભાવને હળવો કરવા શિવજીની પૂજા-આરાધના કરવી જોઈએ. પ્રાત:કાળે
સ્નાનોપરાંત દૂધમાં કાળા તલ મિશ્ર કરીને શિવલિંગ પર અભિષેક કરતાં ‘ૐ નમ: શિવાય’ મંત્રનું ઉચ્ચારણ કરવું. નિયમિત મહામૃત્યુંજય મંત્રના ઓછામાં ઓછાં 108 વખત
જાપ કરવા જોઈએ. શનિવારે સૂર્યાસ્ત બાદ ગરીબ, અનાથ, વૃદ્ધ કે જરૂરિયાતવાળી વ્યક્તિને શનિ સંબંધિત પદાર્થોનું દાન આપી શકાય.
રાત્રિના સમયે દૂધ અને ચોખાનો ઉપયોગ કરવાથી દૂર રહેવું. માતાની સેવા અને આદર
કરવાથી તેમજ મૃત્યોપરાંત માતાના આશીર્વાદ લેવાથી જીવનમાં સુખનું આગમન શક્ય બને છે.
ટિપ્પણીઓ