ગુરુ થશે માર્ગી - કેવું આપશે ફળ?

Image credit: NASA / JPL-Caltech / SwRI / MSSS / David Marriott. 

નવગ્રહોમાં દેવગુરુ બૃહસ્પતિને ધન-સંપત્તિ અને જ્ઞાનના કારક ગ્રહ માનવામાં આવ્યાં  છે. 29 માર્ચ, 2019ના રોજ ગુરુએ ધનુ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને 10 એપ્રિલ, 2019ના રોજથી વક્રી બનેલ છે. ગ્રહનું વક્રી થવું એટલે કે ગ્રહનો ઉલટી ગતિથી ચાલવાનો આભાસ થવો. વક્રી થવાને કારણે ગુરુએ 24 દિવસ જેટલાં ટૂંકા ગાળા માટે ધનુ રાશિમાં રહીને ફરી 23 એપ્રિલ, 2019ના રોજ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી ગુરુ મહારાજ વૃશ્ચિક રાશિમાં વક્રી ગોચર ભ્રમણ કરી રહ્યાં છે. હવે 11 ઓગસ્ટ, 2019ના રોજ માર્ગી થઈને વૃશ્ચિક રાશિમાં 5 નવેમ્બર, 2019 સુધી ગોચર ભ્રમણ કરશે. માર્ગી અર્થાત ગ્રહનું સીધી ગતિએ ચાલવું. ગુરુના આ વૃશ્ચિક રાશિમાં માર્ગી ભ્રમણનો બારેય રાશિઓ પર કેવો પ્રભાવ પડશે તે જોઈએ. 

અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીના ગ્રહો પર રહેલો છે. 

મેષ (અ, , ઈ): ગુરુ અષ્ટમસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરી રહ્યો છે. માર્ગી થતાં વારસાગત કે ગુપ્ત ધનની પ્રાપ્તિ થઈ શકે છે. જીવનસાથી દ્વારા ધનલાભ થવાની સંભાવના રહે. વીમા કે વ્યાજ દ્વારા આવક થઈ શકે છે. નાણાકીય બચત કરી શકાય. માતાના આરોગ્યમાં સુધારો થાય. નવા જમીન, મકાન કે વાહનની ખરીદી થઈ શકે. ઘરની સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય. વિદેશયાત્રા થવાના યોગ પ્રબળ બને. સંશોધન ક્ષેત્રે સંકળાયેલાં જાતકો માટે આ સમય શુભ રહે. ગૂઢ વિદ્યાનો અભ્યાસ શક્ય બને.

વૃષભ (બ, , ઉ): ગુરુ સપ્તમસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરી રહ્યો છે. માર્ગી થતાં લગ્નની વાતચીત આગળ વધે. અપરિણીત જાતકોના લગ્ન આડે આવતી અડચણો દૂર થાય. નવી વ્યાવસાયિક ભાગીદારી રચાઈ શકે છે. પરિણીત જાતકોના લગ્નજીવનમાં મતભેદો દૂર થઈને સુખની અનુભૂતિ થાય. વ્યાપારના વિસ્તાર માટે સકારાત્મક સમય રહે. નવો વ્યાપાર પણ શરૂ કરી શકાય. વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાની સંભાવના રહે. ભાઈ-બહેનો અને મિત્રો સહાયરૂપ બને. આવકમાં વૃદ્ધિ થાય.

મિથુન (ક, , ઘ): ગુરુ ષષ્ઠમસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરી રહ્યો છે. માર્ગી થતા ઋણમાંથી મુક્તિ મળવાની સંભાવના રહે. ધીરે-ધીરે આરોગ્ય સુધરતું જણાય. યોગ્ય સારવાર મળી રહે. સહેલાઈથી લોન આપી કે મેળવી શકાય. નોકરિયાત વર્ગની મુશ્કેલીઓ સમાપ્ત થતી જણાય. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વિદેશયાત્રાના યોગ પ્રબળ બને. વિદેશ સાથેના વ્યાપારથી લાભ થાય. વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે.  

કર્ક (ડ, હ): ગુરુ પંચમસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરી રહ્યો છે. માર્ગી થતાં વિદ્યાર્થીમિત્રો માટે સમય શુભ રહે. ઉચ્ચ અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. બૌદ્ધિકતા અને સર્જનાત્મકતા ખીલી ઊઠે. આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના રહે. જીવનમાં પ્રેમના અંકુરો ફૂટવાની સંભાવના બને. પરિણીત જાતકોને સંતાનસુખની પ્રાપ્તિ થઇ શકે છે. મિત્રોનો સહકાર મળી રહે. શેરબજારથી લાભ થઇ શકે છે. સામાજિક માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. ભાગ્ય ની સહાય મળતી જણાય. લાંબા સમયથી સેવેલા સપનાઓ અને ઈચ્છાઓની પૂર્તિ થતી જણાય.

સિંહ (મ, ટ): ગુરુ ચતુર્થસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરી રહ્યો છે. માર્ગી થતાં નવા જમીન, મકાન કે વાહનની ખરીદી શક્ય બને. વારસાગત સ્થાવર મિલકત ની પ્રાપ્તિ થઇ શકે છે. ઘર-પરિવાર સાથે વધુ સમય વ્યતીત થવાના સંજોગો ઊભા થાય. માતાના પ્રેમની હૂંફ મળી રહે. ઘર માટે સુખ સગવડના સાધનોની ખરીદી થઈ શકે છે. ઘરમાં પૂજા કે ધાર્મિક પ્રવૃત્તિઓ થઈ શકે છે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે નવી તકોની પ્રાપ્તિ થાય. કારકિર્દીમાં નવા સાહસનું જોખમ ખેડી શકાય. 

કન્યા (પ, , ણ): ગુરુ તૃતીયસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરી રહ્યો છે. માર્ગી થતાં સાહસ, પરાક્રમ અને પરિશ્રમથી જીવનની પરિસ્થિતિ સુધારવી શક્ય બને. ભાઈ-બહેનો અને મિત્રોના સહકારની પ્રાપ્તિ થાય. અપરિણીત જાતકોના લગ્ન થવાની સંભાવના બને. પરિણીતોને જીવનસાથી સાથેના સંબંધમાં મતભેદો દૂર થઈને સંવાદિતાની પ્રાપ્તિ થાય. કમ્યુનિકેશનચર્ચાઓ, સંવાદ, લેખન કે વિચારોના આદાન-પ્રદાન કરવા માટે આ સમય શ્રેષ્ઠ રહે. યાત્રા, સ્થળાંતર કે બદલી થવાના સંજોગો ઉભા થઇ શકે છે.

તુલા (ર, ત): ગુરુ દ્વિતીયસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરી રહ્યો છે. માર્ગી થતાં આર્થિક લાભ અને નાણાકીય બચત થવાની સંભાવના બને. નવા આર્થિક રોકાણો કરવા શક્ય બને. કૌટુંબિક સુખ-શાંતિમાં વૃદ્ધિ થાય. કુટુંબમાં માંગલિક પ્રસંગની ઉજવણી થઈ શકે છે. નોકરી-વ્યવસાય માટે સમય અનુકૂળ રહે.  નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આરોગ્યની તંદુરસ્તીમાં વધારો થાય. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થઈ શકે છે. ખાન-પાનની આદતો પ્રત્યે સચેત રહેવું જરૂરી બને. 

વૃશ્ચિક (ન, ય): ગુરુ પ્રથમ/લગ્ન સ્થાનમાંથી ગોચર ભ્રમણ કરી રહ્યો છે. માર્ગી થતાં આત્મવિશ્વાસ અને સકારાત્મકતામાં વૃદ્ધિ થાય. જીવનમાં ઉત્સાહ અને આનંદનો સંચાર થઈ શકે છે. જીવનસાથી સાથેના સંબંધ મધુર બને. સંતાનસુખની પ્રાપ્તિ થઇ શકે છે. અપરીણિત જાતકોના લગ્નનો યોગ પ્રબળ બને. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસ માટે સમય અનુકૂળ રહે. ધાર્મિક યાત્રાના અવસરની પ્રાપ્તિ થઇ શકે છે.  ભાગીદારીના કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ થાય. ભાગ્યનો સહયોગ મળી રહે. મન આનંદમાં રહે. 

ધનુ (ભ, , , ઢ): ગુરુ બારમાસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરી રહ્યો છે. માર્ગી થતાં વિદેશ યાત્રા આડેની અડચણ દૂર થઈ શકે છે. ઘરથી દૂર જવાનો પ્રસંગ ઉદભવી શકે. શુભ કાર્યો પાછળ નાણાકીય ખર્ચ થવાની સંભાવના રહે. ધાર્મિક કાર્યો કે દાન-ધર્માદાના કાર્યો કરી શકાય. અધ્યાત્મમાં અને ધ્યાન પ્રત્યેની રુચિમાં વધારો થઈ શકે છે. મોસાળ પક્ષના સુખની પ્રાપ્તિ થાય. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતા મળી શકે છે. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થઈ શકે. આરોગ્યની કાળજી લેવી જરૂરી બને. 

મકર (ખ, જ): ગુરુ અગિયારમાસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરી રહ્યો છે. માર્ગી થતાં અટકેલા કાર્યો પૂર્ણ થવાની શરૂઆત થાય. એક કરતાં વધુ સ્ત્રોતથી આવક થાય. આ સમય ધન, લાભ અને પ્રતિષ્ઠા અપાવનારો રહે. કાર્યક્ષેત્રે સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. અગાઉથી ચાલી આવતી મુશ્કેલીઓનો ઉકેલ મળે. મિત્રવર્તુળમાં વધારો થાય. અપરિણીતોના લગ્ન થવાની શક્યતા રહે. પરિણીતોને સંતાન પ્રાપ્તિ થઇ શકે છે. જીવનમાં પ્રણય પ્રસંગ ઉદ્ભવી શકે. સપનાઓ અને ઈચ્છાઓની પૂર્તિ થતી જણાય.

કુંભ (ગ, , , ષ): ગુરુ દસમસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરી રહ્યો છે. માર્ગી થતા નોકરી-વ્યવસાયમાં લાભ અને પ્રગતિ થવાની શક્યતા રહે. નોકરી મળે અથવા નોકરી બદલી શકાય. નોકરી-વ્યવસાય અર્થે મુસાફરી થઈ શકે છે. કામને લીધે માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. નાણાકીય આવકમાં વધારો થાય તેમજ બચત પણ કરી શકાય. જમીન, મકાન અને વાહન થી લાભ થઇ શકે છે. ઘર-પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહે. માતા-પિતાના પ્રેમ અને હૂંફની પ્રાપ્તિ થાય.

મીન (દ, , , થ): ગુરુ નવમસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરી રહ્યો છે. માર્ગી થતાં ભાગ્યનો ઉદય થાય.   વિદ્યાર્થી મિત્રોને ઉચ્ચ અભ્યાસની તકોની પ્રાપ્તિ થાય. વિદેશ યાત્રાના યોગ પ્રબળ બની શકે છે. ધન-સંપત્તિમાં વૃદ્ધિ થાય. શેરબજારથી લાભ રહે. જીવનમાં પ્રણય સંબંધની શરૂઆત થઇ શકે છે. પરિણીતોને સંતાનસુખની પ્રાપ્તિ થાય. ભાઈ-બહેનો સાથેના સંબંધ મધુર બને. પિતા માટે આ સમય લાભદાયી રહે. ધાર્મિક પ્રવૃત્તિઓ તેમજ ધાર્મિક યાત્રાઓ થઈ શકે છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા