ગણેશજી દ્વારા વાસ્તુ દોષનું નિવારણ


ભાદ્રપદ માસની શુક્લ પક્ષની ચતુર્થીએ સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ગણેશ ચતુર્થી મહોત્સવ મનાવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 2 સપ્ટેમ્બર, 2019ના રોજ મનાવવામાં આવશે. શ્રી ગણેશ વિઘ્ન વિનાયક છે. દરેક પ્રકારના વિઘ્નોને પળભરમાં દૂર કરી દે છે. ભારતભરમાં દરેક ઘરમાં દેવોના દેવ એવાં ભગવાન ગણેશજીની પૂજા-આરાધના કરવામાં આવે છે. ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જ્યાં ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરાયેલી ન હોય! ગણેશજીની નિયમિત પૂજા-આરાધના ઘર અને ઘરના સભ્યોને સુરક્ષા પ્રદાન કરે છે. ઘરમાં પ્રવર્તતી અશુભ શક્તિઓને નષ્ટ કરીને ઘરને ધન-ધાન્ય અને સુખથી પરિપૂર્ણ કરે છે. લોકોના ગણેશજી પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસનો પડઘો વાસ્તુમાં પણ પડે છે. ગણેશજીની પ્રતિમા અને પ્રતીક ચિહ્નો વાસ્તુ દોષ નિવારણમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પૂજા-આરાધના અને ઘરની સુખ-શાંતિ હેતુ ઉપરાંત વાસ્તુ દોષ નિવારણ અર્થે ગણેશજીને ઘરમાં સ્થાન આપવામાં આવે છે. અન્ય વાસ્તુ દોષ નિવારણ યંત્રો કરતાં ગણેશજીની વાસ્તુ દોષ નિવારણ યંત્રના રૂપમાં સ્થાપના નિશ્ચિતપણે વધુ લાભ આપે છે. આવો જાણીએ કે ગણેશજીની સ્થાપનાથી ક્યાં-ક્યાં લાભની પ્રાપ્તિ થાય છે.

1. ઘરનું મુખ્ય દ્વાર દક્ષિણ દિશામાં હોવું અશુભ ગણાય છે. દક્ષિણામુખી દ્વારનો દોષ હોય તો ઘરના મુખ્ય દ્વાર પર અંદર તેમજ બહારની બાજુએ બંને તરફ ગણેશજીની પ્રતિમા લગાવવાથી આ દોષ દૂર થાય છે. ધ્યાન રાખશો કે આ પ્રતિમા બહુ મોટી કે બહુ નાની ન હોય.

2. આપણે સૌ તહેવારો કે માંગલિક પ્રસંગોની ઉજવણી દરમિયાન ઘરના મુખ્ય દ્વાર પર તોરણ લગાવીને તેને સુશોભિત કરીએ છીએ. આજકાલ બજારમાં ગણેશજી ધરાવતાં તોરણ મળી રહે છે. આવાં તોરણ લગાવવાથી ઘરનું દ્વાર સુશોભિત થવાની સાથે વાસ્તુ દોષનું પણ નિવારણ થાય છે. જ્યારે ઘરનું મુખ્ય દ્વાર સાફ, સ્વચ્છ અને સુશોભિત હોય ત્યારે તેના વાટે પ્રવેશ પામતી ઉર્જા પણ શુભ અને કલ્યાણકારી હોય છે. ઘરમાં સુખ અને સકારાત્મકતાનું આગમન કરાવે છે.

3. જો વેપારમાં મંદી હોય, દુકાન સરખી ચાલતી ન હોય કે ફેક્ટરીમાં ઉત્પાદન ઘટી ગયું હોય તો વ્યવસાય સ્થળ પર ગણેશજીના પ્રતિરૂપ સ્વસ્તિકના ચિહ્નને તામ્રપત્ર અથવા પૂજાની થાળીમાં અંકિત કરીને નિયમિતપણે કાર્ય આરંભ કરતાં પહેલાં તેની પૂજા કરવી. આમ કરવાથી વ્યવસાયમાં વૃદ્ધિ અને બરકત થાય છે.

4. ઘરમાં ગણેશજીની મૂર્તિ બેઠેલી અવસ્થામાં હોવી જોઈએ. તે શુભ ભાગ્ય પ્રદાન કરનારી હોય છે. ઘરમાં બેસેલાં અને આશીર્વાદ આપતાં ગણેશજીના સ્વરૂપનું ચિત્ર લગાવવાથી બરકત આવે છે. કાર્યસ્થળે ગણેશજીની ઊભેલી અવસ્થામાં મૂર્તિ રાખવી. તેને લીધે કાર્યમાં સક્રિયતા અને ઉત્સાહનું વાતાવરણ રહે છે. કાર્યસ્થળે અન્ય સ્વરૂપોના ચિત્ર લગાવી શકાય છે.

5. ઘરમાં ગણેશજીની તેમનાં ડાબા હાથ તરફ વળેલી સૂંઢવાળી મૂર્તિ રાખવી વધુ શુભ છે. આવી મૂર્તિની પૂજાથી જલ્દી ફળની પ્રાપ્તિ થાય છે. ગણેશજીનું તેમના જમણાં હાથ તરફ વળેલી સૂંઢવાળું સ્વરૂપ વિલંબથી પ્રસન્ન થાય છે. તેમની સાધના-આરાધના પણ કઠીન હોય છે.

6. ઘરમાં લગાવવામાં આવતી પ્રતિમા 9 ઈંચથી વધુ મોટી ન હોવી જોઈએ. વ્યાવસાયિક સ્થળે દોઢ હાથથી વધુ મોટી પ્રતિમા ન લગાવવી જોઈએ. સાર્વજનિક પૂજાસ્થળ કે મંદિરોમાં ગમે તેટલી મોટી મૂર્તિ લગાવી શકાય છે.

7. જો ઘરમાં રોજ ક્લેશ કે વિવાદ થતો હોય તો વાંસળી વગાડતાં ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. વાંસળી વગાડતાં ગણેશજીની પૂજા-આરાધનાથી ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે છે. લીલાં રંગના ગણેશજીની પૂજા વિદ્યાર્થીઓને લાભ આપે છે. હાથી પર બેસેલાં ગણેશજીની પૂજા-આરાધના કરવાથી ઘરમાં ધનનું આગમન થાય છે.

8. નવા ઘરમાં સ્થળાંતર કરતી વખતે અથવા લાંબા સમયથી બંધ પડેલ ઘર ખોલીને તેમાં રહેવા જતી વખતે મુખ્ય દ્વાર ઉઘાડતાંની સાથે ઘરના ઉર્જા તરંગોને અનુભવવાની કોશિશ કરો. જો નકારાત્મકતાનો અનુભવ થાય તો ઘરમાં વાસ્તુ દોષ હોવાની સંભાવના રહે છે. આવા સમયે ગણેશજી આપણી વહારે આવે છે. દરવાજામાં પ્રવેશ કરતાં ઘરના મુખ્ય દ્વારની ઠીક સામે મુખ્ય દ્વાર પર નજર નાખતી ગણેશજી આશરે 9 ઈંચની એક પ્રતિમા સ્થાપિત કરો. આ પ્રતિમા અનિષ્ટથી રક્ષા કરશે.

9. નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે ઘરની મુખ્ય લોબીમાં પૂર્વ દિશાની દિવાલ પર લગભગ 6 ઈંચની ગણેશજીની એક પ્રતિમા લગાવી શકાય. આમ કરવાથી નવા ઘરની ઉર્જા શુભ રહેશે અને કોઈ પણ પ્રકારના કષ્ટનો અનુભવ થવાથી બચી શકાશે. ઘરમાં બધો સામાન વ્યવસ્થિત ગોઠવાઈ ગયા બાદ ઈચ્છો તો આ પ્રતિમાને પૂજાસ્થળમાં રાખી શકાય.

10. ઘરના બ્રહ્મસ્થાનમાં તુલસીજીના છોડની સાથે-સાથે ગણેશજીની પ્રતિમા પણ રાખી શકાય. બંનેની પૂજા-અર્ચના કરવી. આમ કરવાથી સમગ્ર ઘરને સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થાય છે તેમજ ઘર ખુશીઓથી ભરાઈ જાય છે. તુલસીજીનો છોડ તો વાસ્તુ દોષ નિવારણ કરે જ છે, આ ઉપરાંત ગણેશજીની પ્રતિમા હોવાથી બેવડા લાભની પ્રાપ્તિ થાય છે. એકને લીધે વાતાવરણની શુદ્ધિ થાય છે તો બીજાંને લીધે ઘરમાં સકારાત્મકતાનો વિસ્તાર થાય છે.

11. વાસ્તુ દોષ નિવારણ યંત્રમાં સ્વસ્તિકનું અનેરું મહત્વ છે. સ્વસ્તિક ભગવાન શ્રી ગણેશનું પ્રતીક ચિહ્ન છે.  ભારતના મોટાભાગના ઘરોનાં મુખ્ય દ્વાર પર સ્વસ્તિક ચિહ્ન અંકિત કરેલું જોવા મળે છે. આ સ્વસ્તિક ચિહ્ન ઘરમાં શુભ ઉર્જાને આકર્ષે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જમણી અને ડાબી બાજુ તરફ કંકુ, હળદર કે લાલ રંગ સિંદૂરથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવીને પ્રવેશદ્વારને વધુ સકારાત્મક બનાવી શકાય છે.

12. રહેઠાણના સ્થળે કે વ્યવસાયના સ્થળે ગણેશજીની એક કરતાં વધુ પ્રતિમાઓ લગાવવી ઈચ્છનીય નથી. વાસ્તુ અનુસાર ઘર કે વ્યવસાયના સ્થળે એક દેવતાની એક કરતાં વધુ મૂર્તિ ન હોવી જોઈએ.

13. ગણેશજીની પ્રતિમા કે મૂર્તિને નમન કરતી વખતે નમન કરનારનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રહે તે રીતે સ્થાપિત કરવી જોઈએ. ગણેશજીની પ્રતિમાનું મુખ દક્ષિણ કે પશ્ચિમ તરફ રહેવું જોઈએ.

14. ગણેશજીની મૂર્તિ પૂજાઘરમાં રાખતી વખતે ધ્યાન રાખવું કે મૂર્તિ પ્રવેશદ્વારની એકદમ સામે ન રાખી હોય. પૂજાઘરમાં રાખેલી મૂર્તિ ખંડિત અવસ્થામાં ન હોય તેની પણ કાળજી લેવી. ખંડિત થયેલી કે રંગ ઝાંખો થઈ ગયો હોય કે ઊડી ગયો હોય તેવી મૂર્તિ જળમાં પ્રવાહીત કરી દેવી જોઈએ. તેના સ્થાને નવી મૂર્તિની સ્થાપના કરવી.

15. ગણેશજી દક્ષિણામુખી દેવતા છે. દક્ષિણાભિમુખી દેવતા અશુભ શક્તિઓના પ્રતિનિધિ છે. આથી ગણેશજીની પૂજા કરવાથી અશુભ શક્તિઓ ઘર છોડીને ચાલી જાય છે.

16. લાડુઓ ભરેલો થાળ, હાથીની આકૃતિ, ૐ વગેરે ગણેશજીના પ્રતીક ચિહ્ન છે. આપણાં ઘરોમાં સામાન્ય રીતે હાથીની આકૃતિ અને ૐના ચિહ્નનો પ્રયોગ કરવામાં આવે છે. ૐમાં અદભૂત શક્તિ છે. એ ચિર યૌવન અને ઉર્જાનું પ્રતીક છે. જે કોઈ સ્થળે વાસ્તુ દોષ ઉત્પન થયો હોય ત્યાં ૐનું ઉચ્ચારણ કરી શકાય. આમ કરવાથી દોષનું નિવારણ થાય છે અને માનસિક શાંતિની અનુભૂતિ થાય છે.

17. ઘરમાં ગણેશજીની પ્રતિમા કે પ્રતીક ચિહ્ન પરિવારના મૃત્યુ પામેલાં સભ્યોના ફોટાની સાથે ન લગાવવા જોઈએ.

18. ઘરના એક ઓરડામાં ગણેશજીની એક જ પ્રતિમા લગાવવી. એક કરતાં વધુ પ્રતિમા, છબી, ચિત્રો કે પ્રતીક ચિહ્નોનો ઉપયોગ ન કરવો. આમ કરવાથી ઘરમાં અવ્યવસ્થા ઉત્પન થાય છે. સામાન્ય રીતે પૂજાઘર ઉપરાંત અભ્યાસખંડમાં ગણેશજીની પ્રતિમા લગાવવી શુભ રહે છે.

19. જો હોટેલનો વ્યવસાય હોય અને ગણેશજીની પ્રતિમા લગાવવા ઈચ્છતા હો તો ગણેશજી વિશ્રામ કરતાં હોય તેવી મુદ્રાની પ્રતિમા લગાવવી જોઈએ. તેનાથી ગ્રાહકોમાં પ્રસન્નતાની ભાવના મજબૂત બને છે. ગ્રાહક ભોજન કરીને સંતોષનો અનુભવ કરે છે.

20. સિનેમા અથવા મનોરંજન સાથે જોડાયેલો વ્યવસાય હોય કે સંગીત અથવા નૃત્યના વર્ગો ચલાવવાનો વ્યવસાય હોય તો ગણેશજીની નૃત્ય મુદ્રામાં રહેલી પ્રતિમા લગાવી શકાય. તેનાથી વ્યવસાયમાં લાભ થાય છે.

21. નાના બાળકો સંબંધિત વસ્તુઓ જેવી કે રમકડાં કે પુસ્તકોનો વ્યવસાય ધરાવનાર ગણેશજીના બાળસ્વરૂપની પ્રતિમા લગાવી શકે. આ રીતે દરેક વ્યવસાયી પોતાના વ્યવસાયને અનુરૂપ પ્રતિમાની પસંદગી કરી શકે છે.

22. ઘર, ઓફિસ, દુકાન કે ફેક્ટરી ક્યાંય પણ શૌચાલયની નજીક ગણેશજીની પ્રતિમા, મૂર્તિ, છબી, ચિત્ર કે કેલેન્ડર ન લગાવવાં જોઈએ. એવી દિવાલ પર પણ ન લગાવવાં કે જ્યાં આગળ અથવા પાછળ શૌચ સ્થાન હોય. આમ કરવું એ ગણેશજીનું અપમાન કરવા બરાબર છે.

23. ઘરની સીડીઓની દિવાલ પર ગણેશજીની પ્રતિમા કે પ્રતીક ચિહ્નો લગાવવાથી દૂર રહેવું જોઈએ. જેમ-જેમ ઉપર સીડીઓ ચઢીએ તેમ-તેમ ગણેશજી નીચે જતાં જાય છે. આ બાબત ધાર્મિક દ્રષ્ટિકોણથી યોગ્ય ન કહેવાય.

24. ગણેશજીને મોદક અને પોતાનું વાહન મૂષક અત્યંત પ્રિય છે. ગણેશજીના ચિત્રમાં સાથે મોદક કે મૂષક હોય તે જરૂરી છે. 

25. ઘર, ઓફિસ કે શૈક્ષણિક સ્થળોએ ગણેશજીની પ્રતિમા લગાવવાથી વાસ્તુ દોષ નિવારણ તો થાય જ છે, સાથે-સાથે આપણાં ચરિત્ર અને વ્યક્તિત્વનું પણ નિર્માણ થાય છે. જેમ કે ગણેશજીની નાની-નાની આંખો જીવનમાં દરેક વસ્તુને ઝીણવટથી જોવાની શીખ આપે છે. તેથી ક્યારેય દગો નહિ મળે. ગણેશજીના કાન મોટા-મોટા હોય છે. મોટા કાન વધુ સાંભળવાની શીખ આપે છે. કોઈ વ્યક્તિ તમને કંઈ કહેવા માગે છે તો ધ્યાનથી સાંભળો. ગણેશજીના છૂપાયેલાં મુખનો અર્થ છે સંયમમાં રહીને બોલવું. દરેક વાતને એક હદમાં રહીને જ કહેવી જોઈએ. હદનું ઉલ્લંઘન ન કરવું. ગણેશજીની લાંબી સૂંઢ શત્રુઓને દૂરથી જ સૂંઘીને સાવધાન થઈ જવાની શીખ આપે છે. મોટું પેટ વાતોને પચાવવાની અને જરૂરી વાત જ બોલવાની શીખ આપે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

ચોઘડિયાં અને હોરા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર