રોહિણી : ભગવાન શ્રીકૃષ્ણનું જન્મનક્ષત્ર


શ્રાવણ માસ કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઘનઘોર અંધારી મધ્યરાત્રિના રોહિણી નક્ષત્રમાં મથુરાના કારાવાસમાં વસુદેવની પત્ની દેવકીના ગર્ભથી ભગવાન શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો. સમગ્ર ભારત દેશમાં દર વર્ષે અષ્ટમી તિથિએ સૂર્ય સિંહ રાશિમાં હોય અને ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હોય ત્યારે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. રોહિણી નક્ષત્રમાં જન્મ લેનાર સુંદર, આનંદી, શાંત અને મોહિત કરનાર હોય છે. ભગવાન શ્રીકૃષ્ણની મોહિનીથી કોણ બચી શક્યું છે?

સંસ્કૃતમાં રોહિણી એટલે રાતું કે લાલ. તે રાતી ગાય પણ કહેવાય છે. લાલ રંગ પ્રેમ, ઉત્કટતા અને વિષયાસક્તતાનું પ્રતીક છે. રોહ શબ્દનો અર્થ વિકાસ અથવા ઉન્નતિ કરવી થાય છે. રોહણ એટલે કે સવારી કરવી કે સવારી કરનાર. રોહિણી નક્ષત્ર જીવનમાં ધીરે-ધીરે આરોહણ એટલે કે પ્રગતિ કરાવનાર અને ઊંચે લઈ જનાર હોય છે.

રોહિણી નક્ષત્રમાં જન્મનાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મલગ્ન પર પણ રોહિણી નક્ષત્રનો પ્રબળ પ્રભાવ હતો. ન ક્ષતિ ઈતિ નક્ષત્ર એટલે કે જેનો નાશ નથી થતો તે નક્ષત્ર. આકાશમાં જુદા-જુદા સ્થિર તારક સમૂહો રહેલાં છે. તારાઓનાં આ સમૂહો એકબીજાથી સ્પષ્ટ રીતે અલગ જોઈ શકાય છે. આ તારક વૃંદોને આપણે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ. વૈદિક જ્યોતિષમાં કુલ 27 કે 28 નક્ષત્રોની ગણના કરેલ છે. એક રાશિમાં આશરે સવા બે નક્ષત્રનો સમાવેશ થાય છે. રોહિણી નક્ષત્ર વૃષભ રાશિમાં સમાયેલું છે. એક નક્ષત્ર ચાર ચરણ ધરાવતું હોય છે અને રોહિણી નક્ષત્રના ચારેય ચરણ વૃષભ રાશિમાં સમાયેલાં છે. વૃષભ રાશિનો 10 અંશથી લઈને 23 અંશ 20 કળા સુધીનો ભાગ રોહિણી નક્ષત્ર ગણાય છે. 27 નક્ષત્રોમાં રોહિણીનું સ્થાન ચોથું છે.

રોહિણી નક્ષત્રમાં રથના આકારમાં પાંચ તારાઓ ગોઠવાયેલાં છે. રથ એ દેવોનું વાહન ગણાય છે. દેવોનો રથ સત્તા, માન-સન્માન, પ્રતિષ્ઠા અને વૈભવનું પ્રતીક છે. રોહિણી નક્ષત્રમાં જન્મનાર જાતક દરેક પ્રકારના સુખ-સગવડના સાધનો અને વૈભવને ઈચ્છનાર તેમજ માણનાર હોય છે. પોતાના વ્યવહારથી સમાજમાં આદરણીય સ્થાન પ્રાપ્ત કરનાર હોય છે. 

રોહિણીના પાંચ તારાઓની આકૃતિને શકટ પણ કહે છે. શકટ એટલે કે બળદગાડું. પશ્ચિમ દિશા તરફનો એક તારો ગાડાની ધૂરા જેવો અને પૂર્વ દિશા તરફના ચાર તારા ગાડાનાં ચોકઠાં જેવી આકૃતિમાં નજરે પડે છે. પ્રાચીન સમયમાં બળદ અને બળદગાડાનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે થતો હતો. વ્યાપારીઓ બળદગાડાનો ઉપયોગ વસ્તુઓને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા કરતાં હતાં. આમ બળદગાડું કૃષિ અને વ્યાપારી વ્યવસ્થાનું અભિન્ન અંગ હતું. રોહિણી નક્ષત્ર જે રાશિમાં સમાયેલું છે તે વૃષભનો અર્થ જ બળદ થાય છે. વૃષભ રાશિનું ચિહ્ન પણ બળદ છે. જ્યોતિષમાં આ રાશિને કૃષિ, પશુપાલન અને વ્યાપાર સાથે સંકળાયેલી માનવામાં આવે છે. રોહિણી નક્ષત્ર પર બળદના ગુણોનો પ્રભાવ જોવા મળે છે. આ નક્ષત્રમાં જન્મનાર જાતકો બળદની જેમ સતત પરિશ્રમ કરનાર, સાતત્યપૂર્ણ, ધીરજવાન, સંયમિત, સહજ સ્વભાવના અને દ્રઢ ઈચ્છાશક્તિ ધરાવનાર હોય છે. બળદગાડાનું પૈડું સમય સાથે આગળ ધપે છે એ સાથે જ વિકાસ અને પ્રગતિનું નિર્માણ કરે છે. આમ રોહિણી નક્ષત્ર વિકાસ, ઉન્નતિ અને નવા સર્જનનું પ્રતીક છે.

વૈદિક જ્યોતિષમાં ત્રિદેવોમાં સૃષ્ટિનું સર્જન કરનાર બ્રહ્માજીને રોહિણી નક્ષત્રના અધિપતિ દેવતા માનવામાં આવે છે. આ રીતે રોહિણી નક્ષત્ર પર બ્રહ્માજીનો પ્રભાવ આ નક્ષત્રમાં સર્જન, ઉત્પાદન, નવનિર્માણ, વિકાસ અને ઉન્નતિના ગુણોને બળ આપે છે. બ્રહ્માજી દ્વારા વેદ જ્ઞાન વિસ્તૃત થયું. આથી આ નક્ષત્રને જ્ઞાન સાથે પણ ગાઢ સંબંધ છે. રોહિણી વિધિ કે વિરંચી નામે પણ ઓળખાય છે. આ બ્રહ્માજીના જ અન્ય નામો છે.

પુરાણો અનુસાર ૨7 કે 28 નક્ષત્રો દક્ષની પુત્રીઓ હતી. દક્ષ બ્રહ્માનો પુત્ર ગણાય છે અને પ્રજાપતિ પણ છે. દક્ષે પોતાની પુત્રીઓને ચંદ્રદેવ સાથે પરણાવેલી હતી. નિશ્ચિત નિયમ અનુસાર ચંદ્રદેવે પોતાની દરેક પત્ની સાથે વારાફરતી એક-એક દિવસ વીતાવવાનો હતો. પરંતુ રોહિણીનું રૂપ સૌંદર્ય એટલું મોહક હતું કે ચંદ્રદેવ વધુ ને વધુ સમય રોહિણી સાથે જ વીતાવતા હતાં. દક્ષની બધી પુત્રીઓમાં રોહિણી ચંદ્રદેવને સૌથી પ્રિય થઈ પડી હતી. રોહિણીના આ રૂપ સૌંદર્યના ગુણને લીધે રોહિણી નક્ષત્રમાં જન્મ લેનાર જાતક સુંદર હોય છે. વ્યવસ્થિત રહેનાર, સફાઈ પસંદ કરનાર, સત્યનો પક્ષ લેનાર અને કોમળ સ્વભાવ ધરાવનાર હોય છે. ચંદ્રદેવની બાકીની પત્નીઓ રોહિણીની ઈર્ષા કરતી હતી. આથી રોહિણી નક્ષત્રમાં જન્મનાર જાતકોને અન્યોની ઈર્ષાના ભોગ બનવું પડી શકે છે. રોહિણી નક્ષત્ર સુંદરતા, વૈવાહિક સુખ અને સુખી લગ્નજીવન સાથે જોડાયેલું છે. રોહિણી નક્ષત્રનો સ્વામી ચંદ્ર ગણાય છે. ચંદ્ર જ્યારે પોતાના જ નક્ષત્રમાં સ્થિત હોય ત્યારે સ્ત્રી પ્રેમને પ્રગટ કરે છે. રોહિણી ચંદ્રદેવની પ્રિય પત્ની હોવાથી રોહિણી નક્ષત્રમાં ચંદ્રના સર્વશ્રેષ્ઠ ગુણો પ્રગટ થાય છે.

રોહિણી નક્ષત્રમાં ચંદ્ર હોય અથવા તે દસમ ભાવના મધ્યનું નક્ષત્ર હોય અથવા દસમ ભાવના અધિપતિનું નક્ષત્ર હોય ત્યારે ઉદ્યોગ, પશુપાલન કે જળ પદાર્થો સંબંધિત વ્યવસાય કરી શકાય છે. ઠંડા પીણાં, સમુદ્રી જહાજોમાં નોકરી, દૂધ-દહીં-ઘી-મીઠાઈનો વ્યવસાય, શાકભાજી કે ફળોના રસનો વ્યવસાય, ચાંદી-મોતી, કાચ અને કાચની વસ્તુઓ, પ્લાસ્ટીક, સૌંદર્ય પ્રસાધનો અને લગ્ન સંબંધિત કાર્યો લાભદાયી નીવડે. પોતાના સૌંદર્યથી લોકોને આકર્ષિત કરનાર અભિનેતા-અભિનેત્રી, સિનેમા કે ફેશન સાથે સંકળાયેલાં લોકો રોહિણી નક્ષત્રના પ્રભાવ હેઠળ આવે.

જ્યોતિષ અનુસાર શનિનું રોહિણી નક્ષત્ર ભેદન કરવું એટલે કે રોહિણી નક્ષત્રની નજીક આવવું અથવા તો તેનો વેધ કરવો અશુભ ગણાય છે. આ રોહિણી શકટ ભેદન તરીકે પણ ઓળખાય છે. રોહિણી નક્ષત્ર વિકાસ અને સમૃદ્ધિનું પ્રતીક છે. જ્યારે પાપગ્રહથી દૂષિત ન હોય ત્યારે પાક સારા પ્રમાણમાં પાકે છે. જ્યારે શનિ રોહિણી નક્ષત્રમાંથી પસાર થાય છે ત્યારે પાક નિષ્ફળ જાય છે અને દુષ્કાળ પડી શકે છે.

વૈદિક જ્યોતિષ અનુસાર રોહિણી ચતુષ્પાદ નક્ષત્ર છે. ચતુષ્પાદ નક્ષત્ર એટલે કે જેના ચારેય ચરણ એક જ રાશિમાં સમાયેલાં હોય. આ એક સ્થિર અથવા ધ્રુવ નક્ષત્ર છે. રોહિણી નક્ષત્ર પર બળદનો પ્રભાવ છે અને બળદ સ્થિર સ્વભાવ ધરાવનાર તેમજ સતત કામ કરનાર પ્રાણી છે. રોહિણી નક્ષત્રના પ્રથમ ચરણનો વર્ગ ગરૂડ છે. 2, 3, અને 4 ચરણનો વર્ગ મૃગ છે. ગણ માનવ છે અને યોનિ સર્પ છે. પૂર્વ યુંજા અને અંત્ય નાડી છે. વિશોત્તરી દશાનાથ ચંદ્ર છે. જેના વર્ષ દસ છે. શરીરમાં કપાળ પર પ્રભુત્વ ધરાવે છે. પંચતત્વોમાં પૃથ્વીતત્વ ધરાવનાર નક્ષત્ર છે. રોહિણી નક્ષત્રમાં જન્મનાર જાતકોએ આર્દ્રા, પુષ્ય, મઘા, સ્વાતિ, મૂળ, પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં જન્મેલાં સાથેના વ્યવહાર કે સંબંધમાં કાળજી રાખવી જોઈએ. આ નક્ષત્રો દરમિયાન શુભ કાર્યો કરવાથી દૂર રહેવું જોઈએ.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

ચોઘડિયાં અને હોરા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર