સ્વરાશિ સિંહમાં સૂર્યના ભ્રમણની ભવ્યતા


17 ઓગસ્ટ, 2019ના રોજ 13.03 કલાકે નવગ્રહોમાં રાજા એવાં સૂર્ય મહારાજની સવારી સ્વરાશિ સિંહમાં પધારશે. સિંહ રાશિમાં સૂર્યનું આવવું એટલે કે જાણે રાજાનું પોતાના દરબારમાં સિંહાસન પર આસન ગ્રહણ કરવું. અહીં હવે સૂર્ય તેજથી ઝળહળીત છે, ભવ્ય છે, ભપકાદાર છે, સામર્થ્યવાન છે. સિંહ રાશિમાં આવીને સૂર્ય બળવાન બને છે અને પોતાના ગુણોનું ફળ આપવા સંપૂર્ણ રીતે સમર્થ બને છે. રાજાના બળવાન બનવાથી અન્ય ગ્રહ પ્રજા પણ પોતાનું ફળ આપવા સક્ષમ બને છે.

સિંહ રાશિમાં સૂર્યના ભ્રમણનો સમય જીવનની અને જાતની ભવ્યતાને માણવાનો છે. વ્યક્તિગત ઈચ્છાઓ અને સપનાઓને માન આપવાનો છે. ટોળામાંના એક બનીને રહેવા કરતાં કંઈક નોખું કે અનોખું કરવાનો છે. સિંહ રાશિનો સૂર્ય આપણી જીવનશક્તિ અને મહાત્વાકાંક્ષાઓને પાંખ આપે છે. નવું સર્જન કે નવી શરૂઆત કરવાનું બળ પૂરું પાડે છે. તમે જીવનમાં જે કરી ચૂક્યાં છો કે કરી રહ્યાં છો તે માટે ગર્વ અનુભવો છો? જો જવાબ ના હોય તો આ સમય એને બદલવાનો છે.

સિંહ રાશિમાં સૂર્ય એક માસ એટલે કે 17 સપ્ટેમ્બર, 2019 સુધી ગોચર ભ્રમણ કરશે. સકારાત્મક રીતે આ ભ્રમણ વ્યક્તિત્વને ઉદાર અને ગૌરવપૂર્ણ બનાવી શકે તો નકારાત્મક રીતે સ્વકેન્દ્રિત કે મિથ્યાભિમાની બનાવી શકે છે. આ ભ્રમણ દરમિયાન સૂર્ય અન્ય ગ્રહો મંગળ, શુક્ર અને બુધ સાથે સંબંધમાં આવશે. બારેય રાશિઓ/જન્મલગ્નને સૂર્યનું સિંહ રાશિમાં ભ્રમણ કેવું ફળ આપશે તે જોઈએ.

અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગના બિંદુ વગેરે પરિબળો પર રહેલો છે.   

મેષ (અ, , ઈ): સૂર્ય પંચમ સ્થાનમાંથી ભ્રમણ કરશે. આત્મવિશ્વાસ, ઉર્જા અને ઉત્સાહમાં વધારો થાય. પોતાની જાતને રચનાત્મક રીતે અભિવ્યક્ત કરી શકાય. નવા જોખમો ઉઠાવી શકાય. સંતાનને લીધે ગર્વનો અનુભવ થઈ શકે છે. કાર્યક્ષેત્રે પ્રગતિજનક સમય રહે. નવી નોકરી મળી શકે છે. નોકરીમાં રહેલાંને પ્રમોશન મળવાની સંભાવના રહે. માન-સન્માનમાં વધારો થાય. નાણાકીય આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. બાળકો સાથે રમત-ગમતમાં તેમજ મનોરંજન હેતુ સમય વ્યતીય થાય. પોતાના શોખ માટે સમય ફાળવી શકાય. પ્રેમના અંકુર ખીલી શકે છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં પ્રગતિજનક સમય રહે. 

વૃષભ (બ, , ઉ): સૂર્ય ચતુર્થ સ્થાનમાંથી ભ્રમણ કરશે. ઘર-પરિવાર પર ધ્યાન કેન્દ્રિત રહે. નવા જમીન, મકાન કે વાહનની ખરીદી થઈ શકે. ઘરની સમૃદ્ધિ અને સુખ-સગવડમાં વૃદ્ધિ શક્ય બને. ખાનદાની ઘર-પરિવાર કે વૈભવી આવાસને લીધે ગર્વનો અનુભવ થાય. ઘરમાં મોભાનું સ્થાન મળે. સમાજમાં પરિવારનું માન-સન્માન વધે. ઘરના સભ્યો વચ્ચે અહમના પ્રશ્નો પેદા ન થાય તે બાબતે કાળજી રાખવી. કાર્યક્ષેત્રે વિકાસની તક મળે. નોકરીમાં રહેલાંને પ્રમોશન મળી શકે. મનોબળ મજબૂત બને તેમજ મન ધર્મ તરફ ઢળેલું રહે. ઘરમાં પૂજા-પાઠ કે અન્ય ધાર્મિક કાર્યો થઈ શકે.

મિથુન (ક, , ઘ): સૂર્ય તૃતીય સ્થાનમાંથી ભ્રમણ કરશે. નવા સાહસી કાર્યો થઈ શકે છે. કમ્યુનિકેશન થાય અને નવા સંપર્કો બને. સંદેશાઓની આપ-લે, વિચારોના આદાન-પ્રદાન અને ચર્ચા-સંવાદોને લીધે વ્યસ્તતામાં વધારો થાય. બૌદ્ધિક બાબતોમાં ઝળકી ઉઠો. નાના ભાઈ-બહેનો સાથેના સંબંધ મજબૂત બને. પાડોશીઓ, પિતરાઈઓ અને નજીકના મિત્રોની મદદની પ્રાપ્તિ થાય. નોકરી બદલવાનું વિચારતા હો તો આ સમય યોગ્ય રહે. ઉપરી અધિકારીઓના સહકારની પ્રાપ્તિ થાય. સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય. નાની-મોટી લાભદાયી યાત્રાઓ થઈ શકે છે.

કર્ક (ડ, હ): સૂર્ય દ્વિતીય સ્થાનમાંથી ભ્રમણ કરશે. નાણાકીય સ્થિરતા અને સલામતી પર ધ્યાન કેન્દ્રિત બને. જોખમો ઉઠાવવાથી દૂર રહેવાનું વલણ રહે. નાણાકીય લાભ અને નાણાકીય બચતમાં વૃદ્ધિ થઈ શકે છે. પોતાની જાતને સુખ આપવાં હેતુ સુખ-સગવડના સાધનોની ખરીદી થઈ શકે છે. અધૂરાં કાર્યો અચાનક પૂરાં થવાં લાગે. કુટુંબને લીધે ગર્વનો અનુભવ થાય. જો કે કુટુંબના સભ્યો વચ્ચે અહમના પ્રશ્નો પેદા ન થાય તેની કાળજી રાખવી. કુટુંબનો વિયોગ પણ સહેવો પડી શકે છે. વાણીમાં ગર્વ ન ભળે તેની કાળજી રાખવી. જીવનસાથીનું આરોગ્ય ચિંતા કરાવી શકે. આંખોનું ધ્યાન રાખવું.

સિંહ (મ, ટ): સૂર્ય પ્રથમ/લગ્નસ્થાનમાંથી ભ્રમણ કરશે. અન્યોને પોતાના વ્યક્તિત્વથી પ્રભાવિત કરી શકો. લોકો તરફથી માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય. શારીરિક ઉર્જામાં નવો સંચાર થાય. આમ છતાં ક્રોધ, ઉગ્રતા અને ઉષ્ણતામાં વધારો થઈ શકે છે. ભૂતકાળને ભૂલીને જીવનમાં એક નવી શરૂઆત કરી શકાય. નવો રસ્તો કંડારી શકાય. પોતે કંડારેલાં રસ્તા પર અન્યોને દોરી શકાય. નેતાગીરીનો ગુણ ખીલી ઉઠે. પાયારૂપ કાર્યો થઈ શકે. સરકારી નોકરી કે વ્યવસાયથી લાભ રહે. આરોગ્યમાં સ્થિરતા બની રહે. જીવનસાથી સાથે મતભેદ પેદા થઈ શકે છે.

કન્યા (પ, , ણ): સૂર્ય બારમાં સ્થાનમાં ભ્રમણ કરશે. આ સમય પોતાની જાતની અંદર ઝાંકવાનો રહે. જાત માટે સમય કાઢી આત્મમંથન કરી શકાય. વ્યક્તિત્વમાં રહેલાં ગર્વ અને અહંકાર દૂર કરી શકાય. અન્ય લોકો સાથે સ્પર્ધા કરવાની ભાવના ક્ષીણ કરવી. આ સમય દરમિયાન નવા કાર્યોની શરૂઆત કરવાથી દૂર રહેવું જોઈએ. નોકરી બદલી શકે કે નોકરીને લીધે સ્થળાંતર થઈ શકે છે. વિદેશયાત્રાના યોગ પ્રબળ બને. ઘરથી દૂરના સ્થળની યાત્રા કરી રજાઓનો આનંદ માણી શકાય. નાણાકીય ખર્ચાઓ વધી ન જાય તેની કાળજી રાખવી. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે.  

તુલા (ર, ત): સૂર્ય અગિયારમાં સ્થાનમાં ભ્રમણ કરશે. મિત્રવર્તુળમાં વધારો થાય. મિત્રોને લીધે ગર્વનો અનુભવ કરી શકો. મિત્રોને લીધે આર્થિક લાભ થવાની પણ સંભાવના રહે. કાર્યક્ષેત્રે ઉપરી અધિકારી તરફથી માન-સન્માનની પ્રાપ્તિ થાય. નાણાકીય આવકમાં વૃદ્ધિ થાય. લાંબા સમયથી સેવેલા સપનાઓ અને ઈચ્છાઓની પૂર્તિ શક્ય બને. નવા સપનાઓનાં બીજ વાવી શકાય. નવા સંપર્કો અને ઓળખાણો બની શકે. સરકારી કામકાજોથી લાભ રહે. સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. સંતાન સાથે મળીને પ્રવૃતિઓ કરી શકાય. જીવનસાથી કે પ્રિયજન સાથે દલીલો કરવાથી દૂર રહેવું.

વૃશ્ચિક (ન, ય): સૂર્ય દસમ સ્થાનમાંથી ભ્રમણ કરશે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે વૃદ્ધિ અને વિકાસ થવાની પૂર્ણ સંભાવના છે. ઊપરી અધિકારીઓની પ્રશંસાને પાત્ર બનો. કાર્યસ્થળે માહિતી અને વિચારોની અભિવ્યક્તિ સુંદર અને યોગ્ય રીતે કરી શકો. પ્રમોશન મળી શકે છે. કામને લીધે પ્રસિદ્ધિ અને માન-સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે. મહત્વના કામકાજો સફળતાથી પૂર્ણ કરી શકાય. નોકરી-વ્યવસાયના કામકાજને લીધે નાની-મોટી યાત્રા સંભવી શકે. સત્તાધારી વ્યક્તિઓ સાથે સંપર્ક બને. કામમાં વધુ પડતું ધ્યાન આપવાને લીધે ઘરમાં તણાવનું વાતાવરણ રહી શકે છે. માતાના આરોગ્યની કાળજી લેવી.

ધનુ (ભ, , , ઢ): સૂર્ય નવમ સ્થાનમાંથી ભ્રમણ કરશે. ભાગ્યનો સંપૂર્ણ સાથે મળે. જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ વિશાળ બને. અનુભવની ક્ષિતિજો વિસ્તરે. જીવનનો ખરો હેતુ જાણવાની ઈચ્છા જાગે. નવા જોખમો ઉઠાવી શકાય. ધનલાભ થવાની શક્યતા રહે. સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધે અને તીર્થયાત્રા પણ થઈ શકે છે. પિતાના સહયોગની પ્રાપ્તિ થાય. ઉચ્ચ અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થી મિત્રો માટે આ શ્રેષ્ઠ સમય રહે. લાંબા અંતરની યાત્રા કે વિદેશ યાત્રા પણ થઈ શકે છે. કુટુંબમાં ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ રહે. નાના ભાઈ-બહેનોને કષ્ટ પડી શકે છે.

મકર (ખ, જ): સૂર્ય અષ્ટમ સ્થાનમાંથી ભ્રમણ કરશે. નાણાકીય બચતની યોજનાઓ ઘડી શકાય. વ્યસનથી મુક્તિ મેળવવા હેતુ પ્રયત્નો કરી શકાય. જ્યોતિષ, અધ્યાત્મ, યોગ કે ગૂઢ અને રહસ્યમય વિદ્યાનો અભ્યાસ સફળતાપૂર્ણ રીતે થઈ શકે. વારસાગત ધનલાભ થવાની શક્યતા રહે. આરોગ્ય સંબંધી મુશ્કેલી પડી શકે છે. આંખ અને હાડકાંને લગતી બિમારીથી સાવધ રહેવું. નાણાકીય ખર્ચમાં વધારો થાય. કાર્યક્ષેત્રે માન-સન્માન અને ઊપરી અધિકારીઓના સહયોગની ઉણપ રહે. વિવાદોથી બચવું અને સંયમથી કામ લેવું. પિતાના આરોગ્યની કાળજી લેવી. કોઈ પરિણામ વગરની નિષ્ફળ યાત્રા થઈ શકે છે.

કુંભ (ગ, , , ષ):  સૂર્ય સપ્તમ સ્થાનમાંથી ભ્રમણ કરશે. વ્યક્તિત્વની તેજસ્વિતામાં વધારો થાય. વ્યાવસાયિક છબી સુદ્રઢ બને. જાહેર પ્રસિદ્ધિમાં વધારો થાય. પોતાના અને જીવનસાથીના સ્વભાવમાં ઉગ્રતા વધવાથી લગ્નજીવનમાં મતભેદ થઈ શકે છે. સમજદારીથી કામ લેવું. કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવી પડે. કોઈના સાથની કે ભાગીદારીની જરૂરત વર્તાય. પોતાની અને જીવનસાથીની મહત્વાકાંક્ષાઓ વચ્ચે સમતુલન બનાવી રાખવું જરૂરી બને. અપરિણીત જાતકોને પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવતાં કે સરકારી નોકરી ધરાવતાં પાત્ર સાથે લગ્નની વાતચીત ચાલવાની સંભાવના બને.

મીન (દ, , , થ): સૂર્ય ષષ્ઠમ સ્થાનમાંથી ભ્રમણ કરશે. પોતાની નોકરી કે કામની બાબતે ગર્વનો અનુભવ થઈ શકે. કામમાં સફળતાની પ્રાપ્તિ થાય. આ સમય દરમિયાન શારીરિક તંદુરસ્તી સુધારવા કે જાળવવા તરફ ધ્યાન આપી શકાય. દૈનિક કાર્યપ્રણાલીમાં સુધારો થઈ શકે. ઋણમુક્તિ થઈ શકે છે. નવી લોન લેવાં માટે આ સમય ઉત્તમ રહે. સહેલાઈથી લોન મળી શકે. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતાની પ્રાપ્તિ થાય. શત્રુઓ અને હરીફો પર વિજય મેળવી શકાય. વિદેશયાત્રા થઈ શકે છે. નાણાકીય ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જરૂરી બને. વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝળહળતી સફળતા મળે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા