કેવાં છે તમારા મિત્રો અને મૈત્રી સંબંધો?


હાલમાં 30 જુલાઈના રોજ ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડેમનાવવામાં આવ્યો. ભારતમાં આ દિવસ ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે એટલે કે આ વર્ષે 4 ઓગસ્ટ, 2019ના રોજ મનાવવામાં આવશે. શું કહે છે જ્યોતિષ મિત્રો અને મિત્રતા વિશે?

જન્મકુંડળીમાં એકાદશ એટલે કે અગિયારમો ભાવ સ્વજાતિના મિત્રોનો નિર્દેશ કરે છે. એકાદશભાવથી સપ્તમભાવ એટલે કે પંચમભાવ વિજાતીય મિત્રોનો નિર્દેશ કરે છે. પંચમભાવ એ પ્રેમનો ભાવ છે. સામાન્ય રીતે વ્યક્તિ પોતાનાં વિજાતીય મિત્ર સાથે જ પ્રેમમાં પડતી હોય છે. તૃતીયભાવ નજીકના મિત્રનો નિર્દેશ કરે છે. એવો મિત્ર કે જેને તમે ભાઈ સમાન ગણો છો. આમ છતાં એકાદશભાવ એ મિત્રતા માટેનો પ્રમુખ ભાવ છે.

બારેય રાશિઓ અગ્નિ (1, 5, 9), પૃથ્વી (2, 6, 10), વાયુ (3, 7, 11) અને જળતત્વમાં (4, 8, 12) વહેંચાયેલી છે. સમાન તત્વની રાશિ કે લગ્ન ધરાવતી વ્યક્તિ સાથે સરળતાથી મૈત્રી સંબંધો રચાય છે. આ ઉપરાંત પૃથ્વી અને જળ તેમજ અગ્નિ અને વાયુ રાશિ/લગ્ન ધરાવતી વ્યક્તિ સાથે સરળતાથી મિત્રતા થાય. જ્યારે અગ્નિ અને જળ તેમજ પૃથ્વી અને વાયુનો વ્યવહાર મિત્રતાપૂર્ણ રહેવાની શક્યતા ઓછી રહે.

11મો ભાવ, 11માં ભાવનાં અધિપતિ, 11માં ભાવમાં રહેલાં કે દ્રષ્ટિ કરી રહેલાં ગ્રહોના આધારે જાતકના મૈત્રી સંબંધોની ગુણવત્તા અંગેની જાણકારી મળે છે. બળવાન શુક્ર કે બુધ ધરાવતી વ્યક્તિઓને સારા મિત્રોની પ્રાપ્તિ થાય છે. જ્યારે 11માં ભાવનો અધિપતિ પોતાની ઉચ્ચ રાશિ સ્થિત હોય ત્યારે જાતકને મદદરૂપ બને તેવાં મિત્રોની પ્રાપ્તિ થાય છે. એથી ઉલટું, જ્યારે એકાદશેશ નીચ રાશિ સ્થિત હોય ત્યારે જાતકે મિત્રોને મદદરૂપ થવું પડે છે. નિર્બળ એકાદશેશ ધ્યેયહીન અને બિનવફાદાર મિત્રોનો નિર્દેશ કરે છે. 11માં ભાવમાં સ્થિર રાશિ (2, 5, 8, 11) લાંબા ગાળાના મૈત્રી સંબંધો અપાવે છે. શુભ ગ્રહોથી દ્રષ્ટ 11મો ભાવ મિત્રો બનાવવાની અને જાળવી રાખવાની આવડતનો નિર્દેશ કરે છે. જ્યારે અશુભ ગ્રહોથી દ્રષ્ટ 11મો ભાવ મિત્રોનો વિયોગ અને ડહાપૂણપૂર્વક મિત્રોની પસંદગી કરવાની આવડતનો અભાવ સૂચવે છે.

એકાદશભાવના અધિપતિનું બાર ભાવમાં ફળ

પ્રથમભાવ: પોતાનાં જેવા જ શોખ, વિચારો અને ગમાં-અણગમાં ધરાવતાં મિત્રોની પ્રાપ્તિ, લોકો મળે ત્યારે સૌ પ્રથમ જાતકના મિત્રતાભર્યા વ્યવહારની નોંધ લે.  

દ્વિતીયભાવ: મિત્રોને લીધે આર્થિક સ્થિરતા, સુરક્ષા અને સંપતિની પ્રાપ્તિ, મિત્ર મૂડી સમાન હોય છે, મિત્રો કુટુંબનો હિસ્સો બની જાય છે અને ઘણીવાર સાથે ભોજન કરવાનો આનંદ માણે છે.

તૃતીયભાવ: દરેક સાથે મિત્રની જેમ વાતચીત, સંદેશાવ્યવહાર અને માહિતીનું આદાન-પ્રદાન કરે, સોશિયલ નેટવર્કિંગ પસંદ કરે, ભાઈ-બહેનો સાથે મિત્રતા ધરાવે.

ચતુર્થભાવ: મિત્રો મનોજગત પર અસર કરે અને માનસિક સુરક્ષાની અનુભૂતિ કરાવે, મિત્ર સાથે રહેવા આવે, માતા સાથે મિત્રતાભર્યો સંબંધ ધરાવે, અંગત અને ખાનગી મિત્રતા ધરાવે.

પંચમભાવ: કલામાં રુચિ ધરાવતાં મિત્રોની પ્રાપ્તિ થાય, સાથે અભ્યાસ કરતી વ્યક્તિ મિત્ર બને, મિત્ર સાથે પ્રેમ થાય, સંતાનના મિત્ર બનીને રહે.

ષષ્ઠમભાવ: સહકર્મચારી મિત્ર બને, મિત્ર સાથે મળીને સેવાના કાર્યો કરે, મિત્ર સાથે મળીને ડાયેટીંગ કે કસરત કરે, મિત્ર સાથે શત્રુતા કે કોર્ટ-કચેરીના કેસ થવાની સંભાવના.

સપ્તમભાવ: મિત્ર સાથે લગ્નની ભાગીદારી અથવા વ્યવસાયની ભાગીદારી રચાય છે, મિત્રની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરે, ઈન્ટરનેટથી બનેલાં મિત્ર સાથે લગ્ન થવાની સંભાવના.

અષ્ટમભાવ: ગૂઢ બાબતોમાં રસ ધરાવતાં મિત્રોની પ્રાપ્તિ, મિત્ર અને મિત્રતા વિશે ગુપ્તતા જાળવે, ખાનગી ગ્રુપ કે રહસ્યમય મિત્રો ધરાવે, ઘણીવાર અચાનક જ મિત્ર વિચિત્ર રીતે વર્તે. 

નવમભાવ: મિત્રો સાથે મળીને યાત્રા કરે કે યાત્રા દરમિયાન મિત્રો બનાવે, સાથે ઉચ્ચ અભ્યાસ કરતી વ્યક્તિ મિત્ર બને,  મિત્રો સાથે મળીને ધાર્મિક પ્રવૃતિઓ કરે, પિતા સાથે મિત્રતાભર્યો સંબંધ ધરાવે.

દસમભાવ: વ્યવસાય કે નોકરીને લીધે મિત્રો બને, મિત્રોની મદદથી કારકીર્દિમાં સફળતાની સીડીઓ સર કરે, પ્રસિદ્ધ વ્યક્તિઓ સાથે મિત્રતા ધરાવે અથવા પોતે મિત્રોને જાહેર પ્રસિદ્ધિ અપાવે.

એકાદશભાવ:  મિત્ર પાસે મિત્રતા સિવાય અન્ય કોઈ અપેક્ષાઓ ધરાવતાં નથી, સરખાં શોખ, ઈચ્છાઓ અને સપનાઓ ધરાવતી વ્યક્તિ સાથે મિત્રતા થાય, મિત્રોના મિત્રો સાથે પણ મિત્રતા ધરાવે.

દ્વાદશભાવ: વ્યસની કે વાસ્તવિકતાથી દૂર ભાગતાં પલાયનવાદી મિત્રો ધરાવે, મિત્રોને લીધે દુ:ખ કે આર્થિક વ્યય થવાની સંભાવના રહે, પરદેશમાં વસતી વ્યક્તિ સાથે મિત્રતા થાય, પીઠ પાછળ દગો દેનાર મિત્ર મળે.

એકાદશભાવ સ્થિત ગ્રહોના આધારે ફળ

સૂર્ય: સૂર્યના તેજની માફક જ આપ આપના મિત્રવર્તુળમાં ચળકવાં માગો છો. મિત્રો વચ્ચે પોતાની જાતને સારી રીતે અભિવ્યક્ત કરી શકો. મિત્રો તમારા વિશે શું વિચારે છે તે તમારા માટે અગત્યનું હોય છે. શુભ ગ્રહોથી દ્રષ્ટ સૂર્ય મિત્રવર્તુળમાં લોકપ્રિય બનાવી શકે. શક્તિશાળી કે સત્તા ધરાવનાર મિત્રો હોય જે જીવનમાં તમને મદદરૂપ બને. ઉદાર હ્રદય ધરાવતાં, ગર્વિષ્ઠ અને નેતાપદે રહેલાં મિત્રોની પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મળીને કરેલી પ્રવૃતિને લીધે માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય. સત્ય અને માનવતાને ખાતર મિત્ર ન હોય તેવી વ્યક્તિને પણ મદદરૂપ બનો. જાતકના જીવનમાં પિતા મિત્ર બનીને રહે. દૂષિત કે પીડિત સૂર્ય મિત્રવર્તુળ પર વર્ચસ્વ કે નિયંત્રણ રાખવાની કોશિશ કરનાર બનાવે. ઘણીવાર જાતક મિત્રોને લીધે પરિવાર કે કામને અવગણે. સામાન્ય રીતે 11માં ભાવમાં રહેલાં સૂર્યનું તેજ મૈત્રી સંબંધોને બાળી નાખે છે. ઓછાં પરંતુ સાચાં મિત્રો ધરાવે. ઘણી ઓળખાણો હોવા છતાં માત્ર આત્મવિશ્વાસથી ભરપૂર, પ્રતિભાવાન, ઉચ્ચ સામાજીક હોદ્દો કે સત્તા ધરાવનાર, રાજવી, વફાદાર અને પ્રામાણિક લોકો તમારા અંતરંગ મિત્ર વર્તુળમાં સ્થાન પામી શકે. પુરુષ મિત્રો સાથે વધુ સારાં સંબંધો રહે. સ્ત્રીની કુંડળીમાં પુરુષ મિત્રોનો નિર્દેશ કરે. જો કે આ પુરુષ મિત્રો પ્રેમી કે સાથી તરીકે નહિ, પરંતુ સ્ત્રીના જીવનમાં વિશિષ્ટ અને સામાજીક સકારાત્મક ભૂમિકા ભજવે છે. ઘણીવાર સ્ત્રીના મોટાભાઈની ગરજ સારે.

ચંદ્ર: મિત્રો સાથે લાગણીથી જોડાયેલાં હોય છે. મિત્રો વગર ગમતું નથી. આથી ઘણીવાર ન ગમતાં લોકો સાથે પણ સમય વીતાવે છે. લોકો સાથે હળવા-મળવાની સામાજીક આવડત ધરાવનાર હોય. સતત મિત્રો સાથે રહેવામાં ઘણીખરી ઉર્જા ખર્ચાઈ જતી જોવા મળે. ઘણીવાર અર્થપૂર્ણ મૈત્રીસંબંધોનો અભાવ જોવા મળે છે. ઉપરછલ્લાં અને આધાર રાખી ન શકાય તેવાં મિત્રો મળી શકે. જીવનમાં મિત્રોની આવન-જાવન ચાલુ રહે. ચંદ્રના ચંચળ સ્વભાવને લીધે સ્થિર મૈત્રીસંબંધોનો અભાવ રહે. માતાને મિત્ર તરીકે જુએ. જ્યારે મિત્રો સાથે હોય ત્યારે તેમની કાળજી લેનાર હોય. મિત્રોને અવારનવાર પોતાના ઘરે ભોજન-મિજબાનીઓ માટે આમંત્રણ આપનાર હોય. પોતાની જાતે મિત્રો માટે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરે. જાતકનું ઘર મિત્રોને મળવાનો અડ્ડો બની રહે. ઘર-પરિવારના સંબંધોને લીધે મિત્રોની પ્રાપ્તિ થાય. ઘણાં સ્ત્રી મિત્રો ધરાવનાર હોય. સ્ત્રીઓના રસના વિષયો જેવા કે સજાવટ, શૃગાંર, રસોઈ વગેરેમાં રસ ધરાવતાં મિત્રોની પ્રાપ્તિ થાય. કેટલાંક પ્રેમાળ અને સ્નેહાળ મિત્રોની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો દ્વારા કરાતી ટીકા પ્રત્યે સંવેદનશીલ વલણ ધરાવનાર હોય. દૂષિત કે પીડિત ચંદ્ર મિત્રો સાથે લાગણીઓની બાબતમાં મતભેદો આપી શકે.

મંગળ: મૈત્રીસંબંધો સ્થાપિત કરવામાં પહેલ કરનાર હોય. મિત્રો બનાવવામાં અને મિત્રો સાથે સંકળાઈને રહેવામાં ઘણી ઉર્જાનો ખર્ચ કરે. સાહસી, પરાક્રમી, આક્રમક, જોશ, ઉમંગ અને ઉત્સાહથી ભરેલાં મિત્રોની પ્રાપ્તિ થાય. મિત્રો જાતકનો જુસ્સો વધારનાર હોય. પુરુષ મિત્રોની સંખ્યા વધુ રહે. પૌરુષીય પ્રકૃતિ ધરાવનાર સ્ત્રી મિત્ર બને. જો મંગળ દૂષિત હોય તો જાતક મિત્રોની બાબતમાં આળો અને સંવેદનશીલ હોય છે. આવેગ અને અવિચારીપણાંને લીધે મિત્રો સાથે ઘર્ષણ થવાની સંભાવના રહે. મિત્રો સાથે સહકારપૂર્ણ રીતે વર્તવામાં મુશ્કેલીનો અનુભવ કરે. પોતાની રીતે દરેક કાર્ય કરવાં ઈચ્છે અને મિત્રોની ઈચ્છાને અવગણનાર હોય. મિત્રવર્તુળમાં સંવાદિતા બનાવી રાખવા સહકારપૂર્ણ વર્તન કરવું અને અહમને વચ્ચે ન લાવવો હિતાવહ રહે. હિંસક વૃતિ ધરાવનારા અને ધિક્કાર ફેલાવનારા મિત્રોથી દૂર રહેવું પણ જરૂરી બને. રમત-ગમત કે શારીરિક પ્રવૃતિઓમાં રસ ધરાવતાં મિત્ર સમૂહ સાથે જોડાઈ શકાય. મિત્રો સાથે સ્પર્ધાત્મક અભિગમ ધરાવે. કેટલીકવાર ઉત્સાહપૂર્વક નવા મિત્રો બનાવે પરંતુ અગાઉથી અસ્તિત્વ ધરાવતાં મૈત્રી સંબંધો જાળવી રાખવામાં નિષ્ફળ નીવડે. 11મે રહેલાં મંગળ પર ચંદ્ર કે શુક્રની દ્રષ્ટિ સ્ત્રી મિત્રો સાથે વળગણ આપી શકે.

બુધ: મિત્રો સાથે વિચારોનું આદાન-પ્રદાન કરતાં રહે છે. તમારા માટે મૈત્રી સંબંધોમાં કમ્યુનિકેશન સૌથી વધુ મહત્વ ધરાવે છે. બૌદ્ધિક મિત્રો શોધવાનો પ્રયત્ન કરે. બૌદ્ધિક અને અર્થપૂર્ણ વાતો નહિ કરતાં મિત્રો માટે અણગમો અનુભવે. દરેક વ્યક્તિ સાથે વિચારોનું આદાન-પ્રદાન કરવા માટે અને કંઈક નવું શીખવા માટે આતુર રહે છે. ઘણીવાર સંગ તેવો રંગ લાગી જાય છે. મિત્રોના ગુણોને અપનાવી લે છે. આથી યોગ્ય મિત્રોની પસંદગી થાય તે બાબતે સચેત રહેવું જરૂરી બને. બુદ્ધિથી મૈત્રીપૂર્ણ વ્યવહાર કરનાર હોય. લાગણીઓની અભિવ્યક્તિ કે ભાવનાત્મક જોડાણ ખાસ જોવા ન મળે. એકલાં મુસાફરી કરવાને બદલે મિત્રોના સમૂહ સાથે મુસાફરી કરવાનું પસંદ કરનાર હોય. ખુલ્લા દિલથી મિત્રોના વિરોધાભાસી દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરે. વાંચન-લેખનમાં રુચિ ધરાવતાં, સાહિત્યરસિક, વાચાળ કે વેપારી વર્ગ સાથે મૈત્રી સંબંધો સ્થપાય છે. પરંતુ જો બુધ શુભ ગ્રહોથી દ્રષ્ટ ન હોય તો પછી બુધના બેવડાં વલણને લીધે મિત્રો વચ્ચેની લાગણીનો સેતુ અડગ રહેતો નથી. જીવનમાં મિત્રો આવતાં-જતાં રહે છે. 11મે દૂષિત બુધ ધરાવનાર જાતકે મદદ માટે મિત્રો પર આધાર રાખવાનું કે મિત્રો વતી જામીન થવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત મિત્રો સાથે ગોસિપ કરવાની આદતથી બચવું જોઈએ.

ગુરુ: મિત્રોની બાબતમાં ભાગ્યશાળી નીવડો. મિત્રો માનસિક, બૌદ્ધિક, આધ્યાત્મિક વિકાસમાં મદદરૂપ બને છે. તમારા મિત્રો તમને એક સારા સ્વભાવની અને દયાળુ વ્યક્તિ ગણે છે. મિત્રોનું હિત ઈચ્છનાર જાતક હોય. જીવનમાં પોતાના જેવાં જ દયાળુ અને ઉદાર મિત્રોની પ્રાપ્તિ થાય. મિત્રો સાથે જોડાઈ રહેવામાં આનંદ આવે. મિત્રો પાસેથી લેવા કરતાં આપવાનું વલણ રહે. તમારા માટે સામાજીક જીવન ઘણું અગત્યનું હોય છે. વિદ્વાન, ગુણવાન, ધનવાન અને હંમેશા મદદ કરવા તત્પર મિત્રોનો સાથ મળે છે. મુશ્કેલીના સમયમાં ક્યારેય એકલાં ન હોય. બહોળું મિત્ર વર્તુળ ધરાવનાર હોય. મિત્રોને લીધે સુખ અને લાભની પ્રાપ્તિ થાય. લાંબા ગાળા સુધી ટકી રહેનારાં મૈત્રી સંબંધો સ્થપાય. મિત્રો સાથે જ્ઞાનસભર અને વિદ્વતાભરી ચર્ચાઓ થાય. મિત્રોને લીધે ભાગ્ય ઉઘડે તેમજ આર્થિક સમૃદ્ધિની પ્રાપ્તિ થાય. કાયદાશાસ્ત્ર, ધર્મ કે અભ્યાસના ક્ષેત્ર સાથે સંકળાયેલાં મિત્રોની પ્રાપ્તિ થાય. સ્ત્રીની કુંડળીમાં જો 11મે ગુરુ હોય તો પતિ મિત્ર બને. દૂષિત કે પીડિત ગુરુ હોય તો મિત્રોની સલાહ ફિલસૂફી ભરેલી હોય જે વ્યવહારિક જીવનમાં ઉપયોગી ન નીવડે. મિત્રો સાથે વધુ પડતો સમય વ્યતીત કરે અને કામ કે અભ્યાસને અવગણનાર બને.

શુક્ર: હૂંફાળા અને પ્રેમભર્યા મૈત્રી સંબંધો ધરાવનાર હોય. મિત્રો સાથે સમય વ્યતીત કરવો પ્રિય હોય. સ્વરૂપવાન, સુંદર કે ફેશનેબલ વસ્ત્રો ધારણ કરનાર, કલાઓમાં રુચિ ધરાવનાર મિત્રોની પ્રાપ્તિ થાય. સિનેમા અને મીડિયા સાથે સંકળાયેલાં લોકો અને સ્ત્રીઓ સાથે મૈત્રી સંબંધો રચાઈ શકે છે. મુશ્કેલીના સમયમાં મિત્રો મદદ કરનાર હોય. પુરુષની કુંડળીમાં 11મે શુક્ર હોય તો અમુક સ્ત્રી મિત્રો જીવનમાં લાભદાયી નીવડે. મિત્રોને તમે પ્રેમાળ, મોહક અને આકર્ષક લાગો. જીવનમાં ઘણાં વિજાતીય મિત્રોને આકર્ષનાર હોય. મિત્રવર્તુળમાં ફ્લર્ટ કરનાર હોય. ક્યારેક એક કરતાં વધુ મિત્રો સાથે પણ ફ્લર્ટ કરતાં હોય. ઘણીવાર પ્રેમ અને મૈત્રીનું મિશ્રણ થઈ જાય છે. જાતક પોતાના વિજાતીય મિત્રના પ્રેમમાં પડીને લગ્ન કરી લે છે. જીવનમાં એક કરતાં વધુ પ્રણય પ્રસંગો ઉદ્ભવવાની સંભાવના રહે. એક જ વ્યક્તિ સાથે સ્થિર સંબંધમાં રહેવામાં મુશ્કેલી અનુભવે. કોઈ સોશિયલ ક્લબનું સભ્યપદ ધરાવનાર હોય. મિત્રોને લીધે આર્થિક લાભ થવાની શક્યતા રહે છે. મિત્રો વચ્ચે સંવાદિતા જળવાઈ રહે છે. કોઈકવાર જાતક સામેની વ્યક્તિને પૂરી જાણ્યાં સમજ્યા વગર અને પરિણામનો વિચાર કર્યા વગર જ મિત્રતા સ્થાપિત કરી લે છે.

શનિ: મૈત્રી સંબંધોને ગંભીરતાથી લેનાર હોય. જીવનમાં સ્થિરતા પામેલાં મિત્રો બનાવવાનું પસંદ કરે. કાળજીપૂર્વક મિત્રોની પસંદગી કરનાર હોય. મિત્રવર્તુળમાં ગંભીર અને પુખ્ત રીતે વર્તનાર હોય. જરૂરિયાતના સમયે મિત્રોની મદદ કરે છે. બહુ ઓછાં પરંતુ સાચાં મિત્રો હોય. દૂષિત શનિ સ્વાર્થી સ્વભાવના મિત્રો આપે. પોતાનાથી મોટી વયના કે ગંભીર, શિસ્તબદ્ધ અને પરિપક્વ સ્વભાવ ધરાવતાં લોકો સાથે મિત્રતા આપે. પોતાની વયના લોકો સાથે કશી સમાનતા ન અનુભવે. ઝડપથી લોકોમાં વિશ્વાસ ન મૂકી શકે. જૂનવાણી અને પરંપરાગત વિચારો ધરાવતાં મિત્ર ધરાવે. મજબૂત મૈત્રી સંબંધો બાંધવામાં ધીમા હોય છે. જૂની બાળપણથી ચાલી આવતી મૈત્રી સિવાયના નવા મૈત્રી સંબંધો સ્થાપવા બાબતે ઉદાસીનતા દાખવે છે. ઘણીવાર જે થોડાં મિત્રો હોય એ પણ કામને લીધે હોય. મિત્રોની સાથે રહેવાં કરતાં એકલાં સમય વ્યતીત કરવો વધુ પસંદ કરે. દૂષિત શનિ લોકોને ધિક્કારનાર બનાવે. મિત્રવર્તુળમાં સહેલાઈથી હળી-મળી ન શકવાને લીધે અલગ તરી આવે. મિત્રો સાથે લગાવ કે ભાવનાત્મક જોડાણથી દૂર રહે છે. ઘણીવાર મિત્રતાને લીધે બોજ, બંધન કે જવાબદારીનો અનુભવ કરે. મિત્રોની મદદ ન મળે. જૂનાં મિત્રોનું પણ જાતકના લાભ માટે યોગદાન સીમિત હોય. 

રાહુ: પરદેશમાં વસતી કે વિધર્મી વ્યક્તિ સાથે મિત્રતા રચાય. ઘણીવાર પોતાના કરતાં અલગ રીતે ઉછરેલી કે અલગ સંસ્કૃતિ, ભાષા, રહેણી-કરણી ધરાવતી વ્યક્તિ મિત્ર બને છે. મૈત્રી સંબંધોને લીધે આર્થિક લાભ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. જ્યોતિષી સાથે મિત્રતા આપી શકે. બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. આમ છતાં મિત્રના વેશમાં શત્રુ ન ભટકાઈ જાય તે બાબતે ચેતતાં રહેવું જોઈએ. મિત્રો દ્વારા છેતરપીંડી કે વિશ્વાસઘાત થવાનો ભય રહે.

કેતુ: મિત્રોથી અલિપ્તતા અને દૂરી રાખે છે. બહુ ઓછાં લોકો સાથે સામાજીક રીતે સંકળાય છે. જીવનમાં આધાર રાખી શકાય એવાં કે લાંબા ગાળાના મૈત્રી સંબંધોનો અભાવ રહે. સામાજીક રીતે અસ્વીકાર્ય હોય તેવી વ્યક્તિ સાથે મિત્રતા આપે. ઉચ્ચ સામાજીક હોદ્દો ધરાવતાં મિત્રોનો અભાવ રહે. અધ્યાત્મમાં કે ગૂઢ બાબતોમાં રુચિ ધરાવતાં મિત્રો મળે. મિત્રો સાથે ખાસ લગાવ ન અનુભવે. ઘણીવાર અનુભવે કે મિત્રોએ તેમનો ત્યાગ કરી દિધો છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

નક્ષત્ર