રાશિઓના તત્વના આધારે પરસ્પર મૈત્રી અને ગુણ-દોષ


સમગ્ર સૃષ્ટિનું નિર્માણ પંચતત્વોથી થયેલું છે. આ પાંચ તત્વો અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ છે. વૈદિક જ્યોતિષમાં પંચતત્વો મુજબ બાર રાશિઓને ત્રણ-ત્રણ રાશિના બનેલા એવાં ચાર સમૂહમાં વિભાજીત કરવામાં આવી છે.

1. અગ્નિતત્વ: મેષ, સિંહ, ધનુ
2. પૃથ્વીતત્વ: વૃષભ, કન્યા, મકર
3. વાયુતત્વ: મિથુન, તુલા, કુંભ
4. જળતત્વ: કર્ક, વૃશ્ચિક, મીન

આકાશતત્વ સર્વવ્યાપી છે અને દરેક રાશિમાં સમાયેલું છે.

આ પંચતત્વોથી માનવ શરીરનું નિર્માણ થયું છે અને આ પંચતત્વો જ માનવ સ્વભાવની પ્રકૃતિ નક્કી કરે છે. રાશિઓ સાથે જોડાયેલાં તત્વ વિલક્ષણ વ્યક્તિત્વ, ગુણ-દોષ, ભાવનાઓ અને વ્યવહારનો નિર્દેશ કરે છે. જ્યોતિષનો હેતુ વ્યક્તિત્વમાં રહેલાં સકારાત્મક ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નકારાત્મક ગુણોને ઓળખીને તેને દૂર કરવાનો છે.

તત્વોના આધારે રાશિઓની પરસ્પર મિત્રતા અને શત્રુતા

પત્યેક રાશિના તત્વના આધારે બારેય રાશિઓમાં પરસ્પર મિત્રતા અને શત્રુતાનો વિચાર કરવામાં આવે છે. સમાન શીલે વ્યસનેષુ સખ્યમ અર્થાત જેમનાં શીલ અથવા વ્યસન સરખાં છે તેમની વચ્ચે મિત્રતા થાય છે. આ સૂત્ર અનુસાર સમાન તત્વ ધરાવતી રાશિઓ જેમ કે મેષ-સિંહ કે વૃષભ-કન્યા વગેરે એકસરખાં વિચાર અને પ્રકૃતિ ધરાવતી હોવાથી પરસ્પર નૈસર્ગિક મિત્રતા ધરાવે છે. આ ઉપરાંત અગ્નિ અને વાયુ પરસ્પર મિત્ર છે. વાયુ અગ્નિને પ્રજવલ્લિત કરવામાં સહાયક બને છે. જ્યારે અગ્નિ અને જળ બંને પરસ્પર વિરોધી તત્વો છે. અગ્નિ જળને ગરમ કરીને બાળી નાખી શકે છે અથવા જળ અગ્નિ પર પડીને એને ઠારી નાખી શકે છે. આથી અગ્નિ અને જળતત્વ રાશિઓ વચ્ચે મૈત્રી શક્ય નથી. પૃથ્વી અને જળ પરસ્પર મિત્ર છે. જળને લીધે જ પૃથ્વી પર વનસ્પતિ, ફળ-ફૂલ, પ્રાણીઓ અને અન્ય જીવો જીવંત રહે છે. જળ કોઈ આકાર કે સ્વરૂપ ધરાવતું નથી. પૃથ્વી પોતાની મજબૂત સપાટી પર જળને ટકી રહેવા અને વહેવા માટે આધાર પૂરો પાડે છે. આથી વિપરિત પૃથ્વી અને વાયુ પરસ્પર શત્રુતા ધરાવે છે. અનિયંત્રિત રીતે ફૂંકાતો વાયુ પૃથ્વી પર વિનાશ વેરી શકે છે.

અગ્નિ અને પૃથ્વી એકબીજાં સાથે શત્રુતા ધરાવે છે. તેમજ જળ અને વાયુ પણ પરસ્પર શત્રુતા ધરાવે છે. પરંતુ જો વાયુ જળ સાથે હોય તો સાધારણ રીતે હાનિકારક પ્રભાવ રહેતો નથી. તે જ પ્રકારે પૃથ્વીનો અગ્નિ સાથેનો સંબંધ પણ વિશેષ હાનિકારક માનવામાં આવ્યો નથી.

પ્રત્યેક તત્વના ઉત્કૃષ્ટ મિત્ર, મિત્ર/સમ અને શત્રુ તત્વને નીચે આપેલ કોષ્ટક પરથી જાણી શકશો.  

તત્વ
ઉત્કૃષ્ટ મિત્ર
મિત્ર/સમ 
શત્રુ
અગ્નિ
વાયુ
પૃથ્વી
જળ
પૃથ્વી
જળ
અગ્નિ
વાયુ
વાયુ
અગ્નિ
જળ
પૃથ્વી
જળ
પૃથ્વી
વાયુ
અગ્નિ

રાશિઓના તત્વના આધારે વ્યક્તિત્વના ગુણ-દોષ

દરેક મનુષ્યના સ્વભાવમાં પાંચ તત્વો સમાનરૂપથી હાજર હોઈ ન શકે. કોઈક અગ્નિતત્વની પ્રધાનતા ધરાવતું વ્યક્તિત્વ હોય તો કોઈક વળી જળતત્વની પ્રધાનતા ધરાવતું હોય. જન્મલગ્ન (પ્રથમ ભાવ), સૂર્ય અને ચંદ્રની રાશિઓનાં તત્વ વ્યક્તિત્વ નિર્માણમાં પ્રમુખ ભૂમિકા ભજવે છે. આ સિવાય જન્મકુંડળીમાં મોટાં ભાગના ગ્રહો ક્યાં તત્વની રાશિઓમાં રહેલાં છે તે ચકાસો. ચાર કે ચારથી વધુ ગ્રહો એક જ તત્વ ધરાવતી રાશિઓમાં પડ્યાં હશે તો તે તત્વ વ્યક્તિત્વ અને વર્તન પર પ્રભુત્વ ધરાવતું હશે. પાંચ કરતાં વધુ ગ્રહો એક જ તત્વમાં પડ્યાં હશે તો તેની ઘણી વધારે અસર અને બે કે બેથી ઓછાં ગ્રહો જે તત્વમાં પડ્યાં હોય તેની અસર ઘણી ઓછી રહેશે. તત્વોની પ્રધાનતાના આધારે વ્યક્તિત્વના ગુણ-દોષનું વર્ણન નીચે મુજબ છે.

1. અગ્નિતત્વ (ઉગ્ર, આવેશમય) 

રાશિઓ: મેષ, સિંહ, ધનુ   

અગ્નિ પ્રકૃતિના જાતકનો ચહેરો લલાટ આગળથી પહોળો અને હડપચી પાસે સાંકળો હોય છે. શારીરિક બાંધો દૂબળો-પાતળો હોય છે. એકવડિયું શરીર, લાલ આંખો, ચંચળ મન અને ઝડપી ચાલ એ અગ્નિતત્વની વિશેષતા છે. આ જાતકો ચપળ, ચંચળ, અત્યંત ઉગ્ર, ક્રૂર, આવેશમય તથા ક્રોધી સ્વભાવ ધરાવનાર હોય છે. વિચારો કરવા કરતાં કર્મ કરવામાં વધુ માને છે. હંમેશા સક્રિય રહેનાર ક્રિયાશીલ તત્વ છે. અગ્નિની જ્વાળાઓ સાહસી અને જિંદગીને પૂરાં જોશથી જીવવાનું પ્રતીક છે. જે કામ હાથમાં લે તેને પૂરું કરીને જ ઝંપે છે. ઝડપથી નિર્ણયો લેનાર અને લડાયક વૃતિ ધરાવનાર હોય છે. જીવનમાં આવતાં પડકારોને એકલાં હાથે પહોંચી વળે છે અને જોખમથી ડર્યા વગર નિર્ણયો લઈ શકે છે. સ્વતંત્ર અને અન્યોની રજામંદી લેવાની જરૂરત નહિ સમજનારા જાતકો હોય છે. પોતાની ઈચ્છાઓ અને મહાત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે સ્વકેન્દ્રિત વલણ ધરાવનાર હોય છે. તીવ્ર સ્મરણશક્તિ ધરાવનાર હોય છે. જન્મજાત નેતાગીરીના ગુણો ધરાવનાર હોય છે. રાજકારણ અને રમત-ગમત ક્ષેત્રે આગળ પડતો ભાગ લે છે. અગ્નિતત્વની પ્રધાનતા ધરાવતી સ્ત્રીઓ પુરુષનું વર્ચસ્વ ધરાવતાં ક્ષેત્રોમાં પોતાની હાજરી નોંધાવે છે. આ જાતકોને ભૂખ વધારે પ્રમાણમાં લાગે છે. જલ્દીથી અન્યો સાથે લગાવ કે લાગણીભીનાં સંબંધોથી જોડાઈ શકતાં નથી. અગ્નિ લાગણીઓને બાળીને શુષ્ક અને લાગણીવિહીન બનાવી મૂકે છે. અગ્નિતત્વની પ્રધાનતા સામાન્ય કરતાં વધુ હોય ત્યારે ઘણીવાર હિંસક અને પાશવી વૃતિઓ જોવા મળે છે.

2. પૃથ્વીતત્વ (ભૌતિકવાદી, વાસ્તવવાદી)

રાશિઓ: વૃષભ, કન્યા, મકર

પૃથ્વી પ્રકૃતિના જાતકોનો ચહેલો ચોરસ હોવાની સંભાવના રહે છે. લાંબા, સુદ્રઢ અને સુડોળ શરીર ધરાવનાર હોય છે. હડપચી થોડી ઉપસેલી હોય છે અને આકર્ષક લલાટ ધરાવનાર હોય છે. સ્વસ્થ અને બળવાન જાતકો હોય છે. વ્યાવહારિકતા, ઉદ્યોગશીલતા અને સંચય કરવાની વૃતિ વધારે પ્રમાણમાં હોય છે. ધીમી ગતિથી લાંબા સમય સુધી ધીરજપૂર્વક કાર્યો કરનાર હોય છે. અગાઉથી યોજના ઘડીને કાર્યને અમલમાં મૂકે છે. વિશ્વાસુ, વિનમ્ર અને આધાર રાખી શકાય તેવા જાતકો હોય છે. શાંત, સંયમિત અને ભાગ્યે જ ગુસ્સે થનાર હોય છે. ભૌતિક વસ્તુઓ અને આરામ-વૈભવ પ્રત્યે લગાવ ધરાવનારા હોય છે. કામથી થાકી જાય ત્યારે પોતાના શરીરને આરામ આપે છે. કલ્પનાઓ અને સપનાઓની દુનિયામાં વિહરવાથી દૂર રહી ધરતી સાથે જોડાયેલાં વાસ્તવવાદી જાતકો હોય છે. ઘણીવાર રૂઢીવાદી અને પરંપરાઓને અનુસરનાર હોય છે. નિયમો અનુસાર તેમની દિનચર્યા ચાલે છે. સ્ત્રીઓમાં પૃથ્વીતત્વની પ્રધાનતા સ્થૂળતા અથવા વિશિષ્ટ પ્રકારની ચાલ આપી શકે છે. આવી સ્ત્રીઓ વ્યવહારકુશળ, કર્મઠ અને સંયમશીલ પ્રકૃતિની હોય છે. પૃથ્વી પ્રધાન જાતકો સંબંધોમાં વફાદાર અને સ્થિર હોય છે. મુશ્કેલ સમયમાં પ્રિયજનને પૂરો સાથ આપે છે. પૃથ્વીતત્વની સામાન્ય કરતાં વધુ પ્રધાનતા આળસુ બનાવે છે. હઠ, વિલાસિતા અને અકર્મણ્યતાને લીધે જીવન દુ:ખમય બની જાય છે.

3. વાયુતત્વ (બૌદ્ધિક, વિચારશીલ)

રાશિઓ: મિથુન, તુલા, કુંભ

વાયુ પ્રકૃતિના જાતકોનો ચહેરો અંડાકાર હોય છે. સુંદર અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવનાર હોય છે. મસ્તક ઉન્નત અને વિશાળ હોય છે. સ્ફૂર્તિલા, ઉત્સાહથી ભરેલાં અને આશાવાદી વ્યક્તિત્વ ધરાવનાર હોય છે. બૌદ્ધિક, વિચારશીલ, વિશ્લેષણાત્મક અને મળતાવડાં જાતકો હોય છે. વિચારવિમર્શ અને સંવાદ-ચર્ચાઓને પસંદ કરનાર હોય છે. મૈત્રીપૂર્ણ વ્યવહાર ધરાવે છે અને સંબંધો બનાવી-જાળવી રાખે છે. સામાજીક મેળાવડાંઓમાં લોકો સાથે સહેલાઈથી હળી-મળી જાય છે. સારા પુસ્તકો અને વાંચનને ચાહનારા હોય છે. મગજ પાસેથી કામ લે છે અને પોતાને સ્ફૂરતા નવા નવા વિચારો દુનિયા સાથે વહેંચે છે. સ્પષ્ટ વાણી અને ભાષાઓ પર કાબુ ધરાવનાર હોય છે. સારા લેખક કે વક્તા બની શકે છે. જીવનમાં વૈવિધ્ય અને નવીનતાને પસંદ કરનાર હોય છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાની રમૂજ વૃતિ જાળવી રાખે છે. વાયુને એક જગ્યા પર નિયંત્રિત રાખી શકાતો નથી. આમ વાયુપ્રધાન જાતકો પણ સ્વભાવમાં ચંચળતા અને અસ્થિરતા ધરાવનાર હોય છે. વાયુની જેમ સ્વચ્છંદ વિચરણ કરવાનું પસંદ કરે છે. જ્ઞાન પ્રાપ્તિની ધગશ અને જીજ્ઞાસાવૃતિથી ભરેલાં હોય છે. સૌંદર્યપ્રેમી અને કામુક પણ હોઈ શકે છે. વાયુતત્વ પ્રધાન સ્ત્રીઓ બુદ્ધિમાન હોય છે. તેનામાં ઘમંડનો અભાવ હોય છે. વાયુતત્વ જાતકો સંબંધોમાં લાગણી હોવાનો દેખાવ કે નાટક રચી શકે છે. સંબંધમાં જોડાઈ રહેવા માટે તેમને બૌદ્ધિક સંતોષ મળવો જરૂરી હોય છે. વાયુતત્વની પ્રધાનતા વિચારોમાં ઉપરછલ્લાંપણું આપી શકે. પરિસ્થિતિનો ઝીણવટથી અભ્યાસ કરવાનો અભાવ આપે.

4. જળતત્વ (સંવેદનાસભર, ભાવુક)

રાશિઓ: કર્ક, વૃશ્ચિક, મીન 

જળ પ્રકૃતિના જાતકોનો ચહેરો ગોળ હોય છે. શરીરમાં મેદનું પ્રમાણ વધારે હોવાની સંભાવના રહે. સ્નિગ્ધ ભરેલાં ગાલ ધરાવે છે. સ્થૂળકાય શરીર અને મોટું પેટ ધરાવનાર હોય છે. કલ્પનાશીલ, સંવેદનશીલ અને સપનાઓની દુનિયામાં વિહરનાર જાતકો હોય છે. વિચારોમાં સ્થિરતાનો અભાવ જોવા મળે છે. અન્ય લોકોની ભાવના અને લાગણીઓને સમજી શકનાર હોય છે. સૌમ્યતા, મૃદુતા, નિ:સ્વાર્થપણું અને દાનની વૃતિ જોવા મળે છે. રડવું તેમના માટે સ્વાભાવિક સંવેદનાઓ અભિવ્યક્ત કરવાની પ્રક્રિયા હોય છે. સારા કવિ બની શકે છે. ઘણીવાર ઊંડા પાણી જેવું રહસ્યમય વ્યક્તિત્વ ધરાવનાર હોય. તીક્ષ્ણ યાદશક્તિ ધરાવનાર હોય છે. પોતાની જાતની ટીકા કરી શકે છે. પુરુષમાં જળતત્વની પ્રધાનતા તેને પરિવારપ્રેમી બનાવે છે. આવા પુરુષો ઘરના કામોમાં મદદ કરવાનું, રસોઈ કરવાનું કે બાગકામ કરવાનું પસંદ કરનાર હોય છે. જળતત્વ પ્રકૃતિ ધરાવતી સ્ત્રીઓ લલિતકળાઓમાં વિશેષ રુચિ ધરાવનાર હોય છે. મિઠાઈ વધુ ભાવતી હોય છે. શ્રૃંગાર કરવાનું પસંદ કરનાર બુદ્ધિમાન અને વિદુષી સ્ત્રી હોય છે. પતિ અને પરિવારજનો પ્રત્યે સ્નેહ ધરાવનાર હોય છે. વ્યક્તિત્વમાં ઉદારપણું અને દયાની ભાવના જોવા મળે છે. જળ પ્રકૃતિના જાતકો સંબંધોમાં અગાધ, અખૂટ અને અંતરંગ પ્રેમ કરનાર હોય છે. પ્રિયજનનો સાથ આપવા હંમેશા હાજર હોય છે. જળતત્વની પ્રધાનતા આળસ, અકર્મણ્યતા અને નિરાશાના ગુણો પેદા કરે છે. માનસિક સંતુલન ગુમાવી બેસવાનો ભય રહે.

ટિપ્પણીઓ

Sonal Raithatha એ કહ્યું…
Khub saras. Thank you for sharing your knowledge.
Vinati Davda એ કહ્યું…
@Sonal Raithatha, Thank you!!
Unknown એ કહ્યું…
ખુબજ સરસ
Vinati Davda એ કહ્યું…
@Unknown, આભાર

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર