નાભસ યોગો

યોગ એટલે કે જોડાવું કે જોડાણ. યોગ ચાર પરિસ્થિતિઓમાં ઉદ્ભવે છે.

૧. ગ્રહોનો પરસ્પર સંબંધ થવાથી
૨. ગ્રહ અને ભાવનો સંબંધ થવાથી
 ૩. ગ્રહ અને રાશિનો સંબંધ થવાથી
 ૪. ગ્રહ, ભાવ અને રાશિનો સંબંધ થવાથી

નાભસ યોગ

લગભગ બધાં જ જ્યોતિષ જાતક ગ્રંથોમાં નાભસ યોગનો ઉલ્લેખ કરાયો છે. સામાન્ય અને બિનઅનુભવી જ્યોતિષી નાભસ યોગને ચકાસવાનું ચૂકી જાય છે. હકીકતમાં જન્મકુંડળી જોવાની શરૂઆત કરતાં સૌ પ્રથમ નાભસ યોગને ધ્યાનમાં લેવાં જોઈએ. નાભસ યોગ જાતકની જિંદગી, પ્રકૃતિ અને વલણ વિશેની માહિતી આપે છે. નાભસ નામ નભ એટલે કે આકાશ પરથી પડ્યું છે. આકાશમાં ગ્રહોની સ્થિતિ અને ગોઠવણીને આધારે રચાતા યોગો એટલે કે નાભસ અથવા તો નભસ યોગો! આ યોગોમાં ગ્રહોની રાશિ, ભાવાધિપત્ય કે યુતિ-દ્રષ્ટિ સંબંધનું મહત્વ નથી. નાભસ યોગની રચનામાં જન્મલગ્નનું પણ મહત્વ રહેલું નથી. આથી બની શકે કે અમુક સમયના અંતરે કે એક જ દિવસે જન્મેલાં જાતકોની કુંડળીમાં એકસરખાં નાભસ યોગ રચાયેલાં હોય. આ યોગોનું ફળ દશા કે અંતર્દશા પર આધારિત નથી. એટલે કે નાભસ યોગનો ઉપયોગ જીવનમાં ઘટતી ઘટનાનો સમય જાણવાં માટે થતો નથી. આ યોગો જીવનભર ફળ આપવા શક્તિમાન રહે છે.

નાભસ યોગમાં સૂર્યથી લઈને શનિ સુધીના સાત ગ્રહોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ યોગોની રચનામાં રાહુ અને કેતુનો સમાવેશ થતો નથી. નાભસ યોગનું આકલન કરતી વખતે બુધ, ગુરુ, શુક્ર અને ચંદ્રને શુભ ગ્રહો તરીકે લેવામાં આવે છે. ચંદ્ર શુક્લ પક્ષનો છે કે કૃષ્ણ પક્ષનો છે તે ધ્યાનમાં લેવાનું રહેતું નથી. મંગળ અને શનિની ગણતરી પાપગ્રહોમાં કરવામાં આવે છે. પાપગ્રહો સાથેનો સૂર્ય પાપગ્રહ ગણાશે અને શુભગ્રહો સાથેનો સૂર્ય શુભ ગ્રહ ગણાશે. એકલો રહેલો સૂર્ય ક્રૂર એટલે કે સામાન્ય પાપગ્રહ જ ગણવામાં આવે છે.

નાભસ યોગો સંપૂર્ણપણે રચાતા હોય એ જરૂરી નથી. થોડાં ફેરફાર સાથે જો નાભસ યોગની શરત પૂરી થતી હોય તો તેને ધ્યાનમાં લઈ શકાય. દા.ત. નાભસ યોગની શરતમાં કહ્યું હોય કે બધાં ગ્રહો ચર રાશિમાં હોવા જોઈએ. હવે જો મોટાંભાગના ગ્રહ ચર રાશિમાં હોય અને એક કે બે ગ્રહ ચર સિવાયની રાશિમાં હોય તો પણ ફળને ધ્યાનમાં લઈ શકાય.

પૂર્વાચાર્યોએ નાભસ નામના 1800 યોગ વિસ્તારપૂર્વક વર્ણવ્યા છે. જેમાંથી 32 મુખ્ય છે. આ 32 યોગને આકૃતિ, આશ્રય, દલ અને સંખ્યા એમ ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યા છે.

1. આશ્રય યોગ

ગ્રહ ચર, સ્થિર કે દ્વિસ્વભાવ રાશિમાં આશ્રય લે તેના આધારે આશ્રય યોગ રચાય છે. કુલ 3 આશ્રય યોગ છે.

1. રજ્જુ: જ્યારે બધા ગ્રહો ચર રાશિમાં સ્થિત હોય ત્યારે રજ્જુ યોગ રચાય છે. આ યોગમાં જન્મનાર જાતક પરદેશમા વસવાટ કરનાર, હમેશા પ્રવાસની અભિરૂચિ ધરાવનાર, ત્વરિત નિર્ણયો લેનાર અને મહાત્વાકાંક્ષી હોય છે.

2. મુસલ: જ્યારે બધા ગ્રહો સ્થિર રાશિમાં સ્થિર રાશિમા સ્થિત હોય ત્યારે મુસલ યોગ રચાય છે. આ યોગમા જન્મનાર જાતક અભિમાની, ધનવાન, સ્થિર સ્વભાવ, એક જ જગ્યાએ લાંબો સમય રહેનાર અને પરિવર્તનને જલ્દીથી નહિ સ્વીકારનાર હોય છે. 

3. નલ યોગ: જ્યારે બધા ગ્રહો દ્વિસ્વભાવ રાશિમા સ્થિત હોય ત્યારે નલ યોગ રચાય છે. આ યોગમાં જન્મનાર જાતક ખોડખાંપણ ધરાવનાર, કુશળ, અસ્થિર સંપતિ ધરાવનાર અને પોતાના પ્રિયજનોને ચાહનાર હોય છે. ઘણીવાર હાથમા આવેલ તકને ગુમાવી દે છે. પરિણામે નિરાશાનો અનુભવ કરે છે. દ્વિસ્વભાવ રાશિના સ્થિર રાશિ સાથે જોડાયેલા પહેલા 15 અંશ સ્થિર સ્વભાવના ગણી શકાય અને પછીના ચર રાશિ સાથે જોડાયેલા 15 અંશ ચર સ્વભાવના ગણી શકાય.

2. દલ યોગ

1. માલા અથવા સ્રક: જ્યારે કેંદ્રસ્થાનોમા બધા શુભ ગ્રહો સ્થિત હોય તો સ્રક યોગ રચાય છે. કોઈપણ એક કે બે કેંન્દ્રસ્થાનોમા બુધ, ગુરુ, શુક્ર અને ચંદ્ર પડવાથી પણ સ્રક યોગ રચાય છે. આ યોગમાં જન્મનાર જાતક સદા સુખી, વાહન, વસ્ત્ર, ધનસુખથી યુક્ત, આનંદી અને સ્ત્રીનુ સુખ પામનાર હોય છે.

2. સર્પ: જ્યારે કેન્દ્રસ્થાનોમાં બધા પાપગ્રહો સ્થિત હોય ત્યારે સર્પ યોગ રચાય છે. આ યોગમા જન્મનાર જાતક દુષ્ટ સ્વભાવ, અસ્થિર પ્રકૃતિ, સદા દુ:ખી અને ક્રોધી અને બીજાના ટુકડાઓ પર નભનાર દરિદ્ર નર હોય છે.

3. આકૃતિ યોગ

જ્યારે ગ્રહો કુંડળીના ચોક્ક્સ ક્ષેત્રમા સ્થિત હોય ત્યારે આકૃતિ યોગ રચાય છે. કુલ 20 પ્રકારના આકૃતિ યોગ છે.

1. નૌકા: લગ્નથી લઈને સાત સ્થાનોમાં (1, 2, 3, 4, 5, 6, 7)  ક્રમમાં બધા ગ્રહો સ્થિત હોય ત્યારે નૌકા યોગ રચાય છે. નૌકા યોગમાં જન્મ લેનાર જાતક જળ સંબંધી કે જળ માર્ગ સંબંધી આજીવિકા ધરાવનાર હોય છે. તેમજ દવા, મદ્ય, સોડા વોટર આદિ પાણી સમાન પ્રવાહી પદાર્થોનો વિક્રેતા હોય છે. ઐશ્વર્યવાન, ઉદ્યોગી, હસમુખ, માન-પ્રતિષ્ઠા ધરાવનાર, બળવાન અને લોભી હોય છે.

2. કૂટ: ચતુર્થથી લઈને સાત સ્થાનોમાં (4, 5, 6, 7, 8, 9, 10) ક્રમમાં બધા ગ્રહો સ્થિત હોય તો કૂટ યોગ રચાય છે. આ યોગમાં જન્મનાર જાતક પર્વતો અને જંગલોમા રહેનાર ક્રૂર કર્મો કરનાર હોય છે. જૂઠું બોલનાર, પાખંડી, ચાલાક અને કારાવાસની સજા ભોગવનાર હોય છે. ક્યારેક ચોર અથવા ડાકૂ પણ હોય શકે છે.

3. છત્ર: સપ્તમથી લઈને સાત સ્થાનોમાં (7, 8 , 9, 10, 11, 12, 1) ક્રમમાં બધા ગ્રહો સ્થિત હોય ત્યારે છત્ર યોગ રચાય છે. આ યોગમાં જન્મનાર જાતક દિર્ઘાયુષી હોય છે. બાળપણ અને વૃધ્ધાવસ્થા પરમ ઉત્કૃષ્ટ અને સુખદાયી રહે છે. મધ્યાયુમાં દુ:ખી થાય છે. વૈભવ સંપન્ન, ઉદાર હ્રદય, બલિષ્ઠ શરીર, દયાવાન અને રાજ્યશાસનથી લાભ મેળવનાર હોય છે.

4. ચાપ: દસમસ્થાનથી લઈને સાત સ્થાનોમાં (10, 11, 12, 1, 2, 3, 4) ક્રમમાં બધા ગ્રહો સ્થિત હોય ત્યારે ચાપ યોગ રચાય છે. ચાપ યોગમાં જન્મ લેનાર જાતક લૂંટ ચલાવનાર, ઠગ અને ધૂર્ત હોય છે. ક્રૂરતા, અસત્યતા અને નિર્ધનતા તેમના સ્વભાવમાં રહેલી હોય છે. સમાજમાં તેમનુ કોઈ મહત્વ હોતુ નથી એટલે એકાંતસ્થાનોમાં પોતાના જેવી અપરાધ વૃતિ ધરાવનાર લોકોની સાથે રહે છે.

5. અર્ધચંદ્ર: કેંદ્રસ્થાન સિવાય કોઈપણ સ્થાન એટલે કે પણફર અથવા આપોકિલમ સ્થાનથી શરૂ થઈને સાત સ્થાનોમાં બધા ગ્રહો સ્થિત હોય તો અર્ધચંદ્ર યોગ રચાય છે. કુલ 8 પ્રકારે આ યોગ રચાય છે. ધનસ્થાનથી શરૂ થઈને અષ્ટમસ્થાન સુધી, ષષ્ઠસ્થાનથી શરૂ થઈને વ્યયસ્થાન સુધી, અષ્ટમસ્થાનથી શરૂ થઈને ધનસ્થાન સુધી અને વ્યયસ્થાનથી શરૂ થઈને ષષ્ઠસ્થાન સુધી આ ચાર પ્રકારના અર્ધચંદ્ર યોગમાં અનિષ્ટ ફળ વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. જ્યારે તૃતીયસ્થાનથી શરૂ થઈને નવમસ્થાન સુધી, પંચમસ્થાનથી લઈને લાભસ્થાન સુધી, નવમસ્થાનથી શરૂ થઈને તૃતીયસ્થાન સુધી અને લાભસ્થાનથી શરૂ થઈને પંચમસ્થાન સુધી આ ચાર પ્રકારે બધા ગ્રહો રહેલા હોય તો શુભ ફળ પ્રાપ્ત થાય છે. જાતક નિ:સ્વાર્થી, ત્યાગી અને મમતાળુ હોય છે.

6. વજ્ર: લગ્ન અને સપ્તમસ્થાનમાં બધા શુભ ગ્રહો સ્થિત હોય અને ચતુર્થ અને દસમસ્થાનમાં બધા પાપગ્રહો સ્થિત હોય તો વજ્ર યોગ રચાય છે. આ યોગમાં જન્મ લેનાર જાતક પૂર્વ તથા અંતિમ વયમાં સુખી ભાગ્યવાન, શૂરવીર, નિરોગી, મધ્ય વયમાં નિર્ધન અને દુષ્ટોથી વિરોધી રહેવાવાળો હોય છે.

7. યવ: લગ્ન અને સપ્તમસ્થાનમાં બધા પાપ ગ્રહો સ્થિત હોય અને ચતુર્થ અને દસમસ્થાનમા બધા શુભ ગ્રહો સ્થિત હોય તો યવ યોગ રચાય છે. આ યોગમાં જન્મ લેનાર જાતક પરાક્રમી, મધ્ય વયમાં સુખી, જપ તપ વ્રત નિયમમાં પ્રીતિ રાખવાવાળો, સ્થિર ચિત્ત ધરાવનાર શુદ્ધ પુરુષ હોય છે.

8. કમલ: લગ્ન, ચતુર્થ, સપ્તમ અને દસમ આ ચારેય કેંદ્રસ્થાનોમા શુભ અને પાપ મિશ્ર ગ્રહો પડ્યા હોય તો કમલ યોગ રચાય છે. આ યોગમાં જન્મ લેનાર જાતક વિખ્યાત, યશ અને કિર્તીવાન, ગુણી, દિર્ઘાયુ, સુંદર રૂપવાન, શુભ કાર્યો કરનાર રાજા સમાન અત્યંત સુખી પુરુષ હોય છે.

9. વાપી: ફક્ત પણફર સ્થાનો 2, 5, 8 અને 11 માં બધા ગ્રહો સ્થિત હોય અથવા ફક્ત આપોકિલમ સ્થાનો 3, 6, 9 અને 12 માં બધા ગ્રહો સ્થિત હોય ત્યારે વાપી યોગ રચાય છે. સ્થાન ભિન્નતાને લીધે પણફર વાપી યોગ અને આપોકિલમ વાપી યોગ એમ બે પ્રકારના વાપી યોગ સંભવ બને છે. આ યોગમાં જન્મ લેનાર જાતક ધન સંપાદન કરવામાં ચતુર પરંતુ દાન નહિ કરનાર, શારીરિક શ્રમ કરનાર, પુરુષાર્થવાદી અને પૂર્વાયુષ્યમાં દારિદ્ર ભોગવનાર હોય છે.

10. શકટ: બધા ગ્રહો ફક્ત લગ્ન અને સપ્તમ આ બે જ સ્થાનોમાં સ્થિત હોય તો શકટ યોગ રચાય છે. જો કે કુંડળીમાં કોઈપણ બે સ્થાનોમાં સામસામે રહેલાં ગ્રહોથી આ યોગ રચાય શકે છે. આ યોગમાં જન્મ લેનાર જાતક ગાડીવાન, ગાડીના ધંધાની આજીવિકા ધરાવનાર, નિત્ય રોગી, દુષ્ટ તથા સ્ત્રીવાન હોય છે. દ્વિભાર્યા યોગ સંભવ બને છે. અનેક પ્રકારની નોકરી કે ધંધાઓ ધરાવી શકે છે.

11. પક્ષી/વિહંગ: બધા ગ્રહો ચતુર્થ અને દસમ આ બે સ્થાનોમાં સ્થિત હોય તો પક્ષી યોગ રચાય છે. આ યોગમાં જન્મ લેનાર જાતક ઝઘડાળુ, દૂત તથા પ્રવાસી હોય છે.

12. ગદા: પાસે-પાસેના બે કેંદ્રસ્થાનોમાં બધા ગ્રહો સ્થિત હોય તો ગદા યોગ રચાય છે. કુલ ચાર પ્રકારે ગદા યોગ રચાય છે. પ્રથમ અને ચતુર્થ, ચતુર્થ અને સપ્તમ, સપ્તમ અને દસમ, દસમ અને પ્રથમ એમ ચાર પ્રકારે ગદા યોગ સંભવ બને છે. આ યોગમાં જન્મ લેનાર જાતક પ્રતિદિન ઉદ્યોગ ધંધા કરનાર, ધનવાન, યજ્ઞકર્તા, શાસ્ત્રજ્ઞ, ગાયન કલામાં નિપુણ, ધન, રત્ન, ઐશ્વર્વ્ય આદિ સમૃદ્ધિ સંપન્ન હોય છે.

13. શ્રૃંગાટક: લગ્ન, પંચમ તથા નવમ આ ત્રણ સ્થાનોમાં જ્યારે બધા ગ્રહો સ્થિત હોય ત્યારે શ્રૃંગાટક યોગ રચાય છે. આ યોગમાં જન્મ લેનાર જાતક નિરંતર સુખી, કલહપ્રિય, યુધ્ધાભિલાષી, નૃપપ્રિય, સ્વરૂપવાન, ધનવાન તેમજ પરસ્ત્રી દ્વેષી હોય છે.

14. હલ: લગ્ન સિવાય બીજા કોઈપણ સ્થાનથી નવ-પંચમ યોગ બને તો તેને હલ યોગ કહેવાય છે. જન્મકુંડળીમાં કુલ ચાર ત્રિકોણ છે. 1, 5 અને 9 થી બનતો ઐહિક સુખનો ત્રિકોણ જેનું વર્ણન ઉપર કરેલ છે. 2, 6 અને 10થી બનતો સાંપતિક અથવા અર્થત્રિકોણ. આ યોગ સંપતિ અને અધિકાર અપાવે છે. એટલે જ તેને અધિકારી ત્રિકોણ પણ કહેવામાં આવે છે. 3, 7 અને 11થી બનતો ઉદ્યોગ ત્રિકોણ અથવા કામ ત્રિકોણ. આ ત્રિકોણમાં ગ્રહો સ્થિત હોય ત્યારે વ્યવસાય કરાવડાવે છે અને વ્યવસાયથી જ લાભ થાય છે. 4, 8 અને 12થી બનતો પારમાર્થિક ત્રિકોણ અથવા મોક્ષ ત્રિકોણ. આ ત્રિકોણમાં સ્થિત ગ્રહો ત્યાગી પ્રકૃતિ રખાવે છે. જેનાથી વૈરાગ્ય રહે છે. અથવા કોઈ મોટા વ્યાપારની લાલસામાં પડીને દ્રારિદ્રની સંભાવના રહે છે. શાસ્ત્રકારોએ આ ત્રણ ત્રિકોણને (1, 5, 9 સિવાયના) હલ એવું એક જ નામ આપ્યું છે.

15. ચક્ર: લગ્નસ્થાનથી એક છોડીને એક સ્થાન (1, 3, 5, 7, 9, 11) એ રીતે બધા ગ્રહો સ્થિત હોય ત્યારે ચક્ર યોગ રચાય છે. આ યોગમાં શુક્ર એ સૂર્યથી તૃતીય અથવા એકાદશ સ્થાન સ્થિત હોવો જોઈએ, નહિ તો આ યોગ રચાવો સંભવ નથી. આ યોગમાં જન્મ લેનાર જાતક યશસ્વી રાજા બને છે અને સર્વ સંપતિવાન હોય છે.

16. સમુદ્ર: દ્વિતીયસ્થાનથી એક છોડીને એક સ્થાન (2, 4, 6, 8, 10, 12) એ રીતે બધા ગ્રહો સ્થિત હોય ત્યારે સમુદ્ર યોગ રચાય છે. આ યોગમાં જન્મ લેનાર જાતક રાજા અને પાણીના સહારે જીવનાર હોય છે. જાતક ઐહિક સુખની પાછળ પડવાવાળો અને પ્રયત્નવાદી હોય છે.

17. યૂપ: લગ્ન અને તેનાથી આગળના ત્રણ સ્થાનોમાં (1, 2, 3, 4) બધા ગ્રહો સ્થિત હોય ત્યારે યૂપ યોગ રચાય છે. આ યોગમાં જન્મ લેનાર જાતક જ્ઞાની, આત્મવેતા, યજ્ઞાદિ સત્કર્મ કરનાર, ત્યાગી, સત્યવાદી, સુખી, વ્રત, જપ, તપ, મંત્રમાં નિરત રહેનાર દાતા પુરુષ હોય છે.

18. શર: ચતુર્થ અને તેનાથી આગળના ત્રણ સ્થાનોમાં (4, 5, 6, 7) બધા ગ્રહો સ્થિત હોય ત્યારે શર યોગ રચાય છે. આ યોગમાં જન્મ લેનાર જાતક હિંસક, ચોર, પારધી, માંસાહારી અને દુષ્ટ સ્વભાવનો હોય છે.

19. શક્તિ: સપ્તમ અને તેનાથી આગળના ત્રણ સ્થાનોમાં (7, 8, 9, 10) બધા ગ્રહો સ્થિત હોય ત્યારે શક્તિ યોગ રચાય છે. આ યોગમાં જન્મ લેનાર જાતક સુસ્ત, દુ:ખી, નિર્ધન, આળસુ, દિર્ઘાયુ, યુધ્ધ પ્રેમી હોય છે.

20. દંડ: દસમ અને તેનાથી આગળના ત્રણ સ્થાનોમાં (10, 11, 12, 1) બધા ગ્રહો સ્થિત હોય ત્યારે દંડ યોગ રચાય છે. આ યોગમાં જન્મ લેનાર જાતક કઠોર મનનો, દુ:ખી, જેને કોઈ પ્રેમ ન કરે તેવો અધમ વૃતિનો, નીચ અને દુષ્ટ વૃતિથી પેટ ભરવાવાળો હોય છે.

4. સંખ્યા યોગ

કુલ સાત સંખ્યા યોગ છે. સાત ગ્રહો જેટલાં ભાવમાં સ્થિત હોય તે ભાવોની સંખ્યાના આધારે આ યોગો રચાય છે.

1. ગોલ: એક જ સ્થાનમાં બધા ગ્રહો સ્થિત હોય તો ગોલ યોગ રચાય છે. આ યોગમાં જન્મ લેનાર જાતક બળવાન, નિર્ધન, વિદ્યા અને માન-પ્રતિષ્ઠા રહિત, મલિન, સદા દુ:ખી પુરુષ હોય છે.

2. યુગ: બધા ગ્રહો જ્યારે બે સ્થાનમાં સ્થિત હોય ત્યારે યુગ યોગ રચાય છે. આ યોગમાં જન્મનાર જાતક ભીખ માંગીને ખાનાર, અત્યંત ચપળ, પાખંડી, જાતિથી બહિષ્કૃત, પુત્ર અને માનથી રહિત હોય છે.

3. શૂલ: જ્યારે બધા ગ્રહો ત્રણ સ્થાનમાં સ્થિત હોય ત્યારે શૂલ યોગ રચાય છે. આ યોગમાં જન્મનાર જાતક ક્રોધી, ધન લોભી, શૂરવીર, હિંસક, શરીરમાં ઘા લાગેલ હોય તેવો અને યુધ્ધાભિલાષી હોય છે.

4. કેદાર: જ્યારે બધા ગ્રહો ચાર સ્થાનમાં સ્થિત હોય ત્યારે કેદાર યોગ રચાય છે. આ યોગમાં જન્મનાર જાતક ધનવાન, ખેતી કરનાર, સુસ્ત, બુદ્ધિમાન, બીજાઓનું પાલન કરનાર, બંધુઓ પર ઉપકાર કરનાર, ભાગ્યવાન અને સત્યવાદી હોય છે.

5. પાશ: જ્યારે બધા ગ્રહો પાંચ સ્થાનમાં સ્થિત હોય ત્યારે પાશ યોગ રચાય છે. આ યોગમાં જન્મ લેનાર જાતક અન્યો દ્વારા પ્રશંસા પામનાર, ધન ઉપાર્જન પર હંમેશા ધ્યાન આપનાર, અત્યંત ચતુર, વાતોડિયાં, પુત્રવાન હોય છે.

6. દામિની/દામ: જ્યારે બધા ગ્રહો છ સ્થાનમાં સ્થિત હોય ત્યારે દામ યોગ રચાય છે. આ યોગમાં જન્મ લેનાર જાતક ઉપકારી, ઉત્તમ બુદ્ધિ ધરાવનાર, વિદ્યાવાન અને ધનવાન સુજ્ઞ પુરુષ હોય છે.   

7. વીણા/વલ્લકી: જ્યારે બધા ગ્રહો સાત સ્થાનમાં સ્થિત હોય ત્યારે વીણા યોગ રચાય છે. આ યોગમાં જન્મ લેનાર જાતક બધા કાર્યોમાં પ્રવીણ, ગાયન–વાદન આદિ કલાઓનો શોખીન, ચતુર અને નૃત્યપ્રિય હોય છે.

ક્રમ
નામ
વર્ણન


3 આશ્રય યોગો
1.
રજ્જુ
બધા ગ્રહો ચર રાશિમા સ્થિત હોય
2.
મુસલ
બધા ગ્રહો સ્થિર રાશિમા સ્થિત હોય
3.
નલ
બધા ગ્રહો દ્વિસ્વભાવ રાશિમા સ્થિત હોય


2 દલ યોગો
1.
માલા/સ્રક
બધા શુભ ગ્રહો કેંદ્રસ્થાનોમા સ્થિત હોય
2.
સર્પ
બધા અશુભ ગ્રહો કેંદ્રસ્થાનોમા સ્થિત હોય


20 આકૃતિ યોગો
1.
નૌકા
બધા ગ્રહો લગ્નથી સાત સ્થાનોમા સ્થિત હોય (1, 2, 3, 4, 5, 6, 7)
2.
કૂટ
બધા ગ્રહો ચતુર્થથી સાત સ્થાનોમા સ્થિત હોય  (4, 5, 6, 7, 8, 9, 10)
3.
છત્ર
બધા ગ્રહો સપ્તમથી સાત સ્થાનોમા સ્થિત હોય  (7, 8, 9, 10, 11, 12, 1)
4.
ચાપ
બધા ગ્રહો દસમથી સાત સ્થાનોમા સ્થિત હોય (10, 11, 12, 1, 2, 3, 4)
5.
અર્ધચંદ્ર
બધા ગ્રહો પણફર અથવા આપોકિલમથી સાત સ્થાનોમા સ્થિત હોય
6.
વજ્ર
બધા શુભ ગ્રહો લગ્ન અને સપ્તમમા અને બધા પાપ ગ્રહો ચતુર્થ અને દસમમા સ્થિત
7.
યવ
બધા શુભ ગ્રહો ચતુર્થ અને દસમમા અને બધા પાપ ગ્રહો લગ્ન અને સપ્તમમા સ્થિત
8.
કમલ
બધા શુભ અને અશુભ ગ્રહો મિશ્ર રીતે  કેંદ્રસ્થાનોમા સ્થિત હોય
9.
વાપી
બધા ગ્રહો ફક્ત પણફર સ્થાનોમા અથવા ફક્ત આપોકિલમ સ્થાનોમા સ્થિત હોય
10
શકટ
બધા ગ્રહો ફક્ત લગ્ન અને સપ્તમ સ્થાનમા સ્થિત હોય
11
પક્ષી/વિહંગ
બધા ગ્રહો ફક્ત ચતુર્થ અને દસમ સ્થાનમા સ્થિત હોય
12.
ગદા
બધા ગ્રહો પાસે-પાસેના બે કેંદ્રસ્થાનોમા સ્થિત હોય
13.
શ્રૃંગાટક
બધા ગ્રહો લગ્ન, પંચમ અને નવમ સ્થાન ત્રિકોણસ્થાનોમા સ્થિત હોય (ધર્મ ત્રિકોણ)
14.
હલ
બધા ગ્રહો અર્થ, કામ અથવા મોક્ષ ત્રિકોણસ્થાનોમા સ્થિત હોય
15.
ચક્ર
બધા ગ્રહો લગ્નસ્થાનથી એક સ્થાન છોડી એક સ્થાન સ્થિત હોય (1, 3, 5, 7, 9, 11)
16.
સમુદ્ર
બધા ગ્રહો દ્વિતીયસ્થાનથી એક સ્થાન છોડી એક સ્થાન સ્થિત હોય (2, 4, 6, 8, 10, 12)
17.
યૂપ
બધા ગ્રહો લગ્ન અને તેનાથી આગળના ત્રણ સ્થાન સ્થિત હોય (1, 2, 3, 4)
18.
શર
બધા ગ્રહો ચતુર્થ અને તેનાથી આગળના ત્રણ સ્થાન સ્થિત હોય (4, 5, 6, 7)
19.
શક્તિ
બધા ગ્રહો સપ્તમ અને તેનાથી આગળના ત્રણ સ્થાન સ્થિત હોય (7, 8, 9, 10)
20.
દંડ
બધા ગ્રહો દસમ અને તેનાથી આગળના ત્રણ સ્થાન સ્થિત હોય (10, 11, 12, 1)


7 સંખ્યા યોગો
1.
ગોલ
બધા ગ્રહો એક સ્થાનમા સ્થિત હોય
2.
યુગ
બધા ગ્રહો બે સ્થાનમા સ્થિત હોય
3.
શૂલ
બધા ગ્રહો ત્રણ સ્થાનમા સ્થિત હોય
4.
કેદાર
બધા ગ્રહો ચાર સ્થાનમા સ્થિત હોય
5.
પાશ
બધા ગ્રહો પાંચ સ્થાનમા સ્થિત હોય
6.
દામિની/દામ
બધા ગ્રહો છ સ્થાનમા સ્થિત હોય
7.
વીણા/વલ્લકી
બધા ગ્રહો સાત સ્થાનમા સ્થિત હોય


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા