વિભિન્ન રાશિના બાળકોનો શાળામાં વ્યવહાર


નાના બાળકોની આગવી અને અનોખી દુનિયા હોય છે. એક પ્રેમાળ અને કાળજી લેનારા માતા-પિતા તરીકે તેમના આ અંગત જગતને જાણવું, ઓળખવું અને સમજવું જરૂરી હોય છે. જ્યોતિષ બાળકોના મનોવલણ અને વર્તનને સમજવામાં મદદરૂપ થઈ શકે છે. આવો જાણીએ કે વિભિન્ન રાશિ/જન્મલગ્ન ધરાવતાં બાળકોનો શાળામાં વ્યવહાર કેવો રહે છે. નીચે વર્ણવેલ ફળ બાળકના વ્યવહારને સ્થૂળ રીતે સમજવામાં સહાય કરશે. સૂક્ષ્મ સમજ મેળવવા માટે બાળકની જન્મકુંડળી કોઈ જ્ઞાની અને અનુભવી જ્યોતિષીને દેખાડીને સલાહ લેવી હિતાવહ રહે.

મેષ (અ, , ઈ): મેષ રાશિનું બાળક ઝડપી અને સતેજ હોય છે. જો શીખવવામાં આવતો વિષય જીવનમાં ઉપયોગી હોય તો પછી તેમને શીખવામાં ખાસ કોઈ મુશ્કેલી પડતી નથી. મેષ રાશિના પુરુષ બાળક કરતાં સ્ત્રી બાળક વધુ હોંશિયાર હોવાની સંભાવના રહે છે. ઉર્જા અને ચેતનાથી ભરપૂર પુરુષ બાળક માટે લાંબો સમય વર્ગખંડમાં સ્થિર બેસી રહેવું મુશ્કેલ હોય છે. તેમને વર્ગખંડની બહાર દોડી-કૂદીને પોતાની ઉર્જા ખર્ચવી વધુ પસંદ હોય છે. પ્રકૃતિએ સ્પર્ધાત્મક હોય છે. ટોળામાંના એક બની રહેવાં કરતાં અલગ પડી નેતા બનવા માગે છે. તેમને જો થોડી તાલીમ આપીને રમત-ગમત હોય કે પછી અભ્યાસના કોઈ વિષયમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવામાં મદદ કરવામાં આવે તો તેમની નેતા બનવાની જરૂરિયાત સંતોષાય છે. કોઈક સિદ્ધિ મેળવ્યાની ખુશી તેમનાં માટે ટોનિકનું કામ કરે છે. જો કોઈ વિષય સમજવામાં મુશ્કેલી પડે તો પ્રયત્ન કરવાનું બંધ કરી દે છે અને પોતાને તે વિષયમાં રસ નહિ હોવાનો દેખાવ કરે છે. હકીકતમાં હારનો સામનો કરવા માગતા હોતાં નથી. તેમના પ્રયત્નોને પ્રોત્સાહન આપીને આ સમસ્યામાંથી બહાર કાઢી શકાય. મેષ બાળકને શિસ્તબદ્ધ બનાવવાની કોશિશ કરવી એ ડહાપણનું કાર્ય ન કહેવાય. ઉગ્ર અને આક્રમક મિજાજ ધરાવતું મેષ બાળક પોતાના પર અંકુશ લાદનાર કોઈપણ વ્યક્તિ પાસે આખાબોલી રીતે વિરોધ નોંધાવી શકે છે. હા, જો તેને સમજાવવામાં આવે કે શિસ્તબદ્ધ બની તે અન્ય બાળકો માટે દાખલારૂપ બની શકશે તો તેની અંદરનો નેતા જાગી જાય છે અને સહકાર આપી આદર્શ બાળક બનવાં તૈયાર થઈ જાય છે!

વૃષભ (બ, , ઉ): વૃષભ બાળકો તાર્કિક, વ્યવહારુ અને વિષયને સંપૂર્ણ રીતે સમજનાર હોય છે. જો કે ઝડપથી શીખી શકતાં નથી. ઘણીવાર વિષયને આત્મસાત કરવા માટે ધીમે અને સાતત્યપૂર્ણ રીતે કામ કરે છે. ખંતપૂર્વક મંડ્યા રહીને વિષયને બરાબર સમજે છે. તેમને શીખવામાં ઝડપ ન કરાવી શકાય. તેમનાં માટે પોતાની ગતિથી કાર્ય કરવું અને એક સમયે એક વિષયને સમજવા માટે હાથ પર લેવો જરૂરી હોય છે. જ્યારે તેમના ધ્યાનને એક કરતાં વધુ વિષય પર ભટકાવવામાં આવે ત્યારે તેઓ મુંઝવણ અનુભવે છે. ઓછું કરવું પણ સારું કરવું એ વૃષભ રાશિની પ્રકૃતિ છે. તેમને તેમની રીતે કામ કરવાનો સમય આપો. તેમને અનુકૂળ આવતાં વિષયોની પસંદગીમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરો. જે વિષયો જીવનની વાસ્તવિકતા સાથે જોડાયેલાં હોય તે તેમના માટે શ્રેષ્ઠ રહે. વૃષભ બાળક માટે સાતત્યતા જાળવવી અને એકધારી રીતે કામ કરવું બહુ અગત્યનું છે. વારંવાર તેમના સમયપત્રકમાં ફેરફાર નહિ કરો. એક ચોક્કસ કાર્ય પ્રણાલી અને સમયપત્રકને વળગી રહો કે જેમાં તેમને શાળાનું કાર્ય કરવા માટે અને થોડો આરામ કરવા માટે સમય મળી રહે. જ્યારે કોઈ કાર્ય તેમને કરવાનાં થતાં દૈનિક કાર્યોની યાદીમાં સમાવેલું હોય ત્યારે તે કરવું તેમને સહેલું પડે છે. એકધારાપણું તેમને ખુશી અને સ્થાયિત્વની ભાવના પ્રદાન કરે છે.

મિથુન (ક, , ઘ): બુદ્ધિશાળી અને ચપળ એવાં મિથુન બાળકો અભ્યાસ કરવામાં શિક્ષકથી બે ડગલાં આગળ રહે છે. વર્ગખંડના અન્ય બાળકો હજુ શીખી રહ્યાં હોય તે પહેલાં ઝડપથી વિષયને ગ્રહણ કરીને સમજી લે છે અને ત્યારબાદ કંટાળાનો અનુભવ કરે છે. જ્યારે તેઓ મનગમતાં વિષયમાં ખૂંપી ગયા હોય ત્યારે સહેલાઈથી એકાગ્રતા ધારણ કરી શકે છે. પરંતુ જો વિષય તેમનાં રસના ક્ષેત્રમાંથી બહાર હોય તો પછી તેમનું મન ભટકે છે અને અડધી-અધૂરી મહેનત કરે છે. તેમની બુદ્ધિનો યોગ્ય ઉપયોગ થાય તે માટે તેમનો રસ જળવાય રહેવો જરૂરી છે. જો તમને લાગે કે તેઓ કંટાળાનો અનુભવ કરે છે તો શિક્ષક સાથે એ બાબતે ચર્ચા કરી લેવી જોઈએ. ચંચળ મિથુન બાળકોનું ધ્યાન ઝડપથી ભટકી શકે છે. મહેનત કરીને તેમનામાં એકાગ્રતાનો ગુણ વિકસાવવો જોઈએ. મિથુન બાળકના જીવનમાં અનેક ઘટનાઓ એકસાથે ઘટતી રહેતી હોય છે. ક્યારેક મિત્રો સાથે રમત રમવા જવાનું હોય અથવા બર્થ ડે પાર્ટીનું આમંત્રણ આવીને પડ્યું હોય તો વળી ક્યારેક અન્ય કોઈ ઈત્તર પ્રવૃતિ ચાલી રહી હોય. મિથુન બાળકની પ્રવૃતિઓ સાથે તાલ મિલાવવો અઘરું થઈ પડે છે. તેમને વિવિધતા અને મિત્રોનો સાથ પસંદ હોય છે. કમ્યુનિકેશનમાં પાવરધા હોય છે. જુદી-જુદી ભાષાઓનો અભ્યાસ સૌથી રસપ્રદ નીવડે છે. જો કે બુદ્ધિશાળી હોવાથી લગભગ દરેક વિષયોમાં કુશળતા પ્રાપ્ત કરી શકે છે.

કર્ક (ડ, હ): કર્ક રાશિના બાળકો પરાણે વહાલાં લાગે તેવાં હોય છે. તેમને પણ વહાલું થવું ગમતું હોય છે! આમ છતાં ક્યારેક પોતાની આસપાસ સંરક્ષણાત્મક કવચ રચી લે છે. ઘણીવાર તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે કળવું મુશ્કેલ હોય છે. તમે હંમેશા તેમને ભાવનાત્મક બળ પૂરું પાડવાં હાજર રહો. બુદ્ધિશાળી અને રચનાત્મક એવાં કર્ક બાળકોને શીખવામાં મુશ્કેલી પડતી નથી. જો મુશ્કેલી પડી રહી હોય તો શક્યતા છે કે તેમને કોઈ ચિંતા સતાવી રહી હોય અથવા શિક્ષક સાથે તાલમેલ બેસતો ન હોય કે પછી કોઈ મિત્રની તક્લીફ કે અન્ય કોઈ ભાવનાત્મક મુંઝવણ હોઈ શકે છે. દિવાસ્વપ્નો અને કલ્પનાઓની દુનિયામાં રાચનારાં કર્ક બાળકોએ એકાગ્રતાનો ગુણ મહેનતથી વિકસાવવો પડે છે. સૌમ્ય અને મૃદુ એવાં આ બાળકો સાથે નાજુકાઈથી કામ લેવું પડે છે. રુક્ષ વ્યવહાર તેમને ડરાવી મૂકે છે. તેમને લાગણી, પ્રેમ, સહકાર અને આધારની જરૂર હોય છે. ક્યારેક ક્યારેક રિસાઈ જવું કે મુડમાં ચડાવ-ઉતારનો અનુભવ થવો એ કર્ક બાળક માટે સ્વાભાવિક છે. સામાન્ય રીતે તેઓ પોતાના શિક્ષકને, માતા-પિતાને અને મિત્રોને ખુશ કરવાં ઈચ્છતાં હોય છે. જો તમે તેમની સિદ્ધિઓ માટે રાજીપો વ્યક્ત કરો તો કર્ક બાળક આનંદનો અનુભવ કરે છે.      

સિંહ (મ, ટ): નાનકડાં સિંહ બાળો લોખંડી ઈચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ ધરાવતાં હોય છે. જન્મજાત બળવાખોર પ્રકૃતિ હોય છે. સહેલાઈથી શાળાની વ્યવસ્થા કે શિક્ષકો પ્રત્યે ક્રાંતિકારી બળવો પોકારી શકે છે! કોઈ મજબૂત અને નક્કર કારણ આપીને જ તેમને શાળા અને શિક્ષકોને માન આપતાં અને બળવો પોકારતાં રોકી શકાય. માનસિક રીતે તેજસ્વી અને સમર્થ હોય છે. જ્યારે ઉત્સાહમાં આવે ત્યારે કોઈ પણ વિષયને સહેલાઈથી શીખી શકે છે તેમજ વિષય પ્રત્યે સંપૂર્ણ સમર્પિત વલણ અપનાવે છે. ઘણીવાર તો તેમણે વિષય શીખવા માટે કરેલાં પ્રયત્નો વિશિષ્ટ હોય છે. તેમનો ઉત્સાહ ચેપી હોય છે. વર્ગખંડના અન્ય બાળકોને પણ અભ્યાસ કરવા પ્રત્યે પ્રેરે છે. ઉદાર દિલે અન્ય બાળકોને અભ્યાસમાં જોઈતી મદદ પૂરી પાડે છે. આત્મવિશ્વાસ એ સિંહ બાળકોનો મુખ્ય સકારાત્મક ગુણ છે. જલ્દીથી હાર સ્વીકારવી કે થાકી જવું એ તેમની પ્રકૃતિ હોતી નથી. અશક્યને પણ શક્ય કરીને બતાવે છે. પરંતુ ક્યારેક આ જ વધુ પડતો આત્મવિશ્વાસ અને ઝડપથી નહિ ઝૂકવાંનું વલણ અન્યો સાથે ઘર્ષણ કરાવે છે. આ એક સાહસી અને સ્વતંત્ર રાશિ છે. પોતાની જાત માટે લડે છે, પરિસ્થિતિઓનો સામનો કરે છે અને અન્યો પર કોઈપણ જાતનો આધાર રાખતાં નથી. અભ્યાસમાં નિષ્ફળતા મળે તો પણ ફરી સકારાત્મક વલણ અપનાવી વિષયને શીખી શકે છે.     

કન્યા (પ, , ણ): બુદ્ધિશાળી અને તર્કબદ્ધ વિચારનારા વિદ્યાર્થીઓ હોય છે. વર્ગખંડનું વાતાવરણ તેમનાં  વિકાસમાં મોટો ભાગ ભજવે છે. ધાંધલ-ધમાલભર્યુ વાતાવરણ કન્યા રાશિના બાળકોની પ્રગતિને ધીમી પાડે છે. તેઓ જલ્દીથી ગભરાય જાય છે. વર્ગખંડનું શાંત વાતાવરણ તેમને અભ્યાસમાં એકાગ્રતા સાધવામાં મદદરૂપ બને છે. કોઈ મોટા ચડાવ-ઉતાર વગરનું સંતુલિત સમયપત્રક તેમનાં ધ્યેયની પ્રાપ્તિમાં સહાયરૂપ બને છે. કન્યા રાશિના બાળકો માટે શિસ્ત એ કોઈ સમસ્યા હોતી નથી. તેઓ શાળાના નિયમોને સ્વીકારી લે છે તેમજ શાળાના કાર્યને પણ ગંભીરતાપૂર્વક લે છે. તમારા તરફથી મળતી થોડી પ્રશંસા અને સ્વીકૃતિ તેમનાં આત્મવિશ્વાસ અને મનોબળને વધારશે. તેમના બારીકાઈથી નિરિક્ષણ અને દરેક બાબતનું વિશ્લેષણ કરવાના સ્વભાવને લીધે જો તેમને વિષય સંપૂર્ણ રીતે સમજાવવામાં આવે તો ઝડપથી ગળે ઉતરશે. આ ઉપરાંત તેમની સાથે ધીરજપૂર્વક કામ લેવું પડે છે. જો તેઓ અનુભવશે કે તમે અથવા શિક્ષક ઝડપથી પિત્તો ગુમાવો છો તો પછી કન્યા રાશિનું બાળક અભ્યાસમાં ધ્યાન એકાગ્ર કરી શકશે નહિ. તેને બદલે સંયમ રાખીને વિષયને સંપૂર્ણ રીતે અને ઊંડાણપૂર્વક સમજાવવાની કોશિશ કરશો તો તેઓ ક્યારેય ભૂલશે નહિ. વધારે પડતું અભ્યાસનું ભારણ તેમને ચિંતા અને ગભરાટની સમસ્યા આપી શકે છે.   

તુલા (ર, ત): તુલા રાશિના બાળકોને લોકોને હળવા-મળવાનું ગમતું હોય છે. શાળા સાથેનો પરિચય અને શાળામાં નવા મિત્રો બનાવવાનો અનુભવ તેમને આનંદ પ્રદાન કરે છે. તેઓ બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વિદ્યાર્થી હોય છે. શીખવામાં રુચિ ધરાવે છે અને લોકપ્રિય કે માનીતા વિદ્યાર્થીનું બિરુદ પામે છે. તેઓ દયાળુ અને અન્યોની જરૂરિયાતની સંભાળ લેનારાં હોય છે. સાથે ભણતાં અન્ય બાળકોની પોતાનાથી શક્ય હોય તેનાં કરતાં પણ વધુ મદદ કરે છે. સંવાદિતાને પસંદ કરનારાં તુલા બાળકો માટે શિસ્ત ભાગ્યે જ સમસ્યા બને છે. તેઓ સહકાર આપનારા આનંદી બાળકો હોય છે. લોકોને ગમી જવું અને લોકોને ગમાડવાં તેમને પસંદ હોય છે. કમ્યુનિકેશનમાં હોંશિયાર હોય છે. તેઓ બહુ ઝડપથી વિષયને શીખી લે છે અને શાળાનું કાર્ય રમતાં-રમતાં પૂર્ણ કરી નાખે છે. ઘણીવાર રમતમાં કે મિત્રો સાથે વિતાવેલાં સમયને લીધે થાકી જાય છે અને પછી ફરી અભ્યાસમાં મન લગાવવાં આરામની જરૂર પડે છે. જો મિત્રો વગર તેમને એકલાં તેમનાં પુસ્તકો કે સાધનો સાથે મૂકી દેવામાં આવે તો કંટાળી જાય છે. શાળાએ સરસ તૈયાર થઈને જવું ગમતું હોય છે. ચિત્રકામ કે ડિઝાઈન જેવા કલાઓના વિષયમાં વધુ રુચિ ધરાવનાર હોઈ શકે છે.   

વૃશ્ચિક (ન, ય): ઉર્જાથી ભરપૂર અને સંવેદનશીલ બાળકો હોય છે. બાળપણથી જ આત્મવિશ્વાસ અને દ્રઢ ઈચ્છાશક્તિ દેખાઈ આવે છે. જ્યારે મનથી કોઈ ધ્યેય નક્કી કરી લે તો પછી દ્રઢતાપૂર્વક તેને વળગી રહે છે. વૃશ્ચિક રાશિના બાળકને જો પોતાની શાળા ગમતી હશે તો અભ્યાસમાં ખૂબ સારો દેખાવ કરશે. શાળા માટે અણગમાની ભાવના તેમનાં અભ્યાસ પર માઠી અસર પહોંચાડી શકે છે. વૃશ્ચિક બાળક એ પ્રકૃતિએ મહાત્વાંકાંક્ષી હોય છે. શાળામાં જવાથી ફાયદો અને પ્રગતિ દેખાતી હોય તો જ શાળા પ્રત્યે તેમનો રસ ટકી રહે છે. સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે આ રાશિના બાળકોને મનાવી કે ફોસલાવી શકાતાં નથી. જો કે તમારા હ્રદયમાં તેમનાં પ્રત્યે શુભ ભાવના છે એ વૃશ્ચિક બાળક સમજતું હોય છે અને છેવટે એ મુજબ પ્રતિભાવ પણ આપતું હોય છે. કંઈ કહ્યાં વગર પણ તમારા મનના ભાવને સમજી લેવાની આવડત ધરાવતાં હોય છે. જ્યારે કોઈ વિષય ગમી જાય ત્યારે તેમાં ખૂબ ઊંડા ઉતરી જાય છે અને સંશોધન વૃતિ ધરાવનાર હોય છે. રહસ્યમય વિષયો અને બાબતો હંમેશા તેમને આકર્ષે છે. કોઈ વસ્તુ કેમ છે અને કંઈ રીતે કાર્ય કરે છે તે જાણવામાં આતુરતા વ્યક્ત કરે છે. ઉપરછલ્લાં વિષયોને પસંદ કરતાં નથી. પોતાને નહિ ગમતાં વિષયોમાં જાતને ઘસડે છે અને અભ્યાસમાં પ્રગતિ ધીમી રહે છે. શિક્ષક કે માતા-પિતા દ્વારા અપાયેલો ઠપકો ઝડપથી ભૂલી શકતા નથી. 

ધનુ (ભ, , , ઢ): માનસિક પડકારોને પહોંચી વળનાર હોય છે. શાળામાં થતી મિત્રતાને પસંદ કરનાર હોય છે. તેમને પોતાની સ્વતંત્રતા ગુમાવવી પસંદ હોતી નથી. આથી શિસ્તને ધિક્કારનારા હોય છે. દિવસના કલાકો સુધી વર્ગખંડની અંદર બેસી રહેવું તેમને ભારે પડે છે. શાળાનો સમય પૂર્ણ થયા બાદ રમત-ગમતમાં સમય વીતાવવો અત્યંત પસંદ કરનાર હોય છે. અઠવાડિયાના અમુક દિવસો અથવા રજાઓમાં તેમને બહાર મેદાની રમતો રમવાં સમય આપવો જરૂરી હોય છે. તેઓ ઝડપી મગજ ધરાવતાં હોય છે અને તરત જ વિષયને સમજી લે છે. જો કે ઝડપથી વિષયમાંથી રસ પણ ગુમાવી શકે છે. તમારે તેમને વિદ્યાભ્યાસનું મહત્વ સમજાવવું અને વિદ્યાની કદર કરતાં શીખવાડવું જરૂરી બને છે. અન્યથા તેઓ દરેક વિષયને અધૂરો મૂકતાં રહેશે. ધનુ બાળકો રમૂજી હોય છે. અટકચાળાંઓ અને રમૂજો કરતાં રહે છે. સ્વભાવે સાહસી હોય છે. શાળાએથી સીધાં ઘરે આવે તે માટે કડક નિયમ બનાવીને રાખવો પડે. જો તેમને છૂટ આપવામાં આવે તો નક્કી નહિ કે ક્યારે ઘરે પહોંચે! શિક્ષક કે માતા-પિતાની નજર હેઠળ રહેવું તેમના માટે અઘરું હોય છે. ધનુ બાળકના મિત્ર બનીને રહેવું વધારે સલાહભર્યુ છે. સોંપેલાં કાર્યને ઝડપથી ભૂલી જનારા હોય છે અને પોતાની મસ્તીમાં મસ્ત રહે છે.

મકર (ખ, જ): જીવન પ્રત્યેનો ગંભીર અભિગમ મકર બાળકોમાં નાનપણથી જ દેખાય આવે છે. શાળામાં અભ્યાસ પાછળ કઠોર પરિશ્રમ કરે છે. તેઓ યોજનાબદ્ધ રીતે અભ્યાસ કરવામાં અનુકૂળતા અનુભવે છે.
અગાઉથી ઘડેલી યોજનાઓ તેમને સલામતીનો અને બધું જ નિયંત્રણમાં હોવાનો અનુભવ આપે છે. મકર બાળકોને પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરવાં જોઈએ. તેઓ ખરાં અર્થમાં પુસ્તકીયા કીડાં બની શકે છે અને વાંચનનો આનંદ ઉઠાવનારાં બને છે. આ જ વાંચન તેમને અભ્યાસમાં પણ મદદરૂપ બને છે અને તેમની જ્ઞાનની ક્ષિતિજોને વિસ્તારે છે. સંપૂર્ણતાના આગ્રહી હોય છે એટલે તેમનાં દરેક કાર્યનું સ્તર ઊંચુ રહે છે. મકર રાશિના બાળકોને વિષયને સમજવામાં અને શીખવામાં થોડો સમય લાગે છે. જો ઉતાવળ કરાવવામાં આવે તો વિષયને સરખી રીતે ગ્રહણ કરવામાં અસમર્થ રહે છે. જો કે વધુ સમય લેતાં હોવા છતાં વિષયમાં કુશળતાને પ્રાપ્ત કરનાર હોય છે. એકવાર પ્રાપ્ત કરેલાં જ્ઞાનને હંમેશા માટે જાળવીને રાખે છે. તેઓ સ્વયંશિસ્ત જાળવનારા હોય છે. મકર બાળકો શાળાના નિયમોને માન આપનારા અને જવાબદારીપૂર્વક વર્તન કરનાર હોય છે. બદલાતી રહેતી પરિસ્થિતિ તેમને મુંઝવણમાં મૂકી શકે છે. દરરોજ માટે નક્કી કરેલાં નિયમો અને યોજનાને અનુસરવું તેમના માટે આરામદાયી રહે છે. ક્યારેક થોડાં અંતર્મુખી, ગંભીર કે શરમાળ વર્તન કરનાર હોય છે.

કુંભ (ગ, , , ષ): કુંભ રાશિના બાળકને સંભાળવાનો યોગ્ય અભિગમ છે તેમને પુખ્ય વયની વ્યક્તિની જેમ ગણતરીમાં લેવાં. આ અભિગમ તેમનાં સકારાત્મક ગુણોને બહાર લાવી બુદ્ધિમાન બનાવે છે. આ બાળકો હંમેશા પોતાના જીવન પર પોતાનું નિયંત્રણ ઈચ્છે છે. તેજસ્વી એવાં કુંભ બાળકો જો રસ ટકી રહે તો અભ્યાસમાં સારો દેખાવ કરે છે. તેઓ ઝડપથી શીખી જાય છે. આથી જો શિક્ષક આગળના પાઠ ભણાવવામાં ધીમા રહે તો તેમને કંટાળો આવે છે. શિક્ષકોનો અભિગમ અને શાળાની વ્યવસ્થા તેમનો શાળા પ્રત્યેનો પ્રેમ નક્કી કરે છે. તેમને સમજાવવાની કોશિશ કરો કે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા માટે શાળા એ પ્રથમ પગથિયું છે. ઘણીવાર બળવાખોર બને છે. તેમને નિયંત્રણમાં રાખવાં સહેલાં હોતાં નથી. માનસિક રમતો અને પડકારો જેવાં કે ચેસ, પઝલ, કોમ્પ્યુટર વગેરે તેમને આકર્ષે છે. તેમને શિસ્તબદ્ધ બનાવવા માટે બૌદ્ધિક રીતે સમજ આપવી જરૂરી હોય છે. કુંભ બાળક બુદ્ધિને માન આપનારું હોય છે અને જ્યારે તમે બૌદ્ધિક વાતો કરો છો ત્યારે હંમેશા ધ્યાનપૂર્વક સાંભળે છે. મિત્રતાને ગંભીરતાથી લે છે અને વફાદાર મિત્ર બનીને રહે છે. આમ છતાં હંમેશા મિત્રોનો સાથ હોવો તેમનાં માટે જરૂરી નથી. તેઓ એકલાં રહીને પણ આનંદ માણી શકે છે.

મીન (દ, , , થ): સંવેદનશીલ અને લાગણીશીલ મીન બાળક માટે હૂંફાળું, સલામતીભર્યુ અને લાગણીસભર શાળાનું વાતાવરણ જરૂરી હોય છે. તેઓની લાગણી બહુ ઝડપથી ઘવાઈ શકે છે. ઘણીવાર શાળામાં રોઈને ઘરે આવે છે. તેમનામાં શારીરિક ઉર્જાનો અભાવ હોય છે. આથી રમત-ગમત કે અન્ય બાબતોમાં જો ઉર્જા ખર્ચાઈ જાય તો પછી શાળાએ જવા શક્તિમાન રહેતાં નથી. શાળામાં તેમનું વર્તન સહકારભર્યુ રહે છે. અભ્યાસમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ આત્મવિશ્વાસને વધારે છે. ઘણીવાર પોતાની ક્ષમતાઓને નીચી આંકે છે. તેને લીધે કાર્ય શરૂ થતાં પહેલાં જ હાર સ્વીકારી લે છે. જો તમે તેમની કલ્પનાઓને બળ આપો અને ક્ષમતાઓમાં વિશ્વાસ દર્શાવો તો ખૂબ સારી પ્રગતિ કરે છે. કલ્પનાઓ અને સપનાઓની દુનિયામાં રાચતાં મીન બાળકોએ એકાગ્રતાના ગુણને ધ્યાનપૂર્વક વિકસાવવો પડે છે. એકવાર આ ગુણ વિકસી જાય તો પછી ઘણાં રચનાત્મક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરે છે. ઘણીવાર પોતાનાં શિક્ષકને પોતાનો આદર્શ બનાવી લે છે અને જીવનમાં તેમના જેવા બનવાની મહેચ્છા ધરાવે છે. મીન બાળકો સૌમ્ય અને મૃદુ પ્રકૃતિ ધરાવતાં હોય છે. તેમની સાથે રુક્ષ અને કઠોર વ્યવહાર કરવાથી દૂર રહેવું જોઈએ. હંમેશા વિષય શીખવા માટે તેમણે કરેલાં પ્રયત્નોની પ્રશંસા કરતા રહો. તમે તેમનાથી ખુશ છો તે જાણીને તેમને વધુ મહેનત કરવાનું બળ મળે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા