વાસ્તુ અનુરૂપ ઓફિસ : આર્થિક સંપન્નતાનો આધાર


જીવનને આર્થિક રીતે સુખી, સંપન્ન અને સમૃદ્ધ બનાવવા માટે વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરવી મહત્વપૂર્ણ છે. આ માટે વાસ્તુ અનુરૂપ ઓફિસનું નિર્માણ લાભદાયક સાબિત થઈ શકે છે. ભવન નિર્માણની પ્રાચીનતમ વિદ્યા વાસ્તુશાસ્ત્ર ફક્ત ઘરના નિર્માણ માટે જ નહિ, પરંતુ ઓફિસ કે વ્યાપારી સ્થાન માટે પણ એટલી જ ઉપયોગી છે. નીચે કેટલાંક વાસ્તુ અનુરૂપ ઓફિસના નિર્માણ માટે ઉપયોગી નિર્દેશો વર્ણવેલ છે.

ઓફિસના વિકાસ અને પ્રગતિ માટે પૂર્વ ભૂખંડની પસંદગી કરવી. ચોરસ કે લંબચોરસ આકારનો ભૂખંડ શુભ રહે. ઈશાનકોણે વૃદ્ધિ પામેલાં ભૂખંડ પર પણ ઓફિસનું નિર્માણ કરી શકાય. ભૂખંડની દક્ષિણ અને પશ્ચિમ બાજુએ મોટી-મોટી ઈમારતો કે ઊંચા વૃક્ષો હોય તે યોગ્ય ગણાય. ભૂખંડની ઉત્તર અને પૂર્વ બાજુએ ખુલ્લું મેદાન, દરિયો, તળાવ અથવા કૃત્રિમ જળસ્થાન ઓફિસને સમૃદ્ધિ તરફ દોરી જાય છે. ઓફિસની ઉત્તર, ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશા બાજુ થોડી ખુલ્લી જગ્યા રાખવી લાભપ્રદ રહે.

ઓફિસ માટે જગ્યાની પસંદગી કરતી વખતે જૂનાં કે જર્જરિત મકાન કે પડતર હાલતમાં લાંબો સમય બંધ રહેલાં મકાનની પસંદગી કરવાથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવું.

ઓફિસનું મુખ્ય પ્રવેશદ્વાર ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશા તરફ રાખવું જોઈએ. પ્રવેશદ્વાર પર કોઈપણ પ્રકારનો અવરોધ કે વેધ ન હોય તેની કાળજી રાખવી. દરવાજો ખુલતી વખતે કર્કશ અવાજ ન આવવો જોઈએ. કર્કશ અવાજથી અશુભ ઉર્જા ઉત્પન થાય છે તેમજ શક્તિ ક્ષીણ થાય છે. પ્રવેશદ્વારના રસ્તામાં સોફા, ટેબલ કે અન્ય વસ્તુઓ રાખવાથી દૂર રહેવું. પ્રવેશદ્વાર પહોંચતો માર્ગ હંમેશા અવરોધરહિત હોવો જોઈએ. દરવાજો ઘડિયાળના કાંટાની દિશામાં ખૂલે તે રીતે રાખવો જોઈએ. તે બંને બાજુ ખૂલતો ન હોવો જોઈએ. પ્રવેશદ્વાર અંદરની તરફ ખૂલતું હોય તે શુભ રહે. મુખ્ય પ્રવેશદ્વાર આપમેળે બંધ થાય તેમ ન રાખતાં ઉઘાડ-બંધ થાય તે રીતનુ રાખવું અથવા ધીમે-ધીમે બંધ થાય તેમ રાખી શકાય.

પ્રવેશદ્વારની સામે અંદર ગણેશજીની છબી, મૂર્તિ કે ફોટો લગાવી શકાય.

ઓફિસની પૂર્વ અથવા ઉત્તર દિશામાં સ્વાગત કક્ષ, રિસેપ્શન રૂમ કે વિઝિટર રૂમ બનાવી શકાય.

ઓફિસમાં મુખ્ય અધિકારી, પ્રબંધ નિદેશક કે ઓફિસના માલિકે ભવનની દક્ષિણ-પશ્ચિમ દિશામાં પોતાનાં બેસવાની જગ્યા નિર્ધારીત કરવી જોઈએ. ઓફિસના માલિકનો કક્ષ અન્ય કક્ષો કરતાં મોટો હોવો જોઈએ. કક્ષની અંદર ઓફિસના માલિકને બેસવાં માટે કક્ષની દક્ષિણ-પશ્ચિમ દિશા યોગ્ય રહે. આ સ્થાન પર બેસીને કાર્ય કરવાથી યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતામાં વૃદ્ધિ થાય છે. મગજથી કામ લેનાર કે બૌદ્ધિક કાર્યો કરનાર લોકો જેવાં કે ડોક્ટર, વકીલ, પ્રોફેસર, જ્યોતિષી, પ્રોફેશનલ્સ વગેરેઓએ કક્ષની દક્ષિણ-પશ્ચિમ દિશામાં પૂર્વ તરફ મુખ રાખીને બેસવું જોઈએ. જ્યારે વસ્તુઓના ખરીદ-વેંચાણ સાથે સંકળાયેલાં વ્યાપારીઓએ દક્ષિણ-પશ્ચિમ દિશામાં ઉત્તર તરફ મુખ રાખીને બેસવું જોઈએ.

ઓફિસની મુખ્ય વ્યક્તિ કે માલિક સાથે અન્ય વ્યક્તિ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવી નહિ. જો ભાગીદાર હોય તો એક કક્ષમાં સાથે બેસી શકાય.

ઓફિસમાં મુખ્ય વ્યક્તિએ કે માલિકે બીમની નીચે બેસીને કાર્ય ન કરવું. બીમની નીચે બેસીને કાર્ય કરવાથી કાર્યમાં અવરોધ પેદા થઈ શકે છે તેમજ કાર્ય કરનાર તણાવનો અનુભવ કરી શકે છે. બીમ પર છતનો અસાધારણ ભાર રહેલો હોય છે. ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર વજન નીચેની દિશામાં ગતિ કરે છે. બીમની નીચે બેસીને કાર્ય કરવાથી ગુરુત્વાકર્ષણની અસર વ્યક્તિ પર પણ પડે છે. જેને લીધે અસહજતાનો અનુભવ થાય છે. પરિણામે સફળતાપૂર્ણ રીતે કાર્ય પાર પાડી શકાતું નથી.

ઓફિસની મુખ્ય વ્યક્તિ કે માલિકની બેઠક પાછળ મજબૂત દિવાલ હોવી આવશ્યક છે. પીઠ પાછળ દરવાજો, બારી કે કાંચ હોવાને લીધે વ્યક્તિ પોતાને અસુરક્ષિત અનુભવીને ભયભીત રહે છે. સાથે કામ કરનારાઓથી વિશ્વાસઘાત થવાની સંભાવના રહે. ઘણીવાર લોકો બેઠકની પાછળ કોઈ ચિત્ર, ફોટો કે દિવાલમાં જડી શકાય તેવું નાનું મંદિર લગાવે છે. આમ ન કરતાં પીઠ પાછળની દિવાલ ખાલી રાખવી.

સેલ્સ મેનેજર, ઓફિસ મેનેજર, પર્સનલ મેનેજર, લેબર કોન્ટ્રેક્ટર, ઓડિટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવી વ્યક્તિઓએ દક્ષિણ દિશામાં ઉત્તર તરફ મુખ રાખીને બેસવું.

ઓફિસનો અન્ય સ્ટાફ પશ્ચિમમાં બેસે તે રીતે વ્યવસ્થા કરવી. ઓફિસના કર્મચારીઓએ પણ પોતાનું મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રહે તેમ બેસવું જોઈએ. માર્કેટીંગ અને સેલ્સ સ્ટાફ, ફિલ્ડ સ્ટાફ અને ડિલિવરી સ્ટાફ ઉત્તર-પશ્ચિમ કોણમાં ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસી શકે. ઓફિસનાં કોઈપણ કર્મચારીની પીઠ મુખ્ય પ્રવેશદ્વાર તરફ રહે તે શુભ ન ગણાય.

ઓફિસનો મધ્ય ભાગ ખાલી રાખવો. શક્ય હોય તેટલી જગ્યા ખુલ્લી રાખવી. મધ્ય ભાગમાં હરી-ફરી શકાય તેવો પેસેજ રાખી શકાય અથવા નાનકડાં ઈનડોર ગાર્ડનનું નિર્માણ પણ થઈ શકે.

કાર્ય કરવાનું ટેબલ/ડેસ્ક લંબચોરસ આકારના રાખવાં. નવીનતા ધરાવતાં L આકારના કે અર્ધગોળાકાર ડેસ્ક વાપરવાથી દૂર રહેવું. એક ટેબલ પર એકથી વધારે કર્મચારીઓને ન બેસાડવાં જોઈએ. તેનાથી કામ પ્રભાવિત થવાની શક્યતા રહે છે.

કુબેરનો વાસ ઉત્તર દિશામાં માનવામાં આવે છે. ઓફિસમાં મુખ્ય ખજાનચી અથવા કેશિયરે ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસવું જોઈએ. જો ખજાનચીનું મુખ પૂર્વ તરફ હોય તો કેશ કાઉન્ટર તેની જમણી બાજુએ રાખવું જોઈએ. જો ઉત્તર તરફ મુખ હોય તો કેશ કાઉન્ટર ડાબી તરફ રાખવું જોઈએ. વધારે કર્મચારીઓ કેશિયરના સંપર્કમાં ન આવે તે રીતે બેઠક વ્યવસ્થા ગોઠવવી ઉત્તમ રહે.

અગત્યના દસ્તાવેજો કે કાગળો દક્ષિણ-પશ્ચિમ દિશાના ક્ષેત્રમાં રાખવાં.

દેવસ્થાન, મંદિર, પૂજા, ભગવાનનો ફોટો કે પીવાના પાણીની વ્યવસ્થા ઈશાનકોણમાં (પૂર્વ-ઉત્તર) કરવી જોઈએ. નાના ફૂલછોડ ઈશાનકોણમાં રાખી શકાય. ઈશાનકોણમાં ઓછું વજન રાખવું જોઈએ. આ કોણમાં હંમેશા સ્વચ્છતા જાળવવી.

ઓફિસના અગ્નિકોણમાં (પૂર્વ- દક્ષિણ)  ઈલેકટ્રિક મીટર, કમ્પ્યુટર રૂમ, કંટ્રોલ પેનલ, ફોટોકોપી મશીન, સર્વર, કેમેરા મોનીટર્સ, ટેલિફોન રિસીવર રૂમ, હીટર, એ.સી. રૂમ અને વિદ્યુત ઉપકરણો લગાવવાં જોઈએ. અગ્નિકોણમાં પેન્ટ્રી કે કેન્ટીનની વ્યવસ્થા પણ રાખી શકાય.

કોન્ફરન્સ કે મીટીંગ માટેનો કક્ષ બનાવવાં માટે વાયવ્યકોણ (ઉત્તર-પશ્ચિમ) રહે. વેઈટીંગ રૂમ પણ વાયવ્યકોણમાં બનાવી શકાય. મુલાકાતીનું મુખ દક્ષિણ અથવા પશ્ચિમ તરફ રહે તે રીતે બેઠક વ્યવસ્થા ગોઠવી શકાય.

ઓફિસમાં બંધ પડેલાં ઘડિયાળ, ટેલિફોન, ફેક્સ, સ્કેનર, ફોટોકોપી મશીન અથવા અન્ય બંધ પડેલાં સાધનો ન રાખવાં જોઈએ.

જો ઘરમાં જ ઓફિસ બનાવેલી હોય તો જરૂરી કાગળો, ફાઈલ, કમ્પ્યુટર વગેરે શયનકક્ષમાં ન રાખવાં. તેનાથી ઉંઘમાં ખલેલ પડવાની સંભાવના રહે.

ઓફિસની દિવાલો, પડદાં વગેરે માટે હળવાં અને સૌમ્ય રંગોની પસંદગી કરવી. ગાઢા રંગો વાપરવાથી દૂર રહેવું. સફેદ, ક્રીમ કે પીળા રંગનો ઉપયોગ કરવો ઉત્તમ રહે.

ઓફિસની આંતરિક સજાવટમાં લાફિંગ બુદ્ધાની મધ્યમ આકારની મૂર્તિને એ પ્રકારે રાખી શકાય કે જેથી ઓફિસમાં પ્રવેશ કરતાં આગંતુકની સીધી નજર તેના પર પડે. આને લીધે સકારાત્મક પ્રભાવ પડવાની શક્યતા રહે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

૨૭ નક્ષત્રો