જન્મકુંડળીમાં વક્રી રહેલાં ગ્રહોનો પ્રભાવ


જ્યારે કોઈ ગ્રહ પોતાની સામાન્ય દિશાને બદલે ઉલટી દિશામાં ચાલવા લાગે ત્યારે તે ગ્રહની ગતિને વક્ર ગતિ કહેવાય છે. આવાં વક્ર ગતિથી ચાલનાર ગ્રહને વક્રી ગ્રહ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો મંગળ પોતાની સામાન્ય ગતિથી મેષ રાશિમાં ભ્રમણ કરી રહ્યો હોય તો તેનો મતલબ છે કે મંગળ મેષ રાશિથી વૃષભ રાશિ તરફ જઈ રહ્યો છે. પરંતુ વક્રી થવાથી મંગળ ઉલટી દિશામાં ચાલવાનું શરૂ કરી દેશે. એટલે કે મેષથી વૃષભ તરફ ગતિ કરવાને બદલે મેષથી મીન તરફ ગતિ કરશે. હકીકતમાં ગ્રહ પાછળ જતો નથી. પરંતુ પૃથ્વી પરથી જોતાં ગ્રહ પાછળ તરફ ગતિ કરતો હોય તેવો દ્રષ્ટિ ભ્રમ થાય છે. જેમ કે આપણે ટ્રેનમાં બેઠાં હોઈએ અને ટ્રેન ચાલતી હોય ત્યારે નજીકનાં વૃક્ષો આપણને પાછળ દોડતાં જણાય છે. ખરી રીતે તેમ હોતું નથી. એ માત્ર દ્રષ્ટિભ્રમ હોય છે. ગ્રહોના સંદર્ભમાં પણ કંઈક આવી જ ઘટના ઘટે છે.

ભારતીય જ્યોતિષમાં પૃથ્વીને કેન્દ્રબિંદુ ગણવામાં આવી છે અને દરેક અવકાશીય ઘટનાનું નિરિક્ષણ પૃથ્વીનાં સંદર્ભમાં કરવામાં આવે છે. જ્યારે અંતર્વર્તી ગ્રહો બુધ અને શુક્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય ત્યારે વક્રી બનતાં જણાય છે. બુધ અને શુક્ર સૂર્યની બીજી તરફ એટલે કે જ્યારે ગ્રહ અને પૃથ્વી વચ્ચે સૂર્ય હોય ત્યારે આ ગ્રહો માર્ગી રહે છે.

બહિર્વર્તી ગ્રહો મંગળ, ગુરુ અને શનિ સૂર્યથી વિરુધ્ધ દિશામાં રહેલાં હોય ત્યારે વક્રી બને છે. એટલે કે જયારે બહિર્વર્તી ગ્રહ અને સૂર્ય વચ્ચે પૃથ્વી આવી જાય ત્યારે જે-તે બહિર્વર્તી ગ્રહ વક્રી બનતો જણાય છે.

સૂર્ય અને ચન્દ્ર ક્યારેય વક્રી થતા નથી એટલે કે હંમેશા માર્ગી રહે છે. જ્યારે રાહુ અને કેતુ હંમેશા વક્રી રહે છે. આકાશ મંડળમાં મંગળથી શનિ સુધીના પાંચ ગ્રહો વક્રી દેખાય છે.

જન્મપત્રિકામાં વક્રી રહેલાં ગ્રહોની આગળ (વ), (વક્રી), (R) કે (Rx)  જેવાં શબ્દો લગાવવામાં આવે છે. જન્મકુંડળીમાં રહેલો વક્રી ગ્રહ જાતકના ચરિત્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જે ભાવ અને રાશિમાં ગ્રહ વક્રી બને છે તે ભાવ અને ભાવ સંબંધી ફળાદેશમાં નોંધપાત્ર પરિવર્તન આવી જાય છે. નીચે વર્ણવ્યા મુજબ જન્મકુંડળીમાં રહેલો વક્રી ગ્રહ પોતાનો પ્રભાવ દેખાડે છે. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે.

વક્રી મંગળ: કુંડળીમાં વક્રી રહેલો મંગળ તાકાત, આક્રમકતા અને ક્રોધને વધારે છે. કોઈકવાર શક્તિનું ઘોડાપૂર ઊભરાંતુ જોવા મળે છે. પરંતુ આમ છતાં ઘણીવાર જાતકનું શારીરિક બળ વણવપરાયેલું રહે છે. સામાન્ય કામ કરવાનું હોય તો પણ અનુભવે કે તેમની પાસે પરાણે શારીરિક મહેનત કરાવાઈ રહી છે. તેઓ શારીરિક પ્રવૃતિને દુ:ખ સાથે સાંકળે છે. શક્તિ અને બળનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો તેની સમજ હોતી નથી. સકારાત્મક રીતે વક્રી પડેલો મંગળ જાતકને ભવ્ય ઈમારતોનું નિર્માણ કરાવનાર કે રેલ્વે-રોડની જાળ બિછાવનાર હોય છે. તેઓ કોઈ આદર્શને અનુસરનારાનાં હોય છે. સારાં ડોક્ટર કે વૈજ્ઞાનિક બની શકે છે. ઘણીવાર તેમનો ક્રોધ વિચિત્ર સ્વરૂપે અભિવ્યક્ત થતો જોવા મળે છે. આત્યંતિક કિસ્સાઓમાં કોઈ દેખીતાં કારણ વગર પાસેથી પસાર થઈ રહેલી વ્યક્તિને છરી હુલાવી દઈ શકે છે. અપરંપરાગત તર્કબુધ્ધિ ધરાવે છે. મંગળ એ પૌરુષીય ઉર્જાનો નિર્દેશ કરે છે. પુરુષની કુંડળીમાં વક્રી પડેલો મંગળ ક્યારેક તેને ઠંડો બનાવી શકે છે. સ્ત્રીની કુંડળીમાં વક્રી રહેલો મંગળ જાતીયતાને લગતાં પ્રશ્નો આપી શકે તેમજ લગ્નજીવનમાં વિસંવાદિતા પેદા કરે છે. આવી સ્ત્રીઓ ઘણીવાર બેજવાબદાર અને સામાજીક રીતે અયોગ્ય પુરુષ પ્રત્યે આકર્ષાય છે. ક્યારેક મોટી વય સુધી અપરિણીત રહે છે. વક્રી મંગળ ધરાવતી સ્ત્રીઓને ઋતુસ્ત્રાવના પ્રશ્નો વધુ સતાવતાં હોય છે. વક્રી મંગળ ધરાવતાં જાતકોને લોહીને લગતાં રોગો કે પડવાં-આખડવાંથી ઈજા પહોંચવાની સંભાવના વધુ રહે છે.

વક્રી બુધ: જન્મકુંડળીમાં વક્રી થઈને પડેલો બુધ અત્યંત વાચાળ બનાવે છે અથવા તદ્દન મૌન અને અંતર્મુખી બનાવી દે છે. ઘણીવાર જીભ ચોંટવાની તક્લીફ રહે છે અથવા ક્યારેક મોડું બોલતાં શીખે છે. વક્રી બુધ ધરાવતાં જાતકો ઘણીવાર પોતાની જાત સાથે વાતો કરવાની આદત ધરાવે છે. ક્યારેક ગીતો ગણગણતાં જણાય છે તો ક્યારેક શૂન્યમનસ્ક કે બેધ્યાનપણે  બેઠેલાં જણાય છે. અન્યોની વાત સાંભળતા જણાતા નથી. તેઓ માનસિક રીતે સક્રિય હોય છે. ઝડપથી નિર્ણયો લઈ શકતાં નથી અથવા લીધેલાં નિર્ણયોને વળગી રહેતાં નથી. ક્યારેક ધીમાં જણાય છે અને કોઈ વાતને બે વત્તા બે કરીને તાળો મેળવીને સમજવામાં તેમને મુશ્કેલી આવે છે. ઊંચો બૌદ્ધિક આંક ધરાવનાર હોય છે. બુદ્ધિ કસવી પડે તેવાં વિષયોમાં વધુ રસ પડે છે. ગમે તેવાં કઠિન કોયડાંઓ ઉકેલવાનો પ્રયાસ કરે છે. ગણિત અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં પાવરધા હોય છે. તેમનું અર્ધજાગૃત મન સક્રિય હોય છે. જ્યોતિષીની કુંડળીમાં વક્રી પડેલો બુધ તેમને જન્મકુંડળીનું વિશ્લેષણ કરવામાં કુશળ બનાવે છે, પરંતુ ફળાદેશ કરવામાં ચોકસાઈનો અભાવ આપે છે. વક્રી બુધ ધરાવતાં જાતકોને સાંભળવા એ એક લહાવો હોય છે. ઘણીવાર તેઓ જે બોલે તે જે-તે સમયે રહેલી પરિસ્થિતિને લાગુ પાડી શકાતું નથી. પરંતુ તેમની વાતો ઊંડાણભરી અને અર્થસભર હોય છે. લેખન અને વાંચનમાં રસ વધે છે. સામાન્ય લોકો કરતાં લેખનકળામાં જુદાં પડે છે. ઘણાં લેખકોની કુંડળીમાં બુધ વક્રી જોવાં મળે છે.

વક્રી ગુરુ: દર દસમાંથી લગભગ ત્રણ કુંડળીમાં ગુરુ વક્રી જોવાં મળે છે. જ્યાં બીજા લોકો અસફળ રહ્યા હોય ત્યાં વક્રી ગુરુ ધરાવતાં જાતકો સફળ થાય છે. તેઓ બીજાએ અધૂરાં મૂકેલાં કાર્યો પૂરાં કરે છે. ઘણીવાર સામાન્ય વ્યક્તિને જ્યાં લાભ થતો હોય ત્યાં વક્રી ગુરુ ધરાવનાર જાતકોએ નુકસાની સહન કરવી પડતી હોય છે અને સામાન્ય વ્યક્તિને જ્યાં નુક્સાન સહન કરવું પડતું હોય ત્યાં તેમને લાભ થતો હોય છે. નૈતિક મૂલ્યો, ધર્મ, તત્વજ્ઞાન વગેરે અંગે આગવા વિચારો ધરાવે છે. પરંપરાગત વિચારો સ્વીકારી લેવાને બદલે પોતાની અંદરથી જવાબ શોધે છે. વક્રી ગુરુ ધરાવનાર જાતકોને અન્યોને સલાહ આપવાની ક્યારે બંધ કરવી તેની સમજ હોતી નથી. વિદ્વાન અને જ્ઞાની હોય છે પરંતુ જ્ઞાનનો ઉપયોગ યોગ્ય રીતે કેમ કરવો તેની જાણ હોતી નથી. ઘણીવાર તેમને પોતાનાં ડહાપણ પર જ અવિશ્વાસ ઉપજે છે. સકારાત્મક રીતે વક્રી ગુરુ જીવન અને પરિસ્થિતિને અલગ દ્રષ્ટિકોણથી જોવાની સમજ આપે છે. અપરંપરાગત અને અનોખી સલાહ આપનાર બનાવે છે. ગુરુ એ સંતાનનો કારક ગ્રહ છે. વક્રી ગુરુ અનોખાં સંતાન આપી શકે છે. સ્ત્રીની કુંડળીમાં પતિનો કારક ગ્રહ છે. આથી સ્ત્રીની કુંડળીમાં વક્રી ગુરુ અનોખો પતિ આપી શકે. વક્રી ગુરુ ધરાવનાર જાતકો વધુ પડતાં લાગણીશીલ અને ઉદાર હોય છે. કૌટુંબિક પ્રશ્નો સતાવતાં રહેતાં હોય છે. કુટુંબ માટે ઘણો ભોગ આપનાર હોય છે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે પણ ફટકાં સહન કરવાં પડતાં હોય છે. વક્રી ગુરુ ધરાવનાર જાતકોને પોતાનાં વખાણ થાય તે વધારે ગમતું હોય છે. શરીરમાં ચરબીનું પ્રમાણ વધુ હોઈ શકે છે. બ્લડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જવાની શક્યતા રહે છે.

વક્રી શુક્ર: સામાન્ય રીતે વક્રી શુક્ર ધરાવનાર જાતકોની આનંદની પરિભાષા અન્ય લોકો કરતાં જુદી હોય છે. અન્યોને જે વસ્તુ કે પરિસ્થિતિમાંથી આનંદ મળે છે તેમાં તેમને આનંદનો અનુભવ થતો નથી. અન્યોને આનંદ આપનારી વસ્તુને વક્રી શુક્ર જાતકો નિર્લેપભાવે જોઈ રહે છે. સામાજીક પરિસ્થિતિમાં અનુકૂળ થવું તેમનાં માટે કઠિન હોય છે. પ્રેમ અને લગ્ન અંગેના આદર્શો અલગ હોય છે. અપરંપરાગત રીતે પ્રેમને અભિવ્યક્ત કરે છે. ઘણીવાર પ્રેમ કઈ રીતે અભિવ્યક્ત કરવો તેની સમજ હોતી નથી. ક્યારેક પ્રેમ અને લગ્નનો ત્યાગ કરીને ધર્મનો માર્ગ પકડી લે છે. અનોખાં પાત્રને લગ્ન માટે પસંદ કરે છે. ખોટાં બાહ્ય આડંબરોથી દૂર રહે છે. તીવ્ર સર્જનાત્મક શક્તિ ધરાવે છે. કલાકારો, સંગીતકારો, કવિઓ, ડ્રેસ ડિઝાઈનર્સ કે નૃત્યકારોની કુંડળીમાં ઘણીવાર શુક્ર વક્રી જોવા મળે છે. જો કે તેમની કલાની કદર થવામાં ઘણો વિલંબ થાય છે. અંગત આદતોમાં ચોખ્ખાઈનો આગ્રહ રાખનારાં હોય છે. વારંવાર હાથ ધોવાં, કપડાં બદલવાં કે ચાદરો બદલવાં જેવી આદતો ધરાવે છે. અત્યંત નમ્ર સ્વભાવ ધરાવનારાં હોય છે. વક્રી શુક્ર ધરાવનારી સ્ત્રી શૃંગાર કરવાથી દૂર રહે તેમજ બદલાતાં ફેશન વલણોથી પ્રભાવિત થતી નથી. શુક્ર એ સ્ત્રીત્વનો નિર્દેશ કરનારો ગ્રહ છે. સ્ત્રીની કુંડળીમાં વક્રી રહેલો શુક્ર કઈ રીતે સ્ત્રીત્વ જાળવી રાખવું તેની સમજ આપતો નથી. તે ઘણીવાર પુરુષો જેવાં વસ્ત્રો ધારણ કરનાર હોય છે. તેની જાતીય વૃતિ પણ વિચિત્ર હોઈ શકે છે. પુરુષની કુંડળીમાં વક્રી શુક્ર લગ્નજીવનમાં વિસંવાદિતા પેદા કરે છે. આવો પુરુષ જાતક અપરંપરાગત સ્ત્રી પ્રત્યે આકર્ષાય શકે છે. વક્રી શુક્ર વ્યસની બનાવી શકે છે. 

વક્રી શનિ: વક્રી શનિ ધરાવતાં જાતકો સત્તાને પ્રાપ્ત કરે છે. તેઓ શાસન કરીને અપાર લોકચાહના મેળવે છે. આ જ વક્રી શનિ સંસારથી અલિપ્ત કરીને વૈરાગી પણ બનાવી શકે છે. વક્રી શનિ ધરાવતાં જાતકો ઘણીવાર જિંદગી પ્રત્યે નકારાત્મક વલણ ધરાવે છે અને હતાશાનો ભોગ બની જાય છે. ક્યારેક લોભ અને લાલચવૃતિ ધરાવે છે. સામાન્ય કરતાં અલગ વર્તર્ણૂક ધરાવનાર હોય છે. મિત્રવર્તુળ કે સગા-સબંધીઓ સાથે ઝડપથી હળી-મળી શકતાં નથી. શરમાળ કે અંતર્મુખી વલણ ધરાવનાર હોય છે. એકલતાનો અને અલગ પડી ગયાની લાગણીનો અનુભવ કરે છે. પોતાનામાં કંઈક ઉણપ છે તેવું સતત અનુભવ્યાં કરે છે. તેમના વિચારોમાં પણ ગભરાટ રહેલો હોય છે. વક્રી શનિ ધરાવનાર જાતકો સતત કામ કર્યા કરે છે અથવા તો બિલકુલ કામ કરવું પસંદ કરતાં નથી. શનિ દુ:ખ અને પીડાનો કારક ગ્રહ છે. ઘણીવાર વક્રી શનિ ધરાવતાં જાતકો ડિપ્રેશનને પોતાની આદત બનાવી લે છે. તેઓ જીવનમાં નકારાત્મક વિચારસરણીથી દૂર રહે તે અત્યંત જરૂરી છે. ભૌતિક રીતે સુખી-સંપન્ન હોવા છતાં પણ સતત વધુ ને વધુ પામવાની ઈચ્છાઓ ધરાવતાં હોય છે. કહેવાય છે ને કે લોભને થોભ નથી. વક્રી શનિ ધરાવતાં જાતકોએ પોતાના લોભ પર કાબુ રાખવો જરૂરી બને છે. થોડે ઘણે અંશે સ્વાર્થી હોય છે. તેમની વાતોમાં ચોખવટનો અભાવ હોય છે. આત્યંતિક કિસ્સામાં ચોરવૃતિ ધરાવનાર હોય છે. વક્રી શનિ ધરાવનાર જાતકોને સ્નાયુને લગતાં રોગો કે જૂના હઠીલાં રોગો વિશેષ થતાં જોવા મળે છે.

ટિપ્પણીઓ

રાજેશ પરમાર એ કહ્યું…
ઘણો સરસ લેખ અને જ્ઞાન વર્ધક.
Vinati Davda એ કહ્યું…
@રાજેશ પરમાર, આભાર!
Unknown એ કહ્યું…
મારે બારમા સ્થાનમાં ઉચ્ચનો ગુરુ વક્રી છે તો તેના ઉપાય બતાવશો.... ખુબ જ નુકસાન થયું છે... પણ હવે સહન કરી શકું તેમ નથી તો પ્લીઝ ઉપાય બતાવશો.... વિનંતી છે તમને....

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર