ગ્રહણ ગાથા : જુલાઈ 2019



સાલ 2019નો જુલાઈ માસમાં ખગોળશાસ્ત્રીઓની સાથે-સાથે જ્યોતિષ માટે વિશિષ્ટ મહત્વ ધરાવનારો બની રહેશે. આ માસમાં 2 જુલાઈના રોજ સૂર્યગ્રહણ અને ત્યારબાદ 17 જુલાઈના રોજ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. ગ્રહણ મુખ્યત્વે બે પ્રકારના હોય છે. 1. ખગ્રાસ અને 2. ખંડગ્રાસ. પૂર્ણ ગ્રહણને ખગ્રાસઅને અપૂર્ણ ગ્રહણને ખંડગ્રાસકહેવાય છે.

2 જુલાઈ, 2019ના રોજ થનારું સૂર્યગ્રહણ ખગ્રાસ એટલે કે પૂર્ણ સૂર્યગ્રહણ રહેશે. મિથુન રાશિમાં થનાર આ સૂર્યગ્રહણ ભારતમાં નહિ દેખાય. આ ગ્રહણ દક્ષિણ પેસિફિક, ચીલી, આર્જેન્ટીના, દક્ષિણ અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયામાં દેખાશે. આ ગ્રહણનો પ્રભાવ ભારત પર નગણ્ય રહેશે.

16/17 જુલાઈ 2019ના રોજ થનારું ચંદ્રગ્રહણ ખંડગ્રાસ એટલે કે અપૂર્ણ ચંદ્રગ્રહણ રહેશે. ધનુ રાશિમાં થનાર આ ગ્રહણ ભારતમાં દેખાશે. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, રશિયાનો દક્ષિણ ભાગ, ન્યૂઝિલેન્ડ, હિન્દ મહાસાગર, પેસિફિક મહાસાગર અને એટલાંટીક મહાસાગરમાં દેખાશે. ગ્રહણનો સ્પર્શ 17 જુલાઈના રાત્રિના 01.32 કલાકે, મધ્ય કાળ રાત્રિના 03.01 કલાકે અને મોક્ષ વહેલી સવારે 04.30 કલાકે થશે. ગ્રહણનો પર્વ કાળ 02 કલાક 58 મિનિટ રહેશે. 16 જુલાઈના રોજ બપોરે 4 વાગ્યાથી ગ્રહણ મોક્ષ સુધી ગ્રહણનો વેધ ગણાશે. વૃદ્ધ, બાળકો, અશક્ત-બિમાર વ્યક્તિઓ અને ગર્ભવતી સ્ત્રીઓ રાત્રે 08.40 કલાકથી ગ્રહણનો વેધ પાળી શકે.

જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચન્દ્ર આવી જાય ત્યારે સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસનાં દિવસે જ થાય છે જ્યારે સૂર્ય અને ચન્દ્રની યુતિ થાય છે અને તે બંને પૃથ્વીની એક તરફ હોય છે. દરેક અમાસે સૂર્યગ્રહણ થતું નથી. અમાસની સમાપ્તિ સમયે રાહુ કે કેતુથી આગળ કે પાછળ ૧૯ અંશ કરતાં ઓછા અંતરે સૂર્ય હોય ત્યારે સૂર્યગ્રહણ થવાનો સંભવ રહે છે. આ અંતર ૧૩ અંશ કરતાં ઓછું હોય તો સૂર્યગ્રહણ ચોક્કસ થાય છે.

જ્યારે સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવી જાય ત્યારે ચન્દ્રગ્રહણ થાય છે. ચન્દ્રગ્રહણ પૂનમની રાત્રે જ થાય છે જ્યારે સૂર્ય અને ચન્દ્રની પ્રતિયુતિ હોય છે અને તે બંને એકબીજાની સામે હોય છે. દરેક પૂનમે ચન્દ્રગ્રહણ થતું નથી. પૂનમનાં સમાપ્તિ સમયે રાહુ કે કેતુથી આગળ કે પાછળ ૧૩ અંશથી ઓછા અંતરે ચન્દ્ર હોય ત્યારે ચન્દ્રગ્રહણ થવાનો સંભવ હોય છે. આ અંતર ૯ અંશ કરતાં ઓછું હોય તો ચન્દ્રગ્રહણ ચોક્કસ થાય છે.

પુરાણો અનુસાર સમુદ્રમંથન કર્યા બાદ ભગવાન શ્રી વિષ્ણુ મોહિનીનું સ્વરુપ ધારણ કરીને દેવોને અમૃત વહેંચતાં હતાં ત્યારે એક અસુરે અમૃત પ્રાપ્તિ માટે દેવનું રુપ ધારણ કરી લીધું. આ વાતની જાણ સૂર્ય અને ચન્દ્રને થઈ જતાં તેમણે તરત જ મોહિનીનું ધ્યાન દોર્યુ. મોહિનીએ અસુરનું બે ભાગમાં છેદન કરી નાખ્યું. મસ્તક એ રાહુ અને ધડ તે કેતુ. જો કે તે દરમ્યાન રાહુએ અમૃત પાન કરી લીધું હોવાથી તેનું મૃત્યુ ન થયું. ત્યારથી રાહુ-કેતુ સૂર્ય અને ચન્દ્ર સાથે બદલો લેવા માટે સમયાંતરે તેમને ગળી જાય છે. રાહુ-કેતુની સૂર્ય અથવા ચન્દ્રને ગળી જવાની ઘટનાને ગ્રહણ કહે છે.

એક વર્ષમાં ઓછામાં ઓછા બે ગ્રહણો અને વધુમાં વધુ સાત ગ્રહણો થાય છે. એમાં ચંદ્રગ્રહણ એ સૂર્યગ્રહણની બરાબર કે તેનાથી ઓછાં ઘટે છે. જેમ કે 7 ગ્રહણોમાં 4 અથવા 5 સૂર્યગ્રહણ અને 3 અથવા 2 ચંદ્રગ્રહણ હોઈ શકે છે. બધાં ગ્રહણો બધાં દેશમાં કે સ્થળોએ દેખાતાં નથી. ગ્રહણ સામાન્ય રીતે જોડીમાં થાય છે. સૂર્યગ્રહણ થયા બાદ ચંદ્રગ્રહણ અથવા ચંદ્રગ્રહણ થયા બાદ સૂર્યગ્રહણ થાય છે. ક્યારેક ક્યારેક ત્રણ ગ્રહણો સૂર્ય-ચંદ્ર-સૂર્ય અથવા ચંદ્ર-સૂર્ય-ચંદ્ર થાય છે. મોટેભાગે સૂર્યગ્રહણ જે રાશિમાં થયું હોય તેનાથી સાતમી રાશિમાં ચંદ્રગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ હંમેશા ચંદ્રગ્રહણથી બે સપ્તાહ પહેલાં અથવા બાદમાં ઘટિત થાય છે. પૂર્ણ સૂર્યગ્રહણ વધુમાં વધુ 7 મિનિટ 30 સેકન્ડ સુધી જ રહી શકે છે. જ્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ વધુમાં વધુ 1 કલાક 45 મિનિટ સુધીનું હોઈ શકે છે. એક જ પ્રકારના ગ્રહણોનું એક ચક્ર 18 વર્ષ 11 માસ ચાલે છે. ત્યારબાદ ગ્રહણોના ક્રમની પુનરાવૃતિ થાય છે. ચંદ્રગ્રહણના 15 દિવસ બાદ સૂર્યગ્રહણ થવું અશુભ ગણાય છે. સૂર્યગ્રહણના 15 દિવસ બાદ ચંદ્રગ્રહણ થાય તો શુભ ગણાય છે.

અગ્નિતત્વ રાશિમાં ગ્રહણ રાજા અને શાસકવર્ગ અનિષ્ટ કરનાર તેમજ યુદ્ધ અને આગ લાગવાની ઘટનાઓ ઘટાવનાર હોય છે. પૃથ્વીતત્વ રાશિમાં કૃષિના ક્ષેત્રમાં મુશ્કેલીઓ સર્જનાર અને ભૂકંપ આપનાર હોય છે. વાયુતત્વ રાશિમાં આંધી અને તોફાન લાવનાર હોય છે. જળતત્વ રાશિમાં ગ્રહણ પૂર અને પાણીથી કષ્ટ આપનાર તેમજ મોટી સંખ્યામાં નરસંહારની શક્યતા દર્શાવનાર હોય છે.

કુંડળીમાં જે ભાવમાં ગ્રહણ થતું હોય તે ભાવ સંબંધિત બાબતોને લગતી સમસ્યાઓ કે પરિવર્તન સૂચવે છે, તે ભાવને લગતી કટોકટી સૂચવે છે. ચંદ્રગ્રહણ કરતાં સૂર્યગ્રહણ જે ભાવમાં થયું હોય તે ભાવ વધુ સમય અને ધ્યાન માગે છે. જ્યારે જન્મનાં સૂર્યનાં નક્ષત્રમાં જ સૂર્યગ્રહણ અથવા જન્મનાં ચંદ્રનાં નક્ષત્રમાં જ ચંદ્રગ્રહણ થતું હોય તો ગ્રહણ વધુ પીડાદાયક બની રહે છે. જન્મ માસ અને ગ્રહણ માસ એક જ હોય તો પણ ગ્રહણ વધુ અસર કરે છે.

ગ્રહણનાં સૂર્ય કે ચન્દ્રની રાશિથી જન્મનાં સૂર્ય કે ચન્દ્રની રાશિ સુધી ગણતરી કરો. જો ગ્રહણની રાશિથી જન્મ રાશિ ૩, , ૮ કે ૧૧ હોય તો શુભ;  , , ૯ કે ૧૨ હોય તો મિશ્ર અને ૧, , ૬ કે ૧૦ હોય તો અશુભ ફળ મળે.

17 જુલાઈ, 2019ના રોજ થનાર ચન્દ્રગ્રહણનું 'ચન્દ્ર રાશિ' પરત્વે ફળ

શુભ ફળ કર્ક, તુલા, કુંભ, મીન
મિશ્ર ફળ – મેષ, મિથુન, સિંહ, વૃશ્ચિક
અશુભ ફળ  વૃષભ, કન્યા, ધનુ, મકર  

ખગ્રાસ (પૂર્ણ) ગ્રહણનું ફળ 20 દિવસમાં ઘટિત થાય છે. ત્રિપાદ (3/4) ગ્રહણનું ફળ એક માસમાં ઘટે છે. અર્ધ (1/2) ગ્રહણનું ફળ બે માસમાં ઘટે છે.

ગ્રહણ ધાર્મિક અને જ્યોતિષિક મહત્વ ધરાવે છે. હિંદુ ધર્મમાં ગ્રહણના દિવસે જુદી દિનચર્યા પળાય છે. ગ્રહણ દરમ્યાન ખોરાક ગ્રહણ નિષેધ હોય છે. આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે ગ્રહણ દરમ્યાન મનુષ્યો અને પ્રાણીઓની પાચનશક્તિ મંદ પડી જાય છે. સૂર્ય એ જીવન દાતા છે અને જયારે સૂર્યના કિરણો ચંદ્ર પાછળ ઢંકાઈ જાય ત્યારે વાતાવરણ દૂષિત થાય છે. દૂષિત વાતાવરણને લીધે લોકો ખોરાક ગ્રહણ કરતાં નથી અને ઉપવાસ કરે છે.

ગ્રહણકાળમાં ત્રણ દિવસ પહેલાં અને ત્રણ દિવસ બાદ સુધી શુભ કાર્યો વર્જીત ગણાય છે. સૂર્યગ્રહણના ચાર પ્રહર પહેલાં અને ચંદ્રગ્રહણના ત્રણ પ્રહર પહેલાં સૂતક લાગે છે તેમજ મંદિરોના કપાટ બંધ રહે છે. સૂતકમાં બાળક, રોગી, વૃદ્ધ અને ગર્ભવતી સ્ત્રીને છૂટ આપવામાં આવી છે. ગ્રહણકાળમાં દૂધ, દહીં, રાંધેલું અન્ન અને જળમાં કુશ અથવા તુલસી પત્ર રાખવાનું શાસ્ત્રોક્ત વિધાન છે. તેનાથી આ વસ્તુઓ પર હાનિકારક પ્રભાવ પડતો નથી. ગર્ભવતી સ્ત્રીઓને ગ્રહણ જોવાથી કે ઘરની બહાર નીકળવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.  

ગ્રહણ એ આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટેની તક છે. ભગવાનની પૂજા, જપ અને દાન માટે શુભ ગણાય છે. જો સૂર્યગ્રહણ રવિવારે હોય અને ચંદ્રગ્રહણ સોમવારે હોય તો તે સમયે કરેલાં સ્નાન, પૂજા, હવન તથા દાનનું અનેકગણું ફળ મળે છે. ગ્રહણનો સમય મંત્ર જાપ કરવા માટે શ્રેષ્ઠ છે કારણ કે ગ્રહણ સમયે રાહુ વિઘ્ન પહોંચાડવા માટે શક્તિહીન હોય છે. ખાસ કરીને ચન્દ્રગ્રહણ મંત્ર જાપ કરવાં માટે ઉત્તમ છે. ગ્રહણ સમયે કરેલાં મંત્ર જાપને તરત જ મંત્ર સિધ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન સાથે અનુસંધાન જલ્દીથી થાય છે. ગ્રહણ દરમ્યાન કરેલ ૧ મંત્ર જાપ સામાન્ય દિવસોમાં કરેલાં ૧૦૦ મંત્ર જાપ બરાબર હોય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા