શનિ જયંતી : શનિદેવની કૃપા પ્રાપ્તિનો વિશેષ અવસર



વૈશાખ માસની કૃષ્ણ પક્ષ અમાવસ્યાએ ભગવાન શનિદેવનો જન્મ થયો હતો. આ વર્ષે 2019માં શનિ જયંતીનું પર્વ 3 જૂન, સોમવારના દિવસે મનાવવામાં આવશે. આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવાં હેતુ તેમની વિશેષ પૂજા-આરાધના કરવામાં આવે છે. ખાસ કરીને શનિની સાડા-સાતી કે નાની પનોતીમાંથી પસાર થઈ રહેલાં જાતકો, શનિની મહાદશા ચાલી રહી હોય કે દૂષિત અથવા પીડિત શનિ ધરાવતાં જાતકો માટે આ દિવસ વધુ મહત્વ ધરાવનારો બની જાય છે. શાસ્ત્રો અનુસાર શનિદેવને સૂર્યદેવના પુત્ર માનવામાં આવે છે.

સૂર્યની સંજ્ઞા નામક રાણી હતી. એકવાર સંજ્ઞાથી સૂર્યનું તેજ સહન ન થતાં તેણે પોતાનાં પડછાયામાંથી એક પ્રતિકૃતિનું નિર્માણ કર્યું અને તેનામાં પ્રાણ પૂર્યાં. આ પ્રતિકૃતિ તે સૂર્યની બીજી પત્ની છાયા. બાદમાં સૂર્યદેવ આ ભ્રામક અને માયાવી છાયાના સંસર્ગમાં આવ્યાં અને છાયાનાં સંબંધથી સૂર્યદેવને ત્યાં શનિ મહારાજનો જન્મ થયો. જે છાયાપુત્રતરીકે પણ ઓળખાય છે. શનિનો વર્ણ શ્યામ છે. જ્યારે તેનો જન્મ થયો ત્યારે સૂર્યદેવ તેને જોઈને નાખુશ થયા હતા. સૂર્યને દુઃખ થયું હતું કે પોતાના જેવો સુંદર અને ચળકતો વર્ણ ધરાવનારનો પુત્ર શ્યામ કઈ રીતે હોઈ શકે? ત્યારથી જ પિતા અને પુત્ર વચ્ચે શત્રુતાના બીજ રોપાયા. સૂર્ય અને શનિ એકબીજાનાં શત્રુ છે.

શનિ ગ્રહમંડળમાં સૌથી દૂર રહેલો ગ્રહ છે. શનિદેવ કાશ્યપ ગોત્રિય છે અને સૌરાષ્ટ્ર તેમનું જન્મસ્થળ માનવામાં આવે છે. શીત પ્રકૃતિ ધરાવનાર ગ્રહ છે. નીલમણિ સમાન શરીરની કાંતિ ધરાવનાર શનિદેવના મસ્તક પર રત્નોનો મુગટ શોભાયમાન છે. પોતાનાં ચારેય હાથોમાં ધનુષ-બાણ, ત્રિશૂળ, ગદા અને અભય મુદ્રાને ધારણ કરેલાં છે. તેમનું વાહન ગીધ અને રથ લોઢાનો બનેલો છે. તેઓ પોતાનાં  શત્રુઓને ભયભીત કરનાર અને ભક્તોનું સદા કલ્યાણ કરનાર છે. શનિના અધિદેવતા પ્રજાપિતા બ્રહ્મા અને પ્રત્યાધિદેવતા યમ છે. શનિ નામ એ શનૈશ્ચર પરથી આવેલું છે. સંસ્કૃતમાં શનૈઃ શનૈ એટલે કે ધીરે-ધીરે અને શનૈશ્ચર એટલે કે ધીરેથી ચાલનારો. શનિ એ મંદ તરીકે પણ ઓળખાય છે. બધાં ગ્રહોમાં શનિ એ સૌથી મંદ ગતિથી ચાલનારો ગ્રહ છે. પુરાણો અનુસાર એકવાર શનિના ભાઈ યમે ગુસ્સે થઈને શનિના પગ પર વાર કર્યો હતો અને તેને પગમાં ઈજા પહોંચાડી હતી. ત્યારથી શનિ લંગડાતો ચાલે છે અને તેથી જ તેની ગતિ મંદ છે.

શનિ મહારાજ એક રાશિમાં અઢી વર્ષ સુધી ગોચર ભ્રમણ કરે છે. 19 વર્ષની વિંશોત્તરી મહાદશા ધરાવે છે. જે ભાવમાં બેસે તે ભાવની વદ્ધિ કરે છે, પરંતુ જે ભાવ પર દ્રષ્ટિ કરે તે ભાવ સંબંધી કષ્ટ પ્રદાન કરે છે. શનિ 3, 7 અને 10 ભાવ પર દ્રષ્ટિ કરે છે. કુંડળીમાં 3, 6 કે 11 માં ભાવમાં શનિ હોવો શુભ ગણાય છે. આ ઉપરાંત ગોચરમાં ચંદ્રથી 3, 6 કે 11 માં ભાવ પરથી શનિનું ભ્રમણ શુભ રહે છે. મકર અને કુંભ રાશિ શનિની સ્વરાશિઓ છે. તુલા રાશિમાં ઉચ્ચનો બને છે અને મેષમાં નીચત્વ ધારણ કરે છે. શુક્રની રાશિઓના લગ્ન વૃષભ અને તુલા માટે શનિ યોગકારક બને છે અને અતિ શુભફળદાયક બને છે. મનના કારક ચંદ્રથી બારમે, પહેલે કે બીજે શનિનું ભ્રમણ મનને વિચલિત કરે છે. શનિના આ સાડા સાત વર્ષનું ભ્રમણ મોટી કે સાડાસાતી પનોતી તરીકે ઓળખાય છે. ચંદ્રથી ચતુર્થ અને અષ્ટમ ભાવમાંથી થતું શનિનું ભ્રમણ નાની પનોતી તરીકે ઓળખાય છે. હાલમાં 24 જાન્યુઆરી, 2020 સુધી શનિ ધનુ રાશિમાંથી ભ્રમણ કરી રહ્યો છે. જે કર્ક, તુલા અને કુંભ રાશિ માટે શુભ ફળદાયી છે. વૃશ્ચિક, ધનુ અને મકર સાડાસાતી પનોતીનું કષ્ટ ભોગવી રહ્યાં છે. જ્યારે વૃષભ અને કન્યા રાશિ જાતકો નાની પનોતીની પીડામાંથી પસાર થઈ રહ્યાં છે. સામાન્ય રીતે પ્રામાણિક અને સત્યનું આચરણ કરનાર વિનમ્ર જાતકો માટે શનિની દશા કે ગોચર કે પનોતી ઓછી કષ્ટદાયી રહે છે.

શનિદેવની દ્રષ્ટિને અશુભ માનવામાં આવી છે. એક પૌરાણિક કથા અનુસાર પુત્રનો જન્મ થયો હોવાનું સાંભળીને સૂર્યદેવ પોતાના રથ પર સવાર થઈને પુત્રને જોવા ચાલ્યા. પુત્ર જન્મની ખુશાલીમાં કંઈક સારો પુરસ્કાર મળશે એ આશામાં તેમનો સાથી આગળ ચાલ્યો. જેવી શનિની દ્રષ્ટિ સાથી પર પડી કે સાથી અપંગ થઈ ગયો. આ સાથે તરત જ સૂર્યદેવે પુત્રના પગ પકડીને તેને બ્રહ્માંડમાં ફંગોળી દિધો. આ કથા પિતા અને પુત્ર વચ્ચે રહેલી શત્રુતાના કારણનો પણ નિર્દેશ કરે છે. આ ઉપરાંત પણ આવી બીજી પૌરાણિક કથાઓ છે જે સૂર્ય-શનિ વચ્ચે શત્રુતા અને શનિની અશુભ દ્રષ્ટિના કારણનો નિદેશ કરે છે. નૈસર્ગિક રીતે શનિ દુ:ખ, પીડા, અવરોધ, ઉદાસી, હતાશા અને દરિદ્રતાનો કારક છે. આ કારણથી તેને પરમ અશુભ ગ્રહ માનવામાં આવે છે.

શનિદેવ આપણાં કર્મો અને ન્યાયનાં દેવતા છે. તેઓ આપણે કરેલાં શુભ કે અશુભ કર્મોનો ન્યાય કરીને તે અનુસાર શુભ કે અશુભ ફળ પ્રદાન કરે છે. પૌરાણિક કથા અનુસાર એકવાર સૂર્યપુત્ર યમ અને શનિદેવ વચ્ચે પોતાનાં રાજપાટ અંગે વિવાદ થઈ ગયો. આ વિવાદનાં નિરાકરણ અર્થે બંને ભગવાન શંકર પાસે ગયાં. તે બંનેના વચનો સાંભળીને ભગવાન શંકરે યમરાજને મૃત્યુદેવતાનું પદ આપ્યું. પ્રત્યેક જીવને પોતાનાં કર્મો અનુસાર દંડ અથવા ફળ આપવાનું કાર્ય એટલે કે દંડાધિકારીનું પદ શનિદેવને પ્રાપ્ત થયું. ભગવાન શંકરે શનિદેવને વરદાન આપ્યું કે તેમની દ્રષ્ટિના પ્રભાવથી દેવતા પણ બચી નહિ શકે તથા કળિયુગમાં તેમનું વિશેષ મહત્વ રહેશે. ત્યારથી શનિદેવ આ જગતમાં કર્મફળદાતાની ભૂમિકા ભજવી રહ્યાં છે.

હનુમાનજીની પૂજા-આરાધના કરવાથી શનિની પીડામાંથી રાહત મેળવી શકાય છે. કહેવાય છે કે જ્યારે હનુમાનજી રાવણની લંકાનું દહન કરવાં લંકાના કારાવાસ પહોંચ્યાં તો ત્યાં તેમણે શનિદેવને ઉલ્ટાં લટકેલાં જોયાં. શનિદેવ અત્યંત કરુણ સ્વરે ભગવાન શંકરનું સ્મરણ કરી રહ્યાં હતાં. આ દ્રશ્ય જોઈને હનુમાનજીને દયા આવી અને તેમણે શનિદેવને બંધનમાંથી મુક્ત કર્યા. બંધનમુક્ત થઈને શનિદેવે હનુમાનજીને કહ્યું કે હે પવનપુત્ર હનુમાન, હું આપના આ કાર્ય માટે હંમેશા આપનો ઋણી રહીશ. હું વચન આપું છું કે જે કોઈ આપની આરાધના કરશે તેમને મારી પીડામાંથી મુક્તિ મળશે.’  જ્યારે કોઈ વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને સમર્પણભાવથી હનુમાનજીનું સ્મરણ કરે છે ત્યારે તે હનુમાનજીના ગુણોને આત્મસાત કરે છે. આ ગુણો જ શનિની સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિમાં સહાયક બને છે.

નિયમિત શનિના મંત્રના જાપ કરવાથી શનિની કૃપા પ્રાપ્તિ શક્ય બને છે. મનનાત ત્રાયતે ઈતિ મંત્ર અર્થાત મનન કરવાથી જે માનવીનું ત્રાણ અર્થાત રક્ષણ કરે છે તે મંત્ર કહેવાય છે. મંત્રવિદ્યા ભારતની અતિ પ્રાચીન અને પવિત્ર વિદ્યા છે. મંત્ર એ એક પ્રકારની ઈશ્વરને કરાતી પ્રાર્થના છે. તે મનને એકાગ્ર કરે છે અને આંતરમનને અસર પહોંચાડે છે.

મહર્ષિ વેદવ્યાસ રચિત નવગ્રહ સ્તોત્ર શ્લોક: 

નીલાંજનસમાભાસનં રવિપુત્રં યમાગ્રજ‌મ્‌ ।
છાયામાર્તંડસમ્ભૂતં તં નમામિ શનૈશ્ચર‌મ્‌ ॥

ભાવાર્થ: નીલા કાજળ સમાન જેમની દીપ્તિ છે, જે સૂર્ય ભગવાનના પુત્ર તથા યમરાજના મોટા ભાઈ છે, સૂર્યની છાયાથી જેમની ઉત્પતિ થઈ છે, એ શનિદેવ હું પ્રણામ કરું છું.

શનિ પીડાહર સ્તોત્ર:

સૂર્યપુત્રો દીર્ઘદેહો વિશાલાક્ષઃ શિવપ્રિયઃ
મન્દચારઃ પ્રસન્નાત્મા પીડાં હરતુ મે શનિ:

ભાવાર્થ: હે મોટા મોટા નેત્રોવાળા, વિશાળ શરીરવાળા, સૂર્યપુત્ર અને શિવના અતિપ્રિય ગણ શનિદેવતા, મારા સર્વ કષ્ટ દૂર કરો.

શનિ તાંત્રિક મંત્ર:

ૐ પ્રામ પ્રીમ પ્રૌમ સહ શનૈશ્ચરાય નમ:

શનિ એકાક્ષરી બીજ મંત્ર:

ૐ શં શનૈશ્ચરાય નમ:

નવગ્રહોમાં શનિ એ દાસ છે. નોકર-ચાકર વર્ગ અને કઠોર પરિશ્રમ કરતાં લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.
નિ:સ્વાર્થ ભાવે કોઈ પણ જાતના વળતરની અપેક્ષા રાખ્યાં વગર અન્યોની સેવા કરવી એ શનિની કરુણા પામવાનો ઉત્તમ પ્રયોગ છે. ખાસ કરીને વૃદ્ધ, અસહાય તેમજ નબળાં લોકોની સેવા કરવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે. વડીલોનું હંમેશા સન્માન કરવું જોઈએ.

શનિને નમ્રતા પસંદ છે, અહંકાર અને ઘમંડ નહિ. સૂર્ય/અહંકારની ઉચ્ચ રાશિ મેષમાં શનિ નીચનો થઈ જાય છે અને સૂર્યની નીચ રાશિ તુલામાં શનિ ઉચ્ચનો થાય છે. નમ્ર બની રહેવાથી, સારા કર્મો કરવાથી અને સત્યના માર્ગે ચાલવાથી શનિની હેરાનગતિથી બચી શકાય છે.

શનિ એ અનુશાસનપ્રિય ગ્રહ છે. જીવનમાં મુશ્કેલીઓ આપીને અનુશાસન શીખવવાં ઉત્સુક હોય છે. રોજબરોજના જીવનમાં અનુશાસન અપનાવીને શનિ દ્વારા આપવામાં આવતી મુશ્કેલીઓ ઘટાડી શકાય છે.

દાન આપવું એ સ્વેચ્છાએ કરવામાં આવતી કાર્મિક ઋણની ચૂકવણી છે. શનિ સંબંધિત વસ્તુઓ જેવી કે આખા અડદ, તેલ, તળેલાં ખાદ્ય પદાર્થો, કાળા તલ, કાળું વસ્ત્ર, લોખંડની વસ્તુઓ વગેરેનું જરૂરીયાતવાળી વૃદ્ધ કે અપંગ વ્યક્તિને શનિવારે દાન આપીને શનિની પીડા હળવી કરી શકાય છે.

પીપળાના વૃક્ષનું પૂજન કરવું. પ્રાત: સ્નાનોપરાંત કાળા તલ અને લવિંગ મિશ્રિત જળ પશ્ચિમ બાજુ મુખ કરીને પીપળાના વૃક્ષને ચઢાવી શકાય. વેદોમાં પીપળાના વૃક્ષને અશ્વત્થ કહેવામાં આવ્યું છે. આ એક દેવવૃક્ષ છે અને તેની નીચે બેસી મંત્ર, જપ અને ધ્યાન ધરવું શુભ મનાય છે.

શિવોપાસના અથવા હનુમાનજીની આરાધના કરવી જોઈએ. શનિના દુષ્પ્રભાવથી બચવા કાળભૈરવની પૂજા કરવી શુભ છે. કાળ એટલે કે સમય અને જે ભયથી રક્ષા કરે તે ભય+રવ અર્થાત ભૈરવ. કાળભૈરવ ભગવાન શિવના જ અવતાર માનવામાં આવે છે.

શનિ આપણાં જીવનમાં જરૂરી ન હોય તેવી ચીજોને દૂર કરે છે. શનિની કૃપા પ્રાપ્તિનો સૌથી સહેલો ઉપાય બિનજરૂરી વસ્તુઓનો નિકાલ કરવાનો છે. ઘરમાંથી બિનજરૂરી વસ્તુઓ અને મનમાંથી બિનજરૂરી વિચારો દૂર કરી માનસિક શાંતિનો અનુભવ કરી શકાય છે.

શનિ આપણને વાસ્તવિકતાનું ભાન કરાવે છે અને ધરતી પર લઈ આવે છે. હંમેશા વાસ્તવિકતાની અને વર્તમાનની દુનિયામાં રહીને શનિની આ ભાવનાનું સન્માન કરી શકાય છે. ધ્યાન વર્તમાનની ક્ષણમાં જીવવા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. 

ટિપ્પણીઓ

રાજેશ પરમાર એ કહ્યું…
ઘણો ઉપયોગી માહિતી . . .
Vinati Davda એ કહ્યું…
@રાજેશ પરમાર, આભાર!

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા