સૂર્ય, નેતૃત્વશક્તિ અને આપની રાશિ


ભારત દેશે પોતાનાં નેતાનું ચયન કરવાની મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરી. જ્યોતિષશાસ્ત્રમાં વ્યક્તિનું નેતા તરીકે ચયન તેની કુંડળીનો સૂર્ય કરે છે. સંસ્કૃતમાં સૂર્યને શૂરાકહેવામાં આવે છે. શૂરા અર્થાત નાયક !! સૂર્ય એ સમગ્ર જગતનો નાયક છે. જ્યોતિષશાસ્ત્રમાં એ જગતનો પિતા અને જગતનો આત્મા કહેવાયો છે. ગ્રહમંડળમાં સૂર્ય મહારાજને રાજાનું બિરુદ મળેલું છે. તેઓ સમગ્ર ગ્રહમાળાને એક સૂત્રમાં નિયમબદ્ધ ગતિથી પોતાની ચોતરફ ફેરવે છે અને પોતાનાં તેજથી નજીક આવતાં ગ્રહોને અસ્તંગત કરી નાખે છે. સૌરમંડળનું કેન્દ્ર એવો સૂર્ય આપણાં શરીરનું કેન્દ્ર કહી શકાય તેવાં આત્મા અને હ્રદયનો કારક ગ્રહ છે. સ્કૂલના ક્લાસમાં મોનીટરથી લઈને ઓફિસમાં મેનેજર કે બોસ, સોસાયટી કે ક્લબના પ્રમુખ, ખેલની ટીમના કપ્તાન, યુદ્ધની સેનાના નાયક, દેશના મંત્રી કે કુટુંબનાં વડા વગેરે કોઈ પણ પ્રકારનું નેતા પદ સૂર્યની કૃપા વગર પ્રાપ્ત થવું શક્ય નથી.

સૂર્યમાં એક ઉત્તમ નેતા બનવાનાં દરેક ગુણ છૂપાયેલાં છે. તે દરરોજ અચૂક નિયમિતતાપૂર્વક અને શિસ્તતાપૂર્વક ઉગે છે અને આથમે છે. સાતત્યતાપૂર્ણ અને આધાર રાખી શકાય તેવો ગ્રહ છે. પોતાનો પ્રકાશ ભેદભાવ કર્યા વગર ગરીબ હોય કે તવંગર દરેક પર સમાન રીતે રેલાવે છે. સૂર્ય તો પ્રકાશ રેલાવનાર આકાશી દિવો છે. પ્રકાશને લીધે જ દિવસનું નિર્માણ થાય છે. આમ સૂર્ય એ દિવસને બનાવનારો દિવાકર છે. આકાશમાં સૂર્યના ઉદયથી રાત્રિનો અંધકાર દૂર થાય છે અને હ્રદયમાં સૂર્યનાં    ઉદયથી અજ્ઞાનતારૂપી અંધકાર દૂર થાય છે. આથી જ સૂર્ય હ્રદયસ્થ પરમાત્મા કહેવાયો છે. સૂર્યપ્રકાશમાં દરેક વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જો તમારે પણ દુનિયામાં સ્પષ્ટરૂપે નજરે પડવું હોય તો હ્રદયમાં જ્ઞાનનો દિવો પ્રજવલિત કરીને પ્રકાશિત અને તેજસ્વી બનવું પડે. અન્યોને દોરવા માટે, અન્યોને પ્રકાશ આપવાં માટે ખુદ પ્રકાશ બનવું પડે. પ્રકાશમાં સ્પષ્ટરૂપે દેખાતી વસ્તુને લીધે યોગ્ય નિર્ણયો લઈ શકાય છે. એક સારો નેતા તેને જ કહી શકાય કે જે સારાં અને યોગ્ય નિર્ણયો લઈ શકે. યોગ્ય નિર્ણયો લેવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે તેમજ માન-સન્માન, ખ્યાતિ, પ્રતિષ્ઠા અને સત્તાની પ્રાપ્તિ થાય છે. આ બધું જ સૂર્યને આભારી છે.

સૂર્યની સ્વરાશિ સિંહ છે. સિંહ રાશિનું ચિહ્ન તેનાં નામ અનુસાર સિંહ જ છે. સિંહ જંગલનો રાજા ગણાય છે. સૂર્યની ઉચ્ચ રાશિ મેષ છે. મેષ રાશિનું ચિહ્ન ઘેટું છે. અન્ય કોઈ પ્રાણીઓ જ્યાં જઈ ન શકે ત્યાં ઘેટું ચડી કે ઉતરી જાય છે. તે ઘાસ ચરવાં માટે પર્વતો પર પણ ચડી શકે છે અને જોખમો ખેડીને ખાડાંઓમાં અને ખીણોમાં પણ ઉતરી શકે છે. સૂર્યની નીચ રાશિ તુલા છે. તુલાનું ચિહ્ન નામ અનુસાર તુલાધારી પુરુષ છે. તુલા એટલે કે જોખીને-તોલીને આપવું. સૂર્ય હંમેશા મુક્તપણે, ખુલ્લા દિલથી અને ઉદાર હ્રદયે આપનારો ગ્રહ છે. જોખી-તોલીને આપવાની પ્રકૃતિ તેને માફક આવતી નથી.

જન્મકુંડળીનાં 9, 10 અને 11 ભાવોમાં રહેલો સૂર્ય ઉત્તમ નેતૃત્વશકિત આપી શકે છે. નવમ, દસમ અને એકાદશ ભાવ બાહ્ય જિંદગી અને જાહેર જીવન સાથે સંબંધ ધરાવે છે. આ ભાવો કુંડળીનાં દ્રશ્ય ગોળાર્ધમાં સમાયેલાં છે. દ્રશ્ય ગોળાર્ધ દિવસ અને પ્રકાશનો નિર્દેશ કરે છે. દસમ એ મધ્યાહ્નનો ભાવ છે. જ્યારે પૂર્ણ પ્રકાશને લીધે વ્યક્તિ સૌથી વધુ સક્રિય બને છે. મધ્યાહ્ન સમયે સૂર્યપ્રકાશમાં બધું જ દ્રષ્ટ અને સ્પષ્ટ દેખાય છે. આ સ્થાનમાં સૂર્ય દિગ્બળી બને છે. 

અગ્નિતત્વ ધરાવતી રાશિઓ મેષ, સિંહ અને ધનુમાં સ્થિત સૂર્ય નેતૃત્વનાં ગુણ પૂર્ણરૂપે ખીલવી શકે છે. સૂર્ય પોતે પણ અગ્નિતત્વ ધરાવતો ગ્રહ  હોવાથી અગ્નિતત્વ રાશિની પ્રકૃતિ તેને માફક આવે છે. વળી મેષ તો સૂર્યની ઉચ્ચ રાશિ છે.

અગ્નિતત્વ ધરાવતો સૂર્ય જળરાશિઓ ખાસ કરીને કર્ક અને મીનમાં પોતાનું બળ ગુમાવે છે. જન્મકુંડળીમાં ચતુર્થ અને દ્વાદશભાવમાં રહેલો સૂર્ય પણ નેતૃત્વનાં ગુણો ખીલવવામાં નિર્બળ રહે છે. આમ છતાં ઘણીવાર જળરાશિનો સૂર્ય આંતરિક રીતે અને જાહેર પ્રસિદ્ધિ વગર કરેલાં કાર્યોને લીધે દુનિયામાં પોતાની છાપ છોડી જવા સફળ રહે છે.

સૂર્ય પોતાની નીચ રાશિ તુલામાં રહેલો હોય ત્યારે નેતૃત્વનો ગુણ પ્રદાન કરવામાં નિષ્ફળ રહે છે. તુલા રાશિનું દરેક સાથે સંવાદિતા અને સમતુલન બનાવી રાખનારું વલણ સૂર્યની સત્તાવાહી અને આદેશ આપનારી પ્રકૃતિને માફક આવતું નથી. આમ છતાં જન્મકુંડળીમાં શુભ રીતે પડેલો તુલા રાશિનો સૂર્ય સત્તાની વહેંચણી કરાવીને ભાગીદારીમાં નેતાપદ આપી શકે.

આવો જોઈએ બારેય જન્મરાશિ/જન્મલગ્ન/સૂર્ય ધરાવનાર જાતકો નેતા તરીકે કેવાં રહે. નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે.

મેષ: બાર રાશિઓનાં બનેલાં રાશિચક્રમાં પ્રથમ રહી નેતા બનેલી મેષ રાશિ જન્મજાત નેતાગીરીના ગુણો ખીલવનારી છે. મેષ જાતકો ક્યારેય જોખમી નિર્ણયો લેવામાં ગભરાતાં નથી. સાહસી અને મજબૂત હોય છે. હંમેશા નવાં-નવાં વિચારો અને યોજનાઓ રજૂ કરનાર હોય છે. પાયારૂપી કાર્યો કરનાર, નવી શોધ કરનાર, નવી રચના કરનાર અને નવાં ક્ષેત્રોને ખેડનાર હોય છે. હંમેશા સ્વતંત્ર રીતે કામ કરવાં ઈચ્છે છે. સ્પર્ધાત્મક વાતાવરણને પસંદ કરનાર હોય છે. અન્યોને સલાહ કે સૂચના આપવાને બદલે પોતે જ પોતાનાં કાર્યો થકી પ્રેરણારૂપ બને છે.

વૃષભ: માર્ગદર્શક ઉપરાંત મિત્ર બનીને રહે છે. અન્યોનાં વખાણ અને કદર કરી શકે છે તેમજ તેમની કાળજી રાખનાર હોય છે. કળથી અને ધીરજથી કામ લેનાર હોય છે. પોતાની જવાબદારીઓને ગંભીરતાથી લે છે. થાક્યાં વગર સતત કાર્ય કરી શકે છે અને પોતાનાં ધ્યેયને વળગી રહે છે. પોતે જે કલ્પના કે વિચાર કર્યો હોય તે જ પ્રમાણે અન્યો કાર્ય કરે તેવી અપેક્ષા રાખે છે. કાર્ય અંગે ચુસ્ત અને દ્રઢ માન્યતાઓ ધરાવનાર હોય છે. નિશ્ચિત કાર્યપ્રણાલીને અનુસરનાર હોય છે. ધીમે-ધીમે સફળ અને સુંદર વસ્તુઓનું નિર્માણ કરે છે.

મિથુન: વાતો અને રમૂજ કરતાં રહે છે. ઉત્તમ વક્તા અને ઝડપથી વિચારનાર હોય છે. અનેક વિષયોનું જ્ઞાન ધરાવનાર હોય છે. હંમેશા માનસિક રીતે વ્યસ્ત રહે છે. અલગ-અલગ દ્રષ્ટિકોણથી વિચારી શકે છે. અન્યોને સિક્કાની બંને બાજુઓ બતાવી માર્ગદર્શન પૂરું પાડી શકે છે. એક સમયે એક કરતાં વધુ કાર્યો હાથ પર લઈ શકે છે. દરેક બાબતે પોતાનો મત રજૂ કરનાર હોય છે. સંદેશાઓ મોકલતાં રહે છે અને જાહેરાતો કરતાં રહે છે. સત્તાવાહી નેતા બનવાને બદલે સહકાર આપનાર સાથી બનીને કાર્ય પૂર્ણ કરવામાં મદદ કરે છે.

કર્ક: પોતાનાં માર્ગદર્શન હેઠળ કાર્ય કરનાર લોકોને પોતાનો પરિવાર ગણી તેમની કાળજી લેનાર હોય છે. દરેકની કાળજી લેનાર હોવાથી લોકોનો પ્રેમ પામનાર નેતા બની રહે છે. કાર્યક્ષેત્રે ઘર જેવું આરામદાયક વાતાવરણ ઊભું કરે છે. પોતાના અનુયાયીઓની અંગત વાતોની અને ઘર-પરિવાર વિશેની જાણકારી ધરાવનાર હોય છે. તેમનાં જન્મદિવસે કે મહત્વના પ્રસંગોએ અચૂક શુભેચ્છા પાઠવે છે. તેમનો વ્યહાર પ્રેમાળ અને મિત્રતાભર્યો રહે છે. વારંવાર લાગણીઓમાં ચડાવ-ઉતાર અનુભવે છે. આથી ઘણીવાર એક મૂડી બોસ બની રહે છે.  

સિંહ: જન્મજાત નેતા હોય છે. કોઈ નેતા બનવાનું કહે કે સોંપે તે પહેલાં પોતે જાતે જ નેતા હોવાની ભૂમિકા સંભાળી લે છે. અન્યોને દોરવાની, માર્ગદર્શન આપવાની કુશળતા ધરાવતાં હોય છે. તેમનો અહમ મોટો હોય છે. આમ છતાં નબળાં લોકો પ્રત્યે સંવેદનશીલ અને સહાનુભૂતિ ધરાવનાર હોય છે. તેમનું પાલન પોષણ કરવું પોતાની જવાબદારી સમજે છે. આદેશ આપનાર, કડકાઈ વાપરનાર અને અહંકારી નેતા બને છે. તેમ છતાં તેમનું વિશાળ અને ઉદાર હ્રદય લોકોનાં દિલ જીતી લે છે. બહોળો અનુયાયી વર્ગ ધરાવનાર હોય છે.

કન્યા: માનવતાવાદી અભિગમ ધરાવનાર હોય છે. વિશ્લેષણ કરનાર, યોજનાઓ ઘડનાર, ચર્ચા-વિચારણાઓ કરનાર નેતા બને છે. આંકડાંઓ અને ગણતરીઓનો અભ્યાસ કરે છે અને તે આધારે નિર્ણયો લેનાર હોય છે. વાસ્તવિક અને વ્યવહારુ દ્રષ્ટિ ધરાવે છે. દરેક બાબતનું વ્યવસ્થિત આયોજન કરનાર હોય છે. હંમેશા દરેક કાર્ય સાફ-સૂથરું, સુઘડ, ચોકસાઈભર્યુ અને સંપૂર્ણ રીતે થાય તેનો આગ્રહ રાખે છે. કાર્ય સંબંધી નૈતિક મૂલ્યોને અનુસરનાર હોય છે. કયારેક વધુ પડતું વિચારનાર અને જોખમો લેવાથી ડરનાર હોય છે.

તુલા: લોકોને ચાહનારાં અને લોકો સાથે હળી-મળીને કામ કરવાનું પસંદ કરનાર હોય છે. દરેક પરિસ્થિતિમાં સમાધાન અને સમતુલન બનાવી રાખવાં ઈચ્છે છે. ન્યાયી અભિગમ ધરાવનાર હોય છે. સંબંધોમાં સંવાદિતા બનાવી રાખવાં ઈચ્છુક હોય છે. તેમની નીચે કામ કરનારાંઓ સાથે સમાધાનભર્યુ કે સહમતીભર્યુ વલણ અપનાવી શકે. ભાગીદારીમાં રહીને કાર્યો કરી શકે છે. કૂટનીતિમાં કુશળ હોય છે. કોઈ પણ મુંઝવણભરી પરિસ્થિતિમાં વચલો રસ્તો શોધીને કાર્ય પૂર્ણ કરનાર હોય છે. મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે.

વૃશ્ચિક: જન્મજાત નેતાગીરીના ગુણો ધરાવનાર હોય છે, જે જરૂર પડે ત્યારે બહાર આવે છે. વ્યૂહાત્મક ચાલ ચાલી શકે છે. રહસ્યમય અને ગુપ્ત રીતે કાર્યો પાર પાડી શકે છે. પોતાની આસપાસ પણ રહસ્યમય અને ચુંબકીય આભા બનાવીને રાખે છે, જે લોકોને તેમના તરફ આકર્ષે છે. પોતાનાં કાર્યો પૂર્ણ કરવા બાબતે તીવ્ર લગન અને દ્રઢ નિશ્ચયી વલણ ધરાવે છે. સ્પર્ધાત્મક અભિગમ ધરાવનાર હોય છે. પોતાની જાતને ઊંચે લઈ જવાની આંતરિક શક્તિ ધરાવનાર હોય છે. પોતે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને લીધે અનુયાયીઓનું માન-સન્માન પામે છે.

ધનુ: વિશાળ દ્રષ્ટિકોણ ધરાવતાં આશાવાદી નેતા હોય છે. જ્યારે તેમની હાથ નીચે કામ કરનારાં લોકો હતાશ થઈ રહ્યાં હોય અથવા નકારાત્મક વિચારી રહ્યાં હોય ત્યારે આ જાતકો તેમનામાં ઉત્સાહનો સંચાર કરે છે. તેમને ભવિષ્ય વિશે આશાનું કિરણ દેખાડી શકે છે. ફિલસૂફીભર્યુ જ્ઞાન ધરાવનાર અને સ્પષ્ટવક્તા હોય છે. અલગ-અલગ પ્રકારના લોકોને એકસાથે લાવીને તેમની પાસેથી કામ લઈ શકે છે. નવા અને મોટાં પ્રોજેક્ટનાં સપનાં જોતા રહે છે. તેઓ ઈચ્છે છે કે તેમને અનુસરનારાઓ પોતાની રીતે શીખે, વિચારે અને સ્વતંત્ર રીતે કામ કરે.  

મકર: નિયમબદ્ધ અને સુવ્યવસ્થિત કાર્ય કરનાર હોય છે. પોતાની નીચે કામ કરનાર લોકો પર નિયંત્રણ રાખે છે. કાયદા અને નિયમોને માન આપનારાં હોય છે. તેમને અનુસરનારાઓ જવાબદારીપૂર્વક કાર્યો પૂર્ણ કરે અને બોલેલાં વચનો પાળે તે જરૂરી સમજે છે. ધીમી ગતિથી કામ પાર પાડનાર હોય છે. હંમેશા વાસ્તવિક ધ્યેયને પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવે. કલ્પનાઓ અને સપનાંઓની દુનિયાથી દૂર રહે. પોતે જે કાર્ય કરવામાં કુશળ હોય તે જ કાર્ય કરવાનું પસંદ કરશે. નવા અખતરાંઓ કરવાથી દૂર રહેશે. અન્ય લોકો તેમનાં કામનો સ્વીકાર કરે અને સહમતી આપે તે તેમનાં માટે જરૂરી હોય છે.

કુંભ: મૈત્રીપૂર્ણ વ્યવહાર ધરાવનાર લોકલાડીલા નેતા બને છે. લોકોને એક મંચ પર એકઠાં કરી શકે છે. અન્યો કરતાં જુદું વિચારનારા હોય છે. નવા વિચારો અને નવી શોધખોળો કરનાર હોય છે. ગંભીર પ્રકૃતિ ધરાવનાર હોય છે. લોકો તેમને માન આપે છે અને તેમના વિચારોને ગંભીરતાથી લે છે. એક પરિપક્વ અને જવાબદાર નેતા તરીકેની છાપ ધરાવે છે. તેમને અનુસરનારાઓ તેમની આવડત પર પૂર્ણ વિશ્વાસ ધરાવે છે. સારી નિર્ણયશક્તિ ધરાવનાર હોય છે. માનવતાવાદી અભિગમ ધરાવે છે અને વધુ સારી તેમજ સુંદર દુનિયા જોવા ઈચ્છે છે.   

મીન: પોતાના અનુયાયીઓનાં સાચાં અર્થમાં ગુરુ બનીને રહે છે. લોકોને પોતાની કલ્પનાઓ અને સપનાંઓમાં વિશ્વાસ રાખવાની પ્રેરણા આપી શકે છે. તેમનાં માટે વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેની ભેદરેખા બહુ જ પાતળી હોય છે. લોકો સાથે લાગણીથી જોડાઈને ગાઢ જોડાણ બનાવી શકે છે. દયાળુ અને ઉદાર વ્યક્તિત્વ ધરાવે છે. ક્યારેક બેવડાં વિચારો કે બેવડું વલણ ધરાવે છે. પરિણામે વિચારોમાં અટવાયાં કરે છે. પ્રામાણિક, પરોપકારી અને અન્યોની મદદ કરવા હંમેશા તૈયાર રહે છે. ઘણીવાર લોકો સહેલાઈથી તેમની ભલમનસાઈનો લાભ ઉઠાવી જાય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા