તૂટેલાં પ્રણયનાંં તાર, બાર રાશિઓનાં વ્યવહારઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો મને?
જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને! ‍‍

બેફામસાહેબનો આ શેર ઘણીવાર ઘણાંના જીવનની હકીકત બની જતો હોય છે. આપણાં જીવનમાં દરેક વ્યક્તિ ઋણાનુબંધને લીધે પ્રવેશ કરે છે. ઋણાનુબંધ પૂરાં થાય એટલે સંબંધ પણ પૂરો થઈ જતો હોય છે. પરંતુ જ્યારે એક સંબંધ તૂટે છે કે છૂટે છે ત્યારે એક મોત જેવી પીડા આપે છે. તૂટેલાં પ્રણયની વીણાના તાર હ્રદયને દુ:ખથી ઝણઝણાવી મૂકે છે. પીડાના પ્રત્યાઘાત અલગ-અલગ વ્યક્તિ અલગ-અલગ રીતે પાડે છે. કોઈ મજબૂત બનીને ખમી જાય છે તો કોઈ દુ:ખથી ભાંગી પડે છે. આવો જોઈએ કે પ્રણય ભંગ થવાથી અલગ-અલગ રાશિઓ/જન્મલગ્નના જાતકોનો વ્યવહાર કેવો રહે છે. નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે.

મેષ (અ, , ઈ): જ્યારે સંબંધમાં મુશ્કેલી પેદા થાય ત્યારે અધીરા બની જાય છે. સાથી સાથે ઉગ્ર દલીલો કરે છે અને ન બોલવાનાં વેણ બોલી બેસે છે. ઘણીવાર આવેશમાં આવીને પોતે જ સંબંધ તોડી નાખે છે અને બાદમાં પસ્તાવાનો અનુભવ કરે છે. જ્યારે સાથી સંબંધ તોડીને જીવનમાં આગળ વધી જવાનું નક્કી કરે ત્યારે ઊંડી પીડા અનુભવે છે. આઘાતમાં આવીને ભવિષ્ય માટે નકારાત્મક નિર્ણયો લે છે. પોતે અંદરથી તૂટી ચૂક્યાં છે તેવું કોઈને જણાવાં નહિ દે. પોતે મજબૂત છે અને કશી પરવા કરતાં નથી તેવું દેખાડશે. હકીકતમાં તૂટી ગયેલાં પ્રેમનો નાનો એવો ઉલ્લેખ પણ તેમની આંખમાં આંસુ લાવી શકે એમ હોય છે. પોતાની જાતને શારીરિક રીતે સક્રિય રાખીને, કસરતમાં કે રમત-ગમતમાં વ્યસ્ત કરીને દુ:ખને ભૂલાવાની કોશિશ કરશે. એકાંતમાં ચીસો પાડીને દર્દને બહાર કાઢશે. ભૂતકાળને ભૂલાવીને જલ્દીથી આગળ વધી જવાં ઈચ્છુક હોય છે એટલે ઝડપથી નવી વ્યક્તિને પોતાનાં જીવનમાં સ્થાન આપી દે છે.  

વૃષભ (બ, , ઉ): હંમેશા લાંબા ગાળાનાં અને જીવનભર સાથ આપનારાં સંબંધની કામના રાખે છે. સંબંધમાં કશું બચ્યું ન હોય તો પણ તેને વળગી રહે છે અને ટકાવી રાખવાં છેલ્લે સુધી પ્રયત્નો કરે છે. સાથી જ્યારે સંબંધ તોડવાં ઈચ્છુક હોય ત્યારે તેને સંબંધ જાળવી રાખવાં વિનવણી કરે છે. સંબંધ તૂટવાથી અસલામતીનો અનુભવ કરે છે. તેઓ જલ્દીથી બદલાવને સ્વીકારી શકતાં નથી. પરંતુ એક વાર સંબંધ તોડવાનો નિર્ણય લઈ લીધાં બાદ પોતાનાં નિર્ણય પર અડગ રહે છે અને સમાધાન માટે કે ફરી પાછાં ફરવાં માટે કોઈ જગ્યા રાખતાં નથી. આ એક વફાદાર અને સાથી પ્રત્યે માલિકીભાવ ધરાવનારી રાશિ છે. પરંતુ જ્યારે સાથી વફાદાર ન હોય કે તેમની સાથે રમત રમે ત્યારે સામાન્ય રીતે સંયમિત રહેનારાં અને ભાગ્યે જ ગુસ્સે થનારાં એવાં વૃષભ જાતકો પોતાનો પિત્તો ગુમાવે છે. ઘણીવાર સંબંધ તૂટ્યાં પછી ભૂતકાળની યાદોને વાગોળ્યાં કરે છે. સ્વાદિષ્ટ ભોજન કે ચોકલેટ તેમનાં દર્દની પીડા હળવી કરી શકે.

મિથુન (ક, , ઘ): હ્રદય ભંગ થવાની પરિસ્થિતિને સારી રીતે સંભાળી લે છે. પોતાની કારકિર્દી કે પરિવાર પર તેની અસર પડવાં દેતાં નથી. મેષ રાશિની જેમ જ દેખાડે છે કે તેમને પરવા નથી. પરંતુ અંદરખાને પીડા અનુભવે છે. સામે ચાલીને સંબંધ તોડવાની પહેલ ભાગ્યે જ કરે છે. પ્રેમસંબંધમાં વાતચીત, વિચારોની આપ-લે, ચર્ચાઓ અને સંવાદ તેમનાં માટે બહુ જ મહત્વ ધરાવે છે. વાતચીત દ્વારા સંબંધમાં પડેલી ગૂંચ ઉકેલવાં પ્રયત્ન કરે છે. પરંતુ એક વાર સંબંધ તૂટી જાય પછી મૌન ધારણ કરી લે છે. સંબંધ તૂટવાં પાછળ સાથીને જવાબદાર માને છે. પ્રણય ભંગ થયા બાદ પ્રેમમાંથી વિશ્વાસ ગુમાવી બેસે છે અને નવી શરૂઆત કરતાં ડરે છે. સામાજીક મેળાવડાંઓમાં લોકો સાથે હળી-મળીને અને વાતો કરીને પોતાનું દુ:ખ હળવું કરવાં પ્રયત્ન કરે છે. ઘણીવાર પોતાની અધૂરી રહી ગયેલી પ્રણય કથાને રમૂજનો વિષય બનાવી મિત્રો સાથે દુ:ખ હળવું કરે છે. રડવાં ઈચ્છતા હોય છે, પરંતુ હસીને વાત ઉડાડે છે.

કર્ક (ડ, હ): લાગણીશીલ અને સંવેદનશીલ રાશિ છે. તેમની લાગણીઓ સહેલાઈથી ઘવાઈ જાય છે. આમ છતાં પોતાની લાગણીઓને છૂપાવીને રાખે છે. તેઓ નથી ઈચ્છતાં કે તેમનાં મિત્રો-પરિવારજનો તેમને દુ:ખી થયેલાં જુએ. જલ્દીથી અન્યો પર વિશ્વાસ મૂકી દે છે અને તેમની સાથે જીવન વીતાવવાની કલ્પનાઓ કરવા લાગે છે. કરુણાશીલ અને દયાવાન હોય છે. અન્યો પ્રત્યે ઉપજેલી સહાનુભૂતિને પ્રેમ માનવાની ભૂલ કરી બેસે છે. તેમની વધુ પડતી કાળજીને લીધે સાથી ગૂંગળામણ અનુભવે છે. પ્રણય ભંગને સ્વીકારવો તેમનાં માટે મુશ્કેલ હોય છે. વૃષભ જાતકોની જેમ જ સંબંધ તોડવાં ઈચ્છતાં નથી અને છેલ્લે સુધી સંબંધને બચાવવાની કોશિશ કરે છે. સંબંધ તૂટ્યાં બાદ અત્યંત નિરાશામાં સરકી પડે છે. જીવનમાં આવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે અન્યો પર આંધળો વિશ્વાસ મૂકવાથી બચવું જોઈએ. નજીકનાં મિત્રો અને પરિવારજનોની પ્રેમ અને હૂંફ તેમને નિરાશામાંથી બહાર કાઢવામાં મદદરૂપ બની શકે.

સિંહ (મ, ટ): પ્રેમની શરૂઆત આકર્ષણ કે મોહથી થાય છે. વિશ્વાસ અને વફાદારીપૂર્વક સંબંધ નિભાવનાર જાતકો હોય છે. જ્યારે અહમ ઘવાતો લાગે ત્યારે સંબંધ તોડી શકે છે. એટલું જ નહિ ઘણીવાર સંબંધ તોડીને ગર્વનો અનુભવ કરે છે. પોતાનાં સાથીની ભૂલ છે તેવું સાબિત કરવાં મથે છે અને સાથી પાસે માફીની અપેક્ષા રાખે છે. જો સાથી સંબંધ તોડે તો ઊંડા આઘાતનો અનુભવ કરે છે. તેમને લાગે છે કે કોઈ તેમનામાંથી રસ ગુમાવી જ કઈ રીતે શકે? પોતે સાથીના જીવનનું કેન્દ્ર છે અને પોતાનાં વગર સાથી જીવી શકે જ નહિ તેવી માન્યતા ધરાવે છે. શક્તિશાળી અને જીવનનાં કઠિન સમયને સારી રીતે પાર પાડનાર જાતકો હોય છે. હ્રદય ભંગ થાય ત્યારે એ પરિસ્થિતિમાંથી બહાર આવવાં માટે તેમને એકલાં અને સ્વતંત્ર છોડી દેવાં જોઈએ. જ્યારે સતત કોઈ સાથે રહીને પ્રેમસંબંધની યાદ અપાવતું રહે તો તેમની માનસિક શાંતિ જોખમાય છે. તેઓ એકલાં જ આ દુ:ખમાંથી બહાર આવવાં સક્ષમ હોય છે.

કન્યા (પ, , ણ): પ્રેમાળ અને બુદ્ધિશાળી જાતકો હોય છે. આદર્શ અને સંપૂર્ણતાથી ભરેલાં સંબંધની ઝંખના રાખે છે. પરંતુ ક્યારેય કોઈ વ્યક્તિ કે સંબંધ સંપૂર્ણ હોતાં નથી. ઘણીવાર તેમની અવાસ્તવિક અપેક્ષાઓ જ સંબંધમાં ફૂટ અને શંકાઓ પેદા કરે છે. પ્રણય સંબંધ દરમિયાન ઝીણી-ઝીણી બાબતોનું વિશ્લેષણ કરતાં રહે છે. સંબંધોમાં વિશ્વાસ ધરાવે છે અને સંબંધ જોડતાં પહેલાં પૂરી તકેદારી રાખે છે. પ્રેમમાં સાથી સાથે દલીલો કરે છે અને ઘણીવાર આ દલીલો ફરિયાદનું સ્વરૂપ ધારણ કરી લે છે. જ્યારે સંબંધ તૂટે ત્યારે તેમાંથી સબક શીખીને ઝડપથી જીવનમાં આગળ વધે છે. આ બાબતે અન્યો માટે સકારાત્મક અભિગમનું દ્રષ્ટાંત બને છે. બુદ્ધિશાળી હોવાથી કળથી કામ લે છે અને સંબંધ તૂટવાની ઘટનાને નાટકીય સ્વરૂપ આપવાથી કે સાથી સાથે સંઘર્ષમાં ઉતરવાથી દૂર રહે છે. સામાજીક મેળાવડાંઓમાં હાજરી આપવાથી અને લોકો સાથે હળવાં-મળવાંથી પ્રણય ભંગની પીડા ઓછી કરી શકાય.

તુલા (ર, ત): પ્રેમના જ કારક ગ્રહ શુક્રની રાશિ છે. સંબંધોમાં પ્રેમ, સુખ-શાંતિ અને સંવાદિતાને ચાહનારાં જાતકો હોય છે. પોતાના સાથીને હંમેશા ખુશ જોવા ઈચ્છે છે. પ્રણય ભંગની ઘટના તેમને આંચકો આપનારી બની રહે છે. આમ છતાં ચહેરા પરનું સ્મિત વિલાવાં દેતાં નથી અને હસતાં મુખે કઠિન પરિસ્થિતિનો સામનો કરે છે. સંબંધનો અંત કડવાશ લાવ્યાં વગર મૈત્રીપૂર્ણ રીતે કરવાની કોશિશ કરે છે. પ્રણય ભંગ થયા બાદ પણ સાથી સાથે મૈત્રીભર્યો અને સૌહાર્દપૂર્ણ સંબંધ બની રહે તેનાં પૂરતાં પ્રયત્નો કરે છે. સરખી જ પ્રણય ભંગની પરિસ્થિતિમાંથી પસાર થતાં લોકો સાથે વાત કરીને તેમની પાસેથી દુ:ખને હળવું કરવાની પ્રેરણા મેળવી શકાય. જીવનને સતત સારું અને સમૃદ્ધ બનાવવાનાં પ્રયત્નો આ મુશ્કેલીમાંથી બહાર કાઢે. તુલા જાતકોનું આકર્ષક અને મોહક વ્યક્તિત્વ વિજાતીય પાત્રોને તેમનાં તરફ આકર્ષે છે. નવા સંબંધો માટે તેમનાં દરવાજા હંમેશા ખુલ્લાં રહે છે. એક સંબંધમાંથી બીજાં સંબંધમાં સહેલાઈથી ગોઠવાઈ જઈ શકે છે.

વૃશ્ચિક (ન, ય): તીવ્રતાથી અને પૂર્ણ સમર્પણભાવથી પ્રેમ કરનારાં જાતકો હોય છે. પ્રણય ભંગ તેમને હચમચાવી મૂકે છે. પ્રેમમાં સાથીનું સમગ્ર ધ્યાન હંમેશા તેમનાં તરફ રહે અને સાથી હંમેશા તેમને વફાદાર રહે તેવી ઈચ્છા ધરાવે છે. સાથી પર વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે છે. જ્યારે સંબંધમાં તેમની લાગણી ઘવાય છે ત્યારે સાથીએ તેમને આપેલાં આ દુ:ખનું પરિણામ ભોગવવું પડે તેની ખાતરી રાખે છે. જેટલી તીવ્રતાથી પ્રેમ કરે છે એટલી જ તીવ્રતાથી નફરત પણ કરે છે. તેમનાં માટે માફ કરવું, ભૂલી જવું કે જતું કરવું અત્યંત મુશ્કેલ હોય છે. પીડાને જીવતી રાખીને તેમાંથી આનંદ લેનારાં જાતકો હોય છે. પ્રણય ભંગ બાદ ઉપરથી શાંત અને સ્થિર જણાતાં વૃશ્ચિક જાતકો મનમાં ક્રોધ, ધિક્કાર, પીડા અને બદલો લેવાની વૃતિ ધરાવતાં હોય છે. ઘણીવાર પીડાને ભૂલવાં વ્યસનનો સહારો લે છે. સાથીને જતાવવાની કોશિશ કરે છે કે પોતે તેમનાં વગર ખુશ છે. બદલો લેવાની વૃતિ નહિ રાખવાથી જીવનમાં ફરી ખુશીની પ્રાપ્તિ કરી શકાય.

ધનુ (ભ, , , ઢ): વ્યવહારુ અભિગમ ધરાવતી રાશિ છે. પોતાની સ્વતંત્રતાને પસંદ કરનારાં જાતકો હોય છે. જો સાથી તેમનાં પર નિયંત્રણ રાખે કે તેમનાં પર વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે તો સંબંધ તોડી નાખવાનું પસંદ કરશે. સંબંધમાં વધુ પડતો લગાવ રાખવાથી દૂર રહે છે. જાણે કે પ્રેમ ક્યારેય અસ્તિત્વ જ ધરાવતો નહોતો તે હદે પોતાને સાથીથી અળગાં કરી શકે છે. સંબંધ તૂટવાથી સાથી પ્રત્યે કોઈ દ્વેષભાવ ધરાવતાં નથી. ભૂતકાળને ભૂલીને જીવનમાં આગળ વધે છે. લાંબો સમય હ્રદય ભંગની ઘટના પર ધ્યાન આપતાં નથી. જે પરિસ્થિતિ બદલી શકે તેમ ન હોય તેનાં વિશે વિચારવાનું તેમને પસંદ નથી. ટૂંક સમયમાં નવો પ્રણય સંબંધ શોધી લે છે. તેમનો આ અભિગમ તેમનાં અને તેમની આસપાસ રહેતાં લોકોનાં જીવનને સહેલું બનાવે છે. પ્રણય ભંગ થયાં બાદ પ્રવાસ કે મુસાફરીએ ઊપડી જઈને પોતાની જિંદગીની ગાડી ફરી પાટે ચડાવી શકે છે. સફર તેમને જીવનમાં શું જોઈએ છે તે બાબતે સ્પષ્ટ બનાવી શકે છે.

મકર (ખ, જ): ઉષ્માવિહીન અને લાગણીવિહીન હોય તેવું લાગે છે. પરંતુ જીવનમાં જે કંઈ કરે છે તે પોતાનાં પ્રિયજન માટે કરે છે. પ્રેમ અને પૈસા વચ્ચે સંતુલન બનાવી રાખવાં કઠોર પરિશ્રમ કરે છે. વિશ્વસનીય અને વફાદાર સાથી સાબિત થાય છે. લાંબા ગાળાનો અને જીવનનાં સુખ-દુ:ખમાં સાથ આપે તેવો સંબંધ બાંધવા ઈચ્છુક હોય છે. પોતાની લાગણીઓ ભાગ્યે જ અભિવ્યક્ત કરે છે. સંબંધ તોડવાનાં વિચારને ધિક્કારે છે. પરંતુ જો સાથી તેમને છેતરે કે સાથીનો વ્યવહાર અસહનીય બને તો તમામ પ્રકારના સંપર્ક કાપી નાખે છે. જ્યારે લાગે કે સંબંધ તૂટવાં પર છે તો તે હકીકતનો સ્વીકાર કરે છે. જીવનની કડવી હકીકતો સહેલાઈથી પચાવી શકે છે. પ્રણય ભંગ થતાં એકલતાનો અનુભવ કરે છે. લાંબો સમય અંધકારમાં એકલાં બેસી રહે છે. નકારાત્મક વિચારો કરવાં લાગે છે. ભૂતકાળની યાદોને વળગી રહે છે. પ્રણય ભંગ બાદ પોતાની જાતને કામમાં ડૂબાડી દેવાથી પીડાને ભૂલવી સહેલી રહેશે. નવો પ્રેમસંબંધ પણ ભૂતકાળની યાદોમાંથી બહાર કાઢી શકે.

કુંભ (ગ, , , ષ): હંમેશા અન્યોને મદદરૂપ થવાં તત્પર રહેનાર જાતકો હોય છે. ઘણીવાર તેમનો આ સ્વભાવ તેમને મુશ્કેલીમાં મૂકી શકે છે. સંબંધમાં પણ તેમનો વર્તાવ હંમેશા મદદરૂપ બનવાનો જ રહે છે. પરિણામે સાથીની અપેક્ષાઓમાં વધારો થાય છે. ક્યારેક સાથી તેમની ભલમનસાઈનો લાભ પણ ઉઠાવે છે. એવું પણ બને છે કે અન્યોની મદદ કરવામાં અને સમાજસેવા કરવામાં કયારેક સાથીની નાજુક લાગણીઓ સમજવામાં ચૂકી જાય છે. સંબંધ તૂટે ત્યારે અત્યંત ખરાબ લાગણી અનુભવે છે. તેમનાં બધા સપનાંઓ અને ઈચ્છાઓ ભાંગી પડે છે. પ્રણય ભંગ બાદ પોતાની પીડા અન્યોથી છૂપાવે છે અને દર્દને વહેંચવાથી દૂર રહે છે. લોકોથી અતડાં અને વેગળાં રહેવાની કોશિશ કરે છે. પોતાની જાતને વ્યસ્ત રાખવાની કોશિશ કરે છે. સંબંધની નિષ્ફળતાનું બૌદ્ધિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આકલન કરે છે. જીવનની મુશ્કેલીઓથી ભાંગી ન પડો તે બહુ જરૂરી છે. બહાર હરવાં-ફરવાં જઈને, નવાં લોકોને અને મિત્રોને મળીને પ્રણય ભંગની પીડા હળવી કરી શકાય.      

મીન (દ, , , થ): સપનાઓ અને કલ્પનાઓની દુનિયામાં રાચનારા જાતકો હોય છે. હ્રદય ભંગ થવાથી અત્યંત સંવેદનશીલ અને મનથી નબળાં પડી જાય છે. આથી તેમનાં દુ:ખ અને પીડામાં બિનજરૂરી રીતે વધારો થાય છે. સંબંધ તૂટવાની ઘટનામાં સાથીનો વાંક શોધ્યાં કરે છે. પોતાની જાત પ્રત્યે દયાનો અભિગમ રહે છે. સંબંધ તૂટવાની હકીકતનો સ્વીકાર કરી શકતાં નથી અને એક દિવસ ફરી બધું સરખું થઈ જશે તેવું વિચારે છે. મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થતાં સાથીથી દૂર સરકી જાય છે. સંબંધનો યોગ્ય અને સ્પષ્ટ રીતે અંત લાવતાં નથી. પરિણામે તેમનાં સાથી પણ મુંઝવણમાં રહે છે. સંબંધ તૂટવાથી સાથીની લાગણી ઘવાય નહિ તે બાબતે ચિંતિત રહે છે અને સાથીની કાળજી લેવાનો પ્રયત્ન કર્યા કરે છે. પ્રણય ભંગ થવાથી ઊંડી નિરાશાની ગર્તામાં સરકી જાય છે. પોતાની જાતને રચનાત્મક કાર્યોમાં વ્યસ્ત રાખવાથી પ્રણય ભંગની પીડા હળવી કરી શકાય. નવા સુખદ જીવનની કલ્પનાઓમાં રાચવાથી પણ ખુશીની પ્રાપ્તિ થાય. મુશ્કેલ પરિસ્થિતિમાં અંતરનો અવાજ મદદરૂપ બને. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા