ગુરુની બદલાશે ચાલ, કેવું ફળ આપશે વક્રી ગુરુ?


જ્ઞાન અને વિદ્વતાના ભંડાર એવાં ગુરુ મહારાજ 10 એપ્રિલ, 2019ના રોજ 22.32 કલાકે ધનુ રાશિમાં વક્રી થવા જઈ રહ્યાં છે. 23 એપ્રિલ, 2019ના રોજ વક્રી અવસ્થામાં વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 11 ઓગસ્ટ, 2019 સુધી ગુરુ વૃશ્ચિક રાશિમાં વક્રી રહેશે.

ગ્રહનું વક્રી થવું એટલે શું? જ્યારે કોઈ ગ્રહ પોતાનાં માર્ગમાં આગળ વધવાને બદલે પાછળ જતો દેખાય ત્યારે તે ગ્રહ વક્રી થયો કહેવાય છે. સામાન્ય રીતે ગ્રહો રાશિચક્રની દિશામાં એટલે કે મેષથી વૃષભ તરફ ગતિ કરે છે. રાશિચક્રની દિશામાં ગતિ કરતાં ગ્રહોને માર્ગી ગ્રહો કહેવાય છે. પરંતુ ક્યારેક ગ્રહો રાશિચક્રથી ઉલટી દિશામાં એટલે કે મેષથી મીન તરફ જતાં દેખાય છે. રાશિચક્રથી ઉલટી દિશામાં ગતિ કરતાં ગ્રહોને વક્રી ગ્રહો કહેવાય છે. અહીં હકીકતમાં ગ્રહ પાછળ જતો નથી પરંતુ પૃથ્વી પરથી જોતાં ગ્રહ પાછળ તરફ ગતિ કરતો હોય તેવો દ્રષ્ટિ ભ્રમ થાય છે.

વક્રી બનેલો ગ્રહ સૂર્યથી દૂર હોય છે અને પૃથ્વીથી સૌથી નજીક હોય છે. પૃથ્વીથી નજીક હોવાથી પોતાનાં ચુંબકીય અને ગુરુત્વાકર્ષણ બળ દ્વારા ગ્રહ પૃથ્વીને વિશેષ પ્રમાણમાં અસર કરે છે. આથી જ ફળાદેશમાં વક્રી ગ્રહ અગત્યનો બની રહે છે. ગુરુ ૧૨૦ દિવસ સુધી વક્રી રહે છે. માર્ગી થતાં પહેલાં અને વક્રી થતાં પહેલાં ૫ દિવસ સુધી સ્થિર રહે છે. ગુરુ નૈસર્ગિક શુભ ગ્રહ છે અને નૈસર્ગિક શુભ ગ્રહ જ્યારે વક્રી થઈને શુભ ભાવમાંથી પસાર ત્યારે શુભ પરિણામ આપે છે. જ્યારે ભાવ અશુભ હોય ત્યારે અશુભ પરિણામ ઓછામાં ઓછું મળે છે. જન્મસમયનો ગુરુ જો વક્રી હશે અને દશા-અંતર્દશા શુભ ચાલી રહી હશે તો વક્રી ગુરુ ગોચર શુભ ફળ પ્રદાન કરશે.

સામાન્ય રીતે વક્રી ગ્રહના સમયગાળા દરમિયાન વિચારોમાં બદલાવ આવી શકે. વિચારો, ઘટનાઓ કે પરિસ્થિતિઓનું પુનરાવર્તન થાય. આગળ વધતાં અટકવું પડે અને ફરી ભૂતકાળ તરફ નજર નાખવી પડે. કોઈ મહત્વનો પાઠ કે શીખ મળે. જિંદગી પ્રત્યેના દ્રષ્ટિકોણમાં બદલાવ આવે.

ગોચરવશ ગુરુ વક્રી થતાં પરંપરાગત વિચારો કે માન્યતા સ્વીકારી લેવાની બદલે જાતે વિચાર, ચિંતન અને મંથન કરીને અંદરથી જવાબ ખોજવાની પ્રકૃતિ પ્રગટ થાય છે. વક્રી ગુરુનો સમય જાતની અંદર ઉતરવાનો છે. જાતની અંદર એક બારી ઉઘડે છે અને જ્ઞાનરૂપી પ્રકાશની પ્રાપ્તિ થાય છે. દરેક કાર્ય કરવાનાં કે પૂર્ણ થવાનાં અલગ રસ્તા નીકળે છે. ઉદાહરણ તરીકે ધારો કે તમે કોઈ સારી નોકરીની શોધમાં છો. ઘણાં પ્રયત્નો કરવા છતાં તમને નોકરી નથી મળી રહી. હવે વક્રી ગુરુનો સમય આવ્યો અને તમે નોકરીની શોધ પડતી મૂકી કામચલાઉ ધોરણે તમારા સંગીતના શોખને આગળ ધપાવો છો. હવે બને છે એવું કે તમે સંગીતમાં એટલાં નિષ્ણાંત થઈ જાઓ છો કે એને જ આજીવિકા તરીકે અપનાવી લો છો. તમને હવે નોકરી શોધવાની જરૂરિયાત કે પરવા જ રહી નથી. આ છે વક્રી ગુરુ ગોચરની અસર!! તમારો અંતરાત્મા તમારી પ્રેરણા બને છે.

10 એપ્રિલથી 11 ઓગસ્ટ સુધીના વક્રી ગુરુનું ગોચર ભ્રમણ બારેય જન્મરાશિ/જ્ન્મલગ્નને કેવું ફળ આપશે તે જોઈએ. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીનાં ગ્રહો પર રહેલો છે.

મેષ (અ, , ઈ): ગુરુ નવમ અને દ્વાદશભાવનો સ્વામી છે. વ્યક્તિત્વ અને જીવનમાં અનપેક્ષિત બદલાવ આવે. જીવનની ક્ષણભંગુરતા પર ચિંતન કરો તેવું બને. અધ્યાત્મ તરફ ઝુકાવ વધે. ગૂઢ વિદ્યાનો અભ્યાસ સરળતાથી થઈ શકે. અટકાયેલી કે રોકાયેલી વિદેશયાત્રાની યોજના પર ફરી વિચાર કરી શકાય. વારસાગત ધન-સંપતિની પ્રાપ્તિ થઈ શકે છે. અગાઉ કરેલાં નાણાકીય રોકાણનું વળતર મળતું જણાય. હાલ નાણાકીય રોકાણ કરવામાં સાવધાની રાખવી. ભાગ્ય અવરોધાતું જણાય. પિતાના આરોગ્યની કાળજી લેવી.

વૃષભ (બ, વ ઉ): ગુરુ અષ્ટમ અને એકાદશભાવનો સ્વામી છે. અપરિણીત જાતકોને લગ્ન કરી લેવાનાં વિચાર આવે. અગાઉ કોઈ પાત્ર સાથે લગ્નની વાતચીત ચાલી હોય અને કોઈ કારણોસર અટકી ગઈ હોય તો તે વાત આગળ વધે. પરિણીત જાતકો જીવનસાથીના વ્યવહારમાં બદલાવનો અનુભવ કરે. જીવનસાથી કે જીવનસાથીના પરિવાર સાથે દલીલો કરવાથી દૂર રહેવું. વ્યવસાયને લીધે ધનલાભ થઈ શકે છે. લાંબા સમયથી સેવેલી ઈચ્છાઓની પૂર્તિ થતી જણાય.

મિથુન (ક, , ઘ): ગુરુ સપ્તમ અને દસમભાવનો સ્વામી છે. નવી નોકરી કે આજીવિકાની પ્રાપ્તિ થઈ શકે. કારકિર્દીમાં પ્રગતિ થાય. સહકર્મચારીઓના વ્યવહારમાં બદલાવ આવે. નોકરી અને કામની અસર લગ્નજીવન પર પડવાથી તણાવ પેદા થાય. જીવનસાથીની બિમારીને લીધે નાણાકીય ખર્ચ થઈ શકે છે. લગ્નજીવનમાં સંઘર્ષનો અનુભવ થાય. આરોગ્યની કાળજી લેવી. જૂની બિમારી ફરી ઉથલો મારી શકે. હાલ જરૂરી ન હોય તો લોન લેવાથી દૂર રહેવું.

કર્ક (ડ, હ): ગુરુ ષષ્ઠમ અને નવમભાવનો સ્વામી છે. સંતાનપ્રાપ્તિ થઈ શકે. સંતાનના આરોગ્યની કાળજી લેવી. વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે. ઉચ્ચ અભ્યાસમાં સરળતા રહે. અભ્યાસ માટે દૂરના સ્થળની યાત્રા થઈ શકે. ભૂલાઈ ગયેલાં કોઈ શોખને ફરી જીવંત કરી શકાય. છૂટી ગયેલી મંત્રસાધના ફરી શરૂ કરી શકાય. મિત્રો સાથે આનંદપૂર્ણ સમય વ્યતીત થાય. ધનલાભ થવાની શક્યતા રહે. પિતા અને ગુરુજનોના સહકારની પ્રાપ્તિ થાય.   

સિંહ (મ, ટ): ગુરુ પંચમ અને અષ્ટમભાવનો સ્વામી છે. સ્થાવર સંપતિ કે વાહન બાબતે ફેરફાર કરી શકાય કે નવા ખરીદી શકાય. જૂનાં ઘરનું સમારકામ કે નવીનીકરણ શક્ય બને. ઘર માટે સુખ-સગવડના સાધનોની ખરીદી કરી શકાય. ઘરમાં કે ઘરની સમસ્યાઓ પર ચિંતન કરવામાં વધુ સમય વ્યતીત કરો તેવું બને. સંતાન અભ્યાસ કે નોકરી અર્થે ઘરથી દૂર જાય તેવું બને. માતાના આરોગ્યની કાળજી રાખવી. નોકરીમાં બદલાવ કરી શકાય છે. 

કન્યા (પ, , ણ): ગુરુ ચતુર્થ અને સપ્તમભાવનો સ્વામી છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય અને આશાવાદી બનો. પોતાની જાત સાથે વાતો કરવી કે ડાયરી લખવાનું શરૂ કરવા માટે ઉત્તમ સમય છે. તમારી ડાયરી તમારી મિત્ર બને. જીવનસાથીના સહકારની પ્રાપ્તિ થાય. વ્યાપારમાં સફળતા મળે. આર્થિક રીતે લાભદાયી સમય રહે. નવી યોજનાઓ ઘડી શકાય. યાત્રાઓ થઈ શકે છે. ઘર કે માતાથી દૂર જવાનો કે ઘર બદલવાનો પ્રસંગ ઉદ્ભવે. ભાઈ-બહેનના વ્યવહારમાં બદલાવ આવે.

તુલા (ર, ત): ગુરુ તૃતીય અને ષષ્ઠમભાવનો સ્વામી છે. નાણાકીય બાબતો અંગે સભાન રહેવું. આર્થિક રોકાણની યોજનાઓ પર વિચાર કરી શકાય. ઘરમાં શુભ કે માંગલિક પ્રસંગોની ઉજવણી થઈ શકે. નોકરી-વ્યવસાયમાં સમય આશાસ્પદ રહે. નોકરીમાં પ્રમોશન મળી શકે. ભાઈ-બહેન વિદેશ જઈ શકે છે અથવા ભાઈ-બહેનને લીધે નાણાકીય ખર્ચ થવાની સંભાવના રહે. કુટંબીજનોના વ્યવહારમાં બદલાવનો અનુભવ થાય. કુટુંબીજનો સાથે વાદ-વિવાદ કરવાથી દૂર રહેવું.

વૃશ્ચિક (ન, ય): ગુરુ દ્વિતીય અને પંચમભાવનો સ્વામી છે. અનપેક્ષિત તકની પ્રાપ્તિ થાય. નાણાકીય રોકાણ સાવધાનીપૂર્વક કરવું. આર્થિક સ્થિરતા બાબતે મુંઝવણનો અનુભવ થઈ શકે. સંતાનનો જન્મ થાય કે સંતાન તરફથી સુખની પ્રાપ્તિ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો અભ્યાસમાં સફળતા મેળવે. જીવનસાથીના સાથ-સહકારની પ્રાપ્તિ થાય અને લગ્નજીવન સુખી રહે. ડાયેટીંગ કરવા માટે કે વજન ઘટાડવાની યોજના શરૂ કરવા માટે આ સમય યોગ્ય રહે.   

ધનુ (ભ, , , ઢ): ગુરુ પ્રથમ અને ચતુર્થભાવનો સ્વામી છે. વ્યક્તિત્વમાં બહુ મોટો બદલાવ આવે. નવા વિચારો, નવી આશાઓ સાથે જીવન આગળ ધપે. પોતાની જાત સાથે વધુ સમય પસાર કરો તેવું બને. અધ્યાત્મ-ધ્યાન તરફ મન ઝુકેલું રહે. નાણાકીય ખર્ચ બાબતે સભાન રહેવું. શુભ કે માંગલિક કાર્યો પર ખર્ચ થઈ શકે છે. નવી સ્થાવર સંપતિ કે વાહનની ખરીદી થઈ શકે. દૂરના સ્થળની કે વિદેશની યાત્રા થઈ શકે છે. વિદેશમાં રહેતાં લોકો વતનની મુલાકાત લઈ શકે.

મકર (ખ, જ): ગુરુ દ્વાદશ અને તૃતીયભાવનો સ્વામી છે. નાણાકીય આવક અને જાવક બાબતે સાવધ રહેવું. જેટલું ધન આવે તેટલું ખર્ચ થઈ જાય તેવું બને. જો કે ધનલાભ થઈ શકે છે. વિદેશને લીધે કે વિદેશી સંબંધોને લીધે ધનલાભ થવાની શક્યતા રહે. જૂના કે લાંબા સમયથી ન મળ્યાં હો તેવાં મિત્ર સાથે ફરી મુલાકાત શક્ય બને. જૂની ઓળખાણો તાજી થાય. નવા સંપર્કો અને મૈત્રીસંબંધો લાભદાયી રહે. આરોગ્ય બાબતે સભાન રહેવું. મોટા ભાઈ-બહેનના વ્યવહારમાં બદલાવ આવે.

કુંભ (ગ, , , ષ): ગુરુ એકાદશ અને દ્વિતીયભાવનો સ્વામી છે. આર્થિક રીતે લાભદાયી સમય રહે. નોકરી-વ્યવસાય માટે પ્રગતિજનક સમય રહે. જૂના કે અધૂરાં રહી ગયેલાં પ્રોજેક્ટ પર ફરી કામ શરૂ કરી શકાય. નવા કાર્યોની યોજનાઓ ઘડી શકાય કે જેનાં પર બાદમાં અમલ થઈ શકે. કારકિર્દીમાં મિત્રો મદદરૂપ બને. કુટંબીજનોના સહકારની પ્રાપ્તિ થાય. સ્થાવર સંપતિમાં નાણાકીય રોકાણ કરી શકાય અથવા સ્થાવર સંપતિને લીધે ધનલાભ થઈ શકે છે.

મીન (દ, , , થ): ગુરુ દસમ અને પ્રથમભાવનો સ્વામી છે. ભાગ્યનો સાથ મળે. નોકરી-વ્યવસાય બાબતે આશાસ્પદ સમય બને. વિદ્યાર્થી મિત્રોને ઉચ્ચ અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય. અગાઉ મુલાકાત લીધેલાં ધાર્મિક સ્થળ કે વિદેશની ફરી મુલાકાત લઈ શકાય. યાત્રાને લીધે વ્યક્તિત્વ કે જીવનમાં બદલાવ આવે. જ્ઞાન અને ધર્મને લગતું વાંચન કે ચિંતન કરો તેવું બને. ધાર્મિક લખાણ કે પ્રકાશનના કાર્યો હાથ ધરી શકાય. ભાઈ-બહેનોના સાથ-સહકારની પ્રાપ્તિ થાય.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

૨૭ નક્ષત્રો