વક્રી શનિ અને કેતુના ગાઢ જોડાણનો બાર રાશિઓ પર પ્રભાવ


30 એપ્રિલ, 2019ના રોજ સવારે 06.25 કલાકે શનિ મહારાજ પોતાની ચાલ બદલીને વક્રી થવાં જઈ રહ્યાં છે. શનિ 18 સપ્ટેમ્બર, 2019 સુધી ધનુ રાશિમાં વક્રી ગતિથી ભ્રમણ કરશે. જ્યારે કોઈ ગ્રહ પોતાની સામાન્ય દિશા કરતાં લટી દિશામાં ચાલવાનું શરૂ કરે ત્યારે ગ્રહ વક્રી થયો એમ કહેવાય. અહીં હકીકતમાં ગ્રહ વિપરિત દિશામાં જતો નથી પરંતુ પૃથ્વી પરથી જોતાં ગ્રહ ઉલટી દિશામાં ગતિ કરતો હોય તેવો દ્રષ્ટિ ભ્રમ થાય છે. સૂર્ય અને ચન્દ્ર ક્યારેય વક્રી થતા નથી એટલે કે હંમેશા માર્ગી રહે છે. જ્યારે રાહુ અને કેતુ હંમેશા વક્રી રહે છે. શનિ લગભગ દર બાર મહિને આશરે સાડા ચાર માસ સુધી વક્રી બને છે. વક્રી અને માર્ગી થતાં પહેલાં પાંચ દિવસ સુધી સ્થિર રહે છે.

શનિ આપણે ભૂતકાળમાં કરેલાં કર્મોનો ન્યાય તોળનારો ગ્રહ છે. વક્રી થાય છે ત્યારે કર્મનું ફળ તીવ્રપણે અનુભવાય છે. શનિના વક્રી ભ્રમણ દરમિયાન ઉદાસી, હતાશા, નિરાશાભર્યા અને નકારાત્મક વિચારો તેમજ એકલતાનો અનુભવ થઈ શકે છે. ધીમી ગતિનો ગ્રહ શનિ વક્રી બને ત્યારે આપણાં કાર્યો અને યોજનાઓને પણ ધીમાં અને વિલંબમાં પાડે છે. વક્રી શનિના ભ્રમણનો સમય ભૂતકાળમાં કરેલાં કર્મોને ચકાસવાનો અને હવે પછી વધુ સારી અને શિસ્તબદ્ધ રીતે કાર્યો કેમ થઈ શકે તે નક્કી કરવાનો છે. આ સમય દરમિયાન ભવિષ્ય માટે યોજનાઓ ઘડો, પરંતુ તેને અમલમાં શનિ માર્ગી થાય ત્યારે મૂકવી જોઈએ. ઘણીવાર અમુક લોકો શનિ વક્રી થતાં હળવાશનો અનુભવ કરે છે. ઉત્સાહથી નવા કાર્યોની યોજનાને અમલમાં મૂકે છે. પરંતુ જેવો શનિ માર્ગી થાય કે તેમનાં કાર્યો નિષ્ફળતાને ભેટે છે.

30 એપ્રિલે શનિ 26 અંશે ધનુ રાશિમાં વક્રી બને છે. બરાબર આ જ સમયે કેતુ પણ 27 અંશે ધનુ રાશિમાં ગોચર ભ્રમણ કરી રહ્યો છે. મે માસના પ્રથમ સપ્તાહમાં બંને ગ્રહોના અંશ સરખાં થઈ જાય છે અને બંને વચ્ચે ગાઢ જોડાણ સ્થાપિત થાય છે. શનિના વક્રી ભ્રમણના સમય સુધી બંને વચ્ચે ગાઢ જોડાણ સતત સ્થપાયેલું રહેશે. આ વિશિષ્ટ ગોચરની અસર પણ સામૂહિક અને વ્યક્તિગત રીતે વિશિષ્ટ રહેશે.

શનિ જ્યારે વક્રી બને ત્યારે તે કાર્યોને અવરોધે છે કે વિલંબમાં પાડે છે. વક્રી શનિ આપણને બદલવાં ઈચ્છુક હોય છે. તે ઈચ્છે છે કે આપણે વધુ નમ્ર, શિસ્તબદ્ધ અને જવાબદાર બનીએ. જીવનમાં આવતાં પડકારોનો ધીરજપૂર્વક સામનો કરીએ. શનિ એ કર્મ ફળ પ્રદાન કરનાર ગ્રહ છે અને આપણને કર્મ કરવાં પ્રેરે છે. આથી વિપરિત કેતુ મોક્ષનો કારક ગ્રહ છે. કેતુ ત્યાગ કરાવીને વૈરાગ્ય તરફ જવા પ્રેરણા આપે છે. આથી આવનારા દિવસોમાં શનિ અને કેતુ વચ્ચેનો ગાઢ સંબંધ પરસ્પર વિપરિત દિશાઓમાં ખેંચનારો બની રહેશે. શનિ મહારાજ કહેશે કે જવાબદાર બનીને ફરજોનું પાલન કરો. જ્યારે કેતુ મહારાજ કહેશે કે સાંસારિક બાબતોનો ત્યાગ કરીને વૈરાગ્યનો માર્ગ અપનાવો. ધનુ રાશિમાં શનિ-કેતુનું આ જોડાણ ભૌતિક બાબતો માટે પ્રતિકૂળ રહેવાની સંભાવના છે. પરંતુ આ ગોચર આધ્યાત્મિક વિકાસ માટે અનુકૂળ બની રહેશે. કાળપુરુષની કુંડળીમાં ધનુ રાશિ નવમભાવમાં પડે છે. નવમભાવ ધર્મ અને ગુરુનો નિર્દેશ કરે છે. શનિ મહારાજ કઠોર તપસ્યા, કર્મ, સેવા અને નિષ્ઠાનું સૂચન કરે છે. જ્યારે કેતુ એ મોક્ષ, અધ્યાત્મ, રહસ્યમયી વિષયો અને અલિપ્તતાનો કારક ગ્રહ છે. ગુરુના આશ્રયે શનિની કઠોર તપસ્યાને લીધે કેતુ મોક્ષની પ્રાપ્તિ કરાવશે. ધર્મની રાશિમાં આ બે સાધુ પુરુષ સમાન ગ્રહો શનિ અને કેતુની ગોષ્ઠિ અધ્યાત્મ પંથ પર આગળ વધવાં માટેનો ઉત્તમ અવસર બની રહેશે.

આવો જોઈએ કે વક્રી શનિ અને કેતુના ગાઢ જોડાણનો પ્રભાવ બારેય જન્મરાશિઓ/જન્મલગ્ન પર કેવો રહેશે. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે.

મેષ (અ, , ઈ): ભાગ્ય અવરોધાતું જણાય. સંઘર્ષ બાદ સફળતાની પ્રાપ્તિ થાય. ઉચ્ચ અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીમિત્રોએ કઠોર પરિશ્રમ કરવાની આવશ્યકતા રહે. માનસિક દબાણનો અનુભવ થઈ શકે છે. અભ્યાસમાં બદલાવ આવે, ભંગ થાય, છૂટે કે પછી અભ્યાસ પ્રત્યે અણગમો પેદા થઈ શકે છે. અભ્યાસને લીધે અથવા કામને લીધે દૂરના સ્થળની કે વિદેશની યાત્રા થવાની પણ સંભાવના રહે. કારકિર્દીને લગતાં પ્રશ્નોને લીધે મુંઝવણ અને શંકા રહ્યાં કરે. ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રેષ્ઠ સમય રહે. ધાર્મિક સ્થળની યાત્રા કે મુલાકાત લઈ શકાય. ધાર્મિક માન્યતાઓમાં અચાનક બદલાવ આવી શકે છે. પિતા સાથેના સંબંધમાં તણાવનો અનુભવ થઈ શકે છે. પિતાના આરોગ્યની કાળજી લેવી.

વૃષભ (બ, , ઉ): જીવનના સંઘર્ષમય કાળમાંથી પસાર થઈ રહ્યાં છો. ધીરજથી કામ લેવાથી આ પ્રતિકૂળ સમયની મુશ્કેલીઓ હળવી બનાવી શકશો. મુશ્કેલી અને પીડાને લીધે જીવન અંગે સાચી સમજણ અને ડહાપણ આવે. એક વધુ સારી વ્યક્તિમાં રૂપાંતર પામો તેવું બને. વ્યક્તિત્વ અને જીવનમાં મોટો બદલાવ આવે. જૂનું છૂટતું જાય અને જીવનમાં એક નવી શરૂઆત થાય. જ્યોતિષ તેમજ ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ શીખવામાં રસ જાગે. વાહન સાવધાનીથી ચલાવવું. આરોગ્ય પ્રત્યે સચેત રહેવું. હાલ જોખમી સાહસો કરવાથી દૂર રહેવું. વારસાગત ધન-સંપતિની પ્રાપ્તિ બાબતે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ધનનું રોકાણ કરવામાં સાવધાની રાખવી. વાણીની મીઠાશ જાળવી રાખવી.

મિથુન (ક,, ઘ): સંબંધો, ભાગીદારી અને લગ્નજીવનમાં કષ્ટ અને બદલાવનો અનુભવ થઈ શકે છે. જીવનસાથીના આરોગ્યની કાળજી રાખવી. જૂના સંબંધ છૂટી શકે છે અને નવા સંબંધ સ્થપાય તેવું બને. લગ્નજીવનને લીધે બોજ, જવાબદારી કે દબાણનો અનુભવ થાય. જીવનસાથી પ્રત્યે અલિપ્તતા કે ઉપેક્ષા દાખવો અને સમગ્ર ધ્યાન પોતાની જાત પર કેન્દ્રિત કરવાનું વલણ રહે. સંબંધમાં લાગણીઓને લીધે પીડાનો અનુભવ થાય. જીવનસાથીના વિયોગનો સામનો કરવો પડી શકે છે. સંબંધને લીધે વિવાદ, મતભેદ કે કોર્ટ-કચેરીના કેસ થઈ શકે છે. વ્યાપારી વર્ગે નવા કરારો કે રોકાણ કરતી વખતે સાવધ રહેવું જરૂરી બને. આ સમય દરમિયાન સ્થાવર મિલકતમાં રોકાણ કરવાથી દૂર રહેવું.

કર્ક (ડ, હ): કાર્યક્ષેત્રે કામનું દબાણ, જવાબદારી, બોજા કે બંધનનો અનુભવ થાય. નોકરીમાં કે કાર્યસ્થળે લાંબા સમયથી સતાવી રહેલાં પ્રશ્નોનું નિરાકરણ કરવા પ્રયત્નો કરો તેવું બને. કાર્યસ્થળે વિરોધીઓનો સામનો કરવો પડે. જૂની નોકરી છૂટે અને નવી નોકરી શરૂ થઈ શકે છે. નોકરીમાં કે દિવસના વ્યસ્ત સમયપત્રકમાં વિરામ લેવાનું પણ વિચારી શકો છો. દૈનિક કાર્યોમાં અવરોધનો અનુભવ થાય. આ સમય જીવનમાં તમારી પ્રાથમિકતાઓ નક્કી કરવાનો છે. આરોગ્ય બાબતે વિશેષ સાવધાન રહેવું જરૂરી બને. ખાન-પાન અને રહેણી-કરણી યોગ્ય બનાવીને રાખવાં. નિયમિત કસરત અને સ્વાસ્થ્યનું પરીક્ષણ કરાવતાં રહેવું. લોન લેવાં માટે આ સમય યોગ્ય ન રહે. સંબંધોમાં બદલાવનો અનુભવ થઈ શકે છે.

સિંહ (મ, ટ): આ સમય દરમિયાન ધનની હાનિ થઈ શકે છે. આથી ધનનું રોકાણ કે ખર્ચ કરવા બાબતે સાવધ રહેવું. વ્યાપારી વર્ગે નફા-નુક્સાનના બરાબર હિસાબ કરીને આગળ વધવું હિતાવહ રહે. જોખમી કાર્યોથી દૂર રહેવું. સંતાન સંબંધી ચિંતાઓ સતાવી શકે છે. પ્રણય સંબંધમાં બદલાવનો અનુભવ થઈ શકે છે. પ્રણય સંબંધને લગ્નમાં પરિવર્તિત કરતાં પહેલાં પૂરતો વિચાર કરવો. પ્રણય સંબંધમાં ઉષ્માનો અભાવ રહે. વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસમાં મહેનત વધારવી પડે. મંત્રસાધના અને અધ્યાત્મમાં આગળ વધી શકાય. નોકરીમાં બદલી કે સ્થાન પરિવર્તન થઈ શકે છે. સમગ્ર ધ્યાન પોતાનાં શોખમાં પરોવીને અન્ય બાબતોથી અલિપ્તતા કેળવી શકાય. એકલાં રહીને સમય પસાર કરવાનું પસંદ કરો.

કન્યા (પ, , ણ): ગૃહક્ષેત્રે મોટો બદલાવ આવી શકે છે. ઘરમાં ચિંતા અને પડકારોનો સામનો કરવો પડી શકે છે. ઘરના સભ્યોને લીધે લાગણીને ઠેંસ પહોંચે તેવું બને. ઘરના સભ્યોને આનંદ અને આરામ પ્રદાન કરવાં આપ વધુ મહેનત કરો. ઘરની જવાબદારી કે બોજનો અનુભવ થઈ શકે છે. નવી જગ્યાએ કે નવા ઘરમાં સ્થળાંતર થઈ શકે છે. વતન કે ઘરથી દૂર જવાનો પ્રસંગ બને. નવી સ્થાવર મિલકત ખરીદવામાં અવરોધ કે વિલંબનો સામનો કરવો પડી શકે છે. વાહન બગડે કે વાહનને લીધે હેરાનગતિનો અનુભવ થાય. માતા સાથે મતભેદ થઈ શકે છે કે માતાનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. માનસિક મુંઝવણ અને ઉદ્વેગનો અનુભવ થાય. નાના બાળકોનું શાળામાં મન ન લાગે.

તુલા (ર, ત): સાહસ અને પરાક્રમને બહાર આવવા દેવું. જીવનમાં સાહસ અને હિંમતની જરૂર પડે તેવી પરિસ્થિતિ સામે આવી શકે છે. અન્યો સાથે વાતચીત અને સંદેશાઓની આપ-લે કરતી વખતે સાવધ રહેવું. તમારા કોઈ શબ્દ કે વાતથી સામેની વ્યક્તિને ખરાબ લાગે તેવું બને. વાણીની મીઠાશ જાળવી રાખવી. અન્યો સાથે ચર્ચાઓ અને સંવાદ કરવાનું ટાળીને અંતર્મુખી બની જાઓ તેવું પણ બને. વિચારોની અભિવ્યક્તિમાં ઓટ આવે. પિતરાઈઓ, ભાઈ-બહેનો કે પડોશીઓની ટીકાને લીધે લાગણીને ઠેંસ પહોંચે. તેમના સંબંધી જવાબદારીનો અનુભવ થઈ શકે છે. કોઈ કાર્યને લીધે યાત્રા થઈ શકે છે, પરંતુ યાત્રામાં કષ્ટ પડવાની સંભાવના રહે. ઉચ્ચ અભ્યાસની યોજના ઘડી શકો છો.

વૃશ્ચિક (ન, ય): ધનની આવકમાં કે ધનની સ્થિરતામાં અભાવનો અનુભવ થાય. આ સમય દરમિયાન સાદગી અપનાવીને જરૂરિયાત પૂરતું જ ધન ખર્ચ કરવું હિતાવહ રહે. જો આર્થિક સ્થિતિ સારી હોય તો પણ ભવિષ્ય માટે ધન બચાવવાની કે કરકસર કરવાની વૃતિ રહે. આવકમાં વૃદ્ધિ માટેનાં પ્રયત્નો ધીમી ગતિએ આગળ વધતાં જણાય. જોખમી નાણાકીય રોકાણો કરવાથી દૂર રહેવું. કૌટુંબિક મતભેદો થઈ શકે છે. મતભેદોને દૂર કરવા પૂરતાં પ્રયત્નો અને મહેનત કરો તેવું બને. કુટુંબને લીધે જવાબદારીનો અનુભવ થઈ શકે છે. વાણીમાં કટુતા ન આવે તેનું ધ્યાન રાખવું. બોલતાં પહેલાં વિચારીને બોલવું. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. આંખોની કાળજી રાખવી. સ્થાવર મિલકતના પ્રશ્નો ચિંતા આપે.

ધનુ (ભ, , , ઢ): વ્યક્તિત્વમાં મોટો બદલાવ આવી શકે છે. સતત લોકોની ટીકાઓ, અપમાન કે ઉપેક્ષાનો સામનો કરી રહ્યાં હો તેવું લાગ્યાં કરે. જેવાં છો તેવાં પોતાની જાતનો સ્વીકાર કરતાં અને પોતાની જાતને પ્રેમ કરતાં શીખવું જરૂરી બને. પોતે જ પોતાની જાતની ટીકાઓ કરવાનું કે દોષ જોવાનું પણ બંધ કરવું જોઈએ. આત્મવિશ્વાસનો અભાવ રહે. ધૈર્ય બનાવી રાખવું. આ સમય આધ્યાત્મિક ઉન્નતિ કરાવનારો અને પોતાની જાતની નજીક લઈ જનારો બની રહેશે. અંતર્મુખી બની જાઓ તેવું પણ બને. ધાર્મિક અને પરોપકારી વલણમાં વૃદ્ધિ થાય. માનસિક ઉચાટ, દબાણ અને ચિંતા રહેવાની સંભાવના છે. નવા કે જોખમી સાહસો કરવાથી દૂર રહેવું. આરોગ્યની કાળજી લેવી. વિદેશયાત્રા શક્ય બને.

મકર (ખ, જ): પોતાની જાતને જવાબદારી, બોજ કે બંધનમાંથી છોડાવવાં માટે કઠોર પરિશ્રમ કરો. અણધાર્યા ખર્ચાઓને લીધે હેરાનગતિનો અનુભવ થાય. ધનનું રોકાણ સાવધાનીપૂર્વક કરવું. વ્યાપારી વર્ગે જોખમી નિર્ણયો લેવાથી દૂર રહેવું. મન અશાંત બને અને અનિદ્રાનો ભોગ બની શકાય છે. ચિંતાઓ, ડર કે અપરાધની લાગણી રહ્યાં કરે. નોકરીમાં બદલી કે સ્થળાંતર થઈ શકે છે. વિદેશયાત્રા કે દૂરનાં સ્થળની યાત્રા થવાની સંભાવના રહે. વિદેશી ભૂમિ પર જવાબદારી અને તણાવ રહે. શારીરિક નબળાઈ અનુભવાય. શારીરિક રોગને લીધે નાણાકીય ખર્ચ થઈ શકે છે. આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકે છે. એકાંતપ્રિય બનો અને અણગમતાં સંબંધોને કાપી નાખવાનું કે તેમનાથી છૂટકારો મેળવવાનું વલણ રહે.

કુંભ (ગ, , , ષ): મિત્રો પ્રત્યે અલિપ્તતા અને ઉપેક્ષાની લાગણી અનુભવો અથવા મિત્રો તમને ટાળી કે અવગણી રહ્યાં છે તેવી લાગણીનો અનુભવ થાય. આ સમય દરમિયાન કોણ સાચાં-સારાં મિત્રો અને શુભેચ્છકો છે તેની ઓળખ શક્ય બને. ક્યારેક લઘુતાગ્રંથિની લાગણી અનુભવો અને એકલાં પડી ગયાનું દુ:ખ સતાવે. મોટી વયના, પરિપક્વ કે બાળપણના જૂનાં એકાદ-બે મિત્રોનો સાથ દુ:ખને હળવું કરે. જીવનમાં પ્રેમ અને સ્થિરતા લાવી શકે તેવા નવા સંબંધની શોધ રહે. મિત્રો અને મોટાં ભાઈ-બહેનોની ટીકાનો ભોગ બનવું પડે. નાણાકીય આવક વધારવા હેતુ કઠોર પરિશ્રમની આવશ્યકતા રહે. ધીમી ગતિએ અને વિલંબથી આવકમાં વૃદ્ધિ શક્ય બને. સામાજીક રીતે અન્યોને મદદરૂપ બની શકો.

મીન (દ, , , થ): કારકિર્દીમાં મોટો બદલાવ આવી શકે છે. નવેસરથી અલગ ક્ષેત્રમાં કારકિર્દીનું ઘડતર થઈ શકે. કાર્યસ્થળે કામની જવાબદારી અને વ્યસ્તતામાં વધારો થઈ શકે છે. નોકરી કે વ્યવસાય વધુ મહેનત અને સમય માગી લે. વધુ ને વધુ જવાબદારીઓ લેવી પડે. કાર્ય પ્રત્યે વધુ શિસ્તબદ્ધ અભિગમ બને. નોકરીમાં વિલંબથી પ્રમોશન કે પગાર વધારો મળી શકે છે. કામ પ્રત્યેના સમપર્ણભાવનું ધીમી ગતિએ ફળ મળતું જણાય. કામને લીધે કુટુંબ માટેના સમયનો ભોગ લેવાઈ જાય. નોકરી-વ્યવસાયને લીધે સ્થળાંતર કે વિદેશ યાત્રા અથવા દૂરના સ્થળની યાત્રા થઈ શકે છે. માનસિક તણાવનો અનુભવ થઈ શકે છે. માતા-પિતાના આરોગ્યની કાળજી લેવી જરૂરી બને.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા