સૂર્યદેવનો મેષ રાશિમાં પ્રવેશ, જાણો બાર રાશિઓ પર પ્રભાવ


નવગ્રહોમાં રાજા એવાં સૂર્યદેવ 14 એપ્રિલ, 2019ના રોજ 14.10 કલાકે મેષ રાશિમાં પ્રવેશ કરશે. અહીં તેઓ 15 મે, 2019 સુધી ગોચર ભ્રમણ કરશે. મેષ રાશિમાં સૂર્ય ઉચ્ચત્વ પામે છે અને બળવાન બને છે. સૂર્ય આત્માનો કારક ગ્રહ છે. રાશિચક્રની પાંચમી રાશિ સિંહ રાશિનો સ્વામી છે. સૂર્ય અગ્નિતત્વ ધરાવતો ગ્રહ હોવાથી અગ્નિતત્વની મેષ, સિંહ અને ધનુ રાશિમાં ઉત્તમ ફળ પ્રદાન કરે છે. ઉદાર હ્રદય અને ખાસ પ્રકારની મોટાઈ ધરાવતો સૂર્ય માનવીયતાથી ભરપૂર ગ્રહ છે. શત્રુઓની સાથે પણ ખુલ્લા દિલે વર્તાવ કરનાર સૂર્ય દરેક સાથે સ્નેહભાવથી વર્તે છે. ઓછું બોલનાર, વિલાસપ્રિય, તેજસ્વી, નિર્ભય, પવિત્ર, સૌની ચિંતા કરનાર, સત્યના માર્ગે ચાલનાર એવો સૂર્ય સંકટ સમયે યોગ્ય રસ્તો સૂચવનાર ગ્રહ છે. જો સૂર્ય દૂષિત હોય તો ગર્વિષ્ઠ, ઉદ્ધત, સહાનુભૂતિ ન દેખાડનાર, દુષ્ટ, એકાંતપ્રિય અને લોકો સાથે હંમેશા ઝઘડાંઓ કરનાર બનાવે છે.

સૂર્ય એક રાશિમાં આશરે એક માસ સુધી ગોચર ભ્રમણ કરે છે. 14 એપ્રિલથી મેષમાં પ્રવેશ કરનાર સૂર્ય પર હાલ ધનુ રાશિમાં ગોચર ભ્રમણ કરી રહેલાં ગુરુ મહારાજની દ્રષ્ટિ પડશે. બાદમાં મે માસમાં બુધ અને શુક્ર પણ મેષ રાશિમાં સૂર્ય સાથે જોડાશે. ગ્રહોની આ સંયુક્ત અસર મેષ રાશિમાં સૂર્યના ફળને પ્રભાવિત કરશે.

મેષ રાશિમાં સૂર્યનો એક માસનો ભ્રમણકાળ બારેય જન્મરાશિ/જન્મલગ્ન માટે કેવો રહેશે તે જોઈએ. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે.

મેષ (અ, , ઈ): આત્મવિશ્વાસ અને આત્મબળમાં વૃદ્ધિ થાય. શરીરમાં ઉષ્ણતા વધે. જીવનમાં નવી શરૂઆત કરી શકાય. વ્યક્તિત્વ તેજસ્વી અને પ્રભાવશાળી બને. લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બનો. સ્વતંત્રતાની ભૂખ જાગે અને ક્યારેક સ્વકેન્દ્રીત બની જાઓ તેવું પણ બને. આર્થિક લાભ થવાની શક્યતા રહે. માન-સન્માન અને સફળતાની પ્રાપ્તિ થાય. સંતાન સંબંધી બાબતો માટે આ સમય શુભ રહે. વિદ્યા, બુદ્ધિ, મંત્ર ઉપાસના અને આરોગ્ય પરત્વે આ ગોચર સમય શુભ રહે.

વૃષભ (બ, , ઉ): આ સમય ભૂતકાળ પર દ્રષ્ટિ નાખીને ચિંતન-મંથન કરવાનો છે. નવી શરૂઆત કે સાહસ કરવાથી દૂર રહેવું. અહંકાર ઘવાઈ શકે છે. લોકોથી દૂર એકલાં પોતાની જાત સાથે સમય ગાળવાની ઈચ્છા જાગે. આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે છે. નાણાકીય ખર્ચાઓમાં વૃદ્ધિ થઈ શકે છે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને. વિદેશયાત્રા થઈ શકે છે. પહેલેથી વિદેશમાં રહી રહેલાં લોકો માટે આ સમય વિદેશી ભૂમિ પર લાભ કરાવનારો રહે. સ્થાવર સંપતિની ખરીદી થઈ શકે.

મિથુન (ક, , ઘ): સામાજીક પ્રવૃતિઓમાં વધારો થાય. સમૂહમાં કે મિત્રો સાથે મળીને કાર્યો કરવાનું વલણ રહે. ઉચ્ચ પદે રહેલાં કે સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતાં લોકો સાથે નવી ઓળખાણ થાય. મિત્રો સાથે આનંદમય સમય વ્યતીત કરો, પરંતુ લાગણી કે ઉષ્માનો અભાવ રહે તેવું બને. નાણાકીય આવકમાં વૃદ્ધિ થાય. ભાઈ-બહેનોનો સાથ-સહકાર મળી રહે. સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય. સંતાન સાથે મળીને પ્રવૃતિઓ કરી શકાય. આ સમય સપનાઓ અને ઈચ્છાઓની પૂર્તિનો બની રહે. 

કર્ક (ડ, હ): સમગ્ર ધ્યાન કારકિર્દી, આજીવિકા અને પ્રતિષ્ઠા પર કેન્દ્રીત રહે. નોકરી-વ્યવસાયના સ્થળે તમારા કાર્યની કદર થતી જણાય અને પ્રશંસાની પ્રાપ્તિ થાય. નોકરીમાં પ્રમોશન મળી શકે. ઉપરી અધિકારીઓ, સત્તાધારી કે પ્રસિદ્ધ વ્યક્તિઓ સાથે સંબંધમાં આવવાનું બને. વ્યાવસાયિક જવાબદારીઓ અને મહત્વાકાંક્ષામાં વૃદ્ધિ થઈ શકે છે. કામ કરવાની આવડત નીખરી ઉઠે. સરકારી કામકાજોમાં સફળતાની પ્રાપ્તિ થાય. આર્થિક રીતે લાભદાયી સમય રહે. આ સમય નોંધપાત્ર શુભ ફળ આપે.

સિંહ (મ, ટ): આ સમય ઉચ્ચ વિદ્યાભ્યાસ, જ્ઞાન સંપાદન, ધર્મ, અધ્યાત્મ કે ફિલસૂફીના અભ્યાસ માટે શ્રેષ્ઠ રહે. ભાગ્યોદયની આશા રાખી શકાય. દરેક કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. તમારી દુનિયા વિસ્તરે અને દ્રષ્ટિકોણ વિશાળ બને. ધાર્મિક સ્થળોની યાત્રા કરી શકાય. વિદેશપ્રવાસ સહેલાઈથી થઈ શકે. લાંબી યાત્રાઓ ફળે. પિતા માટે લાભદાયી સમય રહે. સંતાન સંબંધી બાબતો માટે સમય શુભ રહે. સામાજીક માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય. આર્થિક લાભ થવાની સંભાવના રહે.

કન્યા (પ, , ણ): જીવન અથવા વ્યક્તિત્વમાં બદલાવની મહેચ્છા ધરાવો. હાલની પરિસ્થિતિથી અસંતોષની લાગણી થાય. અમુક બાબતોને ગુપ્ત અને ખાનગી રાખવાનું વલણ વધે. સંશોધન ક્ષેત્રમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. જીવનની ગુપ્ત, અજાણી અને રહસ્યમય બાબતોનો અભ્યાસ કરવાની રુચિ જાગે. વારસાને લીધે અથવા જીવનસાથીને લીધે ધનલાભ થવાની શક્યતા રહે. આરોગ્યની કાળજી લેવી અત્યંત જરૂરી બને. ઉપરી અધિકારીઓ કે વડીલ વર્ગની નારાજી વહોરવી પડે.

તુલા (ર, ત): જાહેર પ્રસિદ્ધિની પ્રાપ્તિ થાય. જીવનસાથીને લીધે ધનલાભ થવાની શક્યતા રહે. જીવનસાથીનો વ્યવહાર મૈત્રીપૂર્ણ રહે. આમ છતાં લગ્નજીવનમાં અહમના પ્રશ્નો ઊભાં ન થાય તેની કાળજી રાખવી. જીવનસાથી પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિશ કરતાં હોય તેવો અનુભવ થાય. અપરિણીત જાતકોને જો વ્યક્તિગત કુંડળી અનુકૂળતા સૂચવતી હશે તો લગ્ન થવાની શક્યતા બને. વ્યાવસાયિક ભાગીદારીથી ધનલાભ થાય અથવા નવી વ્યાવસાયિક ભાગીદારી રચાઈ શકે.

વૃશ્ચિક (ન, ય): રોજિંદા કાર્યો, દિનચર્યા અને આરોગ્યમાં સુધારો કરી શકાય. કસરત શરૂ કરવા માટે આ સમય યોગ્ય રહે. નોકરીમાં અન્યોએ કરેલાં કાર્યોની દેખરેખ રાખવાની જવાબદારી આવે. ઉપરી અધિકારીઓના સહકારની પ્રાપ્તિ થાય. નવી નોકરી મળી શકે. ચાલુ નોકરીમાં પ્રમોશન મળી શકે. પ્રતિસ્પર્ધીઓ, વિરોધીઓ અને શત્રુઓને પરાસ્ત કરવામાં સફળતાની પ્રાપ્તિ થાય. કોર્ટ-કચેરીના કેસોમાં વિજય મેળવી શકાય. વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે.

ધનુ (ભ, , , ઢ): રચનાત્મક રીતે જાતને અભિવ્યક્ત કરી શકો. આ સમય જીવનના આનંદને માણવાનો અને વહેંચવાનો રહે. નવા શોખ કેળવવાં, મિત્રો સાથે આનંદમય સમય વ્યતીત કરવો કે રમત-ગમત તેમજ અન્ય મનોરંજનને માણવાનું વલણ રહે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય. પ્રણય પ્રસંગ ઉદ્ભવી શકે. આમ છતાં પ્રિયજન સાથે અહમનો ટકરાવ ન થાય તેની કાળજી રાખવી. સંતાન અભ્યાસમાં પ્રગતિ કરે અને સંતાન માટે ગર્વની લાગણી અનુભવો તેવું બને.

મકર (ખ, જ): મન અસ્વસ્થ રહે તેવું બને. આરોગ્યની કાળજી લેવી. ગૃહક્ષેત્રે અહમ અને વર્ચસ્વના પ્રશ્નો ઊભા થઈ શકે છે. ઘરમાં વધુ સમય વીતાવો. ઘરમાં પૂજા કે ઉત્સવનું આયોજન કરી શકાય. મહેમાનોની આવન-જાવન રહે. સ્થાવર સંપતિ ખરીદવાની કે વેંચવાની ઘટના ઘટી શકે. વારસાગત સ્થાવર સંપતિની પ્રાપ્તિ થઈ શકે. ઘરમાં ફેરફાર કરી શકાય અથવા સ્થાન પરિવર્તન થઈ શકે છે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી. માતાના આરોગ્યની કાળજી લેવી જરૂરી બને.    

કુંભ (ગ, , , ષ): સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થાય. વિચારો અને માહિતીના આદાન-પ્રદાનમાં, ચર્ચાઓ અને સંવાદમાં જાતને પ્રભાવશાળી રીતે રજૂ કરી શકો. ફોન, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ અને અન્ય સંદેશાવ્યવહારના સાધનોથી ઘેરાયેલાં રહો. સંવાદથી સફળતા મળે. ભાઈ-બહેન, નજીકના મિત્રો કે પડોશીઓ સંબંધિત ઘટનાઓ ઘટી શકે છે. જીવનસાથી માટે ભાગ્યશાળી સમય રહે. વ્યવસાયમાં સફળતાની પ્રાપ્તિ થાય. નાની યાત્રાઓ કે પ્રવાસ-પર્યટન થઈ શકે છે.

મીન (દ, , , થ): સમગ્ર ધ્યાન નાણાકીય બચત અને નાણાકીય રોકાણની યોજનાઓ પર કેન્દ્રીત રહે. ધનની બચત થવામાં કે ધન ટકવામાં કષ્ટ પડી શકે છે. સામાજીક મોભો અને પ્રતિષ્ઠા જાળવવા ધનનો ખર્ચ કરો તેવું બને. આ સમય દરમિયાન લોન લઈ શકાય. મોસાળ પક્ષ આર્થિક રીતે મદદરૂપ બને. સરકારથી લાભ થાય. વાણી સત્તાવાહી બને. ઘરમાં અવ્યવસ્થાનું વાતાવરણ રહે. કુટુંબીજનોનું આરોગ્ય ચિંતા કરાવી શકે. આંખોની કાળજી લેવી જરૂરી બને.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સપ્ટેમ્બર ૨૦૨૧ - ગોચર ગ્રહોનું ફળ

ચોઘડિયાં અને હોરા

શ્રી શનિ ચાલીસા