જન્મનો વાર અને સ્વભાવ


વાર એટલે કે ફેરો, ફરતે જવું. વાર પંચાંગના પાંચ અંગોમાનું એક અંગ છે (પંચાંગ = પાંચ અંગ = વાર, તિથિ, નક્ષત્ર, યોગ, કરણ). સાત ગ્રહોના નામ પરથી સાત વારના નામ પડેલાં છે. સર્વે ગ્રહોની ગતિ પ્રમાણે તેમનો ક્રમ છેલ્લેથી એટલે કે સૌથી ધીમી ગતિના ગ્રહથી શરૂ કરીને સૌથી ઝડપી ગતિ ધરાવતા ગ્રહ પ્રમાણે લઈએ તો શનિ, ગુરુ, મંગળ, સૂર્ય, શુક્ર, બુધ અને ચન્દ્ર એમ ગોઠવાય. આમાંનો પ્રથમ ગ્રહ શનિ લઈને ત્યારબાદ ચોથો ગ્રહ ફરી ફરી લઈએ તો સાતે વાર ક્રમ પ્રમાણે આવશે.

પશ્ચિમી કેલેન્ડરમાં વાર એક મધ્યરાત્રિ એટલે કે રાત્રે ૧૨ કલાકે શરૂ થઈને બીજી મધ્યરાત્રિએ સમાપ્ત થાય છે. જ્યારે હિંદુ કેલેન્ડર અને જ્યોતિષ મુજબ વાર એક સૂર્યોદયથી શરૂ થઈને બીજા સૂર્યોદયે સમાપ્ત થાય છે. દરેક વારનું નામ જે-તે દિવસે સૂર્યોદય સમયે રહેલી હોરાના સ્વામી પરથી પાડવામાં આવ્યું છે.

પંચાંગના પાંચેય અંગો પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં વાર એ અગ્નિતત્વનું પ્રતિનિધિત્વ કરે છે (વાર = અગ્નિતત્વ, તિથિ = જળતત્વ, કરણ = પૃથ્વીતત્વ, નક્ષત્ર = વાયુતત્વ, યોગ = આકાશતત્વ). વારને બીજા શબ્દમાં વાસર પણ કહેવામાં આવે છે. ‘વાસ’ એટલે કે વસવું અને ‘૨’ એ અગ્નિ બીજ છે. વાસર એટલે કે જ્યાં અગ્નિનો વસવાટ છે.

સોમ, બુધ, ગુરુ અને શુક્ર વાર સૌમ્ય વાર ગણાય છે. જ્યારે રવિ, મંગળ અને શનિ ક્રૂર વાર ગણાય છે.

સપ્તાહનો પ્રત્યેક દિવસ પોતાના સ્વામી ગ્રહના ગુણોનું પ્રભુત્વ ધરાવે છે. આથી જ દરેક દિવસ વિશિષ્ટ છે. જાતકનો જન્મ જે દિવસે થાય છે તે અનુસાર જાતકનો સ્વભાવ હોય છે. જો કે સ્વભાવ નક્કી કરવામાં કુંડળી અને તેમાં રહેલાં ગ્રહો પણ ભૂમિકા ભજવે છે. જન્મના વારને સ્વભાવ નક્કી કરવાના એક પરિબળ તરીકે ગણી શકાય. ક્યાં વારે જન્મ હોય તો કેવો સ્વભાવ હોય તે જાણીએ.

રવિવાર: આ વાર પર સૂર્યનું પ્રભુત્વ છે. આ દિવસે જન્મનાર જાતકો તેજસ્વી, ગર્વિષ્ઠ અને પિત્ત પ્રકૃતિ ધરાવનાર હોય છે. રવિવાર સપ્તાહનો પ્રથમ વાર છે. જે રીતે રવિવારે સપ્તાહના સાત વારોની નેતાગીરી લીધી છે, તે જ રીતે આ દિવસે જન્મનાર જાતકો જન્મજાત નેતાગીરીના ગુણો ધરાવનાર હોય છે. નીડર, યશસ્વી, અને બુદ્ધિ વડે અન્યોને પરાજીત કરનાર હોય છે. પહોળું લલાટ ધરાવનાર અને દેખાવમાં કઠોર હોય છે, પરંતુ હ્રદયથી અન્યોનું હિત ઈચ્છનાર તેમજ પરોપકારી હોય છે. સૂર્ય આકાશમાં દરરોજ અચૂકપણે ઉદય અને અસ્ત પામે છે, તે જ રીતે આ દિવસે જન્મનાર જાતકો શિસ્તપ્રિય અને કર્મયોગી હોય છે. ફળની અપેક્ષા રાખ્યાં વગર પોતાનું કર્મ કર્યે જાય છે.

સોમવાર: આ વાર પર ચંદ્રનું પ્રભુત્વ છે. શાંત, મૃદુ, સૌમ્ય અને મધુર વાણી ધરાવનાર જાતક હોય છે. ભાવુક અને લાગણીશીલ સ્વભાવ ધરાવે છે. લાગણીઓમાં ચડાવ-ઉતારનો અનુભવ થયા કરે. ક્યારેક નાના બાળકની જેમ રિસાઈ જાય. શારીરિક દેખાવ આકર્ષક હોય. નાજુક અને કોમળ શરીર, મોટી અને તેજસ્વી આંખો ધરાવે. ચંદ્ર એ માતાનું પ્રતિનિધિત્વ કરે છે. આથી આ દિવસે જન્મનાર જાતકો માતા સમાન કાળજી લેનાર, કરુણાસભર અને દયાવાન હોય છે. કલ્પનાશીલ હોય છે, પરંતુ ઘણીવાર એ કલ્પનાઓને વ્યવહારમાં લાવવી મુશ્કેલ હોય છે. ક્યારેક ચંચળ, ડરપોક પરંતુ સંસ્કારી વ્યક્તિત્વ ધરાવનાર હોય. વ્યવહારકુશળ હોય તેમજ વારંવાર રહેઠાણ કે નોકરી-વ્યવસાય બદલનાર હોય.

મંગળવાર: આ વાર પર મંગળનું પ્રભુત્વ છે. આ દિવસે જન્મનાર જાતકો બહાદુર, સાહસી, પરાક્રમી, નીડર અને લડાયક વૃતિ ધરાવનાર હોય છે. ભય સામે ઝઝુમનાર, જોખમ લેનાર અને પોતાની સલામતીની ચિંતા નહિ કરનાર હોય. યાહોમ કરીને પડો ફતેહ છે આગેએ તેમનું જીવનસૂત્ર હોય છે. ઉતાવળા, અવિચારી, ધીરજનો અભાવ અને હંમેશા સક્રિય રહેનાર હોય છે. પ્રામાણિક અને સ્પષ્ટ બોલનાર હોય, જેથી ઘણીવાર સામેની વ્યક્તિને ખરાબ લાગી જાય. સાફ દિલ, નિષ્કપટ પરંતુ વર્તન અને વાણીમાં કટુતા હોય. ઉગ્ર, ક્રોધી, ધાર્યુ કરનાર, સતત પ્રયત્નશીલ જાતક હોય. એકવાર કામ શરૂ કર્યા પછી અટકવાનું નામ ન લે. નાની-નાની વાતમાં છંછેડાઈ જાય કે ગુસ્સે થઈ જાય.    

બુધવાર: આ વાર પર બુધનું પ્રભુત્વ છે. આ દિવસે જન્મનાર બોલકણાં, રમૂજી, મશ્કરા, તેજસ્વી આંખો અને ચહેરા પર આકર્ષણ ધરાવનાર હોય. ચહેરા પર કાયમ હાસ્ય રમતું હોય છે. સદા પ્રફુલ્લિત, સદા આનંદી, ઉત્સાહી, હાસ્યયુક્ત વાણી તેમજ વાતચીતની કળામાં કુશળ હોય છે. ઘણીવાર પોતાની જાત સાથે વાતો કરનાર હોય. સ્વભાવથી શાંત, સૌમ્ય અને બુદ્ધિમાન હોય છે. ભાષાઓ પર કાબુ ધરાવનાર અને ઉત્તમ વક્તા બને છે. વ્યાપાર અને ગણિતમાં કુશળ હોય છે. વાદવિવાદ અને ચર્ચાઓ પસંદ કરનાર હોય. ઘણીવાર બીકણ હોય અને પોતાની બડાઈ હાંકે કે પોતે પોતાનાં વખાણ કરે. વિચારો અને કાર્યમાં અસ્થિરતા રહે છે. ઘર-પરિવાર પ્રત્યે ઉદાસીન વલણ ધરાવે અને થોડાં અંશે બેજવાબદાર હોય.

ગુરુવાર: આ વાર પર ગુરુનું પ્રભુત્વ છે. આ દિવસે જન્મનાર જાતકો બહારથી રુક્ષ પરંતુ ભીતરથી અતિ કોમળ હોય. ચહેરા પર સાત્વિક તેજ ઝળકતું હોય છે. ભરાવદાર શરીર અને તેજસ્વી આંખો ધરાવે. વિનયી, વિદ્વાન, ધાર્મિક અને મિલનસાર સ્વભાવ ધરાવનાર હોય. તેમને હંમેશા ભાગ્યનો સાથ મળી રહે છે. આશાવાદી, સુખી, આનંદી, વિશ્વાસુ, આત્મશ્રદ્ધાળુ અને સમયનો સદઉપયોગ કરનાર હોય. પોતે ભૂખ્યાં રહીને પણ બીજાની ભૂખ મટાડનાર હોય. માનવતાવાદી, પરગજુ, પરોપકારી અને લોકપ્રિય હોય. નિર્લોભી અને વ્યવહારકુશળ હોય. ભાષા અને કાયદામાં નિષ્ણાંત હોય. ભોજનપ્રિય હોય અને ખાવા-પીવામાં નાણાં ખર્ચ કરે. નાણાંની પરવા ન કરે. ક્યારેક આળસુ, આડંબર કરનાર અને દંભી બનાવે.

શુક્રવાર: આ વાર પર શુક્રનું પ્રભુત્વ છે. આ દિવસે જન્મનાર સુંદર અને આકર્ષક દેખાવ ધરાવનાર હોય. કવિતા, ચિત્રકામ, સંગીત, ગાયન, નૃત્ય, અભિનય વગેરે કળાઓમાં રુચિ ધરાવનાર હોય. સૌંદર્ય, પ્રેમ, શાંતિ અને સંવાદિતાને ચાહનારા હોય. તેજ બુદ્ધિ અને આધુનિક વિચારોને મહત્વ આપનારાં હોય. સ્વભાવથી વિનમ્ર અને લોકોને પોતાના દેખાવ અને કાર્યોથી પ્રભાવિત કરવામાં કુશળતા ધરાવનાર હોય. સર્જનાત્મક કાર્યોમાં રસ ધરાવે. શૃગાંરપ્રિય, સાજ-સજાવટ અને નાટક-સિનેમા જેવાં મનોરંજનને પસંદ કરનાર હોય. સંબંધોમાં હંમેશા શાંતિ અને સંવાદિતા બનાવી રાખવા ઈચ્છુક હોય. લોકો સાથે હળવા-મળવાનું પસંદ કરે. ક્યારેક આરામપ્રિય, ભૌતિકવાદી અને વિલાસીતાપૂર્ણ જીવન જીવનાર હોય.

શનિવાર: આ વાર પર શનિનું પ્રભુત્વ છે. આ દિવસે જન્મનાર જાતકો ગંભીર, ઠરેલ, મહેનતુ અને ખંતીલા હોય છે. ધર્મ અથવા ફરજ બજાવવા પ્રત્યે જાગૃત હોય છે. પોતાની જવાબદારી બરાબર નિભાવી શકે. સ્થિરતા, દ્રઢતા, ધીરજ, દિર્ઘદ્રષ્ટિ, આગમચેતી અને સાવચેતીના ગુણ ધરાવનાર હોય. કામ કરવામાં ધીમાં હોય છે, પરંતુ દક્ષતાથી અને પદ્ધતિસર કાર્ય પૂર્ણ કરે છે. ન્યાયપ્રિય પ્રકૃતિ ધરાવે છે. ઝીણવટ, ઊંડાણ, ચોકસાઈ અને મુત્સદીપણું ધરાવનાર હોય. ઓછું બોલે, એકાંતપ્રિય હોય અને ઓછાં મિત્રો ધરાવનાર હોય. જીવનમાં અનેક પ્રકારની પીડા અને કષ્ટ ભોગવનાર હોય. લોકોની સેવા કરવા ઉત્સુક હોય. લોકકલ્યાણ અને જાહેરસેવાના કાર્યો કરે. ક્યારેક નિષ્ઠુર અને દયાહીન બની જાય છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સપ્ટેમ્બર ૨૦૨૧ - ગોચર ગ્રહોનું ફળ

ચોઘડિયાં અને હોરા

શ્રી શનિ ચાલીસા