રાહુનું મિથુનમાં અને કેતુનું ધનુ રાશિમાં ગોચર ભ્રમણ ફળ


7 માર્ચ, 2019ના રોજ સવારે 07.29 કલાકે રાહુ ચંદ્રની કર્ક રાશિમાંથી બુધનું સ્વામીત્વ ધરાવતી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે કેતુ શનિની મકર રાશિમાંથી ગુરુનું સ્વામીત્વ ધરાવતી ધનુ રાશિમાં પ્રવેશ કરશે. સામાન્ય રીતે રાહુ શુક્ર-બુધની રાશિઓમાં અને કેતુ ગુરુ-મંગળની રાશિઓમાં શુભ ફળ આપે છે. અમુક આચાર્યોના મત મુજબ મિથુન રાશિમાં રાહુ અને ધનુ રાશિમાં કેતુ ઉચ્ચત્વ ધારણ કરે છે.

ધનુ રાશિમાં પહેલેથી જ શનિ મહારાજ બિરાજમાન છે. આથી ધનુ રાશિમાં શનિ-કેતુનું જોડાણ થશે. જાન્યુઆરી 2020માં શનિ મહારાજ ધનુમાંથી નીકળી જશે. એટલે લગભગ અગિયાર મહિના સુધી શનિ-કેતુની સંયુક્ત અસર અનુભવાશે. 5 નવેમ્બર, 2019ના રોજ ગુરુ મહારાજ પણ વૃશ્ચિક રાશિમાંથી નીકળીને શનિ-કેતુ સાથે ધનુ રાશિમાં જોડાશે. ગ્રહોની સંયુક્ત અસરો રાહુ-કેતુના ફળમાં ફેરફાર કરશે. રાહુ-કેતુ એક રાશિમાં આશરે દોઢ વર્ષ સુધી રહે છે. ધનુ રાશિમાં રાહુ-કેતુ સપ્ટેમ્બર 2020 સુધી ગોચર ભ્રમણ કરશે. રાહુ-કેતુના આ ભ્રમણનો બારેય રાશિઓ/જન્મલગ્ન પર કેવો પ્રભાવ પડશે તે જોઈએ.

અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગના બિંદુ વગેરે પરિબળો પર રહેલો છે.

મેષ: રાહુ તૃતીયભાવ અને કેતુ નવમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. પરાક્રમ અને સાહસમાં વૃદ્ધિ થાય. નવા વિચારો અને નવી યોજનાઓ સ્ફૂરે. પુરુષાર્થ અને કઠોર પરિશ્રમ કરવાથી ભાગ્યની વૃદ્ધિ શક્ય બને. જો કે મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળતું દેખાય. આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકે છે. નાની-મોટી યાત્રાઓ થઈ શકે છે. અવરોધ અને વિલંબનો સામનો કર્યા બાદ વિદેશયાત્રા શક્ય બને. પિતા, નાના ભાઈ-બહેનો, પડોશીઓ અને ગુરુજનો સાથે મતભેદ પેદા ન થાય તેની કાળજી રાખવી. અન્યોની સલાહની અવગણના કરવાનું વલણ રહે. માન્યતાઓમાં અચાનક બદલાવ આવે. ધર્મ પ્રત્યે વિવાદાસ્પદ કે બિનપરંપરાગત વિચારસરણી નિર્માણ થાય. નોકરી છોડવી પડે કે નોકરીમાં નુક્સાન થવાની સંભાવના રહે. ઉચ્ચ અભ્યાસ પ્રાપ્તિ માટે ઉત્સુકતા રહે. સંશોધન ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરવાથી સફળતાની પ્રાપ્તિ થાય.

વૃષભ: રાહુ દ્વિતીયભાવ અને કેતુ અષ્ટમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. આકસ્મિક, અનપેક્ષિત, ગુપ્ત કે રહસ્યમય ઘટનાઓ ઘટી શકે છે. જીવનમાં અને વ્યક્તિત્વમાં બદલાવ આવે. નાણાકીય રોકાણ કરવામાં ઉતાવળા કે આંધળુકિયા નિર્ણયો ન કરવા. ધન ખર્ચ કરવામાં સાવધાની રાખવી જરૂરી બને. ભૂતકાળમાં કરેલાં નાણાકીય રોકાણને લીધે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આરોગ્યની કાળજી રાખવી. જીવનમાં સ્થિરતાનો અભાવ અનુભવાય. કુટુંબમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણનો અભાવ રહે અને વિવાદસભર ઘટનાઓ ઘટવાની શક્યતા રહે. વારસાગત સંપતિને લીધે મતભેદો પેદા થઈ શકે છે. વાણી પર સંયમ રાખવો જરૂરી બને. ગૂઢ વિદ્યાનો સફળ અભ્યાસ કરી શકાય અને આધ્યાત્મિક જ્ઞાનમાં વૃદ્ધિ શક્ય બને. વ્યવસાયમાં સફળતાની પ્રાપ્તિ માટે કઠોર પરિશ્રમ કરવાની આવશ્યકતા રહે. કાર્યો પૂર્ણ કરવામાં તણાવનો અનુભવ થઈ શકે છે.

મિથુન: રાહુ પ્રથમભાવ અને કેતુ સપ્તમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. જીવનમાં નવી તકોની પ્રાપ્તિ થાય અને જીવનનો વિસ્તાર થાય. પોતાની જાત પર ધ્યાન વધુ આપવાનું વલણ રહે. પરિણામે જીવનસાથીની ઉપેક્ષા કે અવગણના થતી જણાય. જીવનસાથીને જીવનમાં અસંતોષની લાગણી પેદા થઈ શકે છે. જીવનસાથીના આરોગ્યની કાળજી લેવી પણ જરૂરી બને. વ્યવસાયમાં મંદ ગતિથી પ્રગતિ થાય. વ્યવસાય ક્ષેત્રે કઠોર પરિશ્રમ કરવાની આવશ્યકતા રહે.  સગર્ભા સ્ત્રીઓએ આ ભ્રમણ દરમિયાન આરોગ્યની વિશેષ કાળજી લેવી. સંતાનના આરોગ્ય સંબંધી પ્રશ્નો ચિંતા કરાવી શકે છે. ભાગ્યનો સાથ મળવામાં વિલંબનો અનુભવ થાય. મનમાં ડર, ભય કે ભ્રમણાઓ પેદા થઈ શકે છે. શારીરિક કષ્ટ પડવાની સંભાવના રહે.  જીવનસાથીના વિયોગની પીડા સહન કરવી પડી શકે છે. સંબંધને લીધે વિવાદ, મતભેદ કે કોર્ટ-કચેરીના કેસ પેદા થઈ શકે છે.

કર્ક: રાહુ દ્વાદશભાવ અને કેતુ ષષ્ઠમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. સામાન્ય રીતે ષષ્ઠમભાવમાંથી શનિ-કેતુનું ભ્રમણ શુભ ફળ આપે છે. પરંતુ જો ચંદ્ર, સૂર્ય કે જન્મલગ્ન ધનુ રાશિમાં પડતાં હોય તો આ ભ્રમણ અશુભ નીવડવાની શક્યતા રહે. નાણાકીય ખર્ચાઓનું વિશેષ ધ્યાન રાખવું. શત્રુઓ અને આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને. જૂની બિમારી ફરી ઉથલો મારે અથવા લાંબો સમય ચાલનારી બિમારીના ભોગ બનવું પડે. નોકરી કરનાર જાતકોની બદલી થઈ શકે છે. નોકરીના સ્થળે વાતાવરણ ગંભીર રહે અને વધુ મહેનત કરવાની આવશ્યકતા રહે. દૈનિક કાર્યો મંદ ગતિથી ચાલે અને તેમાં અવરોધ કે વિલંબનો સામનો કરવો પડી શકે છે. લગ્નસંબંધને લીધે કોર્ટ-કચેરીના કેસ થવાના સંજોગો પેદા થઈ શકે છે. જીવનસાથીને લીધે નાણાકીય વ્યય થવાની સંભાવના રહે. વિદેશયાત્રા સંભવ બને. વ્યર્થ ભ્રમણ કે ઘરથી બહાર કે દૂર રહેવાના પ્રસંગ ઉદ્ભવે.

સિંહ: રાહુ એકાદશભાવ અને કેતુ પંચમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. બુદ્ધિને લીધે કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય. મંત્રસાધના અને અધ્યાત્મથી લાભ રહે. અચાનક કે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. રોકાયેલાં કે અટવાયેલાં નાણા પરત મળે. વ્યવસાય ક્ષેત્રે નાણાકીય રોકાણ લાભદાયી નીવડે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. સંતાન પ્રાપ્તિ માટે આ સમય યોગ્ય ન કહી શકાય. સંતાનનો વિયોગ સહેવો પડે. સંતાન ટેકનીકલ કે વિજ્ઞાન વિષયમાં પ્રગતિ કરે. પ્રણયભંગ થવાનો પ્રસંગ ઉદ્ભવે. આ સમય દરમિયાન નવો પ્રેમ સંબંધ બાંધવાથી પણ દૂર રહેવું જોઈએ. ઉચ્ચ અભ્યાસ કે સર્જનાત્મક કાર્યોમાં સફળતા મળી શકે છે. ગૂઢ બાબતોને લગતો અભ્યાસ શક્ય બને. શેરબજાર કે લોટરીથી હાનિ થવાની સંભાવના રહે. મોટા ભાઈ-બહેનો અને મિત્રો સાથેના સંબંધોમાં કાળજી રાખવી જરૂરી બને. વિદેશી મિત્રોનો સાથ મળે. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતા મળી શકે છે.

કન્યા: રાહુ દસમભાવ અને કેતુ ચતુર્થભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. કારકિર્દી ક્ષેત્રે નવી તકોની પ્રાપ્તિ થઈ શકે છે. કાર્યક્ષેત્રે જવાબદારી, બોજ, કે દબાણનો અનુભવ થઈ શકે છે. સામાજીક માન-પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય. નોકરી કે વ્યવસાયને લીધે વિદેશ કે વિદેશી વ્યક્તિઓ સાથે સંબંધમાં આવવાનું બને. પ્રમોશન કે સત્તા પ્રાપ્તિ શક્ય બને. મનમાં અસંતોષ અને સુખની કમી રહે. માતાને લગતાં પ્રશ્નો ચિંતા કરાવે. માતા, વતન કે ઘરથી દૂર જવાનો પ્રસંગ ઉદ્ભવે. સ્થળાતંર થવાની શક્યતા રહે. જૂના ઘરનું સમારકામ કરાવી શકાય. ગૃહક્ષેત્રે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરનું વાતાવરણ ગંભીર અને તણાવપૂર્ણ રહેવાની સંભાવના રહે. માતા-પિતાના આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને. માતાની બિમારીનું નિદાન થવામાં સમસ્યા આવી શકે છે. સ્વના આરોગ્યની કાળજી રાખવી પણ જરૂરી બને. મસ્તક પીડા કે વાયુ સંબંધી દર્દ પીડા આપી શકે.

તુલા: રાહુ નવમભાવ અને કેતુ તૃતીયભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. અગત્યના કામો કઈ રીતે પાર પાડવા તે બાબતે મુંઝવણ રહે. અલગ-અલગ રીતે કામ પાર પાડવાના રસ્તા શોધતાં રહો તેવું બને. અગત્યના કામ માટે એકથી વધુ વ્યક્તિઓના મત કે સલાહ લેવી હિતાવહ રહે. કાર્યો કરવામાં ઉતાવળ કરવી નહિ અને સમજી-વિચારીને કામ કરવાની આદત રાખવી. જીવનમાં વિચિત્ર કે વિદેશી વ્યક્તિઓનો પ્રવેશ થઈ શકે છે. પોતાના ધર્મ, પરંપરા કે ગુરુ પ્રત્યે સંદેહની ભાવના ઉપજે. ધાર્મિક શ્રદ્ધામાં ઘટાડો થવાની શક્યતા રહે. ભાઈ-બહેનો સાથે વૈચારીક મતભેદ ઉદ્ભવી શકે છે. સંતાન સંબંધી સમસ્યાઓ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી બને. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસ પર વિપરિત અસર પડી શકે છે. વિદેશ યાત્રા થવાની પ્રબળ સંભાવના રહે. ઉચ્ચ અભ્યાસ હેતુ દૂરના સ્થળે જવાના સંજોગ બની શકે છે. વાતચીત અને વિચારોની અભિવ્યક્તિમાં ઓટ આવી શકે છે.

વૃશ્ચિક: રાહુ અષ્ટમભાવ અને કેતુ દ્વિતીયભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. જીવનમાં અપેક્ષા ન રાખી હોય કે કલ્પના ન કરી તેવા આકસ્મિક બદલાવ આવી શકે છે. વાણી પર સંયમ રાખવો જરૂરી બને. વાણીમાં કટુતા કે કટાક્ષ ભળવાની સંભાવના રહે. અન્યોની વાત નહિ સાંભળવાનું કે વાત કાપી નાખવાનું વલણ રહે. આધ્યાત્મિક ભાષાનો પ્રયોગ કરવાથી સંબંધોમાં સંવાદિતા બની રહે. વગર વિચાર્યે કે રહસ્યમય નાણાકીય સ્કીમમાં રોકાણ કરવાથી દૂર રહેવું. નાણાકીય બચત કેમ કરવી એ મહાપ્રશ્ન બને. આર્થિક બાબતો અંગે સંશોધનાત્મક અભ્યાસ કરવા અંગે સમય અનુકૂળ રહે. કૌટુંબિક જવાબદારીમાં વૃદ્ધિ થઈ શકે છે. કુટુંબજીવનમાં પરિવર્તન આવે. કુટુંબના સભ્યોથી વિખૂટાં પડવાનો પ્રસંગ ઉદ્ભવે. કૌટુંબિક જીવન માટે સમય એકદંરે પ્રતિકૂળ રહે. વારસાગત સંપતિમાં ભાગ મળવાથી વંચિત રહેવું પડી શકે છે. આંખોની કાળજી લેવી. માનસિક તણાવનો અનુભવ થઈ શકે છે.

ધનુ: રાહુ સપ્તમભાવ અને કેતુ પ્રથમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. ધનુ રાશિનો ચંદ્ર, સૂર્ય કે જન્મલગ્ન ધરાવનાર જાતકો માટે આ ભ્રમણ મુશ્કેલીજનક નીવડી શકે છે. માનસિક તણાવનો અનુભવ થઈ શકે છે. સ્વની ખોજ હેતુ પુરુષાર્થ કરો. જીવનનો ધ્યેય શું છે તે સમજવામાં સમય પસાર કરો. આધ્યાત્મિક ઉન્નતિ થવાની સંભાવના રહે. શારીરિક આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને. આત્મવિશ્વાસની ઉણપ વર્તાય. અપરિણીત જાતકોને લગ્ન માટેની તક ઊભી થાય, પરંતુ આ સમય દરમિયાન નવો સંબંધ બાંધવામાં વિશેષ કાળજી રાખવી જોઈએ. સમજી-વિચારીને અને ધીરજપૂર્વક લગ્ન અંગેનો નિર્ણય લેવો. વિજાતીય પાત્ર સાથેના સંબંધમાં કાળજી લેવી. વિજાતીય પાત્રને લીધે  બદનામીનો ભોગ બનવું પડી શકે છે. પરિણીત જાતકોએ જીવનસાથીના આરોગ્યની કાળજી લેવી. કાર્યક્ષેત્રે સફળતાની પ્રાપ્તિ માટે કઠોર પરિશ્રમની આવશ્યકતા રહે.  

મકર: રાહુ ષષ્ઠમભાવ અને કેતુ દ્વાદશભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. દરેક વસ્તુ, પરિસ્થિતિ તેમજ પોતાની જાતને અવગણવાનું વલણ રહે. જીવનમાં બંધનનો અનુભવ થઈ શકે છે. નાણાકીય ખર્ચાઓ બાબતે ચિંતાનો અનુભવ થાય. આધ્યાત્મિક ક્ષેત્રે સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. દાન-ધર્માદા હેતુ નાણાકીય ખર્ચ થઈ શકે છે. પોતાને જે સમાજ તરફથી મળ્યું છે તે પરત આપવાનું વલણ આ ભ્રમણ દરમિયાન રાખવું જોઈએ. નોકરી કરનાર જાતકોની બદલી કે સ્થળાંતર થઈ શકે છે. નોકરીમાં નવી તકોની પ્રાપ્તિ થઈ શકે છે. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થઈ શકે છે. નાણાકીય બચત થવામાં અડચણ આવે. શારીરિક રોગોને લીધે પણ નાણાનો વ્યય થાય. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. વિદેશયાત્રા થવાની સંભાવના રહે. જો કે વિદેશી ભૂમિ પર તણાવનો અનુભવ થઈ શકે છે. વિદેશ જવામાં અવરોધ કે વિલંબનો સામનો પણ કરવો પડી શકે છે.

કુંભ: રાહુ પંચમભાવ અને કેતુ એકાદશભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. અભ્યાસ કે જ્ઞાન આધારીત કાર્ય કરવાથી કે આજીવિકા અપનાવવાથી લાભ રહે. આ ભ્રમણ દરમિયાન જ્ઞાનનો ઉપયોગ માનવીય મદદ હેતુ કરવો જોઈએ. સામાજીક પ્રવૃતિઓ થઈ શકે. નવી ટેકનીકલ બાબતો શીખી શકાય. ગત જન્મોમાં કરેલાં શુભ કર્મોને લીધે લાભ થવાની શક્યતા રહે. મોટા ભાઈ-બહેનો કે મિત્રોના વિયોગનો સામનો કરવો પડી શકે છે. નવી ઓળખાણો કે નવા મૈત્રી સંબંધો બાંધવાથી દૂર રહો એવું બને. જે કંઈ નવી ઓળખાણ કે મિત્રતા થાય તે અધ્યાત્મ કે ગૂઢ બાબતમાં રસને લીધે થાય. સગર્ભા સ્ત્રીઓએ આરોગ્યની વિશેષ કાળજી રાખવી જરૂરી બને. સંતાનનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. શેરબજારમાં જોખમી સાહસો નાણાકીય નુક્સાન પહોંચાડી શકે છે. અંગત સંબંધો કે લગ્નજીવનમાં નિરાશા સાંપડી શકે છે. કોર્ટ-કચેરીના કેસોમાં સફળતાની પ્રાપ્તિ થાય.

મીન: રાહુ ચતુર્થભાવ અને કેતુ દસમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. કારકિર્દીમાં બદલાવ આવી શકે છે. નવેસરથી કારકિર્દીનું ઘડતર થઈ શકે છે. નોકરીનો ત્યાગ કરીને વ્યવસાય અપનાવો તેવું બને. નોકરી ચાલુ રહે તો તેમાં તણાવનો અનુભવ થઈ શકે છે. ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે. પ્રમોશન કે પગાર વધારામાં વિલંબનો અનુભવ થઈ શકે છે. અનપેક્ષિત કે કલ્પના ન કરી હોય તેવા પરિવર્તન આજીવિકા ક્ષેત્રે અનુભવાય. કાર્યક્ષેત્રે જરૂરી ન હોય તેવી વ્યવસ્થાની બાદબાકી કરવાનું વલણ રહે. નવી તકોની પ્રાપ્તિ થાય. મુસાફરીઓ થઈ શકે છે. વિદેશયાત્રા થવાની પ્રબળ સંભાવના રહે. માતાના આરોગ્યની કાળજી લેવી. ઘર બદલો તેવું પણ બને. નોકરીને લીધે સ્થળાંતર થવાની શક્યતા છે. સ્થાવર સંપતિને લગતાં પ્રશ્નો સતાવી શકે છે. હ્રદયને લગતાં રોગોથી કાળજી લેવી. માનસિક સુખ-શાંતિનો ભંગ થવાની શક્યતા રહે.

ટિપ્પણીઓ

રાજેશ પરમાર એ કહ્યું…
મેં થોડા સમય થી તમારા બ્લોગ વાંચવા નું શરૂ કરયુ છે., મારી કન્યા લગ્નેશ રાશિ છે. તમારા કથાન સાથે મારુ ઘનું match થાય છે
Vinati Davda એ કહ્યું…
@રાજેશ પરમાર, જાણીને આનંદ થયો. બ્લોગની મુલાકાત લેતાં રહેશો. આભાર!

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા