ઈ.સન 2019 વાર્ષિક રાશિભવિષ્ય

નવવર્ષ 2019ની શરૂઆત થઈ ચૂકી છે. અંકશાસ્ત્ર અનુસાર 2019ના અંકોનો સરવાળો કરીએ તો 2+0+1+9 = 12 = 1+2 = 3 આવે છે. અંક 3 ગુરુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે વર્ષ 2019 ગુરુ ગ્રહનું પ્રભુત્વ ધરાવનારું રહેશે. જ્ઞાન અને ડહાપણનો કારક ગ્રહ ગુરુ દૈવીય રક્ષણ પૂરું પાડવા સક્ષમ છે. વિદ્યા, વિવેક અને ધર્મનું આચરણ પ્રાથમિકતા બની રહે. ગોચર અનુસાર વર્ષ 2019માં ગુરુ વધુ સમય પોતાના મિત્ર મંગળની રાશિ વૃશ્ચિકમાં ભ્રમણ કરશે. નવવર્ષનો પહેલો દિવસ પણ ગુરુના મિત્રનો દિવસ મંગળવાર જ છે !! ગુરુની બે રાશિઓ ધનુ અને મીન રાશિના જાતકો માટે વર્ષ 2019 મહત્વપૂર્ણ બની રહેશે. તે જ રીતે કોઈ પણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખોએ જન્મેલા જાતકો માટે પણ વર્ષ 2019 મહત્વની ઘટનાઓ ઘટાવનારું બની શકે છે. બારેય રાશિઓ/જન્મલગ્ન માટે વર્ષ 2019 કેવું રહેશે તે જોઈએ.

મેષ: વર્ષ 2019 દરમિયાન ભાગ્ય અવરોધાતું જણાય. નોકરી-વ્યવસાયમાં બદલાવ કે બદલી શક્ય બને. આજીવિકાની પ્રાપ્તિમાં અવરોધ કે વિલંબનો અનુભવ થાય. આવકમાં સ્થિરતા બની રહે. મહેનતનું પરિણામ વિલંબથી મળતું જણાય. વર્ષની શરૂઆતમાં આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને. રોગથી બચવા માટે રહેણી-કરણી અને ખાન-પાનમાં વિશેષ કાળજી રાખવી. નવેમ્બર માસથી ધીમે-ધીમે રોગોથી મુક્તિ મળવાની શરૂઆત થાય. વારસાગત ધનલાભ થવાની શક્યતા રહે. ભાગીદારીને લીધે કે જીવનસાથીને લીધે પણ આર્થિક લાભ થઈ શકે છે. ઓક્ટોબર સુધી સમજી-વિચારીને ખર્ચાઓ કરવા. પૈસા ઉધાર આપવાથી બચવું. વિદ્યાર્થીઓને કઠોર પરિશ્રમ બાદ સફળતા મળતી જણાય. પરિશ્રમમાં ચૂક નિષ્ફળતાનો સામનો કરાવી શકે છે. ઓક્ટોબર બાદ વિદ્યાભ્યાસમાં આવી રહેલાં અવરોધો દૂર થતાં જણાય. માર્ચ બાદ ઘરમાં સુખ-શાંતિનો અનુભવ થાય. વર્ષ દરમિયાન ધાર્મિક કાર્યો પ્રત્યેની રુચિમાં વધારો થાય.

વૃષભ: નવી વ્યાવસાયિક ભાગીદારીઓ આકાર લઈ શકે છે. આમ છતાં નોકરી-વ્યવસાયમાં ઉતાર-ચડાવનો અનુભવ થાય. કઠોર પરિશ્રમ બાદ નવી યોજનાઓ સફળ થતી જણાય. નોકરીમાં અસ્થિરતા રહેવાની સંભાવના રહે. આરોગ્ય સારું રહે. પરંતુ આંખ કે દાંતના રોગ સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. બિનઆરોગ્યપ્રદ ભોજન કરવાથી દૂર રહેવું. મેદવૃદ્ધિ થવાની સંભાવના છે. પિતાનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. અપરિણીતો માટે આ વર્ષ દરમિયાન લગ્ન થવાની પ્રબળ સંભાવના છે. પરિણીત જાતકો જીવનસાથી સાથે મધુર સમય વ્યતીત કરી શકે. આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા માટે ખર્ચ પર કાબુ રાખવો જરૂરી રહેશે. મહેનત કરવાં છતાં ઈચ્છિત ધનલાભથી વંચિત રહેવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ અનુભવે. જો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. શનિની નાની પનોતી ચાલી રહી હોવાથી દરેક કાર્યોમાં વિલંબ કે અવરોધનો અનુભવ થઈ શકે છે. અન્યોની સલાહ અનુસાર ચાલવું હિતાવહ રહે.  

મિથુન: નવી નોકરીની પ્રાપ્તિ થઈ શકે છે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે. મનમાં પેદા થતાં ભય, ભ્રમણા, ડર કે શંકાથી બચવું. આરોગ્ય પ્રત્યે સતર્ક રહેવું. ચિંતા કે તણાવનો અનુભવ થઈ શકે છે. નાભિથી નીચેના અંગોના રોગ સમસ્યા પેદા કરી શકે છે. આમ છતાં રોગ પર કાબુ મેળવવામાં સફળ રહો. કુટુંબજીવનમાં સુખની પ્રાપ્તિ થાય. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગની ઉજવણી થઈ શકે છે. ભૌતિક સુખ-શાંતિની પ્રાપ્તિ થાય. અપરિણીત જાતકો માટે ઓક્ટોબર બાદ લગ્ન થવાની શક્યતા રહે. ઓક્ટોબર બાદ વ્યાવસાયિક ભાગીદારીઓ પણ રચાય શકે છે. લગ્ન કે વ્યવસાયની ભાગીદારી બાબતે સમજી-વિચારીને નિર્ણય લેવો. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાની પ્રાપ્તિ થાય. અભ્યાસમાંથી મન ભટકે નહીં તેની કાળજી રાખવી. ટેકનિકલ જાણકારી કે જ્ઞાનમાં વૃદ્ધિ થઈ શકે છે. સંશોધનાત્મક બાબતોમાં રુચિ વધે. આ વર્ષ વ્યક્તિત્વનો વિશિષ્ટ વિકાસ કરાવનારું બની રહે.  

કર્ક: નોકરીમાં મહેનત અનુસાર ફળ મળવાની સંભાવના રહે. સફળતા અને પ્રગતિ માટે પુરુષાર્થ જરૂરી બને. ઓક્ટોબર બાદ નોકરીમાં કાર્યો સહજતાથી પૂર્ણ થતા જણાય. વધુ પડતાં વિશ્વાસમાં આવીને ધનનો ખર્ચ કરવાથી બચવું જોઈએ. સહકર્મચારીઓ સાથે વૈચારીક મતભેદ થવાની શક્યતા રહે. નોકરી-વ્યવસાયમાં બદલાવ માટે વર્ષના અંતિમ મહિનાઓ સહાયરૂપ બને. આરોગ્ય પ્રતિ તકેદારી રાખવી જરૂરી બનશે. અન્યથા લાંબો સમય ચાલનારી બિમારીઓના ભોગ બનવું પડી શકે છે. અનિદ્રાની ફરીયાદ રહેવાની સંભાવના છે. ભાઈ-બહેનોને લગતાં પ્રશ્નો ચિંતાનું કારણ બને. લોન લેવા-દેવા માટે વર્ષના અંત સમય સુધી રાહ જોવી હિતાવહ રહે. વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા માટે વધુ મહેનત કરવી પડે. અભ્યાસ બાબતે કોઈ સારી તકની પ્રાપ્તિ થઈ શકે છે. પરિણીત જાતકોને જીવનસાથી સાથે મતભેદની સ્થિતિ ઊભી થઈ શકે છે. સંતાન કે પૌત્ર-પૌત્રીના જન્મની વધામણી મળી શકે. ધાર્મિક કાર્યો પ્રત્યેની રુચિમાં વધારો થાય.  

સિંહ: મહાત્વાકાંક્ષામાં વૃદ્ધિ થાય. નોકરીમાં પ્રમોશન કે પ્રગતિ થવાની પૂર્ણ સંભાવના રહે. ઉપરી અધિકારીઓ અને સહકર્મચારીઓના પૂર્ણ સહયોગની પ્રાપ્તિ થાય. નવી નોકરી કે નોકરીમાં બદલાવ શક્ય બને. વ્યવસાયમાં વિકાસ પામવાનાં અવસરની પ્રાપ્તિ થાય. વ્યવસાય ક્ષેત્રે નવા જોખમો કે સાહસો ખેડવા માટે આ વર્ષ યોગ્ય છે. માતા સાથે મધુર તાલમેલ બની રહે. નવું ઘર લઈ શકવાની ઈચ્છા આ વર્ષે પૂર્ણ થતી જણાય. ઘરમાં સુખ-સગવડનાં સાધનોની વૃદ્ધિ થાય. સંતાનના પ્રશ્નો ચિંતા કરાવી શકે છે. સંતાન સાથે મતભેદ થવાની શક્યતા પણ નકારી ન શકાય. પ્રણય પસંગમાં અવરોધનો અનુભવ થાય. લાગણીઓને ઠેસ પહોંચવાની સંભાવના રહે. સાથીને કોઈપણ પ્રકારના વચન આપવાથી દૂર રહેવું. વિદ્યાર્થીઓમાં એકાગ્રતાનો અભાવ રહે. અભ્યાસમાં કઠોર પરિશ્રમ આવશ્યક બને. વિદ્યાભ્યાસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક ક્ષેત્રે નવી યોજનાઓ પર કાર્ય થઈ શકે અને તેમાં સફળતા મળવાની સંભાવના રહે.

કન્યા: ભાગ્યમાં વૃદ્ધિ થતી જણાય. નોકરી-વ્યવસાયમાં પ્રારંભિક મુશ્કેલીઓ બાદ સફળતા મળતી જણાય. કાર્યને લીધે વિદેશગમન પણ શક્ય બને. વર્ષ 2019ના ઉતરાર્ધમાં શ્રેષ્ઠ લાભ થવાની સંભાવના રહે. રોકાયેલાં કાર્યો પૂર્ણ થતાં જણાય. વાતચીત, પત્રવ્યવહાર, સંવાદ અને ચર્ચાઓથી લાભની પ્રાપ્તિ થાય. આરોગ્ય પ્રત્યે સાવચેત રહેવું જરૂરી બને. યોગ્ય ખાન-પાન અને જીવનશૈલી અપનાવવી હિતાવહ રહે. હ્રદય, છાતી કે માનસિક રોગ પીડા પહોંચાડી શકે છે. મન શાંત રાખવું અને હતાશા કે નિરાશાભર્યા વિચારોથી દૂર રહેવું. એપ્રિલ માસ દરમિયાન નવી સ્થાવર મિલક્ત ખરીદી થઈ શકે છે. માતાનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. ઘરના સભ્યો વચ્ચે વાતાવરણ ગંભીર રહે. અપરિણીત જાતકોના આ વર્ષ દરમિયાન લગ્ન થઈ શકે છે. પરિણીત જાતકો વ્યસ્ત દિનચર્યા વચ્ચે જીવનસાથી માટે સમય ફાળવી શકે. ભાઈ-બહેનો સાથે મધુર સંબંધ બની રહે. મિત્રો સાથે સમય પસાર કરવાની તકો મળતી રહે.   

તુલા: આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. એકથી વધુ કાર્યો હાથ પર લો તેવું બને. કાર્ય હેતુ વિદેશગમન પણ થઈ શકે છે. ઉપરી અધિકારીઓની સલાહ પર અમલ કરવો હિતાવહ રહે. નવી નોકરી મળી શકે અથવા નોકરીમાં બદલાવ કરી શકાય છે. કુટુંબમાં સુખ-શાંતિનું વાતાવરણ બની રહે. ઘર-પરિવારમાં માંગલિક પ્રસંગોની ઉજવણી થઈ શકે. કુટુંબમાં નવા સભ્યનો ઉમેરો થાય. સ્વાદિષ્ટ ભોજનની પ્રાપ્તિ થાય. સંતાનના પ્રશ્નો ચિંતા કરાવી શકે છે. ભાઈ-બહેનો સાથે મતભેદ થવાની સંભાવના રહે. પિતાનું આરોગ્ય ચિંતા કરાવે. યાત્રામાં કષ્ટનો સામનો કરવો પડી શકે છે. યાત્રા અને ભાઈ-બહેનોને લીધે નાણાકીય વ્યય થઈ શકે છે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી જરૂરી બને. વિદ્યાર્થી મિત્રોને પરિશ્રમ બાદ અભ્યાસમાં સફળતા મળતી જણાય. ઉચ્ચ અભ્યાસમાં અવરોધ અને વિલંબનો સામનો કરવો પડી શકે છે. મિત્રો, સગા-સંબંધીઓ અને પાડોશીઓ સાથેના સંબંધો ન બગડે તેની કાળજી રાખવી.

વૃશ્ચિક: નવી નોકરી મળવા માટે અથવા નોકરીમાં બદલાવ માટે એપ્રિલ માસ અને વર્ષના અંતિમ મહિનાઓ વધુ અનુકૂળ રહે. વર્ષના અંતિમ મહિનાઓ દરમિયાન નોકરી-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ થવાની સંભાવના રહે. આવકમાં વૃદ્ધિ શક્ય બને. આ વર્ષ દરમિયાન ધન અને ભાગ્યમાં વિશેષ વૃદ્ધિ થઈ શકે છે. નવા વિચાર અને મૌલિકતા વ્યક્તિત્વને નિખારે. સંતાનનો જન્મ થવાની પૂર્ણ સંભાવના રહે. સંતાનથી સુખ અને સહયોગની પ્રાપ્તિ થાય. શરીરમાં મેદવૃદ્ધિ થઈ શકે છે. માનસિક અશાંતિ મુંઝવણોમાં વૃદ્ધિ કરી શકે છે. પૈતૃક કે વારસાગત સંપતિ પ્રાપ્ત થવાની શક્યતા રહે. વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી બને. વિદ્યાર્થી મિત્રોને આ વર્ષ અભ્યાસમાં સફળતા અપાવનારું બની રહે. ઉચ્ચ અભ્યાસની તકોની પ્રાપ્તિ થાય. ગુરુજનોની મદદ અને પિતાની સલાહ ઉપયોગી નીવડે. ધાર્મિક કાર્યો પ્રત્યેની રુચિમાં વધારો થાય. ધાર્મિક સ્થળોની યાત્રા કે મુલાકાત લઈ શકાય. અપરિણીત જાતકોના લગ્ન થવાની પૂર્ણ સંભાવના રહે. પ્રેમમાં સફળતા મળે.

ધનુ: નોકરી-વ્યવસાયમાં પ્રગતિ માટે કઠોર પરિશ્રમની આવશ્યકતા રહે. કાર્યક્ષેત્રે જવાબદારી અને બંધનનો અનુભવ થઈ શકે છે. મહેનત કરવા છતાં સફળતા ન મળવાને લીધે નિરાશાનો અનુભવ થાય. સાડાસાતીનો પ્રભાવ હોવાથી મહેનત કરવામાં પીછેહઠ ન કરવી. વધારે પડતાં કામનો બોજ, થાક અને આરામની ઉણપ સતાવે. આરોગ્ય પ્રત્યે તકેદારી રાખવી જરૂરી બને. ઋતુના બદલાવનો આરોગ્ય પર તુરંત પ્રભાવ પડે. વ્યવહારમાં ઋક્ષતા અને ચીડિયાપણું આવતું જણાય. આર્થિક ક્ષેત્રે મંદ ગતિથી લાભ મળતો જણાય. આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ રહે. દાન-ધર્માદા કે શુભ કાર્યો પાછળ નાણાકીય ખર્ચ થવાની સંભાવના રહે. વિદેશગમન શક્ય બને. વિદેશમાં જઈને વસવાટ કરવાની તક સહેલાઈથી આવી મળે. વિદેશ રહેતાં હો તો વતનની મુલાકાત શક્ય બને. વિદ્યાર્થી મિત્રોને વર્ષના અંત સમયમાં મહેનતનું ફળ મળતું જણાય. નવી સ્થાવર મિલકત કે વાહનની ખરીદી થઈ શકે છે. માતાના પ્રેમની હૂંફ મળી રહે.

મકર: મહેનત, નિષ્ઠા અને ઈમાનદારીથી જવાબદારી નિભાવીને કાર્યક્ષેત્રે પ્રગતિ અનુભવી શકાય. આ વર્ષ સંઘર્ષ અને તણાવભર્યુ રહેવાની સંભાવના છે. પૂર્ણ આંતરિક ક્ષમતા, ઈચ્છા શક્તિ અને દ્રઢતાથી કાર્યો પર ધ્યાન આપો તો સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. મે માસ બાદ આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના રહે. નોકરીમાં બદલાવ કે સ્થળાંતરણ શક્ય બને. નવી વ્યાવસાયિક ભાગીદારીના પ્રસ્તાવ આવી શકે છે. અપરિણીત જાતકોના લગ્ન થવાની સંભાવના રહે. પરિણીત જાતકોને સંતાન જન્મની ખુશી મળી શકે છે. સંતાન તરફથી સુખ અને સહયોગની પ્રાપ્તિ થાય. ભાઈ-બહેનો સાથે મધુર સંબંધ બની રહે. આરોગ્યના પ્રશ્નો ચિંતા કરાવી શકે છે. સાડાસાતીનો પ્રથમ તબક્કો અનિદ્રાનો અનુભવ કરાવી શકે છે. નિરાશા, હતાશા અને નકારાત્મક વિચારસરણીથી દૂર રહેવું. શારીરિક નબળાઈનો અનુભવ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને મહેનતનું ફળ મળી રહે. અભ્યાસમાં અનિયમિતતા દાખવવાથી બચવું જરૂરી બને.

કુંભ: આ વર્ષ દરમિયાન નોકરીમાં પરિવર્તન કે સ્થળાંતર થઈ શકે છે. નવી નોકરી પ્રાપ્ત થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે અને સત્તામાં વધારો થાય. જ્યોતિષ, ધર્મ કે અધ્યાત્મ ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિઓને કાર્યોમાં સફળતા મળે. કાર્યક્ષેત્રે પોતાની આવડત દેખાડવાના અવસરની પ્રાપ્તિ થાય. આ વર્ષ કાર્યક્ષેત્રે ટોચ પર પહોંચાડવામાં મદદરૂપ બને. વ્યવહારમાં વિનમ્રતાનો અભાવ અને ચીડીયાપણું દેખાય. ચિંતા, તણાવ અને વ્યર્થ નકારાત્મકતાથી બચીને રહેવું. આ વર્ષ દરમિયાન જીવનમાં પ્રેમનું આગમન થઈ શકે છે. પ્રિયજનનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહો. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થી મિત્રોને સફળતા મળતી જણાય. અભ્યાસમાં વધારે મહેનત જરૂરી બને. મનગમતાં વિષયમાં પ્રવેશ મળવામાં મુશ્કેલી પડી શકે છે. મિત્રો સાથેના સંબંધોમાં અંતર આવતું જણાય. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં દૂરી આવે કે મતભેદ થવાની શક્યતા રહે. વિદેશથી ધનલાભ થવાની શક્યતા રહે.

મીન: ભાગ્યમાં વૃદ્ધિ થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે મહેનત બાદ સફળતાની પ્રાપ્તિ થાય. પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે ઓળખાણો થવાની સંભાવના રહે. કાર્યક્ષેત્રે વધુ મહેનત અને ઓછો લાભની સ્થિતિ રહે. પ્રમોશન માટે વધુ પ્રયાસ કરવા પડે. ઉપરી અધિકારીઓ અને સહકર્મચારીઓ સાથે સંઘર્ષમાં ઉતરવાથી દૂર રહેવું. વૈવાહિક જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથીનું આરોગ્ય ચિંતા કરાવી શકે. સંતાન ઈચ્છુક દંપતિઓને સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. સંતાન તરફથી સંપૂર્ણ સુખ અને સહયોગની પ્રાપ્તિ થાય. જીવનમાં પ્રેમનું આગમન થઈ શકે છે. ઘરથી દૂર જવાના પ્રસંગો ઉદ્ભવે. સ્થાવર મિલકત ખરીદવા બાબતે તકેદારી રાખવી જરૂરી બને. વિશ્વાસઘાત કે છેતરપીંડી થવાની શક્યતા રહે. શરીરમાં મેદવૃદ્ધિ થવાની સંભાવના રહે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં પૂર્ણ સફળતાની પ્રાપ્તિ થાય. ઉચ્ચ અભ્યાસની તક સહેલાઈથી મળે. પિતાની સલાહ ઉપયોગી નીવડે. ધાર્મિક કાર્યો પ્રત્યેની રુચિમાં વધારો થાય.

નોંધ લેશો કે ઉપર જણાવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા