પ્રિયંકા ચોપરાની સગાઈના સિતારા
હાલમાં હિંદી ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરા
તેના અમેરિકન મિત્ર ગાયક-ગીતકાર નિક જોનસ સાથેની સગાઈના સમાચારોને લીધે ચર્ચામાં છે.
શનિવાર, 18 ઓગસ્ટના
રોજ બંનેએ સોશિયલ મિડીયા પર તેમનાં સગપણનો ઔપચારિક સ્વીકાર કર્યો. આ બાબતનું
વિશ્લેષણ જ્યોતિષિક દ્રષ્ટિએ કરવું રસપ્રદ રહેશે. પ્રિયંકા મેષ જન્મલગ્ન અને વૃષભ
જન્મરાશિ ધરાવે છે.
જન્મતારીખ:
જુલાઈ 18, 1982
જન્મસમય:
12.30 am
જન્મસ્થળ:
જમશેદપુર
![]() |
જન્મલગ્ન કુંડળી |
પ્રિયંકા
ચોપરાની કુંડળીમાં સપ્તમ વિવાહસ્થાનનો સ્વામી શુક્ર છે. જે તૃતીયસ્થાનમાં મિથુન
રાશિમાં બુધ અને રાહુ સાથે યુતિમાં છે. શુક્ર સુંદર, દેખાવડાં અને કલામાં અભિરુચિ ધરાવનાર
જીવનસાથી પ્રદાન કરે છે. નિક ગાયન અને અભિનય કળામાં કુશળ છે. બુધ વાણી અને લેખનનો
કારક ગ્રહ છે. સપ્તમેશ શુક્રની બુધ સાથેની યુતિને લીધે મધુર અવાજ અને ગીતો લખી
શકવાની કુશળતા ધરાવનાર જીવનસાથી મળવાની સંભાવના ઉભી થઈ છે. આ સાથે જ સપ્તમેશ શુક્ર
રાહુ સાથે પણ યુતિમાં છે. રાહુ વિદેશી લોકો, ભાષા અને
વસ્તુઓનો કારક ગ્રહ છે. સપ્તમસ્થાન કે સપ્તમેશ સાથે રહેલો રાહુ વિદેશી કે અલગ ધર્મ
અથવા જ્ઞાતિની, પોતાનાં કરતાં અલગ રીતે ઉછેર પામેલી કે અલગ
રહેણીકરણી ધરાવતી વ્યક્તિ સાથે લગ્ન કરાવે છે. આ ઉપરાંત સપ્તમસ્થાનમાં ગુરુ રહેલો
છે, જે દ્વાદશભાવનો સ્વામી છે. દ્વાદશભાવ પરદેશ અથવા દૂરનું
અજાણ્યું સ્થળ સૂચવે છે. બારમા ભાવના સ્વામીની સપ્તમસ્થાનમાં હાજરી વિદેશી વ્યક્તિ
સાથે લગ્ન કરાવી શકે. ગુરુને પરંપરા અને રીતરિવાજો પસંદ છે. આથી લગ્ન માતા-પિતા
અને પરિવારની સંમતિથી પરંપરાગત રિવાજોને અનુસરીને કરાવે. સમાચારો અનુસાર બંનેએ
સગાઈની વિધિ પણ હિંદુ-પંજાબી રીતરિવાજો અનુસાર પરિવારજનો અને મિત્રોની હાજરીમાં કરી.
આ સંપૂર્ણપણે ગુરુનો પ્રભાવ છે. શુક્ર-રાહુની યુતિ પ્રેમલગ્ન કરાવે છે.
![]() |
નવમાંશ કુંડળી |
વિવાહ
માટે જોવામાં આવતી વર્ગકુંડળી નવમાંશમાં લગ્નમાં સ્વગૃહી શુક્ર સપ્તમસ્થાનમાં
રહેલાં બુધ સાથે પ્રતિયુતિમાં છે. જે ફરીથી શુક્ર અને બુધના ગુણો ધરાવનાર જીવનસાથી
મળવાની સંભાવનાને પુષ્ટ કરે છે. નવમાંશમાં લગ્નસ્થાનમાં સ્વગૃહી શુક્રએ પ્રિયંકાને
પણ સુંદર દેખાવ અને ગાયન-અભિનય કળા પ્રદાન કરેલ છે. સપ્તમસ્થાનમાં રહેલો બુધ બારમા
પરદેશભાવમાં રહેલાં મંગળ સાથે પરિવર્તન યોગમાં છે (મંગળની રાશિમાં બુધ અને બુધની
રાશિમાં મંગળ). સપ્તમેશ અને દ્વાદશેશનો પરિવર્તનયોગ પરદેશી વ્યક્તિ સાથે લગ્ન
થવાની સંભાવનાને બળવત્તર કરે છે.
ગ્રહોમાં
બુધ યુવરાજ છે. જ્યારે સપ્તમસ્થાનમાં બુધની રાશિ હોય અથવા સાતમે કે સપ્તમસ્થાનમાં
બુધ રહેલો હોય ત્યારે સમાન વયની કે પોતાનાથી ઉંમરમાં નાની અથવા દેખાવ કે વિચારોથી
યુવાન વ્યક્તિ સાથે લગ્ન કરાવે છે. પ્રિયંકા ચોપરાની જન્મલગ્ન કુંડળીમાં સપ્તમેશ શુક્ર
બુધની રાશિમાં બુધ સાથે યુતિમાં છે. ઉપરાંતમાં નવમાંશ કુંડળીના સપ્તમસ્થાનમાં પણ
બુધ રહેલો છે. નિક જોનસનો જન્મ સપ્ટેમ્બર 1992માં થયો છે અને પ્રિયંકાથી આશરે 10
વર્ષ નાની વય ધરાવે છે. નાની ઉંમર તો બરાબર પરંતુ ઉંમરમાં આટલો મોટો તફાવત શા માટે? જુઓ લગ્નકુંડળીમાં શનિ
મહારાજ છઠ્ઠા સ્થાને રહીને સપ્તમેશ શુક્ર પર દ્રષ્ટિ કરી રહ્યાં છે. નવમાંશમાં પણ
શનિની દ્રષ્ટિ સપ્તમસ્થાન અને સપ્તમેશ મંગળ પર પડી રહી છે. શનિ હંમેશા ઉંમર,
દેખાવ કે સ્વભાવમાં તફાવતવાળા પતિ કે પત્ની આપે છે. એવાં પતિ કે
પત્ની કે જેને આપણે કજોડું પણ કહી શકીએ. આ જ શનિની દ્રષ્ટિને લીધે પ્રિયંકાના
લગ્નમાં વિલંબ થયો છે. પ્રિયંકાની વય હાલ 36 વર્ષની છે, જે ભારતીય
માપદંડ અનુસાર મોડાં લગ્નની શ્રેણીમાં મૂકી શકાય. સપ્તમસ્થાન કે સપ્તમેશ સાથે
શનિનો સંબંધ લગ્ન મોડાં કરાવે છે.
જન્મલગ્ન કુંડળીમાં સપ્તમેશ
શુક્ર સાથે યુતિમાં રહેલો બુધ તૃતીય અને ષષ્ઠમ ખાડાના ભાવનો સ્વામી છે. શુક્રની
રોગસ્થાનના સ્વામી બુધ સાથેની યુતિ જીવનસાથીનું આરોગ્ય નરમ-ગરમ રખાવી શકે. આ
ઉપરાંત બંને વચ્ચે દલીલો થવાની શક્યતા રહે.
![]() |
ચંદ્રલગ્ન કુંડળી |
ચંદ્રલગ્ન
કુંડળી જોતાં સપ્તમેશ મંગળ પંચમ પ્રણયસ્થાન સ્થિત છે. જે પ્રેમલગ્ન થવાની શક્યતા
સૂચવે છે. સપ્તમેશ મંગળ સાથે શનિની યુતિ અને સપ્તમભાવ પર શનિની દ્રષ્ટિ ફરી મોડાં
લગ્ન થવાનો સંકેત આપે છે. નવમાંશ કુંડળીમાં થઈ રહેલો મંગળ-બુધ પરિવર્તન યોગ
હકીકતમાં ચંદ્રલગ્ન કુંડળીના પંચમેશ અને સપ્તમેશ વચ્ચેનો પરિવર્તનયોગ છે. પંચમેશ
અને સપ્તમેશનો કોઈ પણ પ્રકારે સંબંધ પ્રેમલગ્ન કરાવે છે. નવમાંશ કુંડળીના સપ્તમ
અને દ્વાદશભાવ સંકળાવાથી પ્રેમસંબંધ
વિદેશમાં અથવા તો દૂરના સ્થળે આપ્યો. જો કે મંગળ અને બુધ શત્રુગ્રહો હોવાથી
પ્રેમસંબંધોમાં ક્યારેક નિષ્ફળતા પણ આપે છે. ચંદ્રલગ્ન કુંડળીના સપ્તમેશ મંગળ અને લગ્નના
કારક શુક્રનું દ્વિસ્વભાવ રાશિમાં હોવું
બે સંબંધો કે બે પ્રેમ લગાવનો નિર્દેશ કરે છે. જન્મલગ્નકુંડળીનો સપ્તમેશ શુક્ર છે
અને લગ્નનો કારક પણ શુક્ર છે,
જે દ્વિસ્વભાવ રાશિમાં છે. જે ફરી એક કરતાં વધુ સંબંધ કે વધુ લાગણીઓનાં
જોડાણ જીવનમાં થયા હોવાની શક્યતાને પુષ્ટ કરે છે.
હાલમાં
પ્રિયંકાને ગુરુની વિંશોત્તરી મહાદશા ચાલી રહી છે. મહાદશાધિપતિ ગુરુ સપ્તમસ્થાનમાં
સ્થિત છે અને સપ્તમેશ શુક્ર પર દ્રષ્ટિ કરી રહ્યો છે. આથી ગુરુની દશા લગ્ન કરાવી
આપવા માટે પ્રબળ દાવેદાર છે. ગોચરમાં સપ્તમ તુલા રાશિમાંથી ગુરુનું ભ્રમણ થઈ
રહ્યું છે. વળી આ ગોચરનો ગુરુ લગ્નના કારક અને સપ્તમેશ એવાં શુક્રથી ત્રિકોણરાશિમાં
ભ્રમણ કરી રહ્યો છે અને તેના પર દ્રષ્ટિ પણ કરી રહ્યો છે. ઓક્ટોબરથી ગુરુ વૃશ્ચિક
રાશિમાં ભ્રમણ કરશે, જે ચંદ્રલગ્નથી સપ્તમસ્થાન છે. સપ્તમસ્થાનમાંથી ગુરુનું ગોચર ભ્રમણ પ્રબળ લગ્નયોગ
આપે છે. દશા અને ગોચર સંપૂર્ણપણે અનુકૂળ ગોઠવાયાં છે. જુલાઈ 2018થી ગુરુની
મહાદશામાં સપ્તમેશ અને લગ્નના કારક શુક્રની અંતર્દશા શરૂ થઈ છે. ગ્રહોની ચાલની આ
ગોઠવણી પ્રિયંકાના લગ્નની શરણાઈઓ વગાડવાં સંપૂર્ણપણે સજ્જ છે.
ટિપ્પણીઓ