લઘુપારાશરી સિદ્ધાંત – 22 થી 42 સૂત્ર


લઘુપારાશરી ગ્રંથમાં ફળ જ્યોતિષ સંબંધી 42 સૂત્રો આપેલાં છે. આ અગાઉ આપણે 1 થી 21 સૂત્ર જોઈ ગયા છીએ. શેષ 22 થી 42 સૂત્રો કોઈ ટીકા કે મૂળ શ્લોક વગર નીચે મુજબ છે.

22. જો નવમેશ જ અષ્ટમેશ પણ હોય, તથા જો દસમેશ જ એકાદશેશ પણ હોય તો આ પ્રકારે નવમેશ અને દસમેશના સંબંધમાત્રથી જ રાજયોગનો લાભ પ્રાપ્ત થતો નથી.

23. લગ્નથી અષ્ટમ અને તૃતીય (આઠમાંથી આઠમું) એ બંને આયુષ્યના સ્થાનો છે. આ બંને સ્થાનોનાં વ્યયસ્થાન (અર્થાત લગ્નથી સપ્તમ અને દ્વિતીય) એ મારક સ્થાનો કહેવાય છે.

24/25. દ્વિતીય અને સપ્તમ મારક સ્થાનોમાં દ્વિતીય સ્થાન એ સપ્તમ સ્થાન કરતાં વધુ બળવાન મારક સ્થાન છે. મારક સ્થાનમાં પાપગ્રહ હોય અને મારકેશથી યુક્ત હોય તો તેમની દશાઓમાં જાતકનું મૃત્યુ થાય છે. આ અસંભવ હોય (અર્થાત મારકસ્થાનમાં કોઈ પણ પાપગ્રહ ન હોય, તથા મારકેશની સાથે પણ કોઈ પાપગ્રહ ન હોય) ત્યારે લગ્નથી દ્વાદશાધીશ ગ્રહની દશામાં મારકેશની અંતર્દશામાં મરણ થાય છે.

26/27. કદાચિત ઉપરોક્ત મારકેશોના (અર્થાત મારકસ્થાનમાં સ્થિત પાપગ્રહ, મારકેશ અને દ્વાદશેશ) દશા સમયમાં મૃત્યુ ન થાય તો  વ્યયેશ સાથે સંબંધિત શુભગ્રહોની દશામાં અને કદાચિત અષ્ટમેશની દશામાં પણ મૃત્યુ થાય છે. જો આ દશામાં પણ મૃત્યુ ન થાય તો ફક્ત પાપગ્રહોની (મારકેશના સંબંધરહિત) દશામાં મરણ થાય છે તેવું પંડિતોએ વિચાર કરવું જોઈએ. 

28. 3, 6 વગેરે અશુભસ્થાનોના આધિપત્યથી પાપકારક શનિને મારક ગ્રહો સાથે સંબંધ હોય તો અન્ય બધાં મારકો ગ્રહોનું ઉલ્લંઘન કરીને શનિ જ મારક બને છે. એમાં સંદેહ નથી. અર્થાત મારકના સંબંધ વગર પણ પાપકારક શનિ સામાન્ય રીતે મારક બને છે.

29/30. બધાં ગ્રહો (પાપ તથા શુભ) પોતાની દશામાં પોતાની જ અંતર્દશામાં પોતાનાં સ્વભાવને અનુરૂપ શુભ તેમજ અશુભ ફળ આપતાં નથી. જે ગ્રહ પોતાની સાથે સંબંધ ધરાવતાં હોય, તથા જે પોતાનાં સધર્મી હોય, તેમની અંતર્દશામાં જ સ્વભાવાનુસાર પોતાની દશાનું ફળ આપે છે.

31. દશાનાથથી સંબંધરહિત તથા વિરુદ્ધ ફળ દેવાવાળા ગ્રહોની અંતર્દશામાં દશાધિપતિ અને અંતર્દશાધિપતિ બંનેના અનુસાર દશાફળ કલ્પના કરીને સમજવું જોઈએ.

32. કેન્દ્રાધિપતિ પોતાની દશામાં પોતાની સાથે સંબંધમાં રહેલાં ત્રિકોણેશની અંતર્દશા આવે ત્યારે શુભ ફળ આપે છે. તથા ત્રિકોણેશ પણ પોતાની દશામાં પોતાની સાથે સંબંધમાં રહેલાં કેન્દ્રેશની અંતર્દશા આવે ત્યારે શુભ ફળ આપે છે. જ્યારે કેન્દ્રેશ અને ત્રિકોણેશ એકબીજાથી સંબંધિત ન હોય તો કેન્દ્રેશ પોતાની દશામાં ત્રિકોણેશની અંતર્દશામાં પણ સામાન્ય રીતે પાપફળ જ આપે છે.

33. યોગકારક ગ્રહની દશામાં સંબંધિત મારકેશની અંતર્દશામાં રાજયોગનો આરંભ થાય તો પાપી મારકની અંતર્દશા તે રાજયોગનો આરંભ કરીને ક્રમથી વિસ્તાર કરે છે.

34. યોગકારક સાથે સંબંધિત શુભગ્રહની અંતર્દશામાં રાજયોગનો આરંભ થાય તો યોગનું શુભ ફળ મળે છે. યોગકારક ગ્રહ સાથે અસંબંધિત શુભગ્રહોની અંતર્દશામાં ફળમાં સમત્વ રહે છે.

35. યોગકારક ગ્રહથી સંબંધિત શુભગ્રહની મહાદશામાં યોગકારક ગ્રહની પોતાની અંતર્દશા આવે ત્યારે ક્યારેક રાજયોગનું ફળ મળે છે.

36. રાહુ – કેતુ જો કેન્દ્ર અથવા ત્રિકોણમાં હોય અને અન્ય કોઈ ગ્રહથી સંબંધિત ન હોય તો પોતાની મહાદશામાં યોગકારક ગ્રહોની અંતર્દશામાં તે ગ્રહો અનુસાર શુભ યોગકારક ફળ પ્રદાન કરે છે.

37/38. જો મહાદશાનો સ્વામી પાપગ્રહ હોય તો તેની સાથે સંબંધ નહિ ધરાવનાર શુભગ્રહની અંતર્દશા અશુભફળ આપે છે. પાપી મહાદશાધિપતિ સાથે સંબંધ ધરાવનાર શુભગ્રહની અંતર્દશા મિશ્ર ફળ (શુભ-અશુભ બંને) આપે છે. પાપી મહાદશાધિપતિ સાથે સંબંધ નહિ ધરાવનાર યોગકારક ગ્રહની અંતર્દશા અત્યંત અશુભ ફળ આપે છે.

39. મારક ગ્રહની મહાદશામાં તેની સાથે સંબંધ ધરાવનાર શુભગ્રહની અંતર્દશા મારક બનતી નથી. પરંતુ મારક ગ્રહની મહાદશામાં તેની સાથે સંબંધ ન હોય તો પણ પાપગ્રહની અંતર્દશા મારક બને છે.

40. શુક્રની મહાદશામાં શનિ પોતાની અંતર્દશામાં શુક્ર સંબંધી ફળ આપે છે, અને શનિની મહાદશામાં શુક્રની અંતર્દશા શનિ સંબંધી ફળ જ વિશેષરૂપથી આપે છે.

41. લગ્નેશ અને દસમેશ પરસ્પર એકબીજાના સ્થાનમાં સ્થિત હોય અથવા બંને મળીને એક જ સ્થાનમાં (લગ્ન અથવા દસમ) સ્થિત હોય તો રાજયોગ બને છે. આ યોગમાં જન્મ લેનાર જાતક જગત પ્રસિદ્ધ અને વિજયી બને છે.

42. લગ્નેશ અને નવમેશ પરસ્પર એકબીજાના સ્થાનમાં સ્થિત હોય અથવા બંને મળીને એક જ સ્થાનમાં (લગ્ન અથવા નવમ) સ્થિત હોય તો રાજયોગ બને છે. આ યોગમાં જન્મ લેનાર જાતક જગત પ્રસિદ્ધ અને વિજયી બને છે.

ટિપ્પણીઓ

Unknown એ કહ્યું…
મેડમ, લઘુપારાસરી પર થોડા વિસ્તારમાં બ્લોગ લખશો તો અમારા જેવા જ્યોતિષ ના વિધાર્થીઓ ને આપના જ્ઞાન નો લાભ મળી રહેશે.જે રાજકોટ થી દૂર રહે છે અને તમારા કલાસ જોઇન નથી કરી શકતા
Vinati Davda એ કહ્યું…
@Hemendra Prajapati, Okay, જરૂરથી લખીશ.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા