જ્યોતિષ અને કવિતા - 2


21 માર્ચ એટલે કે World Poetry Day !! આજના દિવસે ચાલો માણીએ શ્રી સુરેશ દલાલની એક સુંદર રચના...

 શ્યામ મારો આ કોરો કાગળ
એમાં દોરો તમે કુંડળી
અને કહો કે મળશું ક્યારે?

કૈં કેટલા ઘોંઘાટના અહીં ઘૂંઘટપટ રે ઢળ્યા
એને કહો ખોલશો ક્યારે?
રાહુ ચંદ્રને ગળી જાય તો
તમે ઝૂલશો મારે માથે શરદપૂનમનું આભ થઈને
એવું વચન તો આપો.
સૂર્ય, ગુરુ કે કેતુ, મંગળ;
અમને કાંઈ સમજ નહીં,
ગ્રહો વિરહના ટળશે
એવું આશ્વાસન તો આપો.
એક એક આ ઘરમાં મૂકો વાંસળીઓના સૂર
અને બળવાન શુક્રને કરો
મોરપિચ્છને ધારી માધવ દર્શન દેશો ક્યારે?
તમે અમારું ભાવિ કહેશો ક્યારે?

શ્યામ તમે અવ સાચું કહેજો
તમને પણ અમને મળવાનું
મન કદીય થાય ખરું કે નહીં?
અમે તમારી આગળપાછળ આમતેમ બસ ભટક્યા કરીએ
તમને પણ ક્યાંક ઊભા રહીને
આંખોમાં આંખો રોપીને
માનમલાજો મર્યાદાને લોપી દઈને
ગોપીના આ લોચનને જલ ડૂબી જવાનું
મન કદીય થાય ખરું કે નહીં?
શ્યામ તમારી સાથે મારે કયા જનમની સગાઈ થઈ છે
ને કયા જનમમાં સગપણ ફળશે?
રે, ક્યાં લગી આ જીવ ટળવળશે?
મને કૈં કહેશો ક્યારે?

~ સુરેશ દલાલ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા