કેવાં જીવનસાથી મળે?

કુંડળીમાં સૌથી ઉપર રહેલાં ચતુષ્કોણમાં લખેલ રાશિનો અંક જન્મલગ્ન કહેવાય છે. આ જન્મલગ્નની રાશિના આધારે કેવાં જીવનસાથી પ્રાપ્ત થાય તેની સ્થૂળ અને સંક્ષિપ્ત માહિતી જોઈએ.

મેષ લગ્ન: મેષ લગ્ન ધરાવતાં જાતકો આવેશમય અને હૂંફાળી લાગણીઓ ધરાવતાં હોય છે. પરંતુ  પોતાનું ધાર્યુ કરનાર હઠીલા જીવનસાથી બને છે. ઘણીવાર ઉતાવળે પરણીને નિરાંતે પસ્તાવાનું ભાગ્ય લખાવીને આવે છે. સામાન્ય રીતે તેમને સુંદર અને દેખાવડાં જીવનસાથીની પ્રાપ્તિ થાય છે.

વૃષભ લગ્ન: વૃષભ લગ્ન ધરાવતાં જાતકોને સપ્તમસ્થાનમાં વૃશ્ચિક રાશિ પડે છે. જે ક્યારેક જીવનસાથીને બિમારી કે મૃત્યુનો ભય સૂચવે છે. જો આ ભય ન હોય તો પણ જીવનસાથી લશ્કર કે નૌસેનામાં કાર્યરત હોય અને વિયોગ આવે કે પછી અન્ય કોઈ રીતે વિયોગના સંજોગો ઉભાં થાય. ઘણીવાર ડંખીલા અને ઈર્ષાળુ જીવનસાથીની પ્રાપ્તિ થાય છે.

મિથુન લગ્ન: સપ્તમસ્થાનમાં ધનુ રાશિ પડે છે. જે બે સંબંધો, બે લગાવ કે બે લગ્નનો નિર્દેશ કરે છે. વિદેશી વ્યક્તિ સાથે લગ્ન થવાની સંભાવના રહે. વિદ્વાન અને સુશિક્ષિત જીવનસાથીની પ્રાપ્તિ થાય. લગ્નજીવનમાં લાગણીઓમાં વહીને કરાતી ચેષ્ટાઓની કમી રહે. જીવનસાથી સાથે મતભેદ રહે છતાં લગ્નસંસાર ચાલી જાય છે.

કર્ક લગ્ન: કર્ક લગ્ન ધરાવતાં જાતકો વફાદાર, લાગણીશીલ અને સમર્પિત જીવનસાથીની ભૂમિકા નિભાવે છે. જીવનસાથીની એક માતાની માફક કાળજી અને સાર સંભાળ લે છે. લગ્નજીવનમાં મતભેદ અને વિખવાદની ઘટનાઓ ઘટવાની સંભાવના રહે. જીવનસાથીમાં ઉષ્માનો અભાવ, આળસ અને ઉદાસીનતા જોવા મળી શકે છે.

સિંહ લગ્ન: સિંહ લગ્ન ધરાવતાં જાતકો ઉદાર સ્વભાવ અને ઉષ્માસભર હ્રદય ધરાવતાં હોવાં છતાં મોટેભાગે લગ્નજીવનમાં દુ:ખી રહે છે. અરસિક, મહેનતુ અને કરકસરનો સ્વભાવ ધરાવતાં જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. લગ્નજીવન મંદ અને ઉષ્માવિહીન રહેવાની સંભાવના રહે.  

કન્યા લગ્ન: સપ્તમસ્થાનમાં મીન રાશિ પડતી હોવાથી વિજાતીય પાત્રો સાથેના સંબંધમાં ચિંતા અને મુંઝવણોનો સામનો કરવો પડે છે. ઉત્તમ જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. આમ છતાં ઘણીવાર અન્ય પાત્ર સાથેના સંબંધમાં કે કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાય છે. ભાગ્યે જ વહેલાં લગ્ન કરે છે.

તુલા લગ્ન: તુલા લગ્ન ધરાવતાં જાતકો શાંત અને સરળ પ્રકૃતિ ધરાવતાં હોય છે. સામાન્ય રીતે સુખી લગ્નજીવન રહે છે. ઘણીવાર ઉગ્ર સ્વભાવના જીવનસાથીની પ્રાપ્તિ થાય છે અને લાગણીની તીવ્રતાની ઉણપ જણાય છે. આમ છતાં લગ્નજીવન ટકી રહેવાની સંભાવના વધુ હોય છે.

વૃશ્ચિક લગ્ન: વૃશ્ચિક લગ્ન ધરાવતાં જાતકો અગાધ અને તીવ્ર લાગણીઓ ધરાવતાં હોય છે. મોટેભાગે જીવનસાથી સુંદર, દેખાવડાં અને ઘર-પરિવારની કાળજી લેનારા પ્રાપ્ત થાય છે. પરંતુ જાતક પોતે લગ્ન પરત્વે સમર્પિત હોવા છતાં ઘણીવાર ઈર્ષાળુ અને જીવનસાથીની ભૂલોને જલ્દીથી માફ નહિ કરી શકનારા હોય છે.

ધનુ લગ્ન: ધનુ લગ્ન ધરાવતાં જાતકો એક કરતાં વધુ સંબંધ કે બે લગ્નો થવાની શક્યતા ધરાવે છે. ઉષ્માસભર હ્રદય ધરાવતાં હોવાં છતાં તેમની લાગણીઓ બદલાઈ શકે છે. ઘણીવાર સહાનુભૂતિ કે સમજણનો અભાવ જોવા મળે છે. જીવનસાથી સારા મળે છે. પરંતુ જાતક જીવનસાથી પ્રત્યે માલિકીભાવ ધરાવે છે.

મકર લગ્ન: મકર લગ્ન ધરાવતાં જાતકો ઘર-પરિવાર માટે બનેલાં હોતાં નથી. તેઓ સામાજીક કારણોને લીધે અથવા વ્યાવસાયિક મહત્વકાંક્ષાને લીધે પરણે છે. ઘર-પરિવાર કરતાં વ્યવસાય તેમના માટે હંમેશા અગ્રતા ધરાવે છે. જીવનસાથી બિમાર, મિજાજી અને ચંચળ સ્વભાવ ધરાવતાં પ્રાપ્ત થવાની સંભાવના રહે.

કુંભ લગ્ન: કુંભ લગ્ન ધરાવતાં જાતકો અપરંપરાગત અને રૂમાની સ્વભાવ ધરાવે છે. એકવાર જીંદગીમાં સ્થિર થયા બાદ લાગણીશીલ અને પ્રામાણિક જીવનસાથી પૂરવાર થાય છે. તેમને જીવનસાથી ગર્વિષ્ઠ, ક્રોધી અને વર્ચસ્વ જમાવવાની ભાવના ધરાવનાર મળી શકે છે. કેટલીક વાર લગ્નજીવનથી અસંતોષ રહે છે.

મીન લગ્ન: એક કરતાં વધુ સંબંધો કે એક કરતાં વધુ લગ્ન થવાની સંભાવના મીન લગ્ન ધરાવનાર જાતકોમાં સૌથી વધુ હોય છે. ઉત્તમ, વ્યવહારુ, શિક્ષિત અને વ્યાપાર કરનાર જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. બંને વચ્ચે તકરાર અને વાદ-વિવાદો થતાં રહે છે. 

સપ્તમ વિવાહસ્થાનમાં પડેલાં કે સાતમે દ્રષ્ટિ કરતાં ગ્રહોનું જીવનસાથી બાબતે સ્થૂળ અને સંક્ષિપ્ત ફળ જોઈએ.

સૂર્ય: ગર્વિષ્ઠ, અભિમાની, સ્વતંત્ર મિજાજી જીવનસાથી, ગૌરવશાળી અને આકર્ષક વ્યક્તિત્વ, પ્રતિષ્ઠિત કુટુંબમાંથી આવનાર, સ્ત્રીની કુંડળીમાં સાતમે સૂર્ય કોઈકવાર મોડાં લગ્ન કરાવી શકે.

ચંદ્ર: માયાળુ, ઘરેલું જીવનસાથી, કાળજી લેનાર, સુંદર દેખાવ અને ગૌર વર્ણ, પરંતુ વારંવાર પોતાના અને જીવનસાથીના મૂડ અને લાગણીઓમાં ચડાવ-ઉતાર અનુભવી શકાય.  

મંગળ: મજબૂત મનોબળ ધરાવનાર, વર્ચસ્વ જમાવવાની કોશિશ કરનાર જીવનસાથી, ક્રોધી, વારંવારની લડાઈને લીધે અથવા સંજોગોને લીધે વિયોગની શક્યતા.

બુધ: ચતુર, બુદ્ધિશાળી અને વાચાળ જીવનસાથી, ગણિત અને વ્યાપારમાં કુશળ, જો દૂષિત હોય તો બદમિજાજી, ટીકાખોર, સદાય વાંક કાઢનાર, દલીલો કરનાર.

ગુરુ: લગ્નને લીધે જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવે, સુશિક્ષિત જીવનસાથી, ડહાપણ ધરાવનાર, ધાર્મિક  અને પરંપરાઓને અનુસરનાર, કોઈકવાર જીવનસાથીનું મૃત્યુ કે બીજાં લગ્નનો સંકેત કરે.

શુક્ર: સુંદર, આકર્ષક દેખાવ ધરાવનાર જીવનસાથી, કલાઓમાં રુચિ ધરાવનાર, લગ્નજીવન પ્રેમ, સુખ અને સંવાદિતાથી ભરપૂર, બંનેમાં જીવનને માણવાની ભાવના રહે.   

શનિ: પોતાના અને જીવનસાથી વચ્ચે વય અથવા સ્વભાવમાં ફરક, મોડાં લગ્ન થવાની શક્યતા, વફાદાર જીવનસાથી, પરંતુ લગ્નજીવનમાં ઉષ્મા અને લાગણીઓનો અભાવ.

રાહુ: અપરંપરાગત લગ્ન, પોતાના કરતાં અલગ જ્ઞાતિ કે અલગ રીતે ઉછેર થયેલ જીવનસાથી, અચાનક કે અણધારી રીતે લગ્ન નક્કી થાય, લગ્નજીવનમાં વિશ્વાસઘાત થવાની શક્યતા.

કેતુ: લગ્નજીવન બાબતે ઉદાસીનતા કે અલિપ્તતા, મોડાં લગ્ન, જીવનસાથીના સુખમાં કમી, જીવનસાથી સાથ આપનાર ન હોય, લગ્ન કરીને ભૂલ થઈ ગઈ હોય તેવું લાગ્યા કરે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા