ગુરુનું બાર ભાવમાં ફળ (સારાવલી)

પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત જ્યોતિષ ગ્રંથ સારાવલીના અધ્યાય 30ના શ્લોક 50 થી 61 ગુરુનું બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે.

પ્રથમ ભાવ: જો કુંડળીમાં પ્રથમભાવ/લગ્નસ્થાનમાં ગુરુ સ્થિત હોય તો જાતક સુંદર દેહધારી, બળવાન, દીર્ઘાયુષી, સુંદર અને સમાન દ્રષ્ટિથી કાર્ય કરનાર, અત્યંત વિદ્વાન, ધૈર્યવાન તથા શ્રેષ્ઠ હોય છે.

દ્વિતીય ભાવ: જો દ્વિતીયસ્થાનમાં ગુરુ સ્થિત હોય તો જાતક ધનવાન, ભોજનમાં રુચિ ધરાવનાર, શ્રેષ્ઠ વક્તા, સુંદર શરીર, વાણી તેમજ મુખ ધરાવનાર, પરોપકારી, સુંદર વસ્ત્રો ધારણ કરનાર તેમજ ત્યાગી હોય છે.

તૃતીય ભાવ: જ્યારે તૃતીયસ્થાનમાં ગુરુ રહેલો હોય ત્યારે જાતક અત્યંત દુ:ખી, લોભી, કૃપણ, સદા વિજયી, ભાઈઓથી પરાજીત, મંદાગ્નિથી પીડિત, સ્ત્રીથી પરાજીત તેમજ પાપી હોય છે.  

ચતુર્થ ભાવ: જો કુંડળીમાં ચતુર્થભાવમાં ગુરુ હોય તો જાતક  સ્વજન, વસ્ત્ર, આવાસ, વાહન, સુખ, બુદ્ધિ, વિવિધ ભોગ અને ધનથી યુક્ત હોય છે. શ્રેષ્ઠ તેમજ શત્રુઓને દુ:ખ આપનાર હોય છે.

પંચમ ભાવ: જો કુંડળીમાં પંચમભાવમાં ગુરુ હોય તો જાતક સુખ, પુત્ર અને મિત્રથી સંપન્ન હોય છે. અત્યંત વિદ્વાન, ધૈર્યવાન, ઐશ્વર્યમાં લીન તથા સર્વત્ર સુખી હોય છે.

ષષ્ઠમ ભાવ: જ્યારે કુંડળીમાં ષષ્ઠમભાવમાં ગુરુ સ્થિત હોય ત્યારે જાતક દૂષિત જઠરાગ્નિ ધરાવનાર, પીડિત, નિર્બળ, પ્રમાદી, સ્ત્રીથી પરાજીત, શત્રુઓને પરાજીત કરનાર તથા અત્યંત પ્રસિદ્ધ હોય છે.

સપ્તમ ભાવ: જો સપ્તમસ્થાનમાં ગુરુ સ્થિત હોય તો જાતક સુંદર ભાગ્યવાન, સુંદર ઈચ્છિત સ્ત્રીનો પતિ, પોતાના પિતાથી અધિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર, વક્તા, કવિ, પ્રધાન, અત્યંત વિદ્વાન તેમજ વિખ્યાત હોય છે.

અષ્ટમ ભાવ: જ્યારે અષ્ટમસ્થાન સ્થિત ગુરુ હોય ત્યારે જાતક પીડિત, દીર્ઘાયુષી, વેતનથી જીવનારો, દાસ કે સેવક, સ્વજનોની સેવા કરનારો, દીન, મલિન તથા સ્ત્રી ભોગી હોય છે.

નવમ ભાવ: જો કુંડળીમાં નવમભાવમાં ગુરુ રહેલો હોય તો જાતક દેવ તેમજ પિતૃ કાર્યોમાં લીન, વિદ્વાન, સુંદર, ભાગ્યવાન, રાજાનો મંત્રી કે નેતા અથવા પ્રધાન હોય છે.

દસમ ભાવ: જ્યારે દસમભાવમાં ગુરુ સ્થિત હોય ત્યારે જાતક પોતાનાં આરંભેલા કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરનાર, સન્માનિત, સમસ્ત ઉપાયોનો જાણકાર, ચતુરતાથી સંપન્ન, સુખ, ધન, વાહન અને સ્વજનોથી યુક્ત, યશનો ભોગી હોય છે.

એકાદશ ભાવ: જો એકાદશભાવમાં ગુરુ હોય તો જાતક દીર્ઘાયુષી, ધૈર્યવાન, અનેક વાહનો અને સેવકોથી યુક્ત, સજ્જન હોય છે. એ અધિક વિદ્યા કે અધિક પુત્રો ધરાવતો નથી.

દ્વાદશ ભાવ: જ્યારે દ્વાદશભાવમાં ગુરુ હોય ત્યારે જાતક પ્રમાદી, સંસાર દ્વેષી, અસ્થિર વાણી ધરાવનાર અથવા વાણી હીન અને સર્વત્ર સેવામાં લીન રહેનાર હોય છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

૨૭ નક્ષત્રો