ગુરુના તુલા ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

આજે 12 સપ્ટેમ્બર, 2017ના રોજ સવારે 06.55 કલાકે ગુરુએ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં ગુરુ 11 ઓક્ટોબર, 2018 સુધી ગોચર ભ્રમણ કરશે. સામાન્ય રીતે ગુરુ જ્ઞાન, ધન, સંતાન અને નિતાંત શુભ ફળ પ્રદાન કરનારો ગ્રહ હોવાને લીધે શુભ ફળ આપે છે, પરંતુ તુલા રાશિ ગુરુની શત્રુ રાશિ છે. આથી અહીં ગુરુ પૂર્ણ રીતે શુભ ફળ આપવા અસમર્થ રહેશે. આવો જોઈએ બાર રાશિઓ/જન્મલગ્નને ગુરુનું આ ગોચર ભ્રમણ કેવું ફળ આપશે.

અહીં નોંધવું જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગમાં જે-તે સ્થાનને મળેલાં બિંદુઓ વગેરે પર રહેલો છે.   

મેષ: મેષ રાશિને ગુરુએ સપ્તમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. સપ્તમસ્થાનમાં ગુરુનું ગોચર ભ્રમણ લગ્ન, પ્રેમસંબંધ, ભાગીદારી, કોર્ટ-કચેરીના કામો, યાત્રા વગેરે માટે અનુકૂળ છે. આ સમય જીવનમાં આનંદની પળોને માણવાનો છે. અપરિણીતોના લગ્ન થવાની શક્યતા રહે. પરિણીતોનો જીવનસાથી સાથેનો સંબંધ વધુ સંવાદિતાભર્યો બને. જે લોકો લગ્નજીવનમાં તણાવ કે મૂશ્કેલીઓનો સામનો કરી રહ્યા હશે તેઓ તેમાંથી બહાર આવી શકશે અને મૂશ્કેલીઓનું નિવારણ થઈ શકે છે. પ્રેમમાં પડેલાંઓને માતા-પિતાના આશીર્વાદની પ્રાપ્તિ થઈ શકે છે અને પ્રેમનું લગ્નમાં રૂપાંતર કરવું શક્ય બને. સામાજીક સંબંધો વધુ સુમેળભર્યા બને. ભાઈ-બહેનો તથા મિત્રો સાથેના સંબંધ મધુર બને. જીવનમાં કારકીર્દિ કરતા સંબંધો અગત્યના બને. વ્યાવસાયિક ભાગીદારી માટે આ સમય અનુકૂળ રહે. ભાગીદારી દ્વારા ધનલાભ થવાની શક્યતા રહે. આ સમય ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ અને ધ્યેયની પૂર્તિ થવાનો છે.

વૃષભ: વૃષભ રાશિને ગુરુએ ષષ્ઠમભાવમાં પ્રવેશ કર્યો છે. પરિશ્રમ અને પુરુષાર્થ દ્વારા સફળતાની પ્રાપ્તિ થાય. નોકરીને લગતી બાબતો માટે સમય અનુકૂળ રહે. નવી નોકરી મળવાની સંભાવના રહે. હાલ જે નોકરી કરી રહ્યા હો તેમાં જો પરિવર્તન ઈચ્છી રહ્યા હો તો આ અનુકૂળ સમય છે. પ્રમોશન મળવાની શક્યતા રહે. સહકર્મચારીઓનો સહકાર મળી રહે. નોકરી-વ્યવસાયના સ્થળના વાતાવરણમાં સુધારો અનુભવી શકાય. નાણાકીય અને કૌટુંબિક બાબતો માટે સમય અનુકૂળ રહે. સહેલાઈથી લોનની પ્રાપ્તિ થઈ શકે. મિત્રો અને પરિવારજનો સાથે વિવાદ અને દલીલો કરવાથી દૂર રહેવું. આ સમય દરમિયાન જીવનસાથી પાછળ ખર્ચાઓ અથવા નાણાકીય રોકાણ થવાની સંભાવના રહે. વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક પરિક્ષામાં સફળતાની પ્રાપ્તિ થાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને. આળસ ઘર ન કરે તેનું ધ્યાન રાખવું. વિદેશયાત્રા થવાની સંભાવના રહે.

મિથુન: મિથુન રાશિને ગુરુએ પંચમભાવમાં પ્રવેશ કર્યો છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય. બુદ્ધિકૌશલ્ય દ્વારા ભાગ્યનું નિર્માણ કરી શકો. બૌદ્ધિક અને રચનાત્મક કાર્યો પ્રત્યે રુચિ જાગે. આ સમય દરમિયાન જીંદગીને માણવાની ઈચ્છા ધરાવો. નવા મિત્રો બનવાની શક્યતા રહે. લાંબા સમયથી વિખૂટાં પડી ગયેલા કે જૂના મિત્ર સાથે ફરી મિલન થાય. પ્રેમમાં પડવાની ઘટના સંભવી શકે છે. પરિણીત જાતકોને સંતાન પ્રાપ્તિ થવાની સંભાવના રહે. સંતાનો સાથેનો સંબંધ સંતોષજનક અને મધુર બને. સંતાનો માટે આ સમય પ્રગતિજનક રહે.  મંત્રોના જાપથી આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક ગ્રંથોનો અભ્યાસ કરી શકાય. ધર્મસ્થળોની યાત્રા કે ધાર્મિક કાર્યો થવાની સંભાવના રહે. શેરબજારથી લાભ રહે. નાણાકીય આવકની વૃદ્ધિ થાય. કાર્યસ્થળે નવી જવાબદારીનું વહન કરવું પડે. નોકરીમાં પ્રમોશનની પ્રાપ્તિ થઈ શકે છે. શરીરમાં મેદવૃદ્ધિ થઈ શકે છે.

કર્ક: કર્ક રાશિને ગુરુએ ચતુર્થભાવમાં પ્રવેશ કર્યો છે. જો આપ નવું ઘર ખરીદવા ઈચ્છી રહ્યા હો તો આ અનુકૂળ સમય છે. ઘર લેવાનું આપનું સપનું સાકાર થઈ શકે છે. વાહન ખરીદવા માટે આ પણ આ સમય અનુકૂળ રહે. જૂના ઘરનું નવીનીકરણ કરાવીને તેને વધુ સુંદર અને સગવડતાભર્યુ બનાવી શકો છો. ઘરમાં સુખ-સગવડના સાધનોમાં વધારો થાય. ગૃહસ્થક્ષેત્રે વાતાવરણ સુખ-શાંતિ ભરેલું રહે. પરિવારમાં ચાલતાં વિવાદોનો અંત આવી શકે છે. પરિવારમાં નવા સભ્યનો ઉમેરો થઈ શકે છે. માતાના પ્રેમની હૂંફ રહે. માનસિક શાંતિનો અનુભવ થાય. પરિવારમાં માન-સન્માનમાં વૃદ્ધિ થાય. વતનની મુલાકાત લઈ શકાય. જો આપ નોકરી શોધી રહ્યા હો તો નોકરી મળી જવાની શક્યતા રહે. જો નોકરીમાં પરિવર્તન ઈચ્છી રહ્યા હો તો પણ આ અનુકૂળ સમય છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મહેનત કરવી પડે. કોર્ટ-કચેરીના કેસોથી દૂર રહેવું. શત્રુઓથી સાવધાન રહેવું. સંતાનને લગતી બાબતો વિશેષ કાળજી માગી લે.

સિંહ: સિંહ રાશિને ગુરુએ તૃતીયસ્થાનમાં પ્રવેશ કર્યો છે. પરાક્રમથી ભાગ્યનું નિર્માણ કરી શકો છો. ઉત્સાહ અને સકારાત્મકતામાં વૃદ્ધિ થઈ શકે છે. નવા સાહસો પ્રત્યેની રુચિમાં વધારો થાય. માન-સન્માનમાં વૃદ્ધિ થાય. વારંવાર ટૂંકી યાત્રાઓ થવાના યોગ બને. યાત્રાઓના માધ્યમ દ્વારા કાર્યમાં વધારો થાય. અપરિણીત જાતકો માટે લગ્નનો ઉત્તમ યોગ બની રહ્યો છે. પરિણીત જાતકોના લગ્નજીવનમાં સુખ-શાંતિ બની રહે. સંતાન દ્વારા લાભ થવાની સંભાવના રહે. ભાગીદારીમાં કાર્ય થવાની સંભાવના રહે. મીડિયા અને કોમ્યુનિકેશનના ક્ષેત્ર સાથે સંકળાયેલાં જાતકો માટે આ સમય ઉત્તમ રહે. સર્જનાત્મક અભિગમ અને આવડત ખીલી ઉઠે. વાતચીત, લખાણો, પત્રવ્યવહાર દ્વારા લાભ થવાની સંભાવના રહે. વિચારો અને યોજનાઓને યોગ્ય રીતે અભિવ્યક્ત કરી શકો. પડોશીઓ અને ભાઈ-બહેનો સાથેના સંબંધ મધુર બને. વિદ્યાર્થી મિત્રોને ઉચ્ચ અભ્યાસ માટે અનુકૂળ તકની પ્રાપ્તિ થઈ શકે છે.

કન્યા: કન્યા રાશિને ગુરુએ દ્વિતીયભાવમાં પ્રવેશ કર્યો છે. ધનનો ઉપયોગ સ્થાવર સંપતિની ખરીદી કરવામાં થઈ શકે છે. સ્થાવર સંપતિ દ્વારા ધનલાભ થવાની શક્યતા રહે. માતા દ્વારા પણ ધનલાભ થઈ શકે છે. આર્થિક ઉન્નતિ થઈ શકે છે. વ્યવસાયમાં નફામાં વધારો થઈ શકે છે. બેંક બેલેન્સમાં વૃદ્ધિ થાય. નોકરી-વ્યવસાય ક્ષેત્રે નવી તકોની પ્રાપ્તિ થાય. નવી નોકરી મળી શકે છે અને નોકરીમાં પ્રગતિજનક સમય રહે. ઉપરી અધિકારીઓનો વિશ્વાસ સંપાદન કરી શકાય. સહકાર્યકરોને પ્રભાવિત કરી શકાય. આ સમય લોન માટે અરજી કરવા કે નાણાકીય સંસ્થાઓ સાથે કરારો કરવા અનુકૂળ બની રહે. કૌટુંબિક જીવનમાં સુખ, શાંતિ અને સંવાદિતાનો અનુભવ થાય. કુટુંબમાં માંગલિક પ્રસંગોની ઉજવણી થાય. કુટુંબમાં નવા સભ્યનો ઉમેરો થઈ શકે છે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકાય. મામા, પિતરાઈઓ અને સગા-સંબંધીઓ સાથેના સંબંધ મધુર બને. શત્રુઓ અને હરિફો પર વિજય મેળવી શકાય. કોર્ટ-કચેરીનાં કાર્યોમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે.

તુલા: તુલા રાશિને ગુરુએ પ્રથમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. આ ગોચર અવશ્ય માનસિક શાંતિ પ્રદાન કરનારું બની રહે. ભટકેલું મન શાંત અને સ્થિર બને. પોતાના વિકાસ વિશે વિચાર કરી શકાય. જીવનમાં એક નવી શરૂઆત થાય. જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાય. ભૂતકાળને ભૂલીને આગળ વધી શકાય. આ સમય દરમિયાન અન્યોને આપના વ્યક્તિત્વથી પ્રભાવિત કરી શકો. ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર રહો. ભાગ્યશાળી સમય રહે. શરીરમાં મેદવૃદ્ધિ થવાની શક્યતા રહે. આમ છતાં શારીરિક તંદુરસ્તી માટે સભાન બનો અને ધ્યાન, યોગ કે કસરત શરૂ કરો તેવું પણ બને. આરોગ્યને લઈને સતર્ક રહેવાની જરૂર છે. અપરિણીત જાતકોના લગ્ન થવાની સંભાવના રહે. પરિણીત જાતકોનું લગ્નજીવન સૌહાર્દપૂર્ણ રીતે વ્યતીત થાય. સંતાન જન્મ થવાની શક્યતા રહે. શેર-સટ્ટાથી લાભ રહે. વિદ્યાર્થીઓની અભ્યાસ પ્રત્યેની રુચિમાં વધારો થાય તેમજ અભ્યાસમાં પ્રગતિ થઈ શકે છે. ધાર્મિક સ્થળોની યાત્રા થાય. પિતા માટે આ સમય લાભપ્રદ રહે.  

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિને ગુરુએ દ્વાદશભાવમાં પ્રવેશ કર્યો છે. નાણાકીય વ્યય થવાની સંભાવના રહે. પરંતુ આ વ્યય શુભ કાર્યો પાછળ અથવા દાન-ધર્માદામાં થાય તેવી વધુ સંભાવના છે. નવા જમીન-મકાન-વાહનની ખરીદી પાછળ ખર્ચ થવાની સંભાવના રહે. પ્રમાદ અને નકારાત્મક વિચારોમાં વૃદ્ધિ થઈ શકે છે. માનસિક રીતે અશાંતિનો અનુભવ થઈ શકે છે. આત્મવિશ્વાસની ઉણપ રહે. કુટુંબના સભ્યો વચ્ચે મતભેદ થઈ શકે છે. અન્યોની સેવા કરવાથી ખુશીની પ્રાપ્તિ થાય. ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકે છે. અર્ધજાગૃત મન સાથે સંવાદ સાધવો શક્ય બને. ધ્યાન આત્માને નવજીવન પ્રદાન કરે. એકાંતમા ધ્યાન અને ચિંતન કરવાથી સુખની અનુભૂતિ થાય. અહમનો નાશ થાય અને આંતરિક શક્તિમાં વધારો થાય. વ્યાપાર કે નોકરી ક્ષેત્રે મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. પરદેશની મુસાફરી થઈ શકે છે. પરદેશમાં વસવાટ કરનારાઓ વતનની મુલાકાત લઈ શકે છે. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતાં વિદ્યાર્થી મિત્રો માટે આ ઉત્તમ અવસર છે.

ધનુ: ધનુ રાશિને ગુરુએ એકાદશભાવમાં પ્રવેશ કર્યો છે. ગુરુનું આ ગોચર ભ્રમણ નિશ્ચિતરૂપે ધન લાભ કરાવનારું બની રહે. ધન ઉપાર્જનના નવાં-નવાં રસ્તાઓ મળી રહે. અપરિણીત જાતકો લગ્નના બંધને બંધાઈ શકે છે. પરિણીત જાતકોએ લગ્નેત્તર સંબંધો બાંધવાથી દૂર રહેવું જોઈએ. સંતાન પ્રાપ્તિ માટે આ સમય યોગ્ય રહે. સંતાનો માટે આ સમય પ્રગતિજનક રહે. નવયુવાનોના જીવનમાં પ્રેમમાં પડવાની ઘટના ઘટી શકે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધ મધુર બને. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય. સામાજીક માન-સન્માનમાં વૃદ્ધિ થાય. સામાજિક રીતે વધુ સક્રિય બનો તેવું બને. જુદી જુદી સંસ્થાઓ કે ક્લબ વગેરેમાં જોડાઈ શકો. જૂથમાં સાથે રહીને પ્રવૃતિઓ કરો. મિત્રો સાથેના સંબંધ મધુર બને. મિત્રો થકી નાણાકીય લાભ પણ થઈ શકે છે. મીડિયા અને કોમ્યુનિકેશન સાથે જોડાયેલાં લોકો માટે આ સમય અનુકૂળ રહે. લાંબા સમયથી રહેલી ઈચ્છાઓની પૂર્તિ થાય.

મકર: મકર રાશિને ગુરુએ દસમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. વ્યવસાય અને નોકરી સંબંધે યાત્રાઓ થવાની સંભાવના રહે. વ્યવસાયની વૃદ્ધિ માટે નાણાકીય રોકાણ કે ખર્ચા થવાની સંભાવના રહે. નોકરીમાં પરિવર્તન કે બદલી થઈ શકે છે. નવી નોકરી મળવા માટે કે નોકરી બદલવા માટે આ સમય અનુકૂળ રહે. ઉપરી અધિકારીઓ સાથેના સંબંધ મધુર રહે. કામની જવાબદારીઓ અને કામકાજના સમયમાં વધારો થઈ શકે છે. નવા જમીન, મકાન કે વાહનની ખરીદી થઈ શકે છે. મકાન ખરીદવા માટે લોન લેવી પડે તેવું બની શકે. જૂના ઘરનું નવીનીકરણ થઈ શકે. ગૃહ ક્ષેત્રે સુખ, શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ બની રહે. માતા માટે આ સમય લાભપ્રદ રહે. પિતાથી લાભ થાય. માતા કે પિતાના પદ કે સત્તામાં પણ વધારો થઈ શકે છે. કૌટુંબિક સંવાદિતા રહે. કુટુંબથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સાનુકૂળતા રહે. સંતાનોના આરોગ્યની કાળજી લેવી જરૂરી બને.

કુંભ: કુંભ રાશિને ગુરુએ નવમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. ગુરુનું આ ગોચર ભ્રમણ ભાગ્યોદય થવામાં સહાયક નીવડે. સફળતાની પ્રાપ્તિ થાય. નિશ્ચિત ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે છે. વ્યવસાયને નવી ઉંચાઈ પર લઈ જઈ શકો છો. આ માટે યોગ્ય તકોની પ્રાપ્તિ થાય. સામાજીક પ્રતિષ્ઠા અને પારિવારિક માન-સન્માનમાં વૃદ્ધિ થાય. ટૂંકી અને લાંબી યાત્રાઓના અવસરની પ્રાપ્તિ થાય અને યાત્રા દ્વારા લાભ થઈ શકે છે. પિતાના આરોગ્યની કાળજી લેવી જરૂરી બને. પિતા દ્વારા ધન લાભ થવાની શક્યતા રહે. પરિણીત જાતકોને સંતાન સુખની પ્રાપ્તિ થાય. વડિલોને પૌત્ર-પૌત્રીના જન્મની વધામણી મળી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય. ઉચ્ચ અભ્યાસ માટે અનુકૂળતા રહે. ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો પ્રત્યેની રુચિમાં વધારો થાય. શિક્ષક, ગુરુ અને સંતના આશીર્વાદની પ્રાપ્તિ થાય. નાના ભાઈ-બહેનો માટે પ્રગતિજનક સમય રહે તથા તેમનો સાથ-સહકાર મેળવી શકાય. પ્રણયસંબંધમાં સફળતા મળે.

મીન: મીન રાશિને ગુરુએ અષ્ટમભાવમાં પ્રવેશ કર્યો છે. કાર્યોમાં અવરોધનો અનુભવ થઈ શકે છે. સંયમ જાળવીને સકારાત્મકતામાં વધારો કરવો જરૂરી બને. ગુપ્ત અથવા વારસાકીય ધનલાભ થઈ શકે છે. વીમા અને વ્યાજની રકમ સહાયરૂપ બની શકે. આવકના સ્ત્રોતોની કાળજી રાખવાથી નાણાકીય બચત કરી શકાય. વ્યાવસાયિક ભાગીદારીથી કે જીવનસાથીની આવક વધવાથી ધન લાભ થઈ શકે છે. સંશોધન કાર્ય સાથે સંકળાયેલાને સફળતાની પ્રાપ્તિ થાય. નવા ધંધાકીય સાહસો કરવાથી દૂર રહેવું. જીવનની ગુપ્ત અને રહસ્યમય બાબતો જાણવાની રુચિમાં વધારો થાય. ગૂઢ વિદ્યાઓ અને આધ્યાત્મિકતા પ્રત્યેના રસના વધારો થાય. જીવન અથવા વ્યક્તિત્વમાં સર્વાંગી પરિવર્તન લાવતી ઘટનાઓ ઘટી શકે છે. મનને સમજવાની ચાવી મળી આવે. ગૃહસ્થ જીવન ક્ષેત્રે સુખ અને શાંતિનુ વાતાવરણ રહે. કુટુંબને સાથે જોડીને રાખી શકાય. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકાય. આરોગ્ય બાબતે સાવધ રહેવું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા