બુધનું બાર ભાવમાં ફળ (સારાવલી)

પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત જ્યોતિષ ગ્રંથ સારાવલીના અધ્યાય 30ના શ્લોક 38 થી 49 બુધનું બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે.

પ્રથમ ભાવ: જો પ્રથમભાવ/લગ્નસ્થાનમાં બુધ સ્થિત હોય તો જાતક અક્ષત દેહ તેમજ બુદ્ધિ ધરાવનાર, દેશ, કળા, જ્ઞાન, કાવ્ય અને ગણિતનો જ્ઞાતા, કુશળ અને અત્યંત મધુર વચન બોલનાર તેમજ દિર્ઘાયુષી હોય છે.  

દ્વિતીય ભાવ: જો કુંડળીમાં દ્વિતીયસ્થાનમાં બુધ હોય તો જાતક પોતાના બુદ્ધિબળે ધન ઉપાર્જન કરનાર, અન્ન અને પાનનો (પેય) ભોક્તા, સુંદર વાણી ધરાવનાર, સદાચારી હોય છે.

તૃતીય ભાવ: જ્યારે તૃતીયસ્થાનમાં બુધ રહેલો હોય ત્યારે જાતક કઠોર પરિશ્રમી, પીડિત તેમજ દીન, કાર્યકુશળ, પ્રિયજનો રહિત, ભાઈઓથી યુક્ત, અત્યંત માયાવી અને ચપળ હોય છે.

ચતુર્થ ભાવ: જો ચતુર્થસ્થાનમાં બુધ રહેલો હોય તો જાતક અત્યંત વિદ્વાન, સૌભાગ્યવાન, ધનવાન, વાહનથી યુક્ત, સુંદર વસ્ત્ર ધારણ કરનાર તેમજ શ્રેષ્ઠ ભાઈઓ અને પરિજનોથી યુક્ત હોય છે.

પંચમ ભાવ: જ્યારે પંચમભાવમાં બુધ સ્થિત હોય ત્યારે જાતક મંત્રવેત્તા, અભિચાર કર્મમાં (મારણ ક્રિયા) ચતુર, અનેક પુત્રો ધરાવનાર, વિદ્યા, સુખ તેમજ પ્રભાવથી યુક્ત, પરાક્રમી અને સદા પ્રસન્ન રહેનાર હોય છે.

ષષ્ઠમ ભાવ: જો છઠ્ઠા ભાવમાં બુધ રહેલો હોય તો જાતક વાદવિવાદ અને કલહમાં હંમેશા વિજય પ્રાપ્ત કરનાર, રોગી, પ્રમાદી, ક્રોધરહિત, નિષ્ઠુર વચન બોલનાર અને સતત અપમાનિત હોય છે.

સપ્તમ ભાવ: જ્યારે સપ્તમસ્થાનમાં બુધ સ્થિત હોય ત્યારે જાતક વિદુષી, સુંદર વેશભૂષા ધારણ કરનારી, સાધારણ કુળની તેમજ કલહમાં લીન, અત્યંત ધનવાન સ્ત્રીને પ્રાપ્ત કરનાર તથા મહાન હોય છે.

અષ્ટમ ભાવ: જો અષ્ટમસ્થાનમાં બુધ રહેલો હોય તો જાતક સુપ્રસિદ્ધ નામધારી, બળવાન, દીર્ઘાયુષી, પરિવારનું પોષણ કરનાર, રાજાના સમાન અથવા ન્યાયધીશ હોય છે.

નવમ ભાવ: જ્યારે બુધ નવમભાવ સ્થિત હોય ત્યારે જાતક અત્યંત ધનવાન તેમજ વિદ્યાથી સંપન્ન હોય છે. સદાચારી, વાણી પર પ્રભુત્વ ધરાવનાર, અત્યંત ચતુર તેમજ ધર્માત્મા હોય છે.

દસમ ભાવ: જ્યારે બુધ દસમભાવમાં રહેલો હોય ત્યારે જાતક શ્રેષ્ઠ બુદ્ધિથી કાર્યોની ઈચ્છા કરનાર, કાર્ય સિદ્ધ કરનાર, શ્રેષ્ઠ, ધૈર્યવાન, બળ, સત્ય તેમજ યુદ્ધથી યુક્ત અને અનેક આભૂષણોના સુખનો ભોગી હોય છે.

એકાદશ ભાવ: જો બુધ એકાદશભાવમાં સ્થિત હોય તો જાતક ધનવાન, આજ્ઞાકારી કાર્યકર્તા, વિદ્વાન, સુખી, અધિક ભોગી, દીર્ઘાયુષી તેમજ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર હોય છે.

દ્વાદશ ભાવ: જો દ્વાદશભાવમાં બુધ સ્થિત હોય તો જાતક વિદ્વાન, સુંદર ગ્રહણ કરનાર વાણી ધરાવનાર, પ્રમાદી, પીડિત, સદા અપમાનિત, દીન, અને નિંદિત કાર્યો કરનાર નૃશંસ હોય છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા