જોશીનું ટીપણું – 3


ક્યારેક કોઈને મંદિરે જવાનું કહીએને તો સામો પ્રશ્ન આવે કે કેમ? ઈશ્વર તો સર્વત્ર વ્યાપ્ત છે. હું તો ઘરે રહીને પણ ઈશ્વરને પૂજા અને પ્રાર્થના કરી શકું. મંદિરે જવાની શી જરૂર?

ખરી વાત. ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે. પરંતુ દરેક સ્થળ પોતાની વિશિષ્ટ ઉર્જા અને આંદોલનો ધરાવે છે. ઘણીવાર તમે અનુભવ્યું હશે કે કોઈ મંદિરમાં પ્રવેશ કરતાં જ મન શાંત થઈ ગયુ હોય. મંદિરમાં દરરોજ થતી પૂજા-આરાધના, ધૂપ-દીપ, આરતી, મંત્રોચ્ચાર, ઘંટારવ વગેરે મંદિરની ઉર્જાને સકારાત્મક બનાવે છે. વળી મંદિરે આવતાં લોકો પણ ઘણુંખરું ઈશ્વર સ્મરણમાં મગ્ન રહેતાં હોવાથી તેમના વિચારોની ઉર્જા મંદિરની હવામાં ભળીને સકારાત્મક આંદોલનો પેદા કરે છે.

આથી વિરુદ્ધ ક્યારેક કોઈની ઘરે જતાં જ મન ઉદ્વેગ અનુભવવા લાગે. કારણકે તે ઘરના સદસ્યો વચ્ચે વારંવાર થતાં લડાઈ-ઝઘડાં, દલીલો, નકારાત્મક વિચારો હવામાં એક દુર્ગંધની માફક તરતાં હોય છે. આપણી છઠ્ઠી ઈન્દ્રીય તરત જ એ નકારાત્મક ઉર્જા અને આંદોલનોને પકડી લે છે અને ત્યાંથી ભાગી છૂટવાનું મન કરે છે.

દરેક સ્થળની વિશિષ્ટ ઉર્જા અને આંદોલનની નોંધ લો. જે સ્થળ મનને શાંતિ અને આનંદ આપે તેની ઉર્જાનો લાભ લો અને જે સ્થળે મન અકળામણ અનુભવે ત્યાંથી તુરંત બહાર નીકળી જાઓ. તમારા ઘરની ઉર્જાને સકારાત્મક બનાવી રાખવાં ઘરમાં તાજી હવા અને કુમળા તડકાને પ્રવેશવા દો. મંત્રોચ્ચાર કરો કે મધુર સંગીતના સૂર રેલાવો. ઘરમાંથી નકામો સંગ્રહી રાખેલો સામાન દૂર કરો. ધૂપ-દીપ, અગરબત્તીની સુગંધ વાતાવરણના આંદોલનોને સકારાત્મક બનાવે છે. ફૂલ-છોડ વાવો. ધ્યાન ધરો. હસો અને હસાવો. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા