શુક્રના મિથુન રાશિમાં ગોચર ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

દૈત્યોના ગુરુ એવાં શુક્રાચાર્યે આજે તા.26.7.2017ના રોજ 17.09 કલાકે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં શુક્ર તા.21.8.2017 સુધી ગોચર ભ્રમણ કરશે. શુક્રના આ મિથુન રાશિમાં થનાર ગોચર ભ્રમણનું બારેય રાશિઓ/જન્મલગ્નને કેવું ફળ મળશે તે જોઈએ. નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે.

મેષ: ભાઈ-બહેનો મદદરૂપ બને અને તેમનાં દ્વારા ધનલાભ થવાની સંભાવના રહે. કોઈ સુંદર સ્થળની ટૂંકી યાત્રા થઈ શકે છે. લખાણો અને સંદેશાઓ દ્વારા કલાત્મક રીતે અભિવ્યક્તિ થઈ શકે. લોકો સાથે આનંદપૂર્વક હળવા-મળવાનું થાય.

વૃષભ: સારું ભોજન અને સારા વસ્ત્રોની પ્રાપ્તિ થાય. ધનલાભ થવાની શક્યતા રહે. કોઈ સુંદર વસ્તુ ખરીદવા ધન ખર્ચો તેવું પણ બને. સૌમ્ય અને મૃદુ વાણીથી અન્યોને પ્રભાવિત કરી શકો. કૌટુંબિક બાબતો માટે સમય શુભ રહે. જીવનસાથીનું આરોગ્ય ચિંતા કરાવી શકે.

મિથુન: જીવનસાથી સાથે મધુર પળો વીતાવી શકાય. અપરિણીત જાતકોની લગ્ન અંગેની વાતચીત આગળ વધતી જણાય. વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષણ અનુભવાય. શારીરિક દેખાવ અને સુંદરતા પ્રત્યે સભાન બનો. કળાઓ પ્રત્યેની રુચિમાં વધારો થઈ શકે છે.

કર્ક: વૈભવ અને સુખ-સગવડના સાધનો ખરીદવા માટે નાણાકીય ખર્ચ થાય. મિત્રો સાથે મોજમજા કરવા પાછળ પણ નાણાકીય ખર્ચ થઈ શકે છે. કુંટુંબ સાથે વિદેશયાત્રાનો આનંદ માણી શકાય. વિદેશ સાથેના વ્યાપારથી ધનલાભ થઈ શકે છે. આરામપ્રદ નિદ્રાનુ સુખ માણી શકાય. 

સિંહ: નોકરી-વ્યવસાયમાં કરેલ મહેનતને લીધે આર્થિક ફાયદો થતો અનુભવી શકાય. નવી મિત્રતા થઈ શકે. પ્રણય સંબંધ પાંગરે. સામાજીક પ્રવૃતિઓમાં અને લોકોને હળવા‌-મળવામાં સમય વીતાવી શકાય. કોઈ શોખ, આવડત કે પ્રતિભાને વિકસાવી શકાય અને તેના થકી ધનપ્રાપ્તિ કરી શકાય.

કન્યા: કવિઓ તેમજ કલાના વ્યવસાયો સાથે સંકળાયેલાં જાતકો માટે આ શુભ સમય છે. ઓફિસમાં સંવાદિતાભર્યુ વાતાવરણ રહે. કારકિર્દીમાં પ્રગતિ થઈ શકે છે. જીવનસાથી કારકિર્દી વિકાસમાં મદદરૂપ બને. ગૃહસ્થજીવન ક્ષેત્રે સુખ અને સંવાદિતામાં વધારો થાય.

તુલા: ભાગ્ય ચળકી ઉઠે. આર્થિક તથા સામાજીક લાભ પ્રાપ્ત થવાની સંભાવના રહે. પિતાના સહકારની પ્રાપ્તિ થાય. વિદેશયાત્રા અથવા કોઈ સુંદર સ્થળની લાંબી યાત્રા થવાના સંજોગો નિર્માણ થઈ શકે છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં સફળતાની પ્રાપ્તિ થાય.

વૃશ્ચિક: જીવનસાથીનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. તમારા પોતાના આરોગ્યની કાળજી લેવી પણ જરૂરી બને. લગ્નજીવનમાં નાની તકરારો થવાની સંભાવના રહે. આર્થિક નુક્સાન જવાની શક્યતા રહેલી છે. વ્યવસાયથી લાભ ન થાય. કુટુંબમાં મતભેદ થવાની સંભાવના છે.

ધનુ: લગ્નજીવનના સુખનો આનંદ માણી શકાય. જીવનસાથી પાછળ નાણાકીય ખર્ચ થઈ શકે છે. અપરિણીતો માટે લગ્ન થવાના સંજોગો નિર્માણ થાય. વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષણ અનુભવી શકાય. વ્યક્તિત્વમાં નિખાર આવે. તમારી આસપાસના લોકો તમારાથી પ્રભાવિત થતાં જણાય.

મકર: સહકર્મચારીઓ સાથેના સંબંધ સંવાદિતાભર્યા બને. કામની સાથે મનોરંજનનું મિશ્રણ થાય. કામના ક્ષેત્રે પ્રશંસાની પ્રાપ્તિ થાય. થોડો પ્રમાદ અનુભવી શકો છો. બાળકોનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. પ્રણય સંબંધ બાબતે ઉદાસીનતાનો અનુભવ થાય.

કુંભ: મિત્રોથી મદદની પ્રાપ્તિ થઈ શકે છે. દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય. પ્રણય કે સગાઈને લગતાં પ્રસંગ ઘટી શકે. સંતાનો પ્રત્યે વધુ પ્રેમાળ બનો. કળાઓ પ્રત્યેની રુચિમાં વધારો થઈ શકે છે. સંગીત, નૃત્ય, અભિનય જેવી કળાઓના વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ છે.

મીન: ઘરમાં સુખ-સગવડના સાધનોમાં વધારો થાય. ઘરની સુંદરતામાં વધારો થાય. ઘરમાં સુખ અને સંવાદિતાભર્યુ વાતાવરણ પ્રવર્તે. નવા વાહનની ખરીદી થઈ શકે છે. માતાના આરોગ્યની કાળજી લેવી જરૂરી બને. ભાઈ-બહેનો તરફથી સહકાર મળવાથી આનંદની લાગણી અનુભવી શકાય. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર