ચંદ્રનું બાર ભાવમાં ફળ (સારાવલી)

પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત સારાવલી ગ્રંથના અધ્યાય 30ના શ્લોક 14 થી 25 ચંદ્રનું  બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે.

પ્રથમ ભાવ: જ્યારે ચંદ્ર પ્રથમભાવ/લગ્નસ્થાનમાં કર્ક, વૃષભ અથવા મેષ રાશિમાં રહેલો હોય ત્યારે જાતક ઉદાર, સુંદર, ધનવાન તેમજ બધાં જ મોજશોખને માણનારો હોય છે. જો આ ત્રણ રાશિઓ સિવાયનું લગ્ન હોય અને ચંદ્ર લગ્નસ્થાનમાં સ્થિત હોય તો જાતક ઉન્મત, મૂક, બધિર, નીચ, દુ:ખી, મંદબુદ્ધિ અને ધનથી ક્ષીણ થનારો હોય છે.

દ્વિતીય ભાવ: જ્યારે ચંદ્ર દ્વિતીયભાવમાં રહેલો હોય ત્યારે જાતક અતુલનીય સુખને પામે છે. તે મિત્રો અને સંપતિથી યુક્ત હોય છે. જો દ્વિતીયભાવમાં પૂર્ણ ચંદ્ર રહેલો હોય તો જાતક અત્યંત ધનવાન હોય છે તેમજ ઓછું બોલનાર હોય છે.

તૃતીય ભાવ: જો ચંદ્ર તૃતીયભાવમાં રહેલો હોય તો જાતક પોતાના ભાઈ-બહેનોનું રક્ષણ કરે છે. હંમેશા ખુશ રહેનારો, શૂરવીર, વિદ્યા ગ્રહણ કરનારો, વસ્ત્ર અને અન્નથી સંપન્ન હોય છે.

ચતુર્થ ભાવ: જો ચંદ્ર ચતુર્થભાવ સ્થિત હોય તો જાતક સંબંધીઓ, સાધન સરંજામ અને વાહનથી યુક્ત હોય છે. તે દાનવીર, જળમાર્ગે યાત્રાનો શોખીન તેમજ નહિ સુખી કે નહિ દુ:ખી એટલે કે સંતુલિત સુખ-દુ:ખ ભોગવનાર હોય છે.

પંચમ ભાવ: જ્યારે ચંદ્ર પંચમભાવ સ્થિત હોય ત્યારે જાતક ડરપોક હોય છે. તે વિદ્યા, વસ્ત્ર અને અન્નને પ્રાપ્ત કરનાર, ઘણાં પુત્રો અને મિત્રોથી યુક્ત, મેધાવી હોય છે.

ષષ્ઠમ ભાવ: જો ચંદ્ર છઠ્ઠા ભાવમાં રહેલો હોય તો જાતક પેટના રોગોથી પીડિત હોય છે. જો ક્ષીણ ચંદ્ર છઠ્ઠે રહેલો હોય તો જાતક અલ્પાયુષી હોય છે.

સપ્તમ ભાવ: જ્યારે ચંદ્ર સપ્તમભાવ સ્થિત હોય ત્યારે જાતક સૌમ્ય, સુખી, સુંદર શરીર ધરાવનાર, કામાસક્ત હોય છે. જો ચંદ્ર નિર્બળ થઈને સપ્તમસ્થાનમાં રહેલો હોય તો જાતક દીન અને રોગી હોય છે.

અષ્ટમ ભાવ: જ્યારે ચંદ્ર અષ્ટમભાવ સ્થિત હોય ત્યારે જાતક બુદ્ધિમાન, તેજસ્વી અને વ્યાધિઓથી પીડિત હોય છે. જો ચંદ્ર નિર્બળ હોય તો અલ્પાયુષી હોય છે.

નવમ ભાવ: જ્યારે ચંદ્ર નવમભાવ સ્થિત હોય ત્યારે જાતક દેવ અને પિતૃ કાર્યોને સમર્પિત હોય છે. સુખ, ધન, બુદ્ધિ અને પુત્રોથી સંપન્ન હોય છે. યૌવનાઓને આકર્ષનાર હોય છે.

દસમ ભાવ: જો ચંદ્ર દસમભાવ સ્થિત હોય તો જાતક વિષાદરહિત હોય છે. કર્મપરાયણ, પોતે આરંભેલાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરનાર, ધનવાન, પવિત્ર, અત્યંત બળવાન, શૂરવીર અને દાનવીર હોય છે.

એકાદશ ભાવ: જ્યારે ચંદ્ર લાભસ્થાનમાં રહેલો હોય ત્યારે જાતક અત્યંત ધનવાન, ઘણાં પુત્રો ધરાવનાર તેમજ દિર્ઘાયુષી હોય છે. પરિચારકોથી યુક્ત, બુદ્ધિશાળી, તેજસ્વી, ઉગ્ર અને શૂરવીર હોય છે.

દ્વાદશ ભાવ: જો ચંદ્ર વ્યયસ્થાન સ્થિત હોય તો જાતક દ્વેષી, પતિત, અપ્રામાણિક અને આંખના રોગથી પીડિત હોય છે. તે પ્રમાદી, વિકળ, બેડોળ અને હંમેશા અપમાનિત થનારો હોય છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર