રાહુના કન્યા અને કેતુના મીન રાશિ ભ્રમણનો પ્રભાવ

રાહુ અને કેતુ એક રાશિમાં આશરે દોઢ વર્ષ રહે છે. રાહુથી કેતુ હંમેશા 180 અંશ પર રહે છે. આ બંને ગ્રહોની ગતિ વક્રી રહે છે અને રાશિચક્રની ઉલ્ટી પરિક્રમા કરે છે. લગ્નસ્થાન, વ્યયસ્થાન, લાભસ્થાન, દસમસ્થાન, નવમસ્થાન - આ ક્રમથી ભ્રમણ કરે છે. જુલાઈ 12, 2014ના રોજ રાહુએ કન્યા રાશિમાં અને કેતુએ મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. જાન્યુઆરી 29, 2016 સુધી કન્યા અને મીન રાશિમાં રાહુ અને કેતુ ગોચર ભ્રમણ કરશે. આ સમયગાળા દરમિયાન બાર રાશિઓ/જન્મલગ્નોને કેવું ફળ મળશે તે જોઈએ.

નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-અંતર્દશા, અષ્ટકવર્ગના બિંદુઓ વગેરે બાબતો પર રહેલો છે.

મેષ: રાહુએ ષષ્ઠમસ્થાનમાં અને કેતુએ વ્યયસ્થાનમાં પ્રવેશ કર્યો છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં યશ અને સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થાય. વ્યાપારમાં વૃદ્ધિ થાય. ચિંતાઓ દૂર થઈ શકે છે. ઋણ ચૂકવી શકાય. લગ્નજીવનની સમસ્યાઓમાં શાંતિનો અનુભવ થાય. રમત-ગમતમાં સફળતા મેળવી શકાય. જૂના મિત્રો લાભદાયી નીવડે. પરદેશથી લાભ થાય. આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે છે.

વૃષભ: રાહુએ પંચમ ભાવમાં અને કેતુએ એકાદશ ભાવમાં પ્રવેશ કર્યો છે. પરિણીત યુગલો સંતાન જન્મનો આનંદ માણી શકે. જો કે આમ છતા સંતાન ચિંતા થઈ શકે છે. કાર્યક્ષેત્રે યશ અને કિર્તીની પ્રાપ્તિ થાય. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે. ખોટાં નિર્ણયો લેવાની સંભાવના રહે. અપરિણીતોના લગ્ન થઈ શકે છે. આજીવિકાનો આરંભ થઈ શકે છે. મિત્રોનો વિરોધ સહન કરવો પડી શકે છે.

મિથુન: રાહુએ ચતુર્થસ્થાનમાં અને કેતુએ દસમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. ગૃહ ક્ષેત્રે ક્લેશ અને વિવાદ થઈ શકે છે. આપતિ અને અસ્થિરતાનો સામનો કરવો પડી શકે છે. શારીરિક કષ્ટનો અનુભવ થાય. માતાના આરોગ્યની કાળજી લેવી પણ જરૂરી બને. નોકરી-વ્યવસાયમાં વિઘ્નનો અનુભવ થઈ શકે છે. સ્થાવર સંપતિને હાનિ પહોંચી શકે છે. ઘર કે નોકરી-વ્યવસાયના સ્થળનું પરિવર્તન થવાની સંભાવના રહે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી.

કર્ક: રાહુએ તૃતીયસ્થાનમાં અને કેતુએ નવમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. પરાક્રમમાં વૃધ્ધિ થાય. વિઘ્નો દૂર થઈને કાર્યો પૂર્ણ થવાની શરૂઆત થાય. માનસિક શાંતિનો અનુભવ થાય. ઈચ્છાઓ અને મહાત્વાકાંક્ષાની પૂર્તિ શક્ય બને. સમાજ અને વ્યવસાયમાં માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય. ભાઈ‌-બહેનોને શારીરિક અથવા આર્થિક કષ્ટનો અનુભવ થઈ શકે છે. ભાઈ-બહેનો સાથે વિવાદ કરવાથી દૂર રહેવું. પિતાના આરોગ્યની કાળજી લેવી.

સિંહ: રાહુએ દ્વિતીયસ્થાનમાં અને કેતુએ અષ્ટમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. શુભ રાહુ અચાનક ધનલાભ કરાવી શકે છે. સ્થાવર સંપતિ ગીરવે રાખી હોય તો મુક્ત કરાવી શકાય. વ્યવસાયમાં લાભ થાય. વાણી પર સંયમ રાખવો. કટુ વચનને લીધે કૌટુંબિક વિવાદ ન ઉદ્ભવે તેની કાળજી રાખવી. કુટુંબના સભ્યોના વિરોધનો સામનો કરવો પડી શકે છે. આંખોની સંભાળ લેવી. આહાર લેવાની અયોગ્ય આદતોનો ત્યાગ કરવો. ગૂઢ વિદ્યા શીખવાની રૂચિમાં વધારો થઈ શકે છે.

કન્યા: રાહુએ પ્રથમસ્થાનમાં અને કેતુએ સપ્તમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. માનસિક અશાંતિનો અનુભવ થઈ શકે છે. સ્મરણશક્તિ નબળી પડી શકે છે. મસ્તિષ્ક ભ્રમિત બને. લોકો ભૂલ બતાવે તો પણ સ્વીકારી ન શકાય તેવું બને. નાની મૂશ્કેલીઓથી પણ ભયનો અનુભવ થઈ શકે છે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે સમજી-વિચારીને નિર્ણયો લેવાં. દાંમ્પત્યજીવનમાં તણાવ પેદા ન થાય તેની કાળજી રાખવી. મલિન ઈરાદાઓ ધરાવતા તથા શંકાસ્પદ પ્રવૃતિઓ ધરાવતા લોકોથી દૂર રહેવું.

તુલા: રાહુએ વ્યયસ્થાનમાં અને કેતુએ ષષ્ઠમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. યાત્રાઓ અને પ્રવાસો થવાની સંભાવના રહે. વિદેશ ભ્રમણ થવાની શક્યતા રહે. વિદેશથી લાભ થાય. વધુ પડતાં ખર્ચાઓ થઈ શકે છે. અન્યો પાસેથી ઉધાર લીધેલાં નાણા ચૂકવી શકાય. અન્યોને ઉધાર આપેલાં નાણાં આ સમયગાળામાં પરત ન મળવાની શક્યતા રહે. ઉધાર નાણા લેવાથી અપમાનનો અનુભવ થઈ શકે છે. આરોગ્યની કાળજી રાખવી. ચોરી ન થાય તે માટે સાવધ રહેવું.

વૃશ્ચિક: રાહુએ એકાદશભાવમાં અને કેતુએ પંચમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે લાભ થઈ શકે છે. નાણાકીય લાભ થાય. અનપેક્ષિત મદદ મળે છે. કાર્યો પૂર્ણ થઈને માન-સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે. સુખ-સમૃદ્ધિ અને વૈભવમાં વધારો થાય. સંતાન માટે આ સમય કષ્ટપ્રદ રહે. ગર્ભવતી સ્ત્રીઓએ પોતાના આરોગ્યની વિશેષ કાળજી રાખવી. વિદ્યાર્થીઓએ અભ્યાસમા વધુ મહેનત કરવી પડે. પ્રેમ સંબંધમાં નિરાશાનો અનુભવ થાય.

ધનુ: રાહુએ દસમસ્થાનમાં અને કેતુએ ચતુર્થસ્થાનમાં પ્રવેશ કર્યો છે. નોકરી-વ્યવસાય અને ઉદ્યોગમાં સફળતાની પ્રાપ્તિ થઈ શકે છે. લાભમાં વૃદ્ધિ થાય. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ઉપરી અધિકારીઓનો સહકાર મળી રહે. સામાજીક માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. કામકાજ અર્થે વિદેશ યાત્રા પણ થઈ શકે છે. આરોગ્યની કાળજી રાખવી. માતાનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. રહેઠાણના સ્થળમાં ફેરફાર થઈ શકે છે. ગૃહ ક્ષેત્રે અશાંતિનો અનુભવ થઈ શકે છે.

મકર: રાહુએ નવમસ્થાનમાં અને કેતુએ તૃતીયસ્થાનમાં પ્રવેશ કર્યો છે. લાંબી યાત્રાઓ થવાની સંભાવના રહે. વિદેશ યાત્રા પણ શક્ય બને. ભાઈ‌-બહેનોના વિવાહ થઈ શકે છે. આમ છતાં ભાઈ-બહેનોને કષ્ટનો અનુભવ પણ થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કિર્તીની પ્રાપ્તિ થાય. પ્રારંભિક અવરોધ બાદ ભાગ્યની વૃદ્ધિ થાય. પિતાના આરોગ્યની કાળજી લેવી જરૂરી બને. ધર્મ વિમુખ અથવા નાસ્તિક બની જવાની સંભાવના રહે અથવા અન્ય ધર્મો પ્રત્યે આકર્ષણનો અનુભવ થાય.

કુંભ: રાહુએ અષ્ટમસ્થાનમાં અને કેતુએ દ્વિતીયસ્થાનમાં પ્રવેશ કર્યો છે. જન્મકુંડળીમાં યોગ હોય તો આ સમય દરમિયાન આકસ્મિક લાભ થઈ શકે છે. રેસ, સટ્ટા, શેર, લોટરી વગેરેથી લાભ થઈ શકે છે. જીવનસાથી તરફથી ધનલાભ થઈ શકે છે. આરોગ્યની કાળજી લેવી જરૂરી છે. નોકરી-વ્યવસાય માટે સમય પ્રતિકૂળ રહે. ગૂઢ બાબતો પ્રત્યેની રૂચિમાં વધારો થાય. આંખોની સંભાળ લેવી. પરિવારજનોનો વિરહ સહન કરવો પડી શકે છે.

મીન: રાહુએ સપ્તમસ્થાનમાં અને કેતુએ પ્રથમસ્થાનમાં પ્રવેશ કર્યો છે. અપરિણીતોના લગ્ન થઈ શકે છે. વિજાતીય પાત્રને લીધે બદનામી ન થાય તેની કાળજી રાખવી. જીવનસાથી સાથેના સંબંધમાં તણાવનો અનુભવ થઈ શકે છે. વાદ-વિવાદ અને દલીલો કરવાથી દૂર રહેવું. વ્યાવસાયિક ભાગીદારીમાં વિશ્વાસઘાત થઈ શકે છે. અદાલતી કાર્યોથી દૂર રહેવું. નાણાકીય વ્યવહારો સંભાળીને કરવા. નોકરી-વ્યવસાય ક્ષેત્રે નુક્સાનનો અનુભવ થઈ શકે છે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા