ગ્રહોના પારસ્પારિક સંબંધો

જ્યોતિષ શીખવું એટલે કે જાણે નવી ભાષા શીખવી. જ્યોતિષમાં એવાં કેટલાંય શબ્દોનો પ્રયોગ થાય છે જેનો ઉપયોગ આપણે સામાન્ય બોલચાલની ભાષામાં કરતાં નથી. આજે એવાં જ કેટલાંક શબ્દોનો અર્થ સમજીએ જે ગ્રહોના પારસ્પારિક સંબંધને વર્ણવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ગ્રહોનો પારસ્પારિક સંબંધ કુંડળીમા તેમની ભાવગત સ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે.


ઉદાહરણ કુંડળી – સ્વામી વિવેકાનંદ


યુતિ યોગ (1-1): જ્યારે બે ગ્રહો એક જ સ્થાનમાં સ્થિત હોય ત્યારે તેઓ વચ્ચે યુતિ થઈ છે તેમ કહેવાય. ઉદાહરણ કુંડળીમાં શુક્ર અને બુધ એક જ સ્થાનમાં પડ્યા છે. તે જ રીતે શનિ અને ચંદ્ર પણ એક જ સ્થાનમાં સ્થિત છે. આથી શુક્ર-બુધની યુતિ તેમજ શનિ-ચંદ્રની યુતિ થઈ છે તેમ કહેવાય. યુતિ યોગમાં રહેલાં ગ્રહો જાણે કે એકબીજા સાથે ભળી જાય છે. તેમની ઉર્જા સંગઠિત થઈ જાય છે અને બંને સાથે મળીને વર્તે છે. યુતિ યોગનુ ફળ શુભ મળશે કે અશુભ તેનો આધાર યુતિ યોગમાં ક્યાં ગ્રહો સંકળાયેલા છે અને તે ગ્રહો સંબંધિત અન્ય બાબતો પર રહેલો છે.

દ્વિર્દ્વાદશ યોગ (2-12): જ્યારે એક ગ્રહ બીજા ગ્રહથી દ્વિતીય ભાવમાં સ્થિત હોય અને બીજો ગ્રહ પહેલાં ગ્રહથી દ્વાદશ ભાવમાં સ્થિત હોય ત્યારે બંને ગ્રહો દ્વિર્દ્વાદશ યોગમાં પડ્યા છે તેમ કહેવાય. આ સંબંધને સાદી ભાષામાં બિયાંબારૂ તરીકે ઓળખવામાં આવે છે. બિયાં એટલે બીજું અને બારૂ એટલે બારમું. ઉદાહરણ કુંડળીમાં સૂર્યથી શુક્ર-બુધ દ્વિતીયસ્થાનમાં સ્થિત છે અને શુક્ર-બુધથી સૂર્ય દ્વાદશસ્થાનમાં સ્થિત છે. આથી શુક્ર-બુધ અને સૂર્ય પરસ્પર દ્વિર્દ્વાદશ યોગમાં રહેલાં છે તેમ કહેવાય. કાળપુરુષની કુંડળીમાં દ્વિતીયભાવ એ આવક, સંપતિ કે પ્રાપ્તિનો નિર્દેશ કરે છે. જ્યારે દ્વાદશભાવ જાવક, વ્યય અને હાનિનો નિર્દેશ કરે છે. દ્વિર્દ્વાદશ યોગમાં રહેલાં ગ્રહો એકબીજાને મદદરૂપ થવાને બદલે એકબીજાની ઉર્જાનો વ્યય કરે છે અને એક પ્રકારના દરિદ્રયોગનું નિર્માણ થાય છે. આથી દ્વિર્દ્વાદશ યોગને અશુભ ગણવામાં આવે છે.

ત્રિ-એકાદશ યોગ (3-11): જ્યારે એક ગ્રહથી બીજો ગ્રહ તૃતીય સ્થાનમાં સ્થિત હોય અને બીજા ગ્રહથી પહેલો ગ્રહ એકાદશભાવમાં સ્થિત હોય ત્યારે બે ગ્રહો ત્રિ-એકાદશ યોગમાં પડ્યાં છે તેમ કહેવાય. ઉદાહરણ કુંડળીમાં ગુરુથી સૂર્ય તૃતીયસ્થાનમાં સ્થિત છે અને સૂર્યથી ગુરુ એકાદશભાવમાં સ્થિત છે. આથી સૂર્ય અને ગુરુ પરસ્પર ત્રિ-એકાદશ યોગમાં પડ્યા છે તેમ કહેવાય. કાળપુરુષની કુંડળીમા ત્રીજુ અને અગિયારમું સ્થાન ઉપચય સ્થાનો છે. ઉપચય એટલે કે વૃધ્ધિ. ઉપચય સ્થાનો ભાગ્યને સુધારવા અને તેની વૃદ્ધિ કરવાં માટે તત્પર રહે છે. આથી બે ગ્રહો વચ્ચેનો ત્રિ-એકાદશ યોગ શુભ ગણાય છે. કુંડળીમાં તૃતીયભાવ સંદેશાવ્યવહાર, વાતચીત કે માહિતીની આપ-લેનો અને એકાદશભાવ મૈત્રીનો નિર્દેશ કરે છે. આથી ત્રિ-એકાદશ યોગમાં રહેલાં ગ્રહોનો પરસ્પર વ્યવહાર માહિતીના આદાન-પ્રદાન સાથેનો મૈત્રીપૂર્ણ રહે છે. વાતચીત અને મૈત્રી એ કોઈ પણ સંબંધની સફળતા માટે પ્રમુખ બાબતો છે. વળી કાળપુરુષની કુંડળીમાં 3, 7 અને 11 ભાવો દ્વારા કામ ત્રિકોણની રચના થાય છે. 3 અને 11 ભાવ આ કામ ત્રિકોણનો હિસ્સો છે. એક જ ત્રિકોણનો હિસ્સો હોવાથી ત્રિ-એકાદશ યોગમાં રહેલાં ગ્રહો વચ્ચે સંવાદિતા રહે છે અને કામનાઓ અને ઈચ્છાઓની પૂર્તિ શક્ય બને છે. 

જ્યોતિષશાસ્ત્રમાં બારેય રાશિઓને સ્ત્રી અને પુરુષ એમ બે જાતિમાં વહેંચી દેવામાં આવી છે. એકી રાશિઓ પુરુષ જાતિ છે અને બેકી રાશિઓ સ્ત્રી જાતિ છે. સ્ત્રી રાશિ ગ્રહના સૌમ્ય ગુણોને પ્રગટ કરે છે. જ્યારે પુરુષ રાશિ ગ્રહના ક્રૂર ગુણોને પ્રગટ કરે છે. જ્યારે બે ગ્રહો પરસ્પર ત્રિ-એકાદશ યોગમાં હોય ત્યારે તેમની રાશિની જાતિમાં સમાનતા હોય છે. એટલે કે બંને ગ્રહો સ્ત્રી રાશિમાં હોય છે અથવા બંને ગ્રહો પુરુષ રાશિમાં હોય છે. રાશિની જાતિની સમાનતાને લીધે તેમની વચ્ચે મૈત્રી રચાય છે અને સંવાદિતાપૂર્ણ વ્યવહાર રહે છે.

ચતુર્થ-દસમ યોગ (4-10): ચતુર્થ-દસમ કે દસમ-ચતુર્થ તરીકે ઓળખાતો આ યોગ કેન્દ્રયોગ તરીકે પણ ઓળખાય છે. એક ગ્રહથી બીજો ગ્રહ ચતુર્થભાવમાં અને બીજા ગ્રહથી પહેલો ગ્રહ દસમભાવમાં સ્થિત હોય ત્યારે બંને ગ્રહો પરસ્પર ચતુર્થ-દસમ યોગમાં પડ્યા છે તેમ કહેવાય. ઉદાહરણ કુંડળીમાં શનિ-ચંદ્રથી સૂર્ય ચતુર્થસ્થાનમાં સ્થિત છે અને સૂર્યથી શનિ-ચંદ્ર દસમસ્થાનમાં સ્થિત છે. આથી શનિ-ચંદ્ર અને સૂર્ય પરસ્પર ચતુર્થ-દસમ યોગમાં પડ્યા છે તેમ કહેવાય. જ્યોતિષમાં બારેય રાશિઓને ચરાદિ સ્વભાવમાં વહેંચી નાખવામાં આવી છે.

મેષ, કર્ક, તુલા, મકર – ચર રાશિઓ
વૃષભ, સિંહ, વૃશ્ચિક, કુંભ – સ્થિર રાશિઓ
મિથુન, કન્યા, ધનુ, મીન – દ્વિસ્વભાવ રાશિઓ

જ્યારે બે ગ્રહો પરસ્પર ચતુર્થ-દસમ યોગમાં પડ્યાં હોય ત્યારે તેમનો ચરાદિ સ્વભાવ સમાન હોય છે. એટલે કે બંને ગ્રહો કયાં તો ચર રાશિમાં સ્થિત હોય છે અથવા સ્થિર રાશિમાં હોય છે કે પછી દ્વિસ્વભાવ રાશિમાં સ્થિત હોય છે. ચરાદિ સ્વભાવની સમાનતાને લીધે તેમની વચ્ચે સંવાદિતા રહે છે. આથી ચતુર્થ-દસમ યોગને શુભ માનવામાં આવે છે.

ષડાષ્ટક યોગ (6-8): સંસ્કૃતમાં ષટ એટલે છઠ્ઠું અને અ‍ષ્ટ એટલે આઠમું. જ્યારે બે ગ્રહો એકબીજાથી છ અને આઠમા ભાવમાં સ્થિત હોય ત્યારે તે બે ગ્રહો ષડાષ્ટક યોગમાં પડ્યાં તેમ કહેવાય. ઉદાહરણ કુંડળીમાં મંગળથી શનિ-ચંદ્ર ષષ્ઠમસ્થાનમાં સ્થિત છે. જ્યારે શનિ-ચંદ્રથી મંગળ અષ્ટમસ્થાનમાં સ્થિત છે. આથી શનિ-ચંદ્ર અને મંગળ પરસ્પર ષડાષ્ટક યોગમાં પડ્યાં છે તેમ કહેવાય. ષડાષ્ટક યોગમાં રહેલાં બે ગ્રહોનો પરસ્પર વ્યવહાર શત્રુતાપૂર્ણ રહે છે. કાળપુરુષની કુંડળીમાં ષષ્ઠમ અને અષ્ટમ બંને અશુભ સ્થાનો છે. ષષ્ઠમભાવ શત્રુ અને રોગનો નિર્દેશ કરે છે. જ્યારે અષ્ટમભાવ મૃત્યુ, મૃત્યુ તુલ્ય પીડા, અવરોધ, સંઘર્ષ અને વિલંબનો નિર્દેશ કરે છે. ષડાષ્ટકમાં રહેલી રાશિઓ એકબીજા સાથે જાતિ, ચરાદિ સ્વભાવ કે તત્વમા કોઈ સમાનતા ધરાવતી નથી. આથી બે ગ્રહોનું પરસ્પર ષડાષ્ટક યોગમાં હોવું એ વિસંવાદી અને અશુભ પરિસ્થિતિ છે.

સમસપ્તક યોગ (7-7): જ્યારે એક ગ્રહથી બીજો ગ્રહ સપ્તમભાવમાં સ્થિત હોય અને બીજા ગ્રહથી પહેલો ગ્રહ ફરી સપ્તમભાવમાં હોય ત્યારે બે ગ્રહો સમસપ્તક યોગમાં પડ્યાં છે તેમ કહેવાય. આ યોગ પ્રતિયુતિ તરીકે પણ ઓળખાય છે. ઉદાહરણ કુંડળીમાં ગુરુથી મંગળ સપ્તમભાવ સ્થિત છે અને મંગળથી ગુરુ સપ્તમભાવ સ્થિત છે. આમ મંગળ અને ગુરુ વચ્ચે સમસપ્તક યોગ રચાયો છે. કાળપુરુષની કુંડળીમાં લગ્નસ્થાન સ્વનો નિર્દેશ કરે છે અને સપ્તમસ્થાન એ સ્વને પરિપૂર્ણ કરનાર વિજાતીય વ્યક્તિનો નિર્દેશ કરે છે. સ્ત્રી વગર પુરુષ અધૂરો છે અને પુરુષ વગર સ્ત્રી અધૂરી છે. આ બંને વિરોધી અને છતાં એકબીજાના પૂરક ભાવો છે. સમસપ્તક યોગમાં આકર્ષણનું તત્વ છે. કહેવાય છે ને કે તાળી હમેશા બે હાથે પડે. જીવનમાં આગળ વધવા માટે હમેશા બીજાના સાથ-સહકારની જરૂર પડે છે અને તેથી જ સમસપ્તક યોગમા રહેલાં ગ્રહો એક્બીજા સાથે સહકારપૂર્ણ વ્યવહાર કરે છે. સમસપ્તક યોગમાં રાશિઓ કેન્દ્ર રાશિઓ જ હોવાથી ચરાદિ સ્વભાવમાં સમાનતા ધરાવે છે. આથી સમસપ્તક યોગમાં રહેલાં ગ્રહો વચ્ચે સંવાદિતા રહે છે અને આ યોગ શુભ માનવામાં આવે છે.

નવ-પંચમ યોગ (9-5): નવ-પંચમ યોગ ત્રિકોણ યોગ તરીકે પણ ઓળખાય છે. જ્યારે એક ગ્રહથી બીજો ગ્રહો નવમભાવમાં સ્થિત હોય અને બીજા ગ્રહથી પહેલો ગ્રહ પંચમભાવમાં સ્થિત હોય ત્યારે તે બે ગ્રહો નવ-પંચમ યોગમાં પડ્યા છે તેમ કહેવાય. ઉદાહરણ કુંડળીમાં મંગળથી સૂર્ય નવમભાવ સ્થિત છે. જ્યારે સૂર્યથી મંગળ પંચમભાવ સ્થિત છે. આથી સૂર્ય અને મંગળ વચ્ચે નવ-પંચમ યોગ રચાયો છે. કાળપુરુષની કુંડળીમાં પંચમભાવ અને નવમભાવ બંને શુભસ્થાનો છે. પંચમભાવ એ આવડત અને પ્રતિભાનો નિર્દેશ કરે છે. જ્યારે નવમભાવ ભાગ્યનો નિર્દેશ કરે છે. નવ-પંચમ યોગમાં સહેલાઈથી ભાગ્યનું બળ મળી રહે છે અને પ્રતિભા-આવડતોનો સ્વીકાર થાય છે. જ્યોતિષમાં બારેય રાશિઓને ચાર તત્વોમાં વહેંચવામાં આવી છે.

મેષ, સિંહ, ધનુ – અગ્નિ તત્વ
વૃષભ, કન્યા, મકર – પૃથ્વી તત્વ
મિથુન, તુલા, કુંભ – વાયુ તત્વ
કર્ક, વૃશ્ચિક, મીન – જળ તત્વ

જ્યારે બે ગ્રહો પરસ્પર નવ-પંચમ યોગમાં રહેલાં હોય ત્યારે તેમની રાશિ તત્વમાં સમાનતા ધરાવતી હોય છે. રાશિના તત્વની સમાનતાને લીધે ગ્રહો વચ્ચે સંવાદિતા રહે છે. આથી બે ગ્રહો વચ્ચેનો નવ-પંચમ યોગ શુભ માનવામાં આવે છે. 

નોંધ: ગ્રહોની પ્રકૃતિ, તેમની મિત્રતા-શત્રુતા આદિ અન્ય પરિબળોને લીધે ઉપર વર્ણવેલ યોગોના શુભાશુભ ફળમાં ફેરફાર થવાની શક્યતા રહે છે. લગ્ન મેળાપક હેતુ રાશિઓના પારસ્પારિક સંબંધોને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે અપવાદ યોગોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જેનો સમાવેશ આ લેખમાં કરેલ નથી.

ટિપ્પણીઓ

Unknown એ કહ્યું…
મારે પણ શનિ ચંદ્ર યુતિ અને બુધ શુક્ર યુતિ જે. સાતમે ગુરુ છે્
Vinati Davda એ કહ્યું…
@Unknown, Thank you for sharing. શુભેચ્છાઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા