પ્રેમ, આકર્ષણ અને મૈત્રીના યોગો

આવતીકાલે વેલેન્ટાઈન્સ ડે છે ત્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચે થતા પ્રેમ, આકર્ષણ અને મૈત્રીની ચર્ચાથી વધુ યોગ્ય વિષય કયો હોય શકે? તો ચાલો જોઈએ કે કુંડળીમાં રહેલા ક્યાં યોગોને લીધે એક સ્ત્રી અને પુરુષ પરસ્પર પ્રેમ અને આકર્ષણ અનુભવે છે.

સામાન્ય રીતે નીચે વર્ણવેલ યોગો લગ્ન મેળાપક કરતી વખતે વિદ્વાન જ્યોતિષી અચૂક તપાસે છે. ઘણીવાર લોકો પૂછતાં હોય છે કે મારે કઈ રાશિ સાથે મેળ રહે? કઈ રાશિની વ્યક્તિ સાથે લગ્ન કરવા જોઈએ? હકીકતમાં એક સાથીની પસંદગી રાશિ ઉપરાંત અન્ય ઘણી બાબતોની વિચારણા માગી લે છે. લગ્ન મેળાપક એ રાશિ, ગુણાંક, મંગળદોષ કે નાડીદોષ પૂરતું સીમિત નથી. એ એક અતિ ચોકસાઈ, કુશળતા અને કાળજી માગી લેતું કાર્ય છે. એ માટે જ્યોતિષશાસ્ત્રનો ઊંડો અભ્યાસ, શાસ્ત્રના મૂળભૂત નિયમો અને અપવાદોની સમજ, વિદ્વતા, બુદ્ધિચાતુર્ય અને વેધક દ્રષ્ટિ હોવી જરૂરી છે. તેમાં ઉપરછલ્લાં કે ઉતાવળિયા નિર્ણયો ક્યારેય ન ચાલી શકે.

સ્ત્રી અને પુરુષની કુંડળીને એકબીજા પર રાખીને એકની કુંડળીમાં રહેલા ગ્રહો બીજાની કુંડળીમાં કઈ રીતે પડ્યા છે તે જોવાથી બે વ્યક્તિઓ વચ્ચેનું પ્રેમ, આકર્ષણ અને મૈત્રીનું સાચું ચિત્ર બહાર આવે છે. જયારે અંશાત્મક રીતે ગ્રહો નજીક હોય ત્યારે યોગના ફળની તીવ્રતા વધી જાય છે.

* એકની કુંડળીમાં જે રાશિમાં ચન્દ્ર હોય તે જ રાશિમાં બીજાને સૂર્ય હોય તો બંને વચ્ચે લાગણીના સંબંધો બંધાય છે. આ એક મજબૂત ભાવનાત્મક જોડાણ હોય શકે છે. તેમાં પણ સ્ત્રીના ચન્દ્ર પર પુરુષનો સૂર્ય પડતો હોય તો તે ઉત્તમ સ્થિતિ છે.

* એકની કુંડળીમાં જે રાશિમાં શુક્ર હોય તે જ રાશિમાં બીજાને ચન્દ્ર હોય તો એક સુંદર લાગણીસભર પ્રેમ સંબંધ રચાય છે. બંને વચ્ચે કુદરતી આકર્ષણ હોય છે અને એકબીજા પ્રત્યે માનસિક આકર્ષણ અને ખેંચાણ અનુભવે છે. એકની પ્રેમની અભિવ્યક્તિ અને કલ્પનાને બીજી વ્યક્તિ સુંદર રીતે ઝીલે છે, સમજે છે અને પ્રતિભાવ આપે છે. પરસ્પર પ્રેમ અને મૈત્રી થવા માટે આ એક શ્રેષ્ઠ યોગ છે.

* એકની કુંડળીમાં જે રાશિનો શુક્ર હોય તે જ રાશિમાં બીજાને મંગળ હોય ત્યારે બંને વચ્ચે પ્રબળ આકર્ષણ પેદા થાય છે. આ યોગમાં ઘણીવાર સ્ત્રી-પુરુષ મળ્યા બાદ તરત જ એકબીજા માટે અદમ્ય ખેંચાણ અનુભવે છે. બંને વચ્ચે લાંબો સમય આકર્ષણ ટકી રહેવાની સંભાવના બને છે.

* એકની કુંડળીમાં જે રાશિમાં શુક્ર રહેલો હોય તે જ રાશિમાં બીજાને રાહુ રહેલો હોય તો બંને એકબીજા પ્રત્યે ચુંબકીય આકર્ષણ અનુભવે છે.

* એકની કુંડળીમાં જે રાશિ કે નક્ષત્રમાં ચન્દ્ર હોય તે જ રાશિ કે નક્ષત્રમાં બીજાને ગુરુ હોય તો બંને વચ્ચે સુંદર મૈત્રી સંબંધ રચાય છે. તેમાં પણ સ્ત્રીના ચન્દ્ર પર પુરુષનો ગુરુ પડે તે ઉત્તમ સ્થિતિ છે. બંને વચ્ચે આત્મીય સંબંધ રચાય છે.

* એકની કુંડળીમાં જે રાશિમાં સૂર્ય હોય તે જ રાશિમાં બીજાને ગુરુ હોય તો બંને વચ્ચે સારી મૈત્રી રહે.

* એકની કુંડળીમાં જન્મલગ્નની રાશિ હોય તે જ રાશિમાં બીજાને ચન્દ્ર, ગુરુ કે શુક્ર હોય તો પરસ્પર મૈત્રી રહે.

* એકની કુંડળીમાં રહેલો ચન્દ્ર બીજાના કુંડળીના જન્મલગ્ન, પંચમસ્થાન  કે સપ્તમસ્થાનમાં પડતો હોય ત્યારે બંને વચ્ચે સારી લેણ-દેણ રહે છે અને ઋણાનુબંધને લીધે સંબંધ રચાય છે.

* એકની કુંડળીમાં રહેલા સૂર્યનો બીજાની કુંડળીના જન્મલગ્ન, પંચમસ્થાન કે સપ્તમસ્થાન સાથેનો સંબંધ પણ બંને વચ્ચેના કાર્મિક ઋણાનુબંધનો નિર્દેશ કરે છે.

* એકના જન્મલગ્નથી બીજાના ચન્દ્ર કે જન્મલગ્નની રાશિ નવમસ્થાન કે દસમસ્થાનમાં પડતી હોય તો બંને વચ્ચે સારું ઋણાનુબંધ પેદા થાય છે.

* એકના ચન્દ્ર પર બીજાનો મંગળ પડતો હોય તો પરસ્પર આકર્ષણ થાય અને મૈત્રી માટે શુભ રહે.

* એકની કુંડળીમાં જે રાશિમાં સૂર્ય, મંગળ કે બુધ હોય તે જ રાશિમાં બીજાને ગુરુ હોય તો તે શુભ છે. બંને વચ્ચે સન્માનની ભાવના બની રહે છે.

* એક જ રાશિના ઘણાં ગ્રહો સ્ત્રી અને પુરુષની કુંડળીમાં હોય તો તે બંને વચ્ચે સારી લેણ-દેણ અને મૈત્રી રહે છે.

* એકની કુંડળીમાં જન્મલગ્નમાં જે ગ્રહ પડ્યો હોય તે ગ્રહ તે જ રાશિમાં બીજાની કુંડળીમાં પડ્યો હોય તો બંને વચ્ચે સારી લેણ-દેણ રહે છે. તેમાં પણ જો તે ગ્રહ બીજાની કુંડળીમાં કેન્દ્ર કે ત્રિકોણસ્થાનમાં પડ્યો હોય તો પરસ્પર ઉત્તમ મૈત્રી રહે છે.

* સ્ત્રી અને પુરુષની કુંડળીમાં જન્મલગ્ન, ચન્દ્ર અને સૂર્ય ત્રણેય પરસ્પર નવ-પંચમ યોગમાં રહેલા હોય તો તે બંને વચ્ચે ઉત્તમ મૈત્રી રહે છે. બંનેના જન્મલગ્નનો નવ-પંચમ યોગ, ચન્દ્રનો નવ-પંચમ યોગ અને સૂર્યનો નવ-પંચમ યોગ થાય તો તે શ્રેષ્ઠ સ્થિતિ છે. આ ત્રણેય જો પરસ્પર ષડાષ્ટક યોગમાં પડ્યા હોય તો એવો સંબંધ નિવારવો જોઈએ. શત્રુતા થવાની સંભાવના રહે છે.

* Opposite attracts! પરસ્પર સમસપ્તક જન્મલગ્ન ધરાવનાર સ્ત્રી-પુરુષ એકબીજા માટે પ્રબળ આકર્ષણ અનુભવે છે અને ઉત્તમ મૈત્રી સબંધ રચાય છે. શુક્ર-મંગળના સંબંધની જેમ જ પરસ્પર સમસપ્તક લગ્ન ધરાવનાર એકબીજા પ્રત્યે ખેંચાણ અનુભવે છે. સિવાય કે જન્મલગ્નના અધિપતિ શત્રુ ગ્રહો હોય. જેમ કે કર્ક-મકર અને સિંહ-કુંભ સમસપ્તક લગ્ન યોગ્ય ન ગણી શકાય. બંને એક જ રાશિનું જન્મલગ્ન ધરાવતા હોય ત્યારે પણ બંને વચ્ચે મિત્રતા રહે છે.

* એકનો આત્મકારક ગ્રહ (સ્વનો સૂચક) બીજાના કલત્રકારક ગ્રહ (સાથીનો સૂચક) સાથે સંબંધ કરતો હોય ત્યારે બંને વચ્ચે પ્રબળ આકર્ષણ થાય છે અને કાર્મિક ઋણાનુબંધને લીધે સંબંધ રચાય છે.

* એકનો આત્મકારક ગ્રહ બીજાના લગ્ન, લગ્નેશ કે રાહુ સાથે યુતિ કરતો હોય ત્યારે પણ ઋણાનુબંધને લીધે તે સ્ત્રી અને પુરુષનું આ પૃથ્વી પર મિલન થાય છે.

* એકનો આત્મકારક બીજાના આત્મકારક સાથે સંબંધ કરતો હોય ત્યારે બૌદ્ધિક સ્તરે મૈત્રી રચાય છે.

* એકનો રાહુ બીજાના ચન્દ્ર પર પડે તે સામાન્ય રીતે શુભ ગણાતું નથી. રાહુ ધરાવનાર વ્યક્તિથી ચન્દ્ર ધરાવતી વ્યક્તિને દુઃખ કે પીડા પહોંચે છે.

* એકના સૂર્ય કે ચન્દ્ર પર બીજાનો શનિ પડતો હોય તો તે અશુભ સ્થિતિ છે. તેમાં પણ જો અંશાત્મક રીતે ચન્દ્ર–શનિ કે સૂર્ય–શનિ નજીક હોય તો બહુ જ સમજી વિચારીને આગળ વધવાનો નિર્ણય લેવો જોઈએ. સામાન્ય રીતે શનિ ધરાવતી વ્યક્તિથી બીજી વ્યક્તિને દુઃખ કે પીડા પહોંચે છે.

* એકને જે રાશિમાં મંગળ હોય તે જ રાશિમાં બીજાને શનિ રહેલો હોય તો વિખવાદ થવાની સંભાવના રહે છે.

* એકની કુંડળીમાં રહેલા પાપગ્રહો બીજાની કુંડળીના જન્મલગ્ન બિંદુ કે સપ્તમ બિંદુ પર પડતા હોય તો તે અશુભ સ્થિતિ છે.

* એકની કુંડળીમાં જે રાશિમાં ગુરુ હોય તે રાશિમાં બીજાને રાહુ હોય તો તે અશુભ છે.

* લગ્નકુંડળીની સાથે સાથે નવમાંશ કુંડળી પણ એટલી જ અગત્યની છે. એકના નવમાંશ સપ્તમસ્થાનનો સ્વામી બીજાના નવમાંશ લગ્ન સાથે સંબંધ કરતો હોય ત્યારે પરસ્પર મૈત્રી રહે છે. એકની નવમાંશ કુંડળી અને બીજાની જન્મલગ્ન કુંડળી વચ્ચેનો સંબંધ પણ સરખાવવો જોઈએ.

* એકની લગ્નકુંડળી કે નવમાંશ કુંડળીમાં જે રાશિમાં રાહુ-કેતુ હોય તેનાથી વિરુદ્ધ રાશિમાં બીજાની લગ્નકુંડળી કે નવમાંશ કુંડળીમાં રાહુ-કેતુ હોય તો તે અતિ શુભ છે. આ સ્થિતિ કુંડળીમાં રહેલા અશુભત્વનો નાશ કરે છે.

દુનિયામાં કોઈ જ કે કશું જ સંપૂર્ણ નથી. Nobody and nothing is perfect. તે જ રીતે કોઈ લગ્નજીવન પણ ક્યારેય સંપૂર્ણ હોતું નથી અને તે જ રીતે કોઈ લગ્ન મેળાપક પણ સંપૂર્ણ હોતું નથી. બંનેની કુંડળીમાં બનતા શુભાશુભ યોગોની તુલના કરીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ. જ્યોતિષી પાસે લગ્ન મેળાપક કરાવવા ઉપરાંત તમારા અંતરના અવાજને સાંભળો. એક સાચા જ્યોતિષીનું કાર્ય લોકોને ડરાવવાનું નહિ પરંતુ કુંડળીમાં બનતા કસોટીજનક યોગથી માત્ર જાગૃત કે અવગત કરાવવાનું છે. જેથી કરીને ભવિષ્યમાં યુગલ તે બાબતની કાળજી લઈને પોતાના લગ્નજીવનને સુખી બનાવી શકે.

જયારે એક સ્ત્રી અને પુરુષ એકબીજા પ્રત્યે અદમ્ય આકર્ષણ અનુભવતા હોય ત્યારે કુંડળીમાં જરૂર કોઈ એવા યોગ બન્યા હોય છે જેને લીધે બંને એકબીજા પ્રત્યે ખેંચાણ અનુભવે છે. એવા સંજોગોમાં ફક્ત ગુણાંક કે મંગળ દોષ જેવા ઉપરછલ્લાં કારણોને લીધે તેમને લગ્ન કરતા અટકાવવાની સલાહ આપવી યોગ્ય ન ગણાય. સિવાય કે કોઈ સ્પષ્ટ અશુભ યોગ જ્ઞાત થઈ રહ્યો હોય.

સૌથી છેલ્લે એક મહત્વની વાત.

સુપ્રસિદ્ધ જ્યોતિષ ગ્રંથ પ્રશ્ન માર્ગ ( ચિત્તાનુફૂલ્ય, શ્લોક ૫૫, ૫૬) સ્પષ્ટરૂપે કહે છે કે એક સ્ત્રી અને પુરુષ એકબીજાને પ્રેમ કરતા હોય તો કુંડળી ન મળતી હોય છતાં લગ્નગ્રંથિથી જોડાય શકે છે. લગ્ન સંબંધી આ એક ખૂબ મહત્વની બાબત છે. એક પુરુષ કે જે સ્ત્રીને અંત:કરણપૂર્વક શુદ્ધ ભાવે અને ખરા હૃદયથી પ્રેમ કરે છે તેણે તેની સાથે લગ્ન કરવા જોઈએ. શુદ્ધ પવિત્ર પ્રેમ એ બીજા કોઈ પણ ગુણ કરતા મહાન છે

ટિપ્પણીઓ

timsi એ કહ્યું…
Very nice post... thanks for information.. !!!!
Unknown એ કહ્યું…
શુદ્ધ પવિત્ર પ્રેમ એ બીજા કોઈ પણ ગુણ કરતા મહાન છે,

સરળતા થી સુગમતા તરફ જવાનો માર્ગ એટલે પ્રેમ અને સુગમતા થી સુંદરતા નિર્માણ કરે તે વિવાહ.

અતી સુંદર પ્રસ્તુતિ વિનતી બેન __/\__
Vinati Davda એ કહ્યું…
@timsi, Thanks!

@Astrologer Tejas, આભાર તેજસભાઈ, એક જ્યોતિષી મિત્ર તરફથી મળતો પ્રતિભાવ હમેશા પ્રોત્સાહન વધારે છે. પ્રણામ
Unknown એ કહ્યું…
Really nice article...Thanks For sharing your knowledge..
harshjoshi4994 એ કહ્યું…
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
Vinati Davda એ કહ્યું…
@Jignesh Sodagar, Thanks!!

@ Harsh Joshi, All the best for your future.
Unknown એ કહ્યું…
કયા કયા શહેરમાં તમારો આ કોર્ષ ચાલે છે તેની વિસ્તારમાં માહિતી આપશો?
Vinati Davda એ કહ્યું…
@Mahida Dipak, ફક્ત રાજકોટમાં હું જાતે જ્યોતિષના વર્ગો લઈ શીખવું છું. આભાર.
parbhhbhai એ કહ્યું…
આપ અને અન્ય જોષીઓ પણ એમ કહે છે કે છોકરા છોકરી પરસ્પર પ્રેમ કરતા હોય તો મેળાપક જોવાની જરૂર નથી, પણ તો પછી પ્રેમલગ્ન પ્રેમ લગ્નો પણ તૂટી જાય છે, તેનું શું?
Vinati Davda એ કહ્યું…
@parbhbhai, આપે ઉઠાવેલાં સવાલ બદલ આપનો આભાર. પ્રત્યુત્તર થોડો લાંબો તેમજ બધાને ઉપયોગી બને તેવો હોવાથી લેખના રૂપના પોસ્ટ કરેલ છે. આપને "પ્રેમલગ્ન અને લગ્નમેળાપક" નામક પોસ્ટ કરેલ લેખ વાંચી જવા વિનંતી.

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા