નવગ્રહ સ્તોત્ર

નવગ્રહ સ્તોત્ર શ્રી વેદ વ્યાસ મુનિ દ્વારા રચવામાં આવ્યો છે. જેમાં નવ ગ્રહોના મંત્રોનો સમાવેશ થાય છે. આમાંથી કોઈ ચોક્કસ ગ્રહ માટેના ચોક્કસ મંત્રનો અલગથી પણ જાપ કરી શકાય છે. એકાગ્રતાથી અને શ્રદ્ધાપૂર્વક નવગ્રહ સ્તોત્રના પાઠ કરવાથી નવેય ગ્રહોના આશીર્વાદ એકસાથે મેળવી શકાય છે. અહીં ગ્રહોને દેવતાના સ્વરૂપમાં જોવામાં આવ્યા છે. આ સ્તોત્ર સાદી ભાષામા રચાયેલો છે પરંતુ તેના દરેક શ્લોકની અંદર ગૂઢાર્થ રહેલો છે. સ્ત્રોતમાં જ કહેવાયું છે કે જે આ સ્તોત્રનો પાઠ કરે છે તેના વિઘ્નો અને બાધાઓ દૂર થાય છે. ઐશ્વર્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ગ્રહ-નક્ષત્રથી ઉત્પન થયેલી પીડા શાંત થઈ જાય છે. દરેક શ્લોકનો ભાવાર્થ નીચે આપેલ છે. જેથી અર્થ સાથે સ્તોત્રને સમજી શકાય.

॥ નવગ્રહ સ્તોત્ર ॥

જપાકુસુમ સંકાશં કાશ્યપેયં મહાદ્યુતિમ્  
તમોરિં સર્વપાપઘ્નં પ્રણતોઙસ્મિ દિવાકરમ્ ॥ ૧ ॥ 

જાસૂદના ફૂલ (જે ઘેરા લાલ રંગનું છે) સમાન જેની કાન્તિ છે, કશ્યપ કુળમાં જેમનો  જન્મ થયો છે, જે મહાતેજસ્વી છે, અંધકાર જેમનો શત્રુ છે, જે બધાં પાપોને નષ્ટ કરી નાખે છે, એ સૂર્ય ભગવાનને હું પ્રણામ કરું છું.

દધિશંખ તુષારાભં ક્ષીરોદાર્ણવસંભવમ્ 
નમામિ શશિનં સોમં શંભોર્મુકુટભૂષણમ્ ॥ ૨ ॥

દહીં, શંખ અને ઝાકળ બિંદુ સમાન જેમની દીપ્તિ છે, જેમની ઉત્પતિ ક્ષીર સાગરમાંથી થઈ છે, જેમના અંગ પર સસલાંનું ચિહ્ન (ચન્દ્ર પર રહેલો સસલાં આકારનો કાળો ડાઘ) છે, જે શિવજીના મુગટ પર અલંકારની જેમ વિરાજમાન રહે છે, હું એ ચન્દ્રદેવને પ્રણામ કરું છું.

ધરણીગર્ભસંભૂતં વિદ્યુત્કાંતિસમપ્રભમ્‌ ।
કુમારં શક્તિહસ્તં તં મંગલં પ્રણમામ્યહ‌મ્‌ ॥ ૩ ॥

પૃથ્વીના ગર્ભમાંથી જેની ઉત્પતિ થઈ છે, વિદ્યુતપુંજ સમાન જેમની પ્રભા છે, જે હાથોમાં શક્તિ ધારણ કરેલાં રહે છે, એ કુમાર મંગળદેવને હું પ્રણામ કરું છું.

પ્રિયઙગુકલિકાશ્યામં રુપેણાપ્રતિમં બુધમ્‌ ।
સૌમ્યં સૌમ્યગુણોપેતં તં બુધં પ્રણમામ્યહ‌મ્‌ ॥ ૪ ॥

પ્રિયંગુની કળી સમાન જેમનો શ્યામ વર્ણ છે, જે અપ્રતિમ રૂપ ધરાવે છે, એ સૌમ્ય અને ગુણોથી યુક્ત બુધદેવને હું પ્રણામ કરું છું.

દેવાનાં ચ ૠષીણાં ચ ગુરું કાંચનસન્નિભમ્‌ ।
બુદ્ધિભૂતં ત્રિલોકેશં તં નમામિ બૃહસ્પતિ‌‌મ્‌ ॥ ૫॥

જે દેવતાઓ અને ઋષિઓના ગુરુ છે, કંચન સમાન જેમની પ્રભા છે, જે બુદ્ધિના અખંડ ભંડાર અને ત્રણેય લોકના પ્રભુ છે, એ બૃહસ્પતિને હું પ્રણામ કરું છું.

હિમકુન્દમૃણાલાભં દૈત્યાનાં પરમં ગુરુ‌મ્‌ ।
સર્વશાસ્ત્ર પ્રવક્તારં ભાર્ગવં પ્રણમામ્યહ‌મ્‌ ॥ ૬ ॥

બરફ અને સફેદ ચમેલીના તંતુ સમાન જેમની આભા છે, જે દૈત્યોના પરમ ગુરુ છે, બધાં શાસ્ત્રોના અદ્વિતીય વક્તા એ શુક્રાચાર્યજીને હું પ્રણામ કરું છું.

નીલાંજન સમાભાસં રવિપુત્રં યમાગ્રજ‌મ્‌ ।
છાયામાર્તંડસમ્ભૂતં તં નમામિ શનૈશ્ચર‌મ્‌ ॥ ૭

નીલા કાજળ સમાન જેમની દીપ્તિ છે, જે સૂર્ય ભગવાનના પુત્ર તથા યમરાજના મોટા ભાઈ છે, સૂર્યની છાયાથી જેમની ઉત્પતિ થઈ છે, એ શનિદેવ હું પ્રણામ કરું છું.

અર્ધકાયં મહાવીર્યં ચન્દ્રાદિત્યવિમર્દન‌મ્‌ ।
સિંહિકાગર્ભસમ્ભૂતં તં રાહું પ્રણમામ્યહ‌મ્‌ ॥ ૮ ॥

જેમનું ફક્ત અડધું શરીર છે, જેમનામાં મહાન પરાક્રમ છે, જે ચન્દ્ર અને સૂર્યને પણ પરાસ્ત કરી દે છે, સિંહિકાના ગર્ભમાંથી જેમની ઉત્પતિ થઈ છે, એ રાહુ દેવતાને હું પ્રણામ કરું છું.

પલાશપુષ્પસંકાશં તારકાગ્રહમસ્તકમ્‌ ।
રૌદ્રં રૌદ્રાત્મકં ઘોરં તં કેતું પ્રણમામ્યહમ્‌ ॥ ૯ ॥

પલાશના ફૂલ સમાન જેમની લાલ દીપ્તિ છે, જે સમસ્ત તારાઓ અને ગ્રહોમાં શ્રેષ્ઠ છે, જે સ્વયં રૌદ્ર રૂપ અને રૌદ્રાત્મક છે, એવા ઘોર રૂપધારી  કેતુને હું પ્રણામ કરું છું.

ઈતિ વ્યાસોમુખોદ્‌ગીતં યઃ પઠેત્સુસમાહિતઃ ।
દિવા વા યદિ વા રાત્રૌ વિઘ્નશાંતિર્ભવિષ્યતિ ॥ ૧૦ ॥

શ્રી વ્યાસના મુખમાંથી નીકળેલાં આ સ્તોત્રનો જે સાવધાનતાપૂર્વક દિવસ કે રાત્રિના સમયે પાઠ કરે છે,  તેના બધાં વિઘ્નો અને બાધાઓ શાંત થઈ જાય છે.

નરનારીનૃપાણાં ચ ભવેદુઃસ્વપ્નનાશનમ્‌ ।
ઐશ્વર્યમતુલં તેષામારોગ્યં પુષ્ટિવર્ધનમ્‌ ॥ ૧૧ ॥

સંસારના સાધારણ સ્ત્રી-પુરુષ અને રાજાઓનાં પણ દુ:સ્વપ્ન જન્ય દોષ દૂર થઈ જાય છે. આનો પાઠ કરનારાઓને અતુલનીય ઐશ્વર્ય તથા આરોગ્ય પ્રાપ્ત થાય છે અને પુષ્ટિની વૃદ્ધિ થાય છે. 

ગ્રહનક્ષત્રજાઃ પીડાસ્તસ્કરાગ્નિસમુદ્‌ભવાઃ ।
તાઃ સર્વાઃ પ્રશમં યાન્તિ વ્યાસો બ્રૂતે ન સંશયઃ ॥ ૧૨ ॥

કોઈ પણ ગ્રહ, નક્ષત્ર, ચોર તથા અગ્નિથી ઉત્પન થયેલી પીડાઓ શાંત થઈ જાય છે. આ પ્રકારે સ્વયં વ્યાસજી કહે છે, એટલે એમાં કોઈ સંશય ન કરવો જોઈએ.

॥ ઇતિ શ્રીવ્યાસવિરચિતં નવગ્રહ સ્તોત્રં સમ્પૂર્ણમ્‌ ॥ 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર