આપના સવાલ મારા જવાબ

હાલમાં જ એક વાચકમિત્રએ બ્લોગ પર કોમેન્ટ કરી છે. જે શબ્દશ: નીચે મુજબ છે.

Mdme davdaji, i want to learn this. can u not start astrology teaching systematically on ur site. I feel this is a god given gift and must be shared with people. If ur sound financially, normally its expected not to charge for any favour. you can start teaching or puuting articles on astrology on u site from beginning and not half heartedly
hardi

જવાબ થોડો લાંબો હોવાથી અહીં જ લેખ સ્વરૂપે આપી રહી છું. ઉપરાંતમાં મને લાગ્યું કે આ કોમેન્ટમાં ઉલ્લેખિત વિષયની ચર્ચા આ બ્લોગ પર આવતા અન્ય વાચકમિત્રો સાથે કરવી પણ જરૂરી છે. આ એવા સવાલો છે જે ઘણીવાર આ બ્લોગ ઉપર અથવા અંગત રીતે મને પૂછવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ એક પછી એક સવાલોના એક પછી એક જવાબ!

સવાલ : i want to learn this. can u not start astrology teaching systematically on ur site.   

જવાબ : આપ જ્યોતિષ વિષયમાં રસ ધરાવો છો અને શીખવા માગો છો તે જાણીને આનંદ થયો. આ બ્લોગ પર મે ‘જ્યોતિષ શીખો’ શ્રેણી શરૂ કરેલ જ છે. જેમાં પાયાથી અને પદ્ધતિસર જ્ઞાન પીરસવાનો પ્રયત્ન કરી રહી છું. આમ છતાં ‘ગુરુ બિન વિદ્યા પાવત નાહિ’. એટલે કે ગુરુ વગર વિદ્યાની પ્રાપ્તિ થતી નથી. જ્યોતિષ એ અટપટો વિષય છે. એ કોઈ એવો વિષય નથી જે ફક્ત વાંચીને શીખી શકાય. શું સંગીત વિષે વાંચવાથી ગાયક બની શકાય? ના, એ માટે કોઈ ગુરુના ચરણમાં આશ્રય લેવો પડે જે સૂરની સમજ કરાવી શકે. એવું જ કંઈક જ્યોતિષનું પણ છે. જ્યોતિષ શીખતી-સમજતી વખતે ઘણાં સવાલો ઉઠે છે જેનું સમાધાન ફક્ત ગુરુ જ કરાવી શકે. જો ગુરુનું સાનિધ્ય ન સાંપડે તો એકલવ્યની કક્ષા પ્રાપ્ત કરવી પડે.

ઘણા લોકો વારંવાર ‘મારે જ્યોતિષ શીખવું છે’ એવી ઈચ્છા પ્રગટ કરે છે. એ બધાને હું કહીશ કે આ બ્લોગ પરના લેખો આપને જ્યોતિષ વિશેની પ્રાથમિક સમજ કે જાણકારી આપી શકશે. બાકી જ્યોતિષ વિષયનું ગહન જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તો આપે કઠોર સાધના કરવી પડશે. જેમ સંગીત શીખવા માટે વર્ષોનો રિયાઝ જરૂરી છે તે જ રીતે જ્યોતિષને શીખવા અને સમજવા માટે વર્ષો સુધી તપ કરવું પડે છે. માત્ર ૨-૪ પુસ્તકો વાંચવાથી જ્યોતિષ આવડી ગયું છે કે આવડી જશે તેવી માન્યતા ભૂલ ભરેલી છે. વળી જ્યોતિષ એ એવો વિષય પણ નથી કે જે હિંચકે ઝૂલતાં ઝૂલતાં અને ચાની ચુસ્કીઓ લેતા શીખી શકાય! જ્યોતિષ શીખવા માટે તન-મન-ધનથી સંપૂર્ણ નિષ્ઠા, પરિશ્રમ અને સમર્પણભાવ આવશ્યક છે.

સવાલ : I feel this is a god given gift and must be shared with people.

જવાબ : હા, ચોક્કસપણે જ્યોતિષ એ God given gift છે. ઈશ્વર તરફથી મળેલી એક પવિત્ર સોગાત. હું દ્રઢપણે માનું છું કે તમે જ્યોતિષને પસંદ નથી કરતાં પરંતુ ઈશ્વર તમને જ્યોતિષ માટે પસંદ કરે છે. ઈશ્વર તરફથી મળેલી સોગાત હોવા છતાં જેમ પેન્સિલને છોલીને તેની અણી તીક્ષ્ણ બનાવવી પડે છે તેમ જ્યોતિષના જ્ઞાનને મહેનત વડે છોલીને ધારદાર બનાવવું પડે છે. જ્યોતિષ શીખવા માટેનું વલણ God gift હોય શકે, જ્યોતિષ સહેલાઈથી સમજી શકવાની સમજ, યાદશક્તિ અને બુદ્ધિમત્તા God gift હોય શકે, જ્યોતિષ માટે જરૂરી એવી અંત:પ્રેરણા God gift હોય શકે, પરંતુ આમ છતાં સંપૂર્ણ જ્યોતિષ વિદ્યા God gifted હોતી નથી. ઈશ્વર માત્ર તમને રસ્તો બતાવે છે. એ રસ્તા પર ચાલવાની મહેનત તો તમારે જ કરવી પડે છે. એક મેડીકલનો વિદ્યાર્થી તબીબી જ્ઞાન મેળવવા માટે જેટલી મહેનત કરે છે તેટલી જ કે તેનાથી વધુ મહેનત પદ્ધતિસર જ્યોતિષ શીખવા માટે કરવી પડે છે. જો સંપૂર્ણ જ્યોતિષ વિદ્યા એ God gift જ હોત તો આપે I want to learn this એમ ના કહ્યું હોત! જ્યોતિષ એ એક કૌશલ્ય છે જે પરિશ્રમથી વિકસાવવું પડે છે.

હું માનું છું કે જ્ઞાન વહેંચવાથી હંમેશા તેની વૃદ્ધિ થાય છે. આ બ્લોગ શરૂ કરવાનો ઉદ્દેશ જ જ્ઞાનની વહેંચણીનો હતો અને અહીં એ જ કરી રહી છું. આશા રાખું છું કે મારા આ ઉદ્દેશમાં ઈશ્વર મને સાથ આપે.

સવાલ : If ur sound financially, normally its expected not to charge for any favour.

જવાબ : આપણે બધાં જ કર્મના સિદ્ધાંતથી પરિચિત છીએ. કર્મનો સિદ્ધાંત કહે છે કે જયારે આપણે કોઈ પાસેથી કશું લઈએ છીએ પરંતુ બદલામાં કશું આપતા નથી ત્યારે આપણે ઋણી બનીએ છીએ. આત્માએ એ ઋણ તેના હાલના જન્મમાં અથવા આવનારા જન્મોમાં અવશ્યપણે ચૂકવવું પડે છે. આપણે જયારે ભગવાનના ઘરે એટલે કે મંદિરે જઈએ છીએ ત્યારે પણ ખાલી હાથે નથી જતા. ત્યાં પણ ફળ-ફૂલ, ભોગ, નેવૈદ્ય કે દક્ષિણા લઈને જઈએ છીએ. શા માટે? શું ભગવાન આપણા ફળ-ફૂલ કે પ્રસાદનો ભૂખ્યો છે? શું ભગવાન પાસે કોઈ વસ્તુનો અભાવ છે? ના, પરંતુ આપણને ભાન થાય કે દુનિયામાં કશું જ મફત મેળવી શકાતું નથી. ભગવાનના આશીર્વાદ પણ નહિ. આપણા ઋષિમુનિઓ આપણામાં દક્ષિણાના સંસ્કાર દ્રઢ કરવા માંગતા હતા કે જેથી આપણે કાર્મિક ઋણી બનવાથી બચી શકીએ અને આથી જ હિંદુ સંસ્કૃતિમાં ડગલે ને પગલે દક્ષિણાનું મહત્વ જોવા મળે છે. જે રીતે પ્રકાશ અને અંધકાર, ઠંડી અને ગરમી, સુખ અને દુઃખ એ બધાં બ્રહ્માંડના શાશ્વત નિયમો છે, તે જ રીતે આપવું અને લેવું એ પણ એક શાશ્વત કુદરતી નિયમ છે.

હંમેશા અનુભવ્યું છે કે આપણી પાસે રેસ્ટરૉમાં ડીનર લેવાના પૈસા છે, મૂવિઝ જોવા માટે પૈસા છે, હરવા-ફરવા માટે પૈસા છે, facebook પર સર્ફિંગ કરવા માટે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને બિલ ચૂકવવા માટે પૈસા છે, પરંતુ એક જ્યોતિષીને તેની સલાહ માટે ચૂકવવાના પૈસા નથી! એક એવી સલાહ જે આપની જિંદગીનો નકશો બદલી શકે છે. લગ્ન સમારંભોમાં જમણવાર, સાજ-સજાવટ, આભૂષણો અને અન્ય દેખાડાઓ પાછળ લાખો રૂપિયાઓ ખર્ચી નાખનારા એવા આપણે જેના પર લગ્નજીવનના સુખ-દુઃખનો આધાર છે એ કુંડળી મેળાપક માટે મફત સલાહ શોધવા નીકળીએ છીએ! જયારે જ્યોતિષી તેની મહેનતની કમાઈના પૈસા માગે ત્યારે તેને લોભી, લાલચુ કે ધુતારો જેવા શબ્દોથી નવાજીએ છીએ! ઘણીવાર જ્યોતિષીને ‘પૈસા ન લેવા જોઈએ’ તેવી વણમાગી સલાહો પણ આપી દઈએ છીએ. શું જયારે આપણે કોઈના ઘર-પાણી-વીજળીના બિલ ન ચૂકવતા હોઈએ ત્યારે આપણને આવી સલાહ દેવાનો હક છે? ડોક્ટર, વકીલ જેવા અન્ય સલાહકારોને એમની સેવા બદલ પૈસા ચૂકવી દેતા આપણે જ્યોતિષી પાસે મફત સલાહની અપેક્ષા કેમ રાખીએ છીએ? ડોક્ટરનો વ્યવસાય તો કદાચ દુનિયાનો સૌથી ઉમદા વ્યવસાય છે. ડોક્ટર ઓપરેશન કરીને લોકોના જીવ બચાવે છે. જીવ બચાવનારને પણ આપણે ફી ચૂકવીએ છીએ. ત્યાં સલાહ આપીએ છીએ કે જીવ બચાવવા જેવા ઉમદા કાર્યની ફી ન લેવાય?

મનુષ્યનો સામાન્ય સ્વભાવ છે કે જયારે તેને કશું મફતમાં મળે છે ત્યારે તેની કદર થતી નથી. મે ઘણીવાર અનુભવ્યું છે કે જ્યારે મિત્રદાવે કે શુભેચ્છારૂપે નિશુલ્ક સલાહ આપી હોય તેવા લોકોને જ્યોતિષ કશું ઉપયોગી નીવડ્યું નથી. તેઓ થોડા જ વખતમાં તેમને સૂચવેલા મંત્રજાપ કે અન્ય ઉપાયોથી થાકી જાય છે કે કંટાળીને પડતા મૂકી દે છે. મફત સલાહની કોઈ કિમત હોતી નથી. વળી મફત સલાહ મળતી હોવાથી સવાલોની ગુણવત્તા પણ જળવાતી નથી. જ્યોતિષને મનોરંજનનું સાધન બનાવી દેવામાં આવે છે. તુચ્છ અને હાસ્યાસ્પદ સવાલો પૂછવામાં આવે છે. દા.ત. આજે મને શરદી થઈ ગઈ છે. જરા જુઓને શા માટે થઈ અને ક્યારે મટશે!!! જયારે ફી ચૂકવીને સલાહ મેળવી હોય ત્યારે સલાહને ગંભીરતાથી લેવામાં છે અને સૂચવેલા ઉપાયો પણ નિષ્ઠાપૂર્વક કરવામાં આવે છે. આવા લોકોને જ્યોતિષ જીવનમાં ઉપયોગી બને છે. સામા પક્ષે જ્યોતિષી પણ ફી વસૂલ કરી હોવાથી પોતાના ફળાદેશની ગુણવત્તા બાબતે સભાન રહે છે. એક ગુણવત્તાસભર માર્ગદર્શન નિષ્ઠાપૂર્વક આપવાની કોશિશ કરે છે.

જ્યાં સુધી મારો સવાલ છે ત્યાં સુધી જ્યોતિષ એ મારી આજીવિકાનું સાધન છે. મે મારો સંપૂર્ણ સમય જ્યોતિષને સમર્પિત કરેલ છે. જો આપ કહેતા હો કે આ એક God given gift છે અને એ માટે મારે પૈસા ન લેવા જોઈએ તો હું કહીશ કે હું મારી વિદ્યા કે મારા જ્ઞાન માટે પૈસા નથી લેતી. જ્યોતિષનું જ્ઞાન તો અમૂલ્ય છે અને તેની કિમત તો કોઈ ચૂકવી શકે નહિ. હું જે ફી લઉં છું તે હું આપના માટે મારો જે સમય ફાળવું છું તેનું મૂલ્ય છે. ઉપરાંતમાં હું નહિ ઈચ્છું કે મારી પાસે આવનાર કોઈ વ્યક્તિ જાણ્યે-અજાણ્યે પણ મારી કાર્મિક દેવાદાર બને. 

સવાલ : you can start teaching or puuting articles on astrology on u site from beginning and not half heartedly

જવાબ : આપે જો ધ્યાનપૂર્વક આ બ્લોગ પરના લેખો વાંચ્યા હશે તો આપ જોઈ શકશો કે જ્યોતિષની વ્યાખ્યા જેવા પાયાના લેખોથી શરૂઆત કરીને એક પછી એક મુદ્દાઓ આવર્યા છે. શરૂઆતથી જ શરૂઆત કરી છે! આ બ્લોગ પરનો એક પણ લેખ એવો નથી જે મે half heartedly લખ્યો હોય. હા, જ્યોતિષ વિષયનું ઊંડાણ અને વિશાળતા જોતા વાચકવર્ગ જરૂર એવું અનુભવી શકે કે હજુ કશુંક રહી ગયું કે કશુંક ખૂટે છે. જ્યોતિષના આ વિરાટ સાગરમાં મારો બ્લોગ ફક્ત એક બુંદ સમાન છે. જેને બુલંદ બનાવવાના પ્રયત્નો નિષ્ઠાપૂર્વક કરી રહી છું. અહીં હું કશું જ ફક્ત લખવા ખાતર નથી લખતી. આ બ્લોગ એ મારું પ્રિય સર્જન છે અને હું એની સાથે લાગણીથી જોડાયેલ છું. હા, ઘણીવાર સમયના અભાવે કે પછી અન્ય જવાબદારીઓની વ્યસ્તતાને લીધે નિયમિતતાપૂર્વક લેખો પોસ્ટ કરી શકાતા નથી. જે માટે હું આ બ્લોગના નિયમિત વાચકોની ક્ષમા પ્રાર્થું છું.

ટિપ્પણીઓ

અજ્ઞાત એ કહ્યું…
હેલ્લો મેમ, તમારો બોલ્ગ રોજ ઓપન કરું છુ, અત્યારે જ્યોતિષ વિદ્યા શીખી રહી છુ, તમારા લખેલા દરેક લેખો મને ઘણું મદદ રૂપ થાય છે. . . લોકો કહે છે છોકરીઓં ની બુધ્ધી પગ ની પાની મા હોય છે, એ દરેક મુર્ખ લોકો ને તમારું ઉદાહરણ આપીને એમની બોલતી બંધ કરી શકાય. . . આજે મેં જ્યોતિષ શીખવાનો જે નિર્ણય લીધો છે એમાં મને ઘણી મુશ્કેલીઓ છે, પણ મેં પણ વિચારી લીધું છે કે હું જ્યોતિષ વિદ્યા શીખી ને જ રહીશ. . . કેતુ પરનો લખેલો તમારો લેખ બહુ ગમ્યો. તમારું આપેલું સાચું માર્ગદર્શન મારા જેવા ઘણા માટે બહુ અગત્ય નું બની રહે છે. . .

Thank you Mam...
Vinati Davda એ કહ્યું…
@Anonymous, બ્લોગ વિશેના આપના પ્રતિભાવ બદલ આભાર. આપને મારા લેખો મદદરૂપ થાય છે તે જાણીને ઘણો આનંદ થયો. આપના જેવા વાચકોના પ્રતિભાવને લીધે જ બ્લોગને અપડેટ કરતા રહેવાનું પ્રોત્સાહન મળે છે. આશા રાખું છું આપની બધી મૂશ્કેલીઓ ઝડપથી દૂર થાય અને આપ સહેલાઈથી અને સરળતાપૂર્વક જ્યોતિષ શીખી શકો. આપને મારી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
Unknown એ કહ્યું…
મેડમ, મારી દિકરી ની વિગતો નીચે મુજબ છે.
9/5/2004 ; 00:30 hrs ; રાજકોટ
પ્રશ્ન : ભણવા અને રોજગારી માટે કઈ line લેવી જોઈએ ?
Vinati Davda એ કહ્યું…
@Unknown, વ્યક્તિગત માર્ગદર્શન માટે સશુલ્ક સેવા ઉપલબ્ધ છે. ઉપર આપેલ સંપર્ક ટેબ પર ક્લીક કરીને ફોર્મ ભરીને સંપર્ક કરી શકશો. આભાર

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

ચોઘડિયાં અને હોરા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર