પંચક એટલે શું?

પંચક એટલે પાંચનો સમૂહ. દર મહિને ચન્દ્રના કુંભ અને મીન રાશિમાંથી પસાર થવાના સમયને પંચક કહેવામાં આવે છે. ભારતીય જ્યોતિષ અનુસાર એક રાશિચક્ર ૧૨ રાશિઓ અને ૨૭ નક્ષત્રોનું બનેલું છે. ચન્દ્ર આશરે ૨૭ દિવસમાં રાશિચક્રનું એક ભ્રમણ પૂરું કરે છે. એટલે કે એક રાશિમાંથી પસાર થતા ચન્દ્રને આશરે સવા બે દિવસ જેટલો સમય લાગે. કુંભ અને મીન એ બે રાશિઓમાંથી પસાર થતા ચન્દ્રને આશરે પાંચ દિવસ લાગે છે. આથી આ પાંચ દિવસનાં સમૂહને પંચક કહેવામાં આવે છે. ઉપરાંતમાં કુંભ અને મીન રાશિમાં કુલ પાંચ નક્ષત્રો સમાયેલા છે. આથી આ પાંચ નક્ષત્રોના સમૂહને લીધે પણ ચન્દ્રના આ પાંચ નક્ષત્રમાંથી પસાર થવાના કાળને પંચક કહેવામાં આવે છે. પંચકનો પ્રારંભ ધનિષ્ઠાના ત્રીજા ચરણથી થાય છે અને શતભિષા, પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદમાંથી પસાર થઈ રેવતિ નક્ષત્રની સમાપ્તિએ અંત પામે છે. બીજા શબ્દોમાં ચન્દ્ર જ્યારે કુંભ રાશિમાં પ્રવેશ કરે ત્યારે પંચકનો પ્રારંભ થાય છે અને મેષ રાશિમાં પ્રવેશ કરે એટલે અંત આવે છે.

પંચક કાળ દરમિયાન પાંચ કાર્યો કરવા વર્જિત ગણવામાં આવ્યા છે. ઘાસ, લાકડું વગેરે ઈંધણ એકઠું કરવું, દક્ષિણ દિશાની યાત્રા કરવી, ઘર પર છત નાખવી, પલંગ બનાવવો કે ખાટલો ગૂંથવો કે કસવો અને શબના દાહ સંસ્કાર કરવા. અર્થાત આધુનિક યુગમાં ગેસનું સિલિન્ડર ન લાવવું, પલંગ ન ખરીદવો અને નવા ઘરની છત ન બનાવવી એમ માની શકાય. જ્યોતિષ અનુસાર પંચક દરમિયાન ઘટેલી ઘટના કે કાર્યોની પાંચ વાર પુનરાવૃત્તિ થાય તેવી સંભાવના પ્રબળ બની જાય છે.

ધનિષ્ઠા નક્ષત્રમાં અગ્નિનો ભય પેદા થાય છે. આથી આ નક્ષત્રમાં ઈંધણ એકઠું કરવા પર મનાઈ ફરમાવામાં આવી છે. દક્ષિણ દિશાને યમની દિશા માનવામાં આવી છે. આથી પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા કરવી હાનિકારક માનવામાં આવી છે. શતભિષા નક્ષત્રમાં કલહ થવાનો ભય રહે છે. પૂર્વભાદ્રપદમાં રોગ, ઉત્તરભાદ્રપદમાં દંડ અને રેવતી નક્ષત્રમાં ધન હાનિ થવાનો ભય રહે છે. આથી પંચક દરમિયાન ઘરની છત બનાવવી એ કલહ કે ધનની હાનિ કરાવી શકે એમ હોવાથી તેની મનાઈ કરવામાં આવી છે. પંચક દરમિયાન ઘટેલી ઘટનાની એ સ્થાન વિશેષમાં પાંચ વાર પુનરાવૃત્તિ થતી હોવાથી જો પંચક કાળ દરમિયાન શબના દાહ સંસ્કાર કરવામાં આવે તો તે કુળમાં, ગલીમાં, પોળમાં, મહોલ્લામાં કે ગામમાં પાંચ જણાનું મૃત્યુ થાય તેવી માન્યતા છે. આ દુષ્પ્રભાવથી બચવા દાહ સંસ્કાર કરતી વખતે સાથે ચાર કે પાંચ બીજાં પૂતળા બનાવીને શાંતિકર્મ કરાવ્યા બાદ દાહ સંસ્કાર કરવાની સલાહ આપવામાં આવી છે.

પંચક કાળને શુભ અને માંગલિક કાર્યો હેતુ અગ્રાહ્ય ગણવામાં આવે છે. પરંતુ એવું બિલકુલ નથી. પંચકમાં શુભ કાર્ય કરવામાં આવે તો તેમાં પાંચ ગણી વૃદ્ધિની ક્ષમતા છે. પંચક દરમિયાન ઉપર જણાવ્યા મુજબના ફક્ત અમુક વિશેષ કાર્ય કરવા પર જ નિષેધ છે. સામાન્ય જનમાં પસિદ્ધ એવું લગ્નનું શુભ મુહૂર્ત વસંતપંચમી પંચકમાં જ પડે છે. જ્યોતિષીની સલાહ લઈને પંચક કાળ દરમિયાન વિવાહ, ઉપનયન, મુંડન, ગૃહ પ્રવેશ વગેરે કાર્યો થઈ શકે છે. પૂજા-પાઠ, હોમ-હવન, દેવ પૂજન, દેવ વિસર્જન ઈત્યાદી ધાર્મિક ક્રિયાઓ થઈ શકે છે. વ્યાવસાયિક કે આર્થિક પ્રવૃતિઓ થઈ શકે છે. વ્રત, તહેવાર, રક્ષાબંધન, ભાઈબીજ વગરેમાં પંચક બાધ્ય નથી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા