કયા વારે કઈ પ્રવૃત્તિ કરશો?

વાર એટલે કે ફેરો, ફરતે જવું. વાર પંચાંગના પાંચ અંગોમાનું એક અંગ છે (પંચાંગ = પાંચ અંગ = વાર, તિથિ, નક્ષત્ર, યોગ, કરણ). સાત ગ્રહોના નામ પરથી સાત વારના નામ પડેલાં છે. સર્વે ગ્રહોની ગતિ પ્રમાણે તેમનો ક્રમ છેલ્લેથી એટલે કે સૌથી ધીમી ગતિના ગ્રહથી શરૂ કરીને સૌથી ઝડપી ગતિ ધરાવતા ગ્રહ પ્રમાણે લઈએ તો શનિ, ગુરુ, મંગળ, સૂર્ય, શુક્ર, બુધ અને ચન્દ્ર એમ ગોઠવાય. આમાંનો પ્રથમ ગ્રહ શનિ લઈને ત્યારબાદ ચોથો ગ્રહ ફરી ફરી લઈએ તો સાતે વાર ક્રમ પ્રમાણે આવશે.

પશ્ચિમી કેલેન્ડરમાં વાર એક મધ્યરાત્રિ એટલે કે રાત્રે ૧૨ કલાકે શરૂ થઈને બીજી મધ્યરાત્રિએ સમાપ્ત થાય છે. જ્યારે હિંદુ કેલેન્ડર અને જ્યોતિષ મુજબ વાર એક સૂર્યોદયથી શરૂ થઈને બીજા સૂર્યોદયે સમાપ્ત થાય છે. દરેક વારનું નામ જે-તે દિવસે સૂર્યોદય સમયે રહેલી હોરાના સ્વામી પરથી પાડવામાં આવ્યું છે.

પંચાંગના પાંચેય અંગો પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં વાર એ અગ્નિતત્વનું પ્રતિનિધિત્વ કરે છે (વાર = અગ્નિતત્વ, તિથિ = જળતત્વ, કરણ = પૃથ્વીતત્વ, નક્ષત્ર = વાયુતત્વ, યોગ = આકાશતત્વ). વારને બીજા શબ્દમાં વાસર પણ કહેવામાં આવે છે. ‘વાસ’ એટલે કે વસવું અને ‘૨’ એ અગ્નિ બીજ છે. વાસર એટલે કે જ્યાં અગ્નિનો વસવાટ છે.

સોમ, બુધ, ગુરુ અને શુક્ર વાર સૌમ્ય વાર ગણાય છે. જ્યારે રવિ, મંગળ અને શનિ ક્રૂર વાર ગણાય છે.

કોઈ કાર્ય કરવું મહત્વનું છે તે સાથે જ તે ક્યારે કરવું તે પણ એટલું જ મહત્વનું છે. ધારોકે તમે તમારા બોસ પાસે રજાની માંગણી કરવા ઈચ્છતા હો તો બોસ જયારે ખુશ મિજાજમાં હોય, આનંદમાં હોય ત્યારે પૂછો તો તમારી માંગણી સ્વીકારાય જાય તેવી પૂરી શક્યતા રહે. પરંતુ જો બોસ ગુસ્સામાં હોય, ચીડાયેલા હોય અને તમે પૂછો તો તમારી રજાની અરજી નામંજૂર થાય તેવું બને!! યોગ્ય સમયની પસંદગી કરવી જરૂરી છે. બસ આવી જ કંઈક સમજ જ્યોતિષમાં ચોક્કસ વારે ચોક્કસ પ્રવૃત્તિ કરવા પાછળ રહેલી છે. સપ્તાહનો પ્રત્યેક દિવસ પોતાના સ્વામી ગ્રહના ગુણોનું પ્રભુત્વ ધરાવે છે. આથી જ દરેક દિવસ વિશિષ્ટ છે. દરેક દિવસની વિશિષ્ટતા જાણીને તે મુજબની પ્રવૃત્તિ કરવામાં આવે તો વિશેષ લાભ મેળવી શકાય અને કાર્યના ફળનો લાભ ચિરકાળ સુધી મેળવી શકાય.

આવો જોઈએ કે કયા વારે કઈ પ્રવૃત્તિ કરી શકાય. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ રોજબરોજની સામાન્ય પ્રવૃત્તિઓ માટે છે. જો આપના જીવનનું કોઈ ગંભીર કે મહત્વનું કાર્ય હોય તો જ્યોતિષીની મળીને, તેમની સલાહ લઈને યોગ્ય મુહૂર્ત અનુસાર કાર્ય કરવું હિતાવહ છે.

રવિવાર: રવિવારનો સ્વામી ગ્રહ સૂર્ય છે. સૂર્ય આત્માનો કારક ગ્રહ છે. આથી રવિવારે આત્માનું કલ્યાણ થાય તેવી આધ્યાત્મિક પ્રવૃતિઓ અને પ્રાર્થના કરવી શુભ છે. રવિવારે પિતા કે પિતા સમાન વ્યક્તિ સાથે સમય પસાર કરવો કે તેમને સંબંધિત બાબતો અંગેની પ્રવૃત્તિ કરી શકાય છે. સરકારી કાર્યો કે નોકરી અંગેની યોજના ઘડવી કે તેમની શરૂઆત કરવી, સત્તાધારી, ઉપરી અધિકારી, ઉચ્ચ અમલદાર કે રાજકીય વ્યક્તિ સાથે મુલાકાત કરવી, નેતાગીરી સંબંધિત બાબતો અંગે રવિવાર શુભ રહે છે. સૂર્ય એ જીવનદાતા છે. રવિવારે પ્રાત:કાળે ઘરની બહાર નીકળીને સૂર્યની ઉર્જાનો લાભ અવશ્ય લેવો જોઈએ. સૂર્ય નમસ્કાર કરવા કે સૂર્યને અર્ધ્ય આપવું શુભ રહે છે. સૂર્ય તંદુરસ્તી પ્રદાન કરનાર અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર ગ્રહ છે. આરોગ્ય કે વૈદક વિદ્યા સંબંધિત પ્રવૃત્તિ કરી શકાય છે. રવિવાર એ મહત્વાકાંક્ષાઓને તેજ કરવાનો દિવસ છે. જીવનમાં નક્કી કરેલા લક્ષ્યને ફરી યાદ કરી તે માટે બનતી પ્રવૃત્તિ કરવાનો દિવસ છે. રવિવારે સુવર્ણના આભૂષણો ધારણ કરવા કે સુવર્ણ અને તાંબાની ચીજ-વસ્તુઓનો ક્રય-વિક્રય કરવો શુભ છે. નવા સાહસની શરૂઆત કરી શકાય છે.

સોમવાર: સોમવારનો સ્વામી ગ્રહ ચન્દ્ર છે. સોમવાર એ ઘર-પરિવારજનો સાથે સમય વિતાવવાનો કે તેમના સંબંધિત પ્રવૃત્તિ કરવાનો દિવસ છે. ગૃહ ઉપયોગી સામાનની ખરીદી કરી શકાય છે. ગૃહપ્રવેશ કે કુંભ સ્થાપન કરી શકાય છે. કુટુંબ મેળાવડાઓ યોજી શકાય છે. આ દિવસે ઘરના બગીચાની સંભાળ, બાગકામ કે કૃષિ સંબંધિત પ્રવૃત્તિ કરી શકાય છે. માતા કે માતા સામાન સ્ત્રીઓ સાથે સમય વિતાવવા કે તેમના સંબંધિત પ્રવૃત્તિ કરવા માટે સોમવાર શ્રેષ્ઠ છે. ચન્દ્ર એ મૃદુ અને સંવેદનાથી ભરપૂર ગ્રહ છે. આથી સોમવારે ઋક્ષ કે મહેનત માગી લેતી ભારે પ્રવૃતિઓ ટાળવી જોઈએ. આ દિવસ પોતાના અને બીજાના મનની લાગણીઓ અને સંવેદનાઓને સમજવાનો, સ્વીકારવાનો અને કાળજી લેવાનો છે. સોમવાર એ સ્ત્રીઓના કલ્યાણને લગતી પ્રવૃત્તિ માટે શુભ રહે છે. નવજાત શિશુ કે નાના ભૂલકાંઓ સાથે સમય વિતાવવામાં માટે ઉત્તમ છે. સોમવાર નોકરીમાં જોડાવા માટે શુભ છે. દૂધ, ઘી, તરલ પદાર્થોના ક્રય-વિક્રય માટે સોમવાર શુભ રહે છે. વસ્ત્રો અને ખાદ્ય પદાર્થોને લગતો વ્યાપાર પણ શુભ રહે છે. સોમવાર એ કલ્પનાઓ અને સપનાઓની દુનિયામાં વિહરવા લઈ જતો દિવસ છે. આ દિવસ શાંતિપૂર્ણ પ્રવૃત્તિ કરવાનો અને અન્યોની કાળજી લેવાનો દિવસ છે. દરિયાકિનારે ચન્દ્રની શીતળતાને માણવા માટે સોમવારની રાત્રિથી ઉત્તમ બીજી કોઈ ન હોય શકે!

મંગળવાર: મંગળવારનો સ્વામી ગ્રહ મંગળ છે. મંગળ સાહસ અને ઉર્જાથી ભરપૂર ગ્રહ છે. મંગળવાર નવા સાહસિક કાર્યોની શરૂઆત માટે, સ્પર્ધાઓ અને રમત-ગમતને લગતી પ્રવૃતિઓ માટે શુભ રહે છે. મંગળવાર શૌર્ય અને પરાક્રમમાં વધારો કરનાર દિવસ છે. શારીરિક કસરતો, શસ્ત્રાભ્યાસ કે મહેનત માંગી લેતી પ્રવૃતિઓ કરી શકાય છે. જે કાર્યો માટે સાહસ, વીરતા, ઉત્સાહ, ધગશ કે આવેશની જરૂર પડતી હોય તે કાર્યો કરી શકાય છે. ભાઈ-ભાંડું સાથે સમય વિતાવવા માટે કે તેમના સંબંધિત પ્રવૃત્તિ કરવા માટે મંગળવાર યોગ્ય રહે છે. મંગળવાર એ વાદ-વિવાદ, કોર્ટ-કચેરી સંબંધિત બાબતો અંગે અનુકૂળ રહે છે. લોન આપવા કે લેવા માટે મંગળવાર શુભ છે. વિદ્યુત કે અગ્નિ સંબંધિત કાર્યો કરી શકાય છે. મિકેનીકલ કે એન્જીનીયરીંગને લગતી બાબતો માટે પણ મંગળવાર શુભ છે. મંગળવારે ઓપરેશન કરાવી શકાય છે. કોઈ પણ જાતની ધાતુના ક્રય-વિક્રય માટે મંગળવાર શુભ છે. જમીન કે કૃષિ સંબંધિત બાબતો, વાહનોનું ખરીદ-વેંચાણ કરી શકાય છે. મંગળ એ વાદ-વિવાદ, લડાઈ-ઝઘડા, હિંસા, દુર્ઘટનાઓ અને અકસ્માત સર્જનારો ગ્રહ છે. આથી જ મંગળની ઉર્જા આ દિવસે લગ્ન કરવા કે અન્ય સંવાદીતા માગી લેતા સંબંધો કે કાર્યો માટે શુભ નથી. આ દિવસે ગુસ્સો, દલીલો, ઈજા-અકસ્માત ન થાય તે બાબતે કાળજી રાખવી.

બુધવાર: બુધવારનો સ્વામી ગ્રહ બુધ છે. બુધવાર તમામ પ્રકારના બૌદ્ધિક કાર્યો માટે શુભ રહે છે. લખાણ, વાંચન, પ્રકાશન કે મુદ્રણને લગતી પ્રવૃત્તિ કરી શકાય છે. આ દિવસે કોઈ પણ પ્રકારની વાતચીત, ભાષણ કે પ્રત્યાયન કરવું સહેલું રહે છે. સંદેશાઓ કે માહિતીની આપ-લે, ટપાલ, કુરિયર, ટેલીવિઝન, કોમ્પ્યુટર, ઈન્ટરનેટને લગતી પ્રવૃત્તિ માટે બુધવાર શુભ છે. બુધવારનો દિવસ અભ્યાસ કરવા કે અધ્યાપન કાર્ય માટે અનુકૂળ છે. આ દિવસે કોઈપણ વિષયને ઝડપથી સમજી શકવો શક્ય બને છે. બુધવાર બુદ્ધિશક્તિ અને ગ્રહણશક્તિને તેજ કરે છે. મામા સાથે સમય વિતાવવા કે તેમના સંબંધિત બાબતો અંગેની પ્રવૃત્તિ માટે બુધવાર શુભ રહે છે. બુધ વ્યાપારનો ગ્રહ છે. આ દિવસે વ્યાપાર સંબંધિત કોઈપણ પ્રવૃત્તિ લાભ આપે છે. બુધવારે યાત્રા કરી શકાય છે. યોજનાઓ ઘડી શકાય છે. વિશ્લેષણો અને ચર્ચાઓ કરી શકાય છે. દલાલી સંબંધિત પ્રવૃત્તિ કરી શકાય છે. ગણતરીઓ કે હિસાબી કામકાજ માટે બુધવાર યોગ્ય રહે છે. મધ્યસ્થતા કરવા માટે કે બે પક્ષો વચ્ચે સમાધાન કરાવવા માટે બુધવાર ઉત્તમ રહે છે. જ્યોતિષીની મુલાકાત લેવા માટે પણ બુધવાર ઉત્તમ છે!

ગુરુવાર: ગુરુવારનો સ્વામી ગ્રહ ગુરુ છે. ગુરુ એ ગ્રહ મંડળનો સૌથી શુભ ગ્રહ છે. આથી ગુરુવાર દરેક પ્રવૃતિ માટે શુભ છે. વિદ્યાભ્યાસનો પ્રારંભ કરવો કે અધ્યયન કરવું, અધ્યાપનકાર્ય, નોકરીમાં જોડાવું, લગ્નજીવન શરૂ કરવું, ગર્ભાધાન વગેરે માટે ગુરુવાર ઉત્તમ છે. ગુરુવારે ધાર્મિક ગ્રંથોનું અધ્યયન, ધાર્મિક કાર્યો, પૂજા-પાઠ, સત્સંગ, ધ્યાન, મંત્રજાપ કરી શકાય છે. ધાર્મિક સ્થળની મુલાકાત કે દીક્ષા લઈ શકાય છે. ગુરુવારે વડીલો અને ગુરુજનના આશીર્વાદ પ્રાપ્ત કરવા શુભ છે. ગુરુવાર એ જ્ઞાન પ્રાપ્તિનો દિવસ છે. આ દિવસે વિદ્યાભ્યાસ અને જ્યોતિષ, વેદ કે ધાર્મિક ગ્રંથોનું અધ્યયન કરી શકાય છે. આધ્યાત્મિક ઉન્નતિને લગતી પ્રવૃત્તિ કરી શકાય છે. સંતાનો સાથે સમય વિતાવવા માટે કે તેમના સંબંધિત બાબતો અંગેની પ્રવૃત્તિ માટે ગુરુવાર શુભ છે. સ્ત્રીઓ માટે પતિ સંબંધિત બાબતો અંગે ગુરુવાર શુભ છે. બેન્ક કે નાણા સંબંધિત પ્રવૃત્તિ કરી શકાય છે. નવું ખાતું ખોલાવી શકાય છે. નવા વસ્ત્રો કે આભૂષણો, સુવર્ણ વગેરેની ખરીદી કરી શકાય અથવા ધારણ કરી શકાય છે.

શુક્રવાર: શુક્રવારનો સ્વામી ગ્રહ શુક્ર છે. શુક્રવાર એ ભૌતિક જગતની સુખ અને સુવિધાઓને માણવાનો દિવસ છે. આ દિવસે મોજ-શોખ અને આનંદ-પ્રમોદને લગતી પ્રવૃતિઓ કરી શકાય છે. સંગીત, નૃત્ય, ચિત્રકલા, અભિનય, નાટક વગેરેને માણી શકાય છે. મનોરંજક પ્રવૃત્તિ પાછળ સમય પસાર કરી શકાય છે. કલા સાથે સંકળાયેલી દરેક પ્રવૃત્તિ માટે શુક્રવાર શુભ રહે છે. શુક્રવાર એ જીવનસાથી કે વિજાતીય મિત્ર સાથે સમય વિતાવવા માટે યોગ્ય દિવસ છે. આ દિવસ પ્રણય અને વિજાતીય પાત્ર સાથે પ્રથમ મુલાકાત માટે શુભ છે. શુક્રવારે સગાઈ કે લગ્ન કરી શકાય છે. લગ્નની વાતચીત કે લગ્નનો પ્રસ્તાવ મોકલી કે સ્વીકારી શકાય છે. શુક્રવારે આભૂષણો, વસ્ત્રો, સુંગધિત પદાર્થો, સૌંદર્ય પ્રસાધનો, સાજ-સજાવટની વસ્તુઓની ખરીદી કરી શકાય છે. સ્વના સૌંદર્યને નિખારી શકાય છે. ગૃહ સુશોભન કરી શકાય છે. નવું વાહન ખરીદી શકાય છે. સ્ત્રીઓ સંબંધિત બાબતો અંગે શુક્રવાર અનુકૂળ રહે છે. શુક્રવાર બિમારીનો ઈલાજ કરાવવા માટે પણ અનુકૂળ દિવસ છે.

શનિવાર: શનિવારનો સ્વામી ગ્રહ શનિ છે. મકાન બનાવવું કે વાસ્તુ સંબંધિત કાર્ય માટે શનિવાર શુભ રહે છે. જમીનનું ખોદકામ કરી શકાય છે. પ્લાસ્ટિક, સિમેન્ટ, લાકડાં, તેલ, પેટ્રોલ વગરેની ખરીદી કરી શકાય છે. લોખંડ કે સ્ટીલનો વ્યાપાર કરી શકાય છે. શનિવારનો દિવસ વૃદ્ધો અથવા પોતાનાથી વયમાં મોટી હોય તેવી વ્યક્તિ સાથે સમય વિતાવવા કે તેમની સેવા કરવા માટે શુભ છે. ગરીબ, અનાથ કે અપંગ વ્યક્તિની સંભાળ લઈ શકાય કે સેવા કરી શકાય છે. મજૂર કે નોકર સંબંધિત બાબતોને લગતી પ્રવૃત્તિ થઈ શકે છે. જે કાર્યો કરવા માટે ભારે પરિશ્રમ અને શિસ્તની જરૂર હોય તેવા કાર્યો શનિવારે કરી શકાય છે. શનિવાર ઘરની સાફ-સફાઈ કરવા માટે ઉપયુક્ત દિવસ છે. તપ, ધ્યાન, યોગ કે સાધના કરવા માટે અનુકૂળ છે. શનિવારે આરોગ્યની વિશેષ કાળજી લેવી જોઈએ અને બિમાર ન પડી જવાય તેનું ધ્યાન રાખવું જોઈએ. શનિવારે કાર્યોમાં વિલંબ કે માનસિક દબાણનો અનુભવ થઈ શકે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

નક્ષત્ર