દીપાવલી – તમસો મા જ્યોતિર્ગમય


દીપાવલી એટલે કે પ્રકાશનું પર્વ. અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક પર્વ. દીપાવલી શબ્દની સંધી છૂટી પાડીએ તો દીપ + આવલી. સંસ્કૃતમાં દીપ એટલે કે દીવો, પ્રકાશ અને આવલી એટલે કે પંક્તિ, હારમાળા. દીપાવલી એટલે દીપોની હારમાળા! આ પર્વ આશ્વિન માસની અમાવસ્યાને દિવસે મનાવવામાં આવે છે.

પ્રચલિત માન્યતા અનુસાર દીપાવલીની રાત્રિએ ભગવાન શ્રી રામ રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા હતા. તેમના આગમનની ખુશીમાં અયોધ્યાવાસીઓએ સમગ્ર શહેરને દીવડાઓથી ઝગમગાવી દીધું હતું. ત્યારથી દીપોનું આ પર્વ દીપાવલી મનાવવામાં આવે છે. આ પર્વ સાથે સમુદ્ર મંથનની કથા પણ જોડાયેલી છે. શ્રી વિષ્ણુ ભગવાનની સહાયથી દેવો અને દાનવોએ કરેલા સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયેલા ચૌદ રત્નોમાંના શ્રી ધન્વંતરી ધનતેરસના દિવસે પ્રગટ થયા હતા. શ્રી ધન્વંતરીના પ્રગટ થયા બાદ બે દિવસ પછી આશ્વિન માસની અમાવસ્યાના દિવસે શ્રી લક્ષ્મીજી પ્રગટ થયા હતા. જેમના ભગવાન વિષ્ણુ સાથે વિવાહ થયા. આથી જ દીપાવલીના દિવસે શ્રી લક્ષ્મીજીની પૂજા-આરાધનાનું અનેરું મહત્વ છે.

જ્યોતિષની દ્રષ્ટિએ ગ્રહોમાં રાજા અને રાણી એવા સૂર્ય અને ચન્દ્ર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનુ સ્વરૂપ છે. શ્રી વિષ્ણુના સ્વરૂપમાં સૂર્યદેવને સૂર્યનારાયણ તરીકે સંબોધવામાં આવે છે. જ્યારે ચન્દ્ર એ દેવી સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે. દીપાવલીના દિવસે સૂર્ય પોતાની નીચ રાશિ તુલામાં સ્થિત હોય છે. નીચ રાશિમાં હોવાથી સૂર્ય નિર્બળ બનેલો હોય છે. અમાવસ્યા હોવાથી ચન્દ્ર પણ પોતાનું તેજ ગુમાવીને બળહીન થઈ જાય છે. સમગ્ર જગતને અજવાળનાર સૂર્ય અને ચન્દ્ર બંને નિર્બળ થઈ જવાથી પૃથ્વી પર વિશુદ્ધ, સૂક્ષ્મ અને સકારાત્મક ઉર્જાનો અભાવ થઈ જાય છે. નકારાત્મક ઉર્જા અને આસુરી શક્તિઓનો પ્રભાવ પ્રબળ બને છે. ત્યારે સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત એવી અંધકાર ભરેલી આ નકારાત્મકતા દૂર કરવા અને સૃષ્ટિના કણ કણને પ્રકાશથી ભરેલી સકારાત્મકતા દ્વારા જીવંતતા પ્રદાન કરવા હેતુ દીપોનું આ પર્વ દીપાવલી મનાવવામાં આવે છે. પ્રકાશ અને અંધકારના સંતુલનનું આ પર્વ છે. લક્ષ્મીજીનું પૂજન-અર્ચન પણ નકારાત્મકતા દૂર કરવા દેવીને કરાતી એક પ્રકારની સામૂહિક પ્રાર્થનાનો જ ભાગ છે.

દીપાવલીની સાથે આધ્યાત્મિક સંદેશ પણ જોડાયેલો છે. બાહ્ય અંધકારની સાથે ભીતરના અંધકારને દૂર કરવાનું પણ આ પર્વ છે. મનમાં રહેલા નકારાત્મક વિચારો, હતાશા અને અજ્ઞાનને જ્ઞાન, આશા અને સકારાત્મકતારૂપી પ્રકાશથી દૂર કરવાનો અવસર છે. અગ્નિની ગતિ હમેશા ઉર્ધ્વ હોય છે. દીપને ઉલટાવી નાખો તેમ છતાં તેની જ્યોત હંમેશા ઉપરની તરફ જ રહે છે. તે જ રીતે કોઈ પણ પરિસ્થિતિમાં મનની સ્થિતિ હંમેશા ઉર્ધ્વ તરફ એટલે કે સકારાત્મક રહે તેની કાળજી લેવી જોઈએ. લક્ષ્મીજી પાસેથી આંતરિક ધન જેવું કે પ્રેમ, દયા, કરુણા અને ક્ષમાની પ્રાપ્તિ થાય તેવી કામના કરવાનો આ ઉત્સવ છે. સૂર્ય આત્મા છે અને ચન્દ્ર મન છે. અમાવસ્યાના દિવસે સૂર્ય અને ચન્દ્ર સાથે હોય છે. એટલે કે આત્મા અને મન એકાકાર હોય છે. આધ્યત્મિક પ્રગતિ માટે આ ઉત્તમ સ્થિતિ છે. દીપાવલીના મંગળ પર્વે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. તમસો મા જ્યોતિર્ગમય.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર