ચોકસાઈપૂર્વક લગ્ન મેળાપક કઈ રીતે?

વ્યક્તિના જીવનને સૌથી વધુ અસર કરનારો કોઈ નિર્ણય હોય તો તે છે લગ્ન માટે પાત્રની પસંદગી. જીવનમાં જ્યારે જેની સાથે મનમેળ અને વિચારમેળ હોય તેવું પાત્ર પ્રવેશ કરે છે ત્યારે અસ્તિત્વ બગીચાની માફક ખીલી ઉઠે છે. બે પંખીઓ માળામાં કિલ્લોલ કરતા હોય તેમ પતિ અને પત્ની જીવનના આનંદને માણે છે. પરંતુ આથી વિરુદ્ધ જ્યારે મનમેળ અને વિચારમેળ વગરનું પાત્ર પ્રવેશ કરે છે ત્યારે જીંદગી ઝેર જેવી બની જતી હોય છે. બંને પાત્રો જીવનને માણવાને બદલે વેંઢારે છે.

જીવનનો લગ્ન જેવો આ અતિ મહત્વનો નિર્ણય લેવામાં જ્યોતિષશાસ્ત્ર વહારે આવે છે. આપણા આર્ષદ્રષ્ટા ઋષિમુનીઓએ ચોક્કસ સિદ્ધાંતો આપ્યા છે જેની મદદથી જાણી શકાય છે કે બે વ્યક્તિઓ વચ્ચેનો લગ્નસંબંધ મૈત્રીપૂર્ણ અને સંવાદિતા ભરેલો રહેશે કે પછી વિખવાદ અને વિસંવાદીતાથી ભરેલો. જ્યોતિષશાસ્ત્રની મદદથી કરાતા આ મેળાપને કુંડળી મેળાપક અથવા લગ્ન મેળાપક તરીકે ઓળખવામાં આવે છે.

કરુણતા એ છે કે આજે આપણા સમાજમાં લગ્ન મેળાપક એટલે ગુણાંક, મંગળ દોષ અને નાડી દોષ એ માન્યતા ઘર કરી ગઈ છે. એટલી હદ સુધી કે જ્યોતિષનું શૂન્ય જ્ઞાન ધરાવનાર વ્યક્તિ પણ મેળાપકનો કોમ્પ્યુટર જનરેટેડ રીપોર્ટ કાઢીને કુંડળી મળે છે કે નહિ તેનો જાતે જ નિર્ણય લઈ લે છે. શું લગ્નસબંધનો નિર્ણય કરવો એટલો સહેલો છે કે માત્ર એક ક્લીકના આધારે કરી શકાય?

સાદી ભાષામાં જેને ગુણાંક કહીએ છીએ એ અષ્ટકૂટ આઠ બાબતોના આધારે નક્કી કરવામાં આવે છે. (૧) વર્ણ, (૨) વશ્ય, (૩) તારા, (૪) યોનિ, (૫) મૈત્રી, (૬) ગણ, (૭) કૂટ અને (૮) નાડી. આ આઠેય બાબતો શ્રેષ્ઠ રીતે મળતી હોય તો ૩૬ ગુણ મળે. પ્રત્યેક બાબત અનુક્રમે ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ અને ૮ શ્રેષ્ઠતા ગુણ ધરાવે છે. ૩૬ના અડધાં એટલે કે ૧૮ કરતા વધુ ગુણ મળે તો મેળ ગણાય છે. જ્યારે ૧૮ કરતા ઓછા ગુણ મળે તો કુંડળીનો મેળ નથી તેમ કહેવાય છે. જેટલા ગુણ વધુ એટલો મેળ ઉત્તમ.

ગુણાંક એ કુંડળી મેળવવાની પ્રાથમિક રીત છે. તે વ્યક્તિની કુંડળીમાં રહેલા ચંદ્રની રાશિ અને નક્ષત્રના આધારે નક્કી કરવામાં આવે છે. કુંડળીમાં ચન્દ્ર ઉપરાંત બીજા આઠ ગ્રહો રહેલા હોય છે. લગ્ન મેળાપક કરતી વખતે ચન્દ્ર ઉપરાંત અન્ય આઠ ગ્રહોને પણ ધ્યાનમાં લેવાં જરૂરી છે. હકીકતમાં ગુણાંક એ મેળાપકનો માત્ર ૧૦% હિસ્સો છે. આ પદ્ધતિ સાદી, સરળ અને ઝડપી હોવાથી જન સમાજમાં પ્રચલિત થઈ ગઈ છે. યોગ્ય રીતે અને ચોકસાઈપૂર્વક મેળાપક કરવા માટે ગુણાંક ઉપરાંત યુવક અને યુવતીની સમગ્ર કુંડળીનો તલસ્પર્શી અને ગહન અભ્યાસ જરૂરી છે. બંનેના આયુષ્યનો વિચાર, માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય, પરસ્પર મૈત્રી અને આકર્ષણના યોગો, કુટુંબ અને સંતાન સુખ, આર્થિક સમૃદ્ધિના યોગો વગરે દરેક બાબતોની તુલના કરવી આવશ્યક છે. ઘણીવાર એવું બને કે સારા ગુણાંક મળતા હોવા છતાં જો અન્ય ગ્રહ યોગો અનુકૂળ ન હોય તો લગ્ન કરવાની સલાહ ન આપી શકાય. એનાથી વિપરીત ઓછા ગુણાંક મળતા હોય છતાં જો અન્ય ગ્રહ યોગોનો મેળ ઉત્તમ હોય તો લગ્ન કરવાની સલાહ આપી શકાય. માત્ર ગુણાંકના આધારે લગ્નના પ્રસ્તાવનો સ્વીકાર કરવો કે નકારી કાઢવો કે પછી લગ્નજીવનની ગુણવત્તાનો ક્યાસ કાઢવો એ તદ્દન અયોગ્ય અને અધૂરી રીત કહી શકાય.

મંગળ દોષ એ બીજી બાબત છે જે મેળાપક વિશેની રૂઢ થઈ ગયેલી માન્યતાઓમાં સમાવેશ પામે છે. સામાન્ય જનમાં એક ડર પેસી ગયેલો છે કે મંગળ દોષ એટલે વહેલું વૈધવ્ય અથવા તો દુઃખોથી ભરેલું લગ્નજીવન. લગ્ન માટેના અનેક પ્રસ્તાવો માત્ર મંગળ દોષ જોઈને નકારી કાઢવામાં આવે છે.

મંગળ એ એક ઉગ્ર, અવિચારી, આવેશ અને આવેગયુક્ત ગ્રહ છે. તે જોમ અને ઉલ્લાસથી તરવરાટ અનુભવતો ગ્રહ છે. તેનામાં પરિપક્વતા અને ઠરેલપણાનો અભાવ છે. ગુસ્સામાં હોય ત્યારે તે યોગ્ય વાણી અને વર્તનની સમજ ગુમાવી બેસે છે. તે ક્રોધી સ્વભાવ ધરાવે છે અને તેની માન-અપમાનની ભાવના તીવ્ર છે. જન્મકુંડળીમાં સપ્તમસ્થાન પતિ કે પત્નીનું સ્થાન છે અને અષ્ટમસ્થાન એ માંગલ્યસ્થાન અથવા તો લગ્નજીવનના આયુષ્યનો નિર્દેશ કરનારું સ્થાન છે. ઉગ્ર એવો મંગળ જ્યારે આ સપ્તમ કે અષ્ટમસ્થાન સ્થિત હોય અથવા તેમના પર દ્રષ્ટિ કરતો હોય ત્યારે લગ્નજીવનના સુખને હાનિ પહોંચે છે. જન્મકુંડળીમાં જ્યારે ૧, ૨, ૪, ૭, ૮ અથવા ૧૨માં સ્થાને મંગળ રહેલો હોય ત્યારે મંગળ દોષ છે અથવા તો માંગલિક છે તેમ કહેવાય. અમુક વિદ્વાનો મંગળ દોષ માટે દ્વિતીયસ્થાનનો સમાવેશ નથી કરતા.

મંગળ દોષથી બિનજરૂરી રીતે ડરી કે ચેતી જવાની જરૂરી નથી. કુંડળીમાં રહેલા કુલ બાર સ્થાનોમાંથી છ સ્થાનોમાં મંગળની ઉપસ્થિતિ હોય તો કુંડળી મંગળ દોષવાળી ગણાય. આ રીતે જોઈએ તો દુનિયાની ૫૦% વસ્તી મંગળ દોષ ધરાવે છે. વળી મંગળ દોષને લગ્નકુંડળી ઉપરાંત ચન્દ્ર અને શુક્રથી જોવાનું પણ વિધાન છે. એટલે આ આંકડો ૫૦% કરતા પણ વધી જાય. શું દુનિયાના અડધો અડધ કરતા પણ વધુ લોકોના જીવનસાથી વહેલા મૃત્યુ પામે છે? શાસ્ત્રમાં મંગળ દોષને રદ્દ કરતા અથવા તો તેની તીવ્રતા ઘટાડતા અનેક અપવાદોનું વર્ણન કરેલું છે. મંગળનું શુભાશુભત્વ અને બળ, તે કઈ રાશિમાં રહેલો છે, ઉચ્ચ, નીચ, સ્વગૃહી, મિત્ર કે શત્રુ ક્ષેત્રી છે, માર્ગી છે કે વક્રી છે, ક્યાં ગ્રહો સાથે યુતિમાં રહેલો છે, ક્યા ગ્રહોની દ્રષ્ટિ એના પર પડે છે વગેરે બાબતોને ધ્યાનમાં લેવી આવશ્યક છે. દરેક કુંડળી માટે મંગળનું વિશિષ્ટ અને સ્વતંત્ર રીતે મૂલ્યાંકન કરવું પડે. સૌથી જરૂરી બાબત તો એ કે મંગળ એકમાત્ર ગ્રહ નથી કે જે લગ્નજીવનને વિસંવાદી કે વિખવાદી બનાવી શકે. લગ્નજીવનના સુખ કે દુઃખનો આધાર સમગ્ર કુંડળીમાં રહેલા ગ્રહો અને યોગો પર રહેલો છે. ફક્ત મંગળ દોષને દુઃખી લગ્નજીવન માટે જવાબદાર ન ઠરાવી શકાય.

નાડી દોષ એ ત્રીજી બાબત છે કે જે દોષની હાજરી માત્રથી લગ્નના પ્રસ્તાવને નકારી કાઢવામાં આવે છે. એવી ગેરમાન્યતા છે કે નાડી દોષ હોય તો સંતાનસુખ મળતું નથી. જ્યોતિષશાસ્ત્રમાં કુલ ત્રણ પ્રકારની નાડીઓ છે. (૧) આદ્ય, (૨) મધ્ય અને (૩) અંત્ય. આદ્ય નાડી એટલે કફ પ્રકૃતિ, મધ્ય નાડી એટલે પિત પ્રકૃતિ અને અંત્ય નાડી એટલે વાત પ્રકૃતિ. શાસ્ત્ર મુજબ પતિ અને પત્ની બંને સમાન નાડી ધરાવતા ન હોવા જોઈએ. કારણકે એક જ નાડી ધરાવતા યુગલનું સંતાન જે-તે પ્રકૃતિની અધિકતા ધરાવતું જન્મે. સંતાનનું શારીરિક બંધારણ નબળું રહે.

નાડી એ અષ્ટકૂટ પદ્ધતિનો એક ભાગ છે. એટલે કે નાડી ચન્દ્રના નક્ષત્રના આધારે નક્કી કરવામાં આવે છે. સંતાન કેવું રહેશે તે જાણવાની આ એક સાદી, સરળ અને ઝડપી પદ્ધતિ છે. સંતાન વિષે ચોકસાઈપૂર્વક જાણવા માટે કુંડળીમાં પંચમસ્થાન, પંચમેશ અને સંતાનકારક ગુરુની સ્થિતિનો અભ્યાસ કરવો પડે. જો કુંડળી સંતાન બાબતે અનુકૂળ ગ્રહ યોગો દર્શાવતી હોય તો નાડી દોષને ગૌણ જ માનવો રહ્યો. એવા કેટલાય ઉદાહરણ છે જેમાં યુગલ નાડી દોષ ધરાવતું હોવા છતાં તેમને સ્વસ્થ અને નિરોગી સંતાનોની પ્રાપ્તિ થઈ હોય.

લગ્ન મેળાપક એ કુશળતા અને કાળજી માગી લેતું કાર્ય છે. તેમાં ઉતાવળિયા નિર્ણયો ન ચાલી શકે. જ્યોતિષશાસ્ત્ર એ સંકુલ શાસ્ત્ર છે અને એવા જ સંકુલ માનવીય સંબંધો હોય છે. કોઈ પણ સંબંધને માત્ર ગણિતના આંકડાઓમાં ન તોલી શકાય. સમગ્ર કુંડળીનો ગહન અભ્યાસ જ લગ્ન મેળાપકનું સાચું અને ચોકસાઈપૂર્વકનું ચિત્ર રજુ કરી શકે.

ટિપ્પણીઓ

અજ્ઞાત એ કહ્યું…
Guna Boy Girl
Varna Bramhin Sudra 1
Vasya Keeta Manav 1
Tara Ati mitra Kshema 1.5
Yoni Mriga Shwan 0
Maitri Mars Mercury 0.5
Gana Devta Manushya 6
Bhakoot Scorpion Gemini 0
Nadi Madhya Adi 8


ama koi suggestion madam ?
અજ્ઞાત એ કહ્યું…
Guna Boy Girl
Varna Bramhin Sudra 1
Vasya Keeta Manav 1
Tara Ati mitra Kshema 1.5
Yoni Mriga Shwan 0
Maitri Mars Mercury 0.5
Gana Devta Manushya 6
Bhakoot Scorpion Gemini 0
Nadi Madhya Adi 8


koi suggestion ama plese?
mare 1 week ma girl ne ans apvano che. Thank you.
Vinati Davda એ કહ્યું…
@Anonymous, આપે ગુણાંક પોસ્ટ કર્યા છે. ફક્ત ગુણાંક પરથી કોઈ નિર્ણય લઈ શકાય નહિ. લેખમાં જણાવ્યું છે તેમ લગ્ન મેળાપક માટે યુવક અને યુવતીની સમગ્ર કુંડળીનો અભ્યાસ જરૂરી છે. નીચે આપેલ લીંક પર ક્લીક કરીને આપ વ્યક્તિગત માર્ગદર્શન માટે સંપર્ક કરી શકશો. આભાર.

http://vedicastrology-gujarati.blogspot.in/p/blog-page_28.html
Arvindbhai Shah એ કહ્યું…
Do you agree that two marriages yoga in both the boy's and girl's horoscopes are to be verified? Of course,remedy also is to be advised. Like Kumbh or Ark vivah.
harshjoshi4994 એ કહ્યું…
In nadi dosha i have noticed one more thing out of our shashtra that if having same Nakshatra male and female then female nakshtra should be ahead of male Nakshatra
Even in the case of same nakshtra and same pada you can marry
If female moon degree is ahead of male degree
Same even you have nadi dosha if from male Nakshatra female Nakshatra is 13 and more Nakshatra ahead then nadi dosha will not effect
Its my own view mem
Still you can checked it in more 🙏

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર