તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો - તુલાથી મીન લગ્ન

તુલાથી મીન જન્મલગ્ન પરત્વેના તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો નીચે મુજબ છે.

તુલા લગ્ન

સૂર્યઃ સૂર્ય એકાદશ ભાવનો સ્વામી છે. ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે.

ચન્દ્રઃ ચન્દ્ર દસમ કેન્દ્રસ્થાનનો સ્વામી છે. નૈસર્ગિક શુભ ગ્રહ હોવાથી કેન્દ્રાધિપતિ દોષને કારણે શુભતા ગુમાવે છે.

મંગળ: મંગળ દ્વિતીય અને સપ્તમસ્થાનનો સ્વામી છે. સપ્તમ કેન્દ્રસ્થાનના સ્વામી તરીકે અશુભતા ગુમાવે છે. દ્વિતીયસ્થાનના સ્વામી તરીકે સમ છે અને તેનુ શુભાશુભ ફળ તેની સાથે સંકળાયેલા અન્ય ગ્રહો પર આધાર રાખે છે. પરંતુ આ બંને સ્થાનોનાં બેવડા સ્વામીત્વના કારણે મંગળ થોડુંઘણું અશુભ ફળ આપે છે.

બુધઃ બુધ નવમ અને દ્વાદશ ભાવનો સ્વામી છે. દ્વાદશ ભાવના સ્વામી તરીકે તટસ્થ રહે છે અને નવમ ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે.

ગુરુઃ ગુરુ તૃતીય અને ષષ્ઠસ્થાનનો અધિપતિ છે. ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે.

શુક્રઃ શુક્ર પ્રથમ અને અષ્ટમસ્થાનનો સ્વામી છે. અષ્ટમસ્થાનના અધિપતિ હોવા છતાં લગ્નાધિપતિ હોવાથી શુભ છે.

શનિઃ શનિ ચતુર્થ કેન્દ્રસ્થાન અને પંચમ ત્રિકોણસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાથી અશુભતા ગુમાવે છે અને ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે. તુલા લગ્ન માટે શનિ યોગકારક શુભફળદાયક ગ્રહ છે.

વૃશ્ચિક લગ્ન

સૂર્યઃ સૂર્ય દસમસ્થાનનો અધિપતિ છે. કેન્દ્રસ્થાનનો અધિપતિ હોવાથી અશુભતા ગુમાવે છે પરંતુ સંપૂર્ણપણે શુભ બની જતો નથી. વૃશ્ચિક લગ્ન માટે સૂર્ય તટસ્થ ગ્રહ તરીકે ફળ આપે છે.

ચન્દ્રઃ ચન્દ્ર નવમસ્થાનનો સ્વામી છે.ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે.

મંગળઃ મંગળ પ્રથમ અને ષષ્ઠભાવનો સ્વામી છે. લગ્નાધિપતિ હોવાથી શુભ બને છે જ્યારે ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ બને છે. આમ આ બેવડાં સ્વામીત્વને લીધે મંગળ તટસ્થ રહીને ફળ આપે છે.

બુધઃ બુધ અષ્ટમ અને એકાદશ ભાવનો સ્વામી છે. અષ્ટમેશ હોવા ઉપરાંત ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે.

ગુરુઃ ગુરુ દ્વિતીય અને પંચમસ્થાનનો અધિપતિ છે. દ્વિતીયસ્થાનના અધિપતિ તરીકે તટસ્થ છે. પરંતુ ત્રિકોણાધિપતિ પણ હોવાથી શુભ ફળ આપે છે.

શુક્રઃ શુક્ર સપ્તમ અને દ્વાદશ ભાવનો સ્વામી છે. દ્વાદશભાવના સ્વામી તરીકે તટસ્થ રહે છે અને તેની સાથે સંકળાયેલાં અન્ય ગ્રહો અનુસાર ફળ આપે છે. સપ્તમ કેન્દ્રસ્થાનના અધિપતિ તરીકે શુભતા ગુમાવે છે.

શનિઃ શનિ તૃતીય અને ચતુર્થસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાથી અશુભતા ગુમાવે છે પરંતુ સંપૂર્ણ શુભ બની જતો નથી. ત્રિષડાયાધિપતિ પણ હોવાથી શનિ અશુભ ફળ આપે છે.

ધનુ લગ્ન

સૂર્યઃ સૂર્ય નવમસ્થાનનો અધિપતિ છે. નવમ ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે.

ચન્દ્રઃ ચન્દ્ર અષ્ટમસ્થાનનો સ્વામી છે. ચન્દ્રને અષ્ટમેશ તરીકેનો દોષ લાગતો ન હોવાથી તટસ્થ રહીને ફળ આપે છે.

મંગળઃ મંગળ દ્વાદશ અને પંચમસ્થાનનો સ્વામી છે. દ્વાદદેશ તરીકે તટસ્થ છે. પરંતુ સાથે ત્રિકોણાધિપતિ પણ હોવાથી મંગળ શુભ ફળ આપે છે.

બુધઃ બુધ સપ્તમ અને દસમસ્થાનનો અધિપતિ છે. કેન્દ્રાધિપતિ હોવાથી શુભતા ગુમાવે છે અને તટસ્થ રહીને ફળ આપે છે.

ગુરુઃ ગુરુ પ્રથમ અને ચતુર્થ ભાવનો સ્વામી છે. લગ્નાધિપતિ હોવાથી શુભ બને છે. પરંતુ લગ્નસ્થાન એ ત્રિકોણસ્થાન હોવા ઉપરાંત કેન્દ્રસ્થાન પણ છે. કેન્દ્રસ્થાનોમાં લગ્નસ્થાન કરતાં ચતુર્થસ્થાન અધિક બળવાન છે. કેન્દ્રાધિપતિ દોષને લીધે ગુરુ શુભતા ગુમાવે છે પરંતુ અશુભ બની જતો નથી. ગુરુ તટસ્થ રહીને ફળ આપે છે.

શુક્રઃ શુક્ર ષષ્ઠ અને એકાદશ ભાવનો સ્વામી છે. ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે.

શનિઃ શનિ દ્વિતીય અને તૃતીયસ્થાનનો અધિપતિ છે. દ્વિતીયસ્થાનના સ્વામી તરીકે તટસ્થ રહે છે. પરંતુ ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે.

મકર લગ્ન

સૂર્યઃ સૂર્ય અષ્ટમસ્થાનનો અધિપતિ છે. સૂર્યને અષ્ટમેશ તરીકેનો દોષ લાગતો ન હોવાથી તટસ્થ રહીને ફળ આપે છે.

ચન્દ્રઃ ચન્દ્ર સપ્તમસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાને લીધે શુભતા ગુમાવે છે.

મંગળઃ મંગળ ચતુર્થ અને એકાદશ ભાવનો સ્વામી છે. ચતુર્થસ્થાનના સ્વામી તરીકે અશુભતા ગુમાવે છે પરંતુ શુભ બની જતો નથી. ત્રિષડાયાધિપતિ હોવાથી મંગળ અશુભ ફળ આપે છે.

બુધઃ બુધ ષષ્ઠ અને નવમસ્થાનનો અધિપતિ છે. ષષ્ઠ ભાવનો અધિપતિ હોવાથી અશુભ બને છે. પરંતુ ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે.

ગુરુઃ ગુરુ દ્વાદશ અને તૃતીયસ્થાનનો અધિપતિ છે. દ્વાદશ ભાવના સ્વામી તરીકે તટસ્થ રહે છે. પરંતુ ત્રિષડાયાધિપતિ પણ હોવાથી અશુભ ફળ આપે છે.

શુક્રઃ શુક્ર પંચમ અને દસમભાવનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાથી શુભતા ગુમાવે છે. પરંતુ ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે. શુક્ર કેન્દ્ર અને ત્રિકોણસ્થાનનો સ્વામી હોવાથી મકર લગ્ન માટે યોગકારક શુભ ગ્રહ છે.

શનિઃ શનિ પ્રથમ અને દ્વિતીયસ્થાનનો સ્વામી છે. દ્વિતીયસ્થાનના અધિપતિ તરીકે તટસ્થ છે. જ્યારે લગ્નાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે.

કુંભ લગ્ન

સૂર્યઃ સૂર્ય સપ્તમસ્થાનનો અધિપતિ છે. કેન્દ્રાધિપતિ હોવાથી અશુભતા ગુમાવે છે.

ચન્દ્રઃ ચન્દ્ર ષષ્ઠ ભાવનો સ્વામી છે. ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે.

મંગળઃ મંગળ તૃતીય અને દસમસ્થાનનો અધિપતિ છે. કેન્દ્રાધિપતિ હોવાથી અશુભતા ગુમાવે છે. પરંતુ ત્રિષડાયાધિપતિ હોવાથી મંગળ અશુભ ફળ આપે છે.

બુધ: બુધ પંચમ અને અષ્ટમસ્થાનનો અધિપતિ છે. અષ્ટમેશ તરીકે અશુભ છે અને ત્રિકોણાધિપતિ તરીકે શુભ છે. આમ છતાં બુધ સહેલાઈથી તેની સાથે સંકળાયેલાં ગ્રહોનાં પ્રભાવમાં આવી જતો હોવાથી કુંભ લગ્ન માટે બુધ તટસ્થ ગ્રહ છે.

ગુરુઃ ગુરુ દ્વિતીય અને એકાદશ ભાવનો સ્વામી છે. દ્વિતીયેશ તરીકે તટસ્થ રહે છે. પરંતુ ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે.

શુક્રઃ શુક્ર ચતુર્થ અને નવમ ભાવનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાથી શુભતા ગુમાવે છે. પરંતુ ત્રિકોણાધિપતિ હોવાથી શુભ બને છે. કેન્દ્ર અને ત્રિકોણનો સ્વામી હોવાથી કુંભ લગ્ન માટે શુક્ર યોગકારક ગ્રહ છે.

શનિઃ શનિ દ્વાદશ અને પ્રથમસ્થાનનો સ્વામી છે. દ્વાદદેશ તરીકે તટસ્થ રહે છે. પરંતુ લગ્નાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે.

મીન લગ્ન

સૂર્યઃ સૂર્ય ષષ્ઠ ભાવનો અધિપતિ છે. પરિણામે અશુભ ફળ આપે છે.

ચન્દ્રઃ ચન્દ્ર પંચમસ્થાનનો સ્વામી છે. ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે.

મંગળઃ મંગળ દ્વિતીય અને નવમ ભાવનો સ્વામી છે. દ્વિતીયેશ તરીકે તટસ્થ છે. પરંતુ નવમ ત્રિકોણાધિપતિ હોવાથી શુભ ફળ આપે છે.

બુધઃ બુધ ચતુર્થ અને સપ્તમસ્થાનનો સ્વામી છે. કેન્દ્રાધિપતિ હોવાથી શુભતા ગુમાવે છે.

ગુરુઃ ગુરુ પ્રથમ અને દસમસ્થાનનો સ્વામી છે. લગ્નાધિપતિ તરીકે શુભ બને છે. પરંતુ દસમ કેન્દ્રાધિપતિ તરીકે શુભતા ગુમાવે છે. પરિણામે ગુરુ તટસ્થ રહીને ફળ આપે છે.

શુક્રઃ શુક્ર તૃતીય અને અષ્ટમસ્થાનનો અધિપતિ છે. અષ્ટમેશ અને ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે.

શનિઃ શનિ એકાદશ અને દ્વાદશ ભાવનો સ્વામી છે. દ્વાદદેશ તરીકે તટસ્થ રહે છે. પરંતુ ત્રિષડાયાધિપતિ હોવાથી અશુભ ફળ આપે છે.

ટિપ્પણીઓ

Prabodh R Bhatt એ કહ્યું…
આજે યોગનુ યોગ તમરો બ્લોગ વાં્ચવા નો મોકો મળ્યો બહુ જ સ્પસ્ટ અને સરળ રજુઆત છે. અને આકર્ષક લખાણ. મે થોડા સમય પહેલા જ્યોતિશ શીખવા નુ સરુ કરેલ પણ સમય ના અભાવે છોડવુ પડ્યુ પણ આજે બ્લોગ જોય પછી પાછો એ જ શીખવા નો તરવરાટ અનુભવુ છુ. ખુબ ખુબ આભર આપનો આટલુ સરસ, સુન્દર અને સરળ માર્ગદર્શન પિરસવા બદલ..
Vinati Davda એ કહ્યું…
@Prabodh Bhatt, આપને મારો બ્લોગ ગમ્યો તે જાણીને આનંદ થયો. આશા રાખું છું કે આપને જ્યોતિષ શીખવામાં બ્લોગ પરનાં લેખો મદદરૂપ થશે.
VibhutiGanesh એ કહ્યું…
આપની વેબસાઈટ મને ગમી છે અને મેં મારી ગુજરાતી જ્યોતિષની સાઈટ ઉપર તેની લીંક મૂકી છે. જે આપની જાન ખાતર.

http://www.gujjujyotish.com/gujsites

- વિભુતિગણેશ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા