તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો

ગ્રહોને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યાં છે. નૈસર્ગિક શુભ-અશુભ ગ્રહો અને તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો.

નૈસર્ગિક શુભ-અશુભ ગ્રહો

શુક્ર, ગુરુ, એકલો અથવા શુભગ્રહોથી યુક્ત બુધ અને શુક્લ પક્ષનો ચન્દ્ર નૈસર્ગિક શુભ ગ્રહો છે. જ્યારે મંગળ, શનિ, સૂર્ય, રાહુ, કેતુ, પાપગ્રહોથી યુક્ત બુધ અને કૃષ્ણ પક્ષનો ચન્દ્ર નૈસર્ગિક અશુભ ગ્રહો છે. નૈસર્ગિક શુભ કે અશુભ ગ્રહો દરેક કુંડળીમાં સમાન રહે છે.

તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો

વ્યક્તિગત કુંડળીમાં ગ્રહ કોઈ ચોક્ક્સ સ્થાનનો સ્વામી થવાથી તેની નૈસર્ગિક શુભતા અથવા અશુભતામાં પરિવર્તન આવે છે અને તે તાત્કાલિક શુભ કે અશુભ બને છે. આમ તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો કુંડળીમાં ગ્રહોનાં સ્થાનોનાં આધિપત્યને આધારે નક્કી કરવામાં આવે છે. પ્રત્યેક જન્મલગ્ન પરત્વે ગ્રહોની શુભતા અને અશુભતા બદલાતી રહે છે. તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો નક્કી કરવાં માટે મહર્ષિ પરાશરે બૃહત પરાશર હોરા શાસ્ત્રમાં કેટલાંક મૂળભૂત સિદ્ધાંતો આપ્યા છે જે નીચે મુજબ છે.

૧. જો નૈસર્ગિક શુભ (સૌમ્ય) ગ્રહ કેન્દ્રસ્થાનોનો (૧, ૪, ૭, ૧૦) સ્વામી થતો હોય તો તે પોતાની નૈસર્ગિક શુભતા ગુમાવે છે અને જો નૈસર્ગિક અશુભ (ક્રૂર) ગ્રહ કેન્દ્રસ્થાનોનો સ્વામી થતો હોય તો તે પોતાની નૈસર્ગિક અશુભતા ગુમાવે છે.

અહીં યાદ રાખવું જોઈએ કે નૈસર્ગિક શુભ ગ્રહ કેન્દ્રસ્થાનનો સ્વામી થવાથી અશુભ બની જતો નથી. પરંતુ ફકત પોતાની શુભતા ગુમાવે છે એટલે કે તેની શુભ હોવાની તીવ્રતા ઘટે છે. આમ છતાં તે ઓછી તીવ્રતા સાથેનો શુભ ગ્રહ જ બની રહે છે. આ જ રીતે નૈસર્ગિક અશુભ ગ્રહનું સમજવું. નૈસર્ગિક અશુભ ગ્રહ કેન્દ્રસ્થાનનો સ્વામી થવાથી શુભ બની જતો નથી. પરંતુ ફક્ત તેની અશુભ હોવાની તીવ્રતા ઘટે છે. આ ઉપરાંત મહર્ષિ પરાશર એમ પણ કહે છે કે નૈસર્ગિક અશુભ ગ્રહ ફક્ત કેન્દ્રસ્થાનનો સ્વામી હોવાથી શુભ બની જતો નથી. જ્યારે તે કેન્દ્રસ્થાનનો સ્વામી હોવાની સાથે ત્રિકોણસ્થાનનો સ્વામી પણ હોય ત્યારે જ શુભ ફળ આપે છે.

શુભ ગ્રહોમાં શુક્લ પક્ષનો ચન્દ્ર, બુધ, ગુરુ અને શુક્ર એ ઉત્તરોત્તર બળવાન છે. અશુભ ગ્રહોમાં કૃષ્ણ પક્ષનો ચન્દ્ર, સૂર્ય, શનિ અને મંગળ એ ઉત્તરોત્તર બળવાન છે. કેન્દ્રાધિપતિ હોવાના દોષને લીધે બળવાન શુભ ગ્રહ સૌથી વધુ શુભતા ગુમાવે છે. આથી જ જ્યારે ગુરુ કે શુક્રને કેન્દ્રાધિપતિ હોવાનો દોષ લાગ્યો હોય ત્યારે તેઓ વધુ શુભતા ગુમાવે છે. જ્યારે ચન્દ્ર અને બુધ કેન્દ્રાધિપતિ હોવાથી પ્રમાણમાં ઓછી શુભતા ગુમાવે છે.

૨. ત્રિકોણ સ્થાનોના (૧, ૫, ૯) સ્વામીઓ હંમેશા શુભ ફળ જ આપે છે.

૩. લગ્નસ્થાનનો સમાવેશ કેન્દ્ર અને ત્રિકોણ બંનેમાં થાય છે. આથી લગ્નાધિપતિ મહા શુભ બને છે.

૪. ત્રિષડાય સ્થાનના (૩, ૬, ૧૧) સ્વામીઓ અશુભ બને છે.

૫. દ્વાદશ, દ્વિતીય અને અષ્ટમસ્થાનનાં સ્વામીઓ અન્ય સ્થાનાધિપતિઓ સાથે સંકળાઈને તેમનાં મુજબ શુભ કે અશુભ રીતે વર્તે છે. આ ઉપરાંત તેઓ પોતાની બીજી રાશિના સ્થાન અનુસાર ફળ આપે છે.

૬. અષ્ટમસ્થાન એ નવમસ્થાનથી દ્વાદશ ભાવ છે. એટલે કે તે ભાગ્યનું વ્યયકારક સ્થાન છે. આથી અષ્ટમ ભાવનો સ્વામી અશુભ ફળ આપે છે. જો અષ્ટમસ્થાનનો સ્વામી ત્રિષડાય સ્થાનનો (૩, ૬, ૧૧) સ્વામી પણ થતો હોય તો અશુભ ફળ આપે છે. પરંતુ જો અષ્ટમસ્થાનનો સ્વામી ત્રિકોણસ્થાનનો  (૧, ૫, ૯) સ્વામી પણ થતો હોય તો શુભ ફળ આપે છે. સૂર્ય અને ચન્દ્ર અષ્ટમસ્થાનના સ્વામી થવાથી અશુભ ફળ આપતાં નથી.

૭. જ્યારે કોઈ ગ્રહ અધિક બળવાન સ્થાનનો અધિપતિ હોય ત્યારે તે ઓછાં બળવાન સ્થાનનાં અધિપતિ કરતાં વધુ પ્રભાવ ધરાવે છે.

ફળ આપવામાં ત્રિકોણસ્થાનોમાં લગ્ન કરતાં પંચમ અને પંચમ કરતાં નવમસ્થાન અધિક બળવાન છે. ત્રિષડાય સ્થાનોમાં તૄતીયસ્થાન કરતાં ષષ્ઠ અને ષષ્ઠ કરતાં એકાદશ અધિક બળવાન છે. કેન્દ્રસ્થાનોમાં લગ્નથી ચતુર્થ, ચતુર્થથી સપ્તમ અને સપ્તમથી દસમસ્થાન અધિક બળવાન છે. આ જ પ્રકારે દ્વાદશ કરતાં દ્વિતીય અને દ્વિતીય કરતાં અષ્ટમસ્થાન અધિક બળવાન છે.

૮. જ્યારે કોઈ ગ્રહ કેન્દ્ર અને ત્રિકોણ - એ બંને સ્થાનનો સ્વામી થાય છે ત્યારે તે ગ્રહ પરમ યોગકારક બને છે અને શુભ ફળ આપે છે.

૯. રાહુ અને કેતુ જે સ્થાનના સ્વામી સાથે રહેલાં હોય અથવા જે સ્થાન સ્થિત હોય તે અનુસાર ફળ આપે છે.

એક નિયમ એવો પણ છે કે કોઈ ગ્રહ જ્યારે બે સ્થાનોનો સ્વામી થતો હોય ત્યારે તે ગ્રહની મૂળત્રિકોણ રાશિ જે સ્થાન સ્થિત હોય તેનું ફળ વધારે આપશે. દા.ત. મિથુન લગ્નમાં શનિ અષ્ટમેશ અને નવમેશ છે. શનિની મૂળત્રિકોણ રાશિ કુંભ છે. જે નવમ સ્થાન સ્થિત છે. આથી શનિ શુભફળ વધારે અને અશુભ ફળ ઓછું આપશે.

જન્મલગ્નથી અષ્ટમસ્થાન અને અષ્ટમ થી અષ્ટમ એટલે કે તૃતીયસ્થાન આયુસ્થાનો છે. અષ્ટમસ્થાન અને તૄતીયસ્થાનથી બારમે રહેલાં સ્થાનો એટલે કે દ્વિતીય અને સપ્તમસ્થાન આયુની હાનિ/મૃત્યુ સૂચવે છે. દ્વિતીય અને સપ્તમસ્થાન મારક સ્થાનો કહેવાય છે અને તેમનાં અધિપતિ મારકેશ તરીકેનું ફળ આપે છે.

હવે પછી આપણે પ્રત્યેક જન્મલગ્નમાં તાત્કાલિક શુભ-અશુભ ગ્રહો ક્યાં છે તે જાણીશું.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

ચોઘડિયાં અને હોરા