વાસ્તુશાસ્ત્રના આધારે શયનખંડની રચના

આપણે આપણા જીવનનો સરેરાશ ત્રીજા ભાગ જેટલો સમય સૂવામાં વિતાવીએ છીએ. આથી આપણા સૂવાનું સ્થળ એટલે કે ઘરનો શયનખંડ આપણા જીવનનો મહત્વનો ભાગ બની રહે છે. સમગ્ર દિવસની વ્યસ્તતા અને દોડધામને અંતે શાંત નિદ્રા થકી ફરી તાજગી અને સ્ફૂર્તિ મેળવવા માટે સકારાત્મક ઉર્જા ધરાવતો શયનખંડ હોવો અત્યંત જરૂરી બની જાય છે. વાસ્તુશાસ્ત્રનાં આધારે શયનખંડમાં કઈ રીતે સકારાત્મક ઉર્જાની અનુભૂતિ કરી શકાય તે જોઈએ.

* મુખ્ય શયનખંડ માટે નૈઋત્ય કોણ(દક્ષિણ-પશ્ચિમ) આદર્શ છે. અન્ય શયનખંડો મુખ્ય શયનખંડની પૂર્વ અથવા ઉત્તર દિશાએ બનાવી શકાય. મુખ્ય શયનખંડનો ઉપયોગ ઘરની મુખ્ય વ્યક્તિ એટલે કે પિતા અથવા સૌથી મોટા પુત્રએ કરવો જોઈએ. જો ઘરમાં એક કરતા વધુ માળ હોય તો મુખ્ય વ્યક્તિએ ઉપલા માળે રહેલાં શયનખંડનો ઉપયોગ કરવો જોઈએ. ઘરના મોટા પુત્ર માટે દક્ષિણ દિશાનો શયનખંડ યોગ્ય રહે છે. નવદંપતી અથવા નાના પુત્ર માટે પશ્ચિમ દિશાનો શયનખંડ યોગ્ય રહે છે. વાયવ્ય કોણમાં(ઉત્તર-પશ્ચિમ) માત્ર અતિથિ માટે શયનખંડ બનાવવો જોઈએ. આ સિવાય વાયવ્ય કોણનો શયનખંડ વિવાહયોગ્ય પુત્રી માટે શુભ છે. બાળકો માટે પશ્ચિમ દિશાનો શયનખંડ ઉચિત રહે છે. આ સિવાય જો ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર) કે પૂર્વ દિશામા શયનખંડ હોય તો તેનો ઉપયોગ માત્ર નાના બાળકો માટે કરવો જોઈએ.

* શયનખંડનું પ્રવેશદ્વાર ઉત્તર અથવા પૂર્વ દિશામાં શુભ ગણાય છે. દ્વાર પૂરું ઉઘડતું હોવું જોઈએ. અર્ધ ઉઘડતું કે પૂરું નહિ ઉઘડતું દ્વાર અશુભ ગણાય છે.

* પલંગને દક્ષિણ અને પશ્ચિમ દીવાલોથી થોડું અંતર રાખીને ગોઠવવો જોઈએ. પ્રવેશદ્વારની બિલકુલ સામે પલંગ ન આવે તેનું ધ્યાન રાખવું. ખૂણામાં દીવાલોને અડીને પલંગ ન રાખવો જોઈએ.

* બીમની નીચે પલંગ ન આવે તેનું ધ્યાન રાખવું.

* કાષ્ઠથી બનેલો અને લંબચોરસ આકારનો પલંગ ઉત્તમ ગણાય છે. ધાતુથી બનેલા અને અન્ય આકારના પલંગનો ઉપયોગ ટાળવો જોઈએ.

* ડબલ બેડ હોય તો બે ગાદલા નહિ રાખતા તેના માપનું એક જ ગાદલું રાખવું જોઈએ.

* જો પલંગની નીચે વસ્તુઓ સંગ્રહ કરવાની જગ્યા(Box Bed) હોય તો તે હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ. તેમાં ધાતુની બનેલી વસ્તુઓનો સંગ્રહ ન કરવો જોઈએ. પલંગની નીચે પગરખાં ક્યારેય ન રાખવા.

* સૂતી વખતે માથું દક્ષિણ દિશા તરફ રહે તે શ્રેષ્ઠ ગણાય છે. આ સિવાય પશ્ચિમ દિશા તરફ માથું રાખી શકાય. ઉત્તર દિશા તરફ માથું રાખીને ક્યારેય ન સૂવું જોઈએ.

* અલમારીઓ દક્ષિણ અને પશ્ચિમ દિશામાં રાખવી. ધાતુની બનેલી ભારે અલમારીઓ નૈઋત્ય કોણમાં રાખવી. કાષ્ઠની બનેલી હળવી અલમારીઓ વાયવ્ય કોણમાં રાખી શકાય.

* તિજોરી અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ-દસ્તાવેજો નૈઋત્ય કોણમાં એ રીતે રાખવા કે જેથી દરવાજો કુબેરની ઉત્તર દિશા તરફ ખુલે.

* ડ્રેસિંગ ટેબલ અથવા દર્પણ ઉત્તર કે પૂર્વ દિશામાં રાખી શકાય. પલંગની બિલકુલ સામે ડ્રેસિંગ ટેબલ કે દર્પણ ન આવે તેનું ધ્યાન રાખવું. જો એ શક્ય ન હોય તો સૂતી વખતે દર્પણને પડદાથી ઢાંકી દેવું જોઈએ.

* શક્ય હોય ત્યાં સુધી શયનખંડમાં ટીવી ન રાખવું જોઈએ. જો શયનખંડમાં ટીવી રાખો તો તે અગ્નિ કોણમાં(પૂર્વ-દક્ષિણ) રાખવું.  વિદ્યુતથી ચાલતા અન્ય ઉપકરણો પણ અગ્નિ કોણમાં રાખવા.

* એ.સી અને કૂલરને પશ્ચિમી દીવાલે વાયવ્ય કોણમાં રાખવા જોઈએ.

* જો એટેચ્ડ બાથરૂમ બનાવવાનું હોય તો તે વાયવ્ય કોણમાં બનાવવું જોઈએ.

* નકારાત્મકતા દર્શાવતા ચિત્રો  તેમજ ધાર્મિક ચિત્રો કે મૂર્તિઓ શયનખંડમાં ન રાખવી જોઈએ.

* શયનખંડમાં માછલીઘર રાખવું પણ અશુભ ગણાય છે.

* શયનખંડમાં અત્યંત ઝળહળતી કે અત્યંત ઝાંખી પ્રકાશ વ્યવસ્થા ન હોવી જોઈએ. રાત્રે સંપૂર્ણ અંધકારમાં ન સૂતાં નાઈટ લેમ્પ ચાલુ રાખવો જોઈએ.

* શયનખંડની દીવાલો પર આછા ગુલાબી અને આછા ભૂરાથી લઈને જાંબલી સુધીના રંગો કરી શકાય.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર