વાસ્તુશાસ્ત્રને આધારે દીવાનખંડની રચના

* દીવાનખંડ પૂર્વ, ઉત્તર કે ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર) બનાવવો ઉચિત ગણાય છે.
* દીવાનખંડની ફર્શનો ઢોળાવ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવો જોઈએ.
* દીવાનખંડની પૂર્વ કે ઉત્તર દિશા તરફ દરવાજો હોવો શુભ છે. બારીઓ પણ શક્ય હોય તેટલી પૂર્વ અને ઉત્તર દિશા તરફ હોવી જોઈએ.
* દીવાનખંડમાં ફર્નીચર ચોરસ અથવા લંબચોરસ આકારનું હોવું જોઈએ. ગોળાકાર, અંડાકાર કે અન્ય અનિયમિત આકારનું ન હોવું જોઈએ.
* ફર્નીચર દક્ષિણ અને પશ્ચિમ દિશાની દીવાલોએ ગોઠવવું જોઈએ. પૂર્વ અને ઉત્તર તરફની દીવાલોએ ન રાખવું જોઈએ. જગ્યાના અભાવે જો પૂર્વ અને ઉત્તરની દીવાલોએ ફર્નીચર રાખવું પડે તેમ હોય તો તે વજનમાં હલકું હોવું જોઈએ અને દીવાનખંડની ફર્શના સીધા સંપર્કમાં ન આવે તે રીતે રાખવું જોઈએ.
* ભારતીય બેઠક વ્યવસ્થા પૂર્વ, ઉત્તર કે પશ્ચિમ દિશામાં કરી શકાય.
* બીમની નીચે બેઠક વ્યવસ્થા ન આવે તેનો ખ્યાલ રાખવો જોઈએ.
* ભારે રાચરચીલું, ભારે સામાન કે ભારે મૂર્તિઓ દક્ષિણ અથવા પશ્ચિમ દિશા તરફ રાખવી જોઈએ.
* દીવાનખંડનો ઇશાન કોણ અને બ્રહ્મસ્થાન એટલે કે મધ્ય ભાગ ખાલી રાખવો જોઈએ.
* દીવાનખંડમાં બેઠક વ્યવથા એવી હોવી જોઈએ કે ઘરની મુખ્ય વ્યક્તિ નૈઋત્ય કોણમાં(દક્ષિણ-પશ્ચિમ) બેસી શકે અને તેમનું મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રહે. આગંતુક વાયવ્ય કોણમાં(ઉત્તર-પશ્ચિમ) બેસી શકે અને તેમનું મુખ પશ્ચિમ કે દક્ષિણ દિશા તરફ રહે.
* દીવાનખંડમાં ઘડિયાળ પૂર્વ, ઉત્તર અથવા પશ્ચિમી દીવાલે લગાવવી જોઈએ.
* ટી.વીને અગ્નિ કોણમાં(પૂર્વ-દક્ષિણ) રાખવું. ટી.વી. જોતી વખતે મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રહે તે રીતે બેઠક વ્યવથા હોવી જોઈએ. ટી.વી. જો વાયવ્ય કોણમાં રાખવામાં આવશે તો વધુ લાંબા સમય સુધી જોવાશે અને પરિવારના સભ્યોનો કીંમતી સમય વેડફાશે. જો નૈઋત્ય કોણમાં રાખવામાં આવશે તો વારંવાર બગડી જવાની સંભાવના રહેશે.
* વિદ્યુતથી ચાલતા ઉપકરણો અગ્નિ કોણમાં રાખવા. ઈલેકટ્રીક સ્વીચ બોર્ડ તથા મીટર જો અંદર રાખવાનું હોય તો અગ્નિ કોણમાં રાખવું જોઈએ.
* એ.સી અને કૂલરને અગ્નિ કોણમાં નહિ પરંતુ વાયવ્ય કોણમાં અથવા પશ્ચિમી દીવાલે રાખવા જોઈએ.
* ફોન, ફેક્સ, મોબાઇલ જેવા સંદેશ વ્યવહારનાં સાધનો પણ વાયવ્ય કોણમાં રાખવા જોઈએ.
* ઝુમ્મરને છતની મધ્યમાં ન લગાવતા સહેજ પશ્ચિમ તરફ લગાવવું જોઈએ.
* નાના પાણીના ફુવારાઓ તથા માછલીઘર ઇશાન કોણમાં અથવા ઉત્તર કે પૂર્વ દિશા તરફ રાખી શકાય.
* દીવાનખંડમાં જો સીડી બનાવવાની હોય તો દક્ષિણ, પશ્ચિમ કે નૈઋત્ય કોણમાં બનાવવી જોઈએ.
* દીવાલો તથા લાદીનો રંગ સફેદ, પીળો, આછો ભૂરો અથવા આછો લીલો રાખી શકાય. લાલ અને કાળા રંગનો ઉપયોગ ન કરવો. આછા રંગોની પસંદગી કરવી.
* પશુ-પક્ષી, સ્ત્રીઓ, યુદ્ધ, રડતાં બાળકો, મૃત્યુ, હતાશા કે અન્ય નકારાત્મકતા દર્શાવતા ચિત્રો દીવાનખંડમાં ન લગાવવા જોઈએ.
* દીવાનખંડની ઉત્તર દીવાલે ઝરણાનું કે જળને દર્શાવતું ચિત્ર લગાવી શકાય. પૂર્વ દીવાલે ઉગતા સૂર્યનું, પ્રભાતનું ચિત્ર લગાવી શકાય. દક્ષિણ તથા પશ્ચિમ દીવાલે નવીન પ્રકારના ચિત્રો અથવા ઊંચા પર્વતો કે ઊંચા વૃક્ષોના ચિત્રો કે જે તાકાત અને મજબૂતાઈનો સંકેત કરતા હોય તે લગાવી શકાય. ઇશાન કોણમાં દેવી-દેવતાઓનાં કે ધાર્મિક ચિત્રો લગાવી શકાય.
* દીવાનખંડમાં ઝળહળતી પ્રકાશ વ્યવસ્થા હોવી જોઈએ.
ટિપ્પણીઓ