ગ્રહોનાં સંબંધ

ગ્રહોનાં સંબંધ ચાર પ્રકારે થાય છે.

૧. યુતિ

કોઈ પણ બે ગ્રહો જ્યારે એક જ રાશિમાં સ્થિત હોય ત્યારે તે બે ગ્રહોની યુતિ થઇ કહેવાય. આપણે અગાઉ જોયું હતું કે ગ્રહ બીજાની હાજરીથી પ્રભાવિત થાય છે અને પોતાની હાજરીથી બીજાને પ્રભાવિત કરે છે. જયારે બે ગ્રહો યુતિ કરે છે ત્યારે તેઓ ઘણાં અંશે એકબીજાને પ્રભાવિત કરે છે. જેટલું અંતર ઓછું તેટલો પ્રભાવ વધારે.

આ ઘટનાને પતિ-પત્નીના સંબંધનાં ઉદાહરણ દ્વારા સમજીએ. જયારે બે અજાણી વ્યક્તિઓ લગ્નસંબંધમાં બંધાઇને એક જ ઘરમાં સાથે રહેવાનું શરૂ કરે છે ત્યારે તે બંને એકબીજાની પ્રકૃતિ અને આદતોથી અસર પામે છે. પતિની કેટલીક આદતો પત્ની ગ્રહણ કરી લે છે અને પત્નીની કેટલીક આદતો પતિ ગ્રહણ કરી લે છે. બંનેના સ્વભાવમાં પણ એકબીજાની હાજરીથી બદલાવ આવે છે. આવું જ કંઈક બે ગ્રહોની યુતિ થવાથી થાય છે.

બે ગ્રહો જ્યારે એક જ રાશિમાં સાથે રહીને યુતિ કરે ત્યારે તેઓ એકબીજાની પ્રકૃતિ અને કારકત્વથી અસર પામે છે. ગ્રહ જે ભાવનો સ્વામી હોય તે ભાવને લગતી બાબત પર પણ યુતિમાં સાથે રહેલા ગ્રહનો પ્રભાવ પડે છે. વળી જયારે એક ગ્રહ બે ભાવનો સ્વામી હોય ત્યારે એક અટપટું સંયોજન પેદા થાય છે. આ યુતિ જે ભાવ અને રાશિમાં થતી હોય તે ભાવ અને રાશિનો પ્રભાવ પણ આ ગ્રહો પર પડે છે.

બે ગ્રહો જ્યારે એક રાશિમાં ૧૨ અંશ કે તેથી ઓછાં અંતરે હોય ત્યારે યુતિનું સૌથી વધુ ફળ મળે છે. આમ છતાં બે ગ્રહો વચ્ચે એક અંશ કરતાં પણ ઓછું અંતર હોય ત્યારે તે અશુભ ગણાય છે. ઉપરાંતમાં જ્યારે કોઈ ગ્રહ સૂર્યથી આશરે ૧૦ અંશ નજીક હોય ત્યારે સૂર્યનાં તેજથી પ્રભાવિત થઈને અસ્ત થઇ જાય છે. (જુઓ ગ્રહોનો અસ્ત)

૨. પરસ્પર દ્રષ્ટિ યોગ

ગ્રહો પરસ્પર એકબીજા પર દ્રષ્ટિ કરીને વધુ એક રીતે એકબીજાને પ્રભાવિત કરે છે. આ રીતે દ્રષ્ટિ કરીને ગ્રહ પોતાની પ્રકૃતિ, કારકત્વ અને સ્વામીત્વને લગતી બાબતોની બીજાં ગ્રહ સાથે આપ-લે કરે છે. પ્રત્યેક ગ્રહ પોતાનાથી સપ્તમ સ્થાનમાં રહેલી રાશિ અને ગ્રહ પર દ્રષ્ટિ કરે છે. આથી સામાન્ય રીતે જયારે ગ્રહો એકબીજાથી સપ્તમ સ્થાનમાં હોય ત્યારે પરસ્પર દ્રષ્ટિ યોગ રચાય છે. પરંતુ મંગળથી શનિ ચોથે હોતાં મંગળ અને શનિ વચ્ચે પણ પરસ્પર દ્રષ્ટિ યોગ રચાય છે.

૩. એકપક્ષીય દ્રષ્ટિ યોગ

એક ગ્રહની બીજાં ગ્રહ પર દ્રષ્ટિ હોય પરંતુ બીજાં ગ્રહની દ્રષ્ટિ પ્રથમ ગ્રહ પર ન હોય ત્યારે આ યોગ રચાય છે. આ યોગમાં ગ્રહ પોતાની પ્રકૃતિ, કારકત્વ અને સ્વામીત્વને લગતી બાબતોનું બીજાં ગ્રહ પર વહન કરે છે. બહિર્વર્તી ગ્રહો મંગળ, ગુરુ અને શનિ પોતાના સ્થાનથી સપ્તમ સ્થાન ઉપરાંત વધારાની દ્રષ્ટિ ધરાવતા હોવાથી તેમના દ્રષ્ટિ કરવાને લીધે આ યોગ રચાય છે.

૪. પરિવર્તન યોગ

જયારે એક ગ્રહ બીજાં ગ્રહની રાશિમાં અને બીજો ગ્રહ પ્રથમ ગ્રહની રાશિમાં સ્થિત હોય ત્યારે પરિવર્તન યોગ રચાય છે. દા.ત. શુક્ર ધનુ રાશિ સ્થિત હોય અને ગુરુ વૃષભ રાશિ સ્થિત હોય. પરિવર્તન યોગમાં રહેલા ગ્રહો સ્વરાશિ સ્થિત હોય તે રીતે વર્તે છે. આ બાબતનું ઉદાહરણ આપીને સમજાવું તો ધારોકે બે મિત્રો અલગ -અલગ શહેરમાં પોતાનું ઘર ધરાવે છે. કોઈ કારણોસર બંનેને એકબીજાના શહેરમાં રહેવાનું થયું હોવાથી એક મિત્ર બીજાં મિત્રના ઘરમાં રહે છે જ્યારે બીજો મિત્ર પ્રથમ મિત્રના ઘરમાં રહે છે. અહી બંને મિત્રો એકબીજાના ઘરમાં રહેતા હોવાથી બંને બીજાના ઘરની પોતાના ઘરની માફક જ સંભાળ રાખશે અને નુકસાન પહોંચાડવાનો વિચાર નહિ કરે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર