ગ્રહોનું બળ

ગ્રહ જ્યારે જન્મકુંડળીમાં શુભ રીતે સ્થિત હોય ત્યારે તે ગ્રહનાં શુભ અને સકારાત્મક ગુણો પ્રગટ થાય છે. આ જ ગ્રહ જ્યારે કુંડળીમાં દૂષિત થઈને અશુભ રીતે સ્થિત હોય ત્યારે ગ્રહની અનિચ્છનીય અને અશુભ બાજુ પ્રગટ થાય છે. કોઈ ગ્રહ કેટલી તીવ્રતાથી શુભ કે અશુભ ગુણોને પ્રગટ કરશે અથવા એક ગ્રહની સરખામણીમાં બીજો ગ્રહ કેટલાં પ્રમાણમાં શુભ કે અશુભ છે તે નક્કી કરવા માટે ગ્રહોનું બળ માપવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં આ માટે એક વિસ્તૃત અને અટપટી પધ્ધતિ વર્ણવામાં આવી છે જે ષડબળ તરીકે ઓળખાય છે. સંસ્કૃતમાં ષડ એટલે કે છ. આમ આ પધ્ધતિ છ ઘટકોની બનેલી છે. દરેક ઘટક વિશિષ્ટ રીતે ગ્રહોનું બળ માપે છે. ષડબળ માપવાનું જ્યોતિષ પરિમાણ વિરૂપા છે.

ષડબળમાં બળવાન બનનાર ગ્રહ પોતાના કારકત્વને લગતી બાબતોનું સંપૂર્ણ ફળ આપે છે. તે જે ભાવનો સ્વામી હોય તે ભાવને બળવાન બનાવે છે. જયારે ગ્રહ ષડબળમાં નિર્બળ બને છે ત્યારે તેનાં કારકત્વને લગતી બાબતોનું સંપૂર્ણ ફળ મળતું નથી. તે ગ્રહને લગતી બાબતો જીંદગીમાં અનુભવવા મળતી નથી અને સ્વપ્નાઓ કે ઈચ્છાઓનાં સ્વરૂપમાં અધૂરી રહી જાય છે. પાપગ્રહ ષડબળમાં બળવાન બને છે ત્યારે તેની અશુભ ફળ આપવાની ક્ષમતા વધી જાય છે. જ્યારે શુભ ગ્રહ ષડબળમાં બળવાન બનવાથી અત્યંત શુભ ફળ આપે છે. આથી જ પાપગ્રહનું ષડબળમાં નિર્બળ હોવું શુભ છે અને શુભ ગ્રહનું ષડબળમાં બળવાન હોવું શુભ છે.

ષડબળના છ ઘટકો અન્ય પેટા ઘટકો ધરાવે છે. આથી જ ષડબળ માપવાની આ પધ્ધતિ વિસ્તૃત અને અટપટી છે. આપણે અહીં ટૂંકમાં આ છ ઘટકો જોઈશું.

૧. સ્થાનબળ

સ્થાનબળ કુંડળીમાં ગ્રહની રાશિને આધારે નક્કી કરવામાં આવે છે. કોઈ પણ ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ, મૂળત્રિકોણ રાશિ, સ્વરાશિ, મિત્ર રાશિ, પોતાનાં દ્રેષ્કાણમાં અને પોતાનાં નવમાંશમાં હોય તો તે સ્થાનબળ મેળવે છે. સ્ત્રી ગ્રહો સ્ત્રી રાશિમાં(સમ) બળવાન બને છે અને પુરુષ તથા સમગ્રહો પુરુષ રાશિમાં(વિષમ) બળવાન બને છે. સ્થાનબળ અન્ય પાંચ પેટા બળ ધરાવે છે. (૧) ઉચ્ચ બળ, (૨) સપ્તવર્ગ બળ, (૩) ઓજ યુગ્મ રાશિ અંશ બળ, (૪) કેન્દ્રાદિ બળ, (૫) દ્રેષ્કાણ બળ.

૨. દિગ્બળ

દિગ્બળ કુંડળીમાં ગ્રહની દિશાને આધારે નક્કી કરવામાં આવે છે. જન્મકુંડળીમાં પ્રથમ ભાવને પૂર્વ દિશા, ચતુર્થ ભાવને ઉત્તર દિશા, સપ્તમ ભાવને પશ્ચિમ દિશા અને દસમ ભાવને દક્ષિણ દિશા ગણવામાં આવે છે. બુધ અને ગુરુ પૂર્વ દિશામાં જન્મલગ્નમાં બળવાન બને છે. ચન્દ્ર અને શુક્ર ઉત્તર દિશામાં ચતુર્થ ભાવમાં બળવાન બને છે. શનિ પશ્ચિમ દિશામાં સપ્તમ સ્થાનમાં બળવાન બને છે. સૂર્ય અને મંગળ દક્ષિણ દિશામાં દસમ ભાવમાં બળવાન બને છે.

૩. કાળબળ

કાળબળ જન્મના સમય સાથે સંબંધ ધરાવે છે. દિવસે જન્મ હોય તો સૂર્ય, ગુરુ અને શુક્ર બળવાન બને છે. રાત્રે જન્મ હોય તો ચન્દ્ર, મંગળ અને શનિ બળવાન બને છે. બુધ દિવસે તથા રાત્રે બંને સમયે બળવાન હોય છે. શુક્લ પક્ષમાં શુભ ગ્રહો જેવા કે પૂર્ણ ચન્દ્ર, ગુરુ, શુક્ર તથા પાપગ્રહની યુતિ કે દ્રષ્ટિ સિવાયનો બુધ બળવાન હોય છે. કૃષ્ણ પક્ષમાં પાપગ્રહો જેવા કે ક્ષીણ ચન્દ્ર, સૂર્ય, મંગળ, શનિ તથા પાપગ્રહ યુક્ત બુધ બળવાન હોય છે. કાળબળ છ પેટા બળ ધરાવે છે. (૧) નત-ઉન્‍નત બળ, (૨) પક્ષ બળ, (૩) ત્રિભાગ બળ, (૪) વર્ષ, માસ, દિન, હોરા બળ, (૫) અયન બળ, (૬) યુધ્ધ બળ

૪. નૈસર્ગિક બળ

નૈસર્ગિક બળ ગ્રહોનાં કુદરતી તેજસ્વી સ્વરૂપ અથવા દ્રષ્ટિગોચરતાને આધારે નક્કી કરવામાં આવે છે. જેમ કે સૂર્ય એ સૌથી તેજસ્વી અને ચળકતો ગ્રહ છે. આથી બધાં ગ્રહોમાં સૂર્ય સૌથી વધુ બળવાન બને છે. ત્યારબાદ ચન્દ્ર, શુક્ર, ગુરુ, બુધ, મંગળ અને શનિ એ ક્રમમાં ગ્રહો બળવાન બને છે.

૫. દ્રિગ્બળ

દ્રિગ્બળ ગ્રહ પર અન્ય ગ્રહોની દ્રષ્ટિને આધારે નક્કી કરવામાં આવે છે. પાપગ્રહની દ્રષ્ટિ ગ્રહને નિર્બળ બનાવે છે. જ્યારે શુભ ગ્રહની દ્રષ્ટિ ગ્રહને બળવાન બનાવે છે.

૬. ચેષ્ટાબળ

ચેષ્ટાબળ ગ્રહની ગતિને આધારે નક્કી કરવામાં આવે છે. સૂર્ય માટે અયનબળ ચેષ્ટાબળ બને છે અને ચન્દ્ર માટે પક્ષબળ ચેષ્ટાબળ બને છે. બાકીનાં ગ્રહોનું ચેષ્ટાબળ તેમની ગતિ જેવી કે વક્ર, અનુવક્ર, વિકળ, મંદ, મંદતર, સમ, ચર, અતિચરના આધારે નક્કી કરવામાં આવે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા