ગ્રહોની અવસ્થા

જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ અને અન્ય પરિસ્થિતિને આધારે તેમને જુદી-જુદી અવસ્થાઓમાં વહેંચવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની પાંચ પ્રકારની અવસ્થા વર્ણવાયેલી છે.

૧. બાલ આદિ અવસ્થા(૫ અવસ્થા)

ગ્રહોના અંશને આધારે તેમને (૧)બાલાવસ્થા, (૨)કુમારાવસ્થા, (૩)યુવાવસ્થા, (૪)વૃદ્ધાવસ્થા અને (૫)મૃતાવસ્થા - આ પ્રકારે પાંચ અવસ્થામાં વહેંચવામાં આવે છે.

વિષમ રાશિ(એકી રાશિ)ના પહેલાં ૬ અંશ બાલાવસ્થા, બીજા ૬ અંશ(૭ થી ૧૨) કુમારાવસ્થા, ત્રીજા ૬ અંશ(૧૩ થી ૧૮) યુવાવસ્થા, ચોથા ૬ અંશ(૧૯ થી ૨૪) વૃદ્ધાવસ્થા અને છેલ્લાં ૬ અંશ(૨૫ થી ૩૦) મૃતાવસ્થા ગણવામાં આવે છે.

સમ રાશિ(બેકી રાશિ)માં આથી ઉલટું ગણવું. એટલે કે પહેલાં ૬ અંશ મૃતાવસ્થા, બીજા ૬ અંશ વૃદ્ધાવસ્થા વગેરે.

બાલાવસ્થામાં રહેલો ગ્રહ ૧/૪ ફળ, કુમારાવસ્થામાં રહેલો ગ્રહ ૧/૨ ફળ, યુવાવસ્થામાં રહેલો ગ્રહ પૂર્ણ ફળ, વૃદ્ધાવસ્થામાં રહેલો ગ્રહ અતિ અલ્પ ફળ અને મૃતાવસ્થામાં રહેલો ગ્રહ કંઈ પણ ફળ આપતો નથી.

૨. જાગ્રત આદિ અવસ્થા(૩ અવસ્થા)

ગ્રહ પોતાની રાશિમાં કે ઉચ્ચ રાશિમાં સ્થિત હોય તો જાગ્રત અવસ્થામાં રહેલો કહેવાય છે. મિત્ર રાશિ કે સમ રાશિમાં સ્થિત ગ્રહ સ્વપ્ન અવસ્થામાં રહેલો કહેવાય છે. જ્યારે શત્રુ રાશિ કે નીચ રાશિમાં રહેલો ગ્રહ સુષુપ્ત અવસ્થામાં રહેલો કહેવાય છે.

નામ પ્રમાણે જ જાગ્રત અવસ્થામાં રહેલો ગ્રહ પૂર્ણ ફળ આપે છે. સ્વપ્ન અવસ્થામાં રહેલો ગ્રહ મધ્યમ ફળ આપે છે અને સુષુપ્ત અવસ્થામાં રહેલો ગ્રહ શૂન્ય ફળ આપે છે.

૩. દીપ્ત આદિ અવસ્થા(૯ અવસ્થા)

ગ્રહ પોતાની ઉચ્ચ રાશિમાં દીપ્ત અવસ્થામાં, સ્વરાશિમાં સ્વસ્થ અવસ્થામાં, અધિમિત્રની રાશિમાં મુદિત અવસ્થામાં, મિત્રની રાશિમાં શાંત અવસ્થામાં, સમની રાશિમાં દીન અવસ્થામાં, પાપગ્રહની સાથે યુતિમાં હોય તો વિકલ અવસ્થામાં, શત્રુની રાશિમાં દુઃખિત અવસ્થામાં, અધિશત્રુની રાશિમાં ખલ અવસ્થામાં અને સૂર્યની સાથે અસ્ત હોય તો કોપ અવસ્થામાં રહેલો ગણાય છે.

ગ્રહોની આ જુદી-જુદી નવ અવસ્થાઓ પ્રમાણે જે અવસ્થામાં ગ્રહ રહેલો હોય તે આધારે જે-તે ભાવના શુભ કે અશુભ ફળની પ્રાપ્તિ થાય છે.

૪. લજ્જિત આદિ અવસ્થા(૬ અવસ્થા)

લજ્જિત, ગર્વિત, ક્ષુધિત, તૃષિત, મુદિત અને ક્ષોભિત - આ પ્રમાણે ગ્રહોની ૬ અવસ્થા છે. પુત્રભાવમાં રહેલો ગ્રહ રાહુ, કેતુ, સૂર્ય, શનિ અથવા મંગળ સાથે સંકળાયેલો હોય તો લજ્જિત અવસ્થામાં રહેલો ગણાય છે. ઉચ્ચ રાશિ કે મૂળત્રિકોણ રાશિમાં રહેલો ગ્રહ ગર્વિત અવસ્થા ધરાવે છે. શત્રુની રાશિમાં, શત્રુ ગ્રહ સાથે યુતિમાં, શત્રુગ્રહથી દ્રષ્ટ અથવા શનિની સાથે રહેલો ગ્રહ ક્ષુધિત અવસ્થામાં રહેલો ગણાય છે. જલરાશિમાં રહેલો ગ્રહ પાપગ્રહથી દ્રષ્ટ હોય અને શુભગ્રહની દ્રષ્ટિ તેના પર ન પડતી હોય તો તે તૃષિત અવસ્થામાં રહેલો ગણાય છે. મિત્રની રાશિમાં, મિત્ર ગ્રહ સાથે યુતિમાં, શુભ ગ્રહથી દ્રષ્ટ અથવા ગુરુ સાથે યુતિમાં રહેલો ગ્રહ મુદિત અવસ્થામાં રહેલો ગણાય છે. સૂર્યની સાથે યુતિમાં રહેલો ગ્રહ જો પાપગ્રહથી દ્રષ્ટ કે યુક્ત હોય અથવા શત્રુ ગ્રહથી દ્રષ્ટ હોય તો ક્ષોભિત અવસ્થામાં રહેલો ગણાય છે.

જે ભાવમાં ક્ષુધિત કે ક્ષોભિત અવસ્થામાં રહેલો ગ્રહ સ્થિત હોય તે ભાવનાં ફળનો નાશ થાય છે.

૫. શયન આદિ અવસ્થા(૧૨ અવસ્થા)

(૧)શયન, (૨)ઉપવેશન, (૩)નેત્રપાણિ, (૪)પ્રકાશ, (૫)ગમન, (૬)આગમન, (૭)સભાવાસ, (૮)આગમ, (૯)ભોજન, (૧૦)નૃત્યલિપ્સા, (૧૧)કૌતુક અને (૧૨)નિદ્રા - આ પ્રકારે ૧૨ અવસ્થામાં ગ્રહોને ગાણિતિક ગણતરીઓને આધારે વહેંચવામાં આવે છે.

આ અવસ્થા પોતાની પ્રકૃતિ કરતાં વિરુદ્ધ ફળ આપવાની ગ્રહની વિશિષ્ટ અસર જાણવાં માટે ઉપયોગી છે. ચોક્કસ શયન આદિ અવસ્થામાં રહેલો પાપગ્રહ પણ તે જે ભાવમાં સ્થિત હોય તે ભાવ અંગે શુભ ફળ આપવાં સમર્થ બને છે.

ટિપ્પણીઓ

Madhav Desai એ કહ્યું…
sir jee,
do visit my blog www.madhav.in
you might like it....

awaiting your comments and suggestions
thxk

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર