વક્રી ગ્રહો - ૨

આપણે અગાઉ જોયું કે વક્રી બનેલો ગ્રહ પૃથ્વીથી નજીક હોવાથી વિશેષ પ્રમાણમાં અસર કરતો હોય ફળકથનમાં તેની ભૂમિકા અગત્યની છે. 

વક્રી ગ્રહ એક જ ભાવ/ભાવબિંદુ અને ભાવમાં રહેલાં ગ્રહ પરથી બે-ત્રણ વાર પસાર થાય છે. પહેલી વખત માર્ગી ગતિથી પસાર થાય છે. ત્યારબાદ વક્રી બનીને ફરી એ જ ભાવબિંદુ પરથી પસાર થાય છે. અંતે ફરી માર્ગી બનીને એ જ ભાવબિંદુને આવરે છે. આ રીતે એક જ ભાવ/ભાવબિંદુ અને ગ્રહ પરથી વધુ વાર પસાર થવાથી વક્રી ગ્રહને પોતાનું શુભ કે અશુભ ફળ આપવાની તક વધુ વાર પ્રાપ્ત થાય છે. આ કારણથી પણ વક્રી ગ્રહ ફળકથનમાં અગત્યનો બની રહે છે.

પૃથ્વી પર સમયની સાથે જીંદગી આગળ વધે છે. જ્યારે વક્રી ગ્રહો સમયની સાથે પાછળ ચાલે છે. પાછળ ચાલતાં હોવાથી વક્રી ગ્રહો જે ભાવનાં અધિપતિ હોય તે ભાવને લગતી બાબતનું વિલંબથી ફળ આપે છે. દા.ત. સપ્તમેશ તરીકે વક્રી ગુરુ લગ્ન મોડાં કરાવી શકે છે. પરંતુ ગુરુનાં કારકત્વને લગતી બાબતો જેવી કે સંતાન, વિદ્યા, ડહાપણ, જ્ઞાન વગેરેને લગતું કોઈ અશુભ ફળ મળતું નથી કે તે પ્રાપ્ત થવામાં કોઈ મૂશ્કેલી પડતી નથી.

શુભ ગ્રહ વક્રી થાય ત્યારે મહાશુભ બને છે અને પાપગ્રહ વક્રી થાય ત્યારે મહાપાપ બને છે. કુંડળીમાં ઉચ્ચનો ગ્રહ વક્રી બને ત્યારે નીચનાં જેવું ફળ આપે છે અને નીચનો ગ્રહ વક્રી બને ત્યારે ઉચ્ચનાં જેવું ફળ આપે છે.

જે રીતે હંમેશા વક્રી રહેતાં રાહુ-કેતુ ગત જન્મ સાથે સંકળાયેલાં છે તે જ રીતે કુંડળીમાં વક્રી રહેલો ગ્રહ ગત જન્મને જોડતી કડી છે. વક્રી ગ્રહ ગત જન્મમાં અતૃપ્ત રહી ગયેલી તીવ્ર ઈચ્છાનો નિર્દેશ કરે છે. વક્રી ગ્રહો પરંપરાને અનુસરતાં નથી અને અપરંપરાગત વલણ અને અલગ વિચારો ધરાવે છે. તેઓ જીંદગીને બીજાં કરતાં અલગ રીતે જુએ છે. અલગ રીતે જોવાં છતાં હકારાત્મક રીતે જોવામાં આવે ત્યારે તેઓ પરિવર્તનશીલ અને કંઇક નવું કરનાર બને છે. પરંતુ જો નકારાત્મક રીતે જોવામાં આવે તો તેઓ વિકૃત અને અપ્રામાણિક બની રહે છે. ગ્રહનાં વક્રત્વની ઘટના દ્રષ્ટિ ભ્રમ છે અને ભ્રમ હંમેશા મનમાં પેદા થાય છે. આથી જ વક્રી ગ્રહો જાતકનાં બાહ્ય જગત કરતાં માનસિક કે આંતરિક જગતને વધુ અસર કરે છે. જે ગ્રહ વક્રી હોય તે ગ્રહનાં ગુણ આંતરિક રીતે ખીલે છે.

કુંડળીમાં વક્રી રહેલો મંગળ તાકાત, આક્રમકતા અને ક્રોધને વધારે છે. અપરંપરાગત તર્કબુધ્ધિ ધરાવે છે. સ્ત્રીની કુંડળીમાં વક્રી રહેલો મંગળ લગ્નજીવનમાં વિસંવાદિતા પેદા કરે છે. આવી સ્ત્રીઓ ઘણીવાર બેજવાબદાર અને સામાજીક રીતે અયોગ્ય પુરુષ પ્રત્યે આકર્ષાય છે.

વક્રી બુધ જાતકને મૌન અને અંતર્મુખી બનાવી દે છે અથવા જાતક એકલાં એકલાં પોતાની જાત સાથે વાતો કરવાની ટેવ ધરાવે છે. તેઓ માનસિક રીતે સક્રિય હોય છે. ઝડપથી નિર્ણયો લઈ શકતાં નથી અથવા લીધેલાં નિર્ણયોને વળગી રહેતાં નથી. લેખન અને વાંચનમાં રસ વધે છે. ઘણાં લેખકોની કુંડળીમાં બુધ વક્રી જોવાં મળે છે.

દર દસમાંથી લગભગ ત્રણ કુંડળીમાં ગુરુ વક્રી જોવાં મળે છે. જ્યાં બીજા લોકો અસફળ રહ્યા હોય ત્યાં વક્રી ગુરુ ધરાવતાં જાતકો સફળ થાય છે. તેઓ બીજાએ અધૂરાં મૂકેલાં કાર્યો પૂરાં કરે છે. નૈતિક મૂલ્યો, ધર્મ, તત્વજ્ઞાન વગેરે અંગે આગવા વિચારો ધરાવે છે. પરંપરાગત વિચારો સ્વીકારી લેવાને બદલે પોતાની અંદરથી જવાબ શોધે છે.

વક્રી શુક્ર ધરાવતાં જાતકો આનંદ-પ્રમોદ, સુંદરતા, પ્રેમ અંગે અલગ વિચારો ધરાવે છે. તેમને સર્વસામાન્ય સુખ સાધનોમાં રસ પડતો નથી. સામાજીક ધારાધોરણો અને સ્વીકૃત મૂલ્યો સ્વીકારતાં નથી અને ઘણીવાર અસામાજીક વ્યવહાર કરે છે. નૃત્ય, સંગીત, અભિનય જેવી કલાઓમાં ખીલે છે. પુરુષની કુંડળીમાં વક્રી શુક્ર લગ્નજીવનમાં વિસંવાદિતા પેદા કરે છે. આવો પુરુષ જાતક અપરંપરાગત સ્ત્રી પ્રત્યે આકર્ષાય શકે છે.

વક્રી શનિ ધરાવતાં જાતકો સત્તાને પ્રાપ્ત કરે છે. તેઓ શાસન કરીને અપાર લોકચાહના મેળવે છે. આ જ વક્રી શનિ સંસારથી અલિપ્ત કરીને વૈરાગી બનાવી દેવાનું સામર્થ્ય ધરાવે છે. વક્રી શનિ ધરાવતાં જાતકો ઘણીવાર જીંદગી પ્રત્યે નકારાત્મક વલણ ધરાવે છે અને હતાશાનો ભોગ બની જાય છે. ક્યારેક લોભ અને લાલચવૃતિ ધરાવે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

નક્ષત્ર

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર